Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને સંબોધન


તમામ દેશવાસીઓને આદર પૂર્વકના નમસ્કાર,

કોરોના સંક્રમણનો સામનો કરતા કરતા વિશ્વને અત્યારે ચાર મહિનાથી વધુ સમય થઇ ગયો છે. આ દરમિયાન તમામ દેશોના 42 લાખથી વધુ લોકો કોરોનાની ચેપગ્રસ્ત બન્યા છે. પોણા ત્રણ લાખથી વધુ લોકોના દુઃખદ અવસાન થયા છે. ભારતમાં પણ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હું તે તમામની પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

સાથીઓ,

એક વાયરસે આખી દુનિયાને ઉથલ પુથલ કરી નાખી છે. આખા વિશ્વમાં કરોડો જિંદગીઓ સંકટનો સામનો કરી રહી છે. આખી દુનિયા જિંદગી બચાવવાના જંગમાં લાગેલી છે. આપણે આવું સંકટ ના તો જોયું છે, ના તો સાંભળ્યું છે. નિશ્ચિતપણે માનવ જાતિ માટે આ બધું જ અકલ્પનીય છે, આ સંકટ અભૂતપૂર્વ છે.

પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું એ માનવીને મંજૂર નથી. સતર્ક રહીને, આવા જંગના તમામ નિયમોનું પાલન કરીને, હવે આપણે બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે. આજે જ્યારે દુનિયા સંકટમાં છે ત્યારે આપણે આપણો સંકલ્પ વધુ મજબૂત કરવો પડશે. આપણો સંકલ્પ આ સંકટ કરતા પણ વિરાટ હશે.

સાથીઓ,

આપણે ગઈ સદીથી જ સાંભળતા આવ્યા છીએ કે 21મી સદી હિન્દુસ્તાનની છે. આપણને કોરોનાની પહેલાની દુનિયાને, વૈશ્વિક વ્યવસ્થાઓને વિસ્તૃત રીતે જોવા સમજવાનો અવસર મળ્યો છે. કોરોના સંકટ પછી પણ વિશ્વમાં જે સ્થિતિઓ બની રહી છે, તેને પણ આપણે સતત જોઈ રહ્યા છીએ. જ્યારે આપણે આ બંને કાળખંડોને ભારતની દ્રષ્ટિએ જોઈએ છીએ તો લાગે છે કે 21મી સદી ભારતની હોય એ આપણું સપનું નથી પણ તે આપણા સૌની જવાબદારી છે. પરંતુ તેનો માર્ગ કયો હશે? વિશ્વની વર્તમાન પરિસ્થિતિ આપણને શીખવાડે છે કે તેનો માર્ગ એક જ છે – “આત્મનિર્ભર ભારત”.

સાથીઓ,

એક રાષ્ટ્રના રૂપમાં આજે આપણે એક મહત્વના પડાવ પર ઉભા છીએ. આટલી મોટી આપત્તિ, ભારત માટે એક સંકેત લઈને આવી છે, એક સંદેશ લઈને આવી છે, એક અવસર લઈને આવી છે. હું એક ઉદાહરણની સાથે મારી વાત રજૂ કરીશ. જ્યારે કોરોના સંકટ શરુ થયું, ત્યારે ભારતમાં એક પણ પીપીઈ કીટ બનતી નહોતી. એન-95 માસ્કનું ભારતમાં નામનું જ ઉત્પાદન થતું હતું. આજે સ્થિતિ એવી છે કે ભારતમાં જ દરરોજ 2 લાખ PPE અને 2 લાખ એન-95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ આપણે એટલા માટે કરી શક્યા છીએ કારણ કે ભારતે આપત્તિને અવસરમાં પરિવર્તિત કરી દીધી છે. આપત્તિને અવસરમાં બદલવાની ભારતની આ દ્રષ્ટિ, આત્મનિર્ભર ભારતની માટે આપણા સંકલ્પની માટે એટલી જ પ્રભાવક સાબિત થવાની છે.

સાથીઓ,

આજે વિશ્વમાં આત્મનિર્ભર શબ્દના આયામો બદલાઈ ગયા છે, ગ્લોબલ વિશ્વમાં આત્મનિર્ભરતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. અર્થકેન્દ્રિત વૈશ્વિકરણ વિ માનવ કેન્દ્રિત વૈશ્વિકરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. વિશ્વ સમક્ષ ભારતનું મૂળભૂત ચિંતન, આશાની કિરણ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, તે આત્મનિર્ભરતાની વાતો કરે છે જેની આત્મા વસુધૈવ કુટુંબકમ છે. ભારત જ્યારે આત્મનિર્ભરતાની વાત કરે છે તો આત્મકેન્દ્રિત વ્યવસ્થાની વકીલાત નથી કરતું.

ભારતની આત્મનિર્ભરતામાં સંસારના સુખ, સહયોગ અને શાંતિની ચિંતા થાય છે. જે સંસ્કૃતિ જય જગતમાં વિશ્વાસ ધરાવતી હોય, જે જીવ માત્રનું કલ્યાણ ઇચ્છતી હોય, જે સંપૂર્ણ વિશ્વને પરિવાર સમજતી હોય, જે પોતાની આસ્થામાં ‘માતા ભૂમિ: પુત્રો અહમ્ પૃથિવ્ય:’ની વિચારધારા ધરાવતી હોય, જે પૃથ્વીને માં માનતી હોય, તે સંસ્કૃતિ, તે ભારતભૂમિ, જ્યારે આત્મનિર્ભર બને છે, ત્યારે તેનાથી એક સુખી સમૃદ્ધ વિશ્વની સંભાવના પણ સુનિશ્ચિત થાય છે.

ભારતની પ્રગતિમાં તો હંમેશા વિશ્વની પ્રગતિ સમાહિત રહી જ છે. ભારતના લક્ષ્યોનો પ્રભાવ, ભારતના કાર્યોનો પ્રભાવ, વિશ્વ કલ્યાણ પર પડે છે. જ્યારે ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત થાય છે તો દુનિયાનું ચિત્ર બદલાઈ જાય છે. ટીબી હોય, કુપોષણ હોય, પોલિયો હોય, ભારતના અભિયાનોની અસર વિશ્વ ઉપર પડે જ છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ, ગ્લોબલ વોર્મિંગની વિરુદ્ધ ભારતની ભેટ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પહેલ, માનવ જીવનને તણાવથી મુક્તિ અપાવવા માટે ભારતની ભેટ છે. જિંદગી અને મોતની લડાઈ લડી રહેલ દુનિયામાં આજે ભારતની દવાઓ એક નવી આશા લઇને પહોંચી છે. આ પગલાઓ વડે આખી દુનિયામાં ભારતની ખૂબ ખૂબ પ્રશંસા થાય છે તો દરેક ભારતીય ગર્વ કરે છે. દુનિયાને વિશ્વાસ થવા લાગ્યો છે કે ભારત ખૂબ સારું કરી શકે છે, માનવ જાતિના કલ્યાણ માટે ઘણું બધું સારું આપી શકે છે. પ્રશ્ન એ છે કે – આખરે કઈ રીતે? આ સવાલનો પણ જવાબ છે – 130 કરોડ દેશવાસીઓનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ.

સાથીઓ,

આપણો સદીઓનો ગૌરવપૂર્ણ ઈતિહાસ રહ્યો છે. બહ્ર્ત જ્યારે સમૃદ્ધ હતું, સોનેરી પંખી તરીકે ઓળખાતું હતું, સંપન્ન હતું, ત્યારે હંમેશાથી વિશ્વના કલ્યાણની રાહ પર જ ચાલ્યું. સમય બદલાઈ ગયો, દેશ ગુલામીની સાંકળોમાં જકડાઈ ગયો, આપણે વિકાસની માટે ટળવળતા રહ્યા. આજે ભારત વિકાસ તરફ સફળતાપૂર્વક પગલા માંડી રહ્યું છે, ત્યારે પણ વિશ્વ કલ્યાણની રાહ પર અટલ છે. યાદ કરો, આ સદીની શરૂઆતના સમયમાં Y2K સંકટ આવ્યું હતું. ભારતના ટેકનોલોજી નિષ્ણાતોએ વિશ્વને આ સંકટમાંથી બહાર કાઢ્યું હતું. આજે આપણી પાસે સાધન છે, આપણી પાસે સામર્થ્ય છે, આપણી પાસે વિશ્વની સૌથી શ્રેષ્ઠ પ્રતિભા છે, આપણે શ્રેષ્ઠતમ ઉત્પાદનો બનાવીશું, આપણી ગુણવત્તા હજુ વધુ સારી બનાવીશું, પુરવઠા શ્રુંખલાને વધારે આધુનિક બનાવીશું, આ આપણે કરી શકીએ છીએ અને આપણે જરૂરથી કરીશું.

સાથીઓ,

મેં મારી સગી આંખે કચ્છ ભૂકંપના તે દિવસો જોયા છે. બધી બાજુએ માત્ર કાટમાળ જ કાટમાળ. બધું જ ધ્વસ્ત થઇ ગયું હતું. એવું લાગતું હતું કે જાણે કચ્છ, મોતની ચાદર ઓઢીને સુઇ ગયું હોય. તે પરિસ્થિતિમાં કોઈ વિચારી પણ નહોતું શકતું કે ક્યારેય હવે પરિસ્થિતિ બદલાઈ શકે છે. પરંતુ જોત જોતામાં કચ્છ ઉઠીને ઉભું થઇ ગયું, કચ્છ ચાલી નીકળ્યું, કચ્છ આગળ નીકળી ગયું. આ જ આપણા ભારતીયોની સંકલ્પશક્તિ છે. આપણે નક્કી કરી લઈએ તો કોઈ લક્ષ્ય અશક્ય નથી, કોઈ રસ્તો મુશ્કેલ નથી. અને આજે તો ઈચ્છા પણ છે અને માર્ગ પણ છે. તે છે ભારતને આત્મનિર્ભર બનાવવાની. ભારતની સંકલ્પશક્તિ એવી છે કે ભારત આત્મનિર્ભર બની શકે છે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારતની આ ભવ્ય ઈમારત, પાંચ સ્તંભો ઉપર ઉભી થશે. પહેલો સ્તંભ અર્થતંત્ર – એક એવું અર્થતંત્ર કે જે વૃદ્ધિ આધારિત પરિવર્તન નહી પરંતુ હરણફાળ છલાંગ લગાવે. બીજો સ્તંભ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – એક એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આધુનિક ભારતની ઓળખ બને. ત્રીજો સ્તંભ – આપણી વ્યવસ્થા – એક એવું તંત્ર કે જે વીતેલી સદીની રીતી નીતિ નહી પરંતુ 21મી સદીના સપનાઓને સાકાર કરનારી ટેકનોલોજી સંચાલિત વ્યવસ્થાઓ પર આધારિત હોય. ચોથો સ્તંભ – આપણી વસ્તી – વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આપણી ગતિશીલ વસ્તી એ આપણી તાકાત છે, આત્મનિર્ભર ભારતની માટે આપણી ઉર્જાનો સ્ત્રોત છે. પાંચમો સ્તંભ – માંગ – આપણી અર્થવ્યવસ્થામાં માંગ અને પુરવઠાની શ્રુંખલાનું જે ચક્ર છે, જે તાકાત છે, તેને સંપૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગમાં લેવાની જરૂર છે.

દેશમાં માંગ વધારવા માટે, માંગને પૂરી કરવા માટે, આપણી પુરવઠા શ્રુંખલાના દરેક હિતધારકનું સશક્ત હોવું ખૂબ જરૂરી છે. આપણી પુરવઠા શ્રુંખલા, આપણી પુરવઠાની તે વ્યવસ્થાને આપણે મજબૂત કરીશું જેમાં મારા દેશની માટીની મહેક હોય, આપણા મજૂરોના પરસેવાની સુગંધ હોય.

સાથીઓ,

કોરોના સંકટનો સામનો કરીને, નવા સંકલ્પની સાથે હું આજે એક વિશેષ પેકેજની જાહેરાત કરી રહ્યો છું. આ આર્થિક પેકેજ, ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ની મહત્વની કડી તરીકે કામ કરશે.

સાથીઓ,

હમણાં તાજેતરમાં સરકારે કોરોના સંકટને લગતી જે આર્થિક જાહેરાતો કરી હતી, જે રીઝર્વ બેંકના નિર્ણયો હતા અને આજે જે આર્થિક પેકેજની જાહેરાત થવા જઈ રહી છે, તેને જોડી દેવામાં આવે તો તે લગભગ લગભગ 20 લાખ કરોડ રૂપિયાની છે. આ પેકેજ ભારતની જીડીપીના લગભગ લગભગ 10 ટકા છે.

તે દરેકના માધ્યમથી દેશના જુદા જુદા વર્ગોને, આર્થિક વ્યવસ્થાની કડીઓને, 20 લાખ કરોડ રૂપિયાનું બળ મળશે, ટેકો મળશે. 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ, 2020માં દેશની વિકાસ યાત્રાને, આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજમાં જમીન, શ્રમિકો, પ્રવાહિતા અને કાયદા, આ તમામ ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, આપણા લઘુ મધ્યમ ઉદ્યોગો, આપણા MSMEની માટે છે, જે કરોડો લોકોની આજીવિકાનું સાધન છે, જે આત્મનિર્ભર ભારતના અમારા સંકલ્પનો મજબૂત આધાર છે. આ આર્થિક પેકેજ દેશના તે શ્રમિકની માટે છે, દેશના તે ખેડૂતની માટે છે જે દરેક સ્થિતિ, દરેક ઋતુમાં દેશવાસીઓની માટે દિવસ રાત પરિશ્રમ કરી રહ્યો છે. આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમ વર્ગની માટે છે, જે ઈમાનદારીથી કર આપે છે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. આ આર્થિક પેકેજ ભારતીય ઉદ્યોગ જગતની માટે છે જે બહ્ર્તના આર્થિક સામર્થ્યને ઉંચાઈ આપવા માટે સંકલ્પિત છે. આવતીકાલથી લઈને આવનારા કેટલાક દિવસો સુધી નાણા મંત્રીજી દ્વારા આપ સૌને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ વડે પ્રેરિત આ આર્થિક પેકેજ અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવશે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારત બનાવવા માટે સાહસિક સુધારાઓની પ્રતિબદ્ધતાની સાથે હવે દેશનું આગળ વધવું અનિવાર્ય છે. તમે પણ અનુભવ કર્યો છે કે વીતેલા 6 વર્ષોમાં જે સુધારાઓ થયા છે તેમના કારણે આજે સંકટના આ સમયમાં પણ ભારતની વ્યવસ્થાઓ વધુ સક્ષમ, વધુ સમર્થ જોવા મળી છે. નહિતર કોણ વિચારી શકતું હતું કે ભારત સરકાર જે પૈસા મોકલશે, તે પૂરે પુરા ગરીબના ખિસ્સામાં, ખેડૂતના ખિસ્સામાં પહોંચી શકશે. પરંતુ આમ થયું. તે પણ ત્યારે થયું જ્યારે તમામ સરકારી કચેરીઓ બંધ હતી, ટ્રાન્સપોર્ટના સાધનો બંધ હતા. જનધન-આધાર-મોબાઇલ JAMની ત્રિશક્તિ સાથે જોડાયેલ આ માત્ર એક જ સુધારો હતો, જેની અસર આપણે હમણાં જ જોઈ છે. હવે સુધારાની તે હદને વિસ્તૃત કરવાની છે, નવી ઉંચાઈ આપવાની

છે.

આ સુધારાઓ કૃષિ સાથે જોડાયેલ પુરવઠા શ્રુંખલામાં હશે જેથી ખેડૂત પણ સશક્ત બને અને ભવિષ્યમાં કોરોના જેવા કોઈ બીજા સંકટમાં કૃષિ ઉપર ઓછામાં ઓછી અસર થાય. આ સુધારાઓ, રેશનલ ટેક્સ સિસ્ટમ, સરળ અને સ્પષ્ટ નિયમ કાયદાઓ, શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સમર્થ અને સક્ષમ માનવ સંસાધન, અને મજબૂત નાણાકીય વ્યવસ્થાના નિર્માણ માટે હશે. આ સુધારાઓ ઉદ્યોગને પ્રોત્સાહિત કરશે, રોકાણને આકર્ષિત કરશે અને મેક ઇન ઇન્ડિયાના આપણા સંકલ્પને સશક્ત કરશે.

સાથીઓ,

આત્મનિર્ભરતા એ આત્મબળ અને આત્મવિશ્વાસ દ્વારા જ શક્ય છે. આત્મનિર્ભરતા, વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં મુશ્કેલ સ્પર્ધા માટે પણ દેશને તૈયાર કરે છે. અને આજે તે સમયની માંગ છે કે ભારત દરેક સ્પર્ધામાં જીતે, વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં મોટી ભૂમિકા નિભાવે. તેને સમજીને પણ આર્થિક પેકેજમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. તેનાથી આપણા તમામ ક્ષેત્રોની અસરકારકતા વધશે અને ગુણવત્તાની પણ ખાતરી થશે.

સાથીઓ,

આ સંકટ એટલું મોટું છે કે મોટામાં મોટી વ્યવસ્થાઓ હલી ગઈ છે. પરંતુ આ જ પરિસ્થિતિઓમાં આપણે, દેશે આપણા ગરીબ ભાઈઓ બહેનોની સંઘર્ષ શક્તિ, તેમની સંયમ-શક્તિના પણ દર્શન કર્યા છે. ખાસ કરીને આપણા જે લારીઓવાળા ભાઈ બહેનો છે, ઠેલા નાંખનારાઓ છે, ફૂટપાથ પર સામાન વેચવાવાળાઓ છે, જે આપણા શ્રમિક સાથીઓ છે, જેઓ ઘરોમાં કામ કરનારા ભાઈ બહેનો છે, તેમણે આ દરમિયાન ઘણી તપસ્યા કરી છે, ત્યાગ કર્યો છે. એવું કોણ હશે કે જેમણે તેમની ગેરહાજરીનો અનુભવ નહી કર્યો હોય.

હવે આપણી જવાબદારી છે તેમને શક્તિશાળી બનાવવાની, તેમના આર્થિક હિતોની માટે કેટલાક મોટા પગલાઓ લેવાની. તેને ધ્યાનમાં રાખીને ગરીબ હોય, શ્રમિક હોય, સ્થળાંતર કરનારા મજૂર હોય, પશુપાલક હોય, આપણા માછીમાર સાથીઓ હોય, સંગઠિત ક્ષેત્રના હોય કે પછી અસંગઠિત ક્ષેત્રના, દરેક વર્ગની માટે આર્થિક પેકેજમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે.

સાથીઓ,

કોરોના સંકટે આપણને સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક બજાર, સ્થાનિક પુરવઠા શ્રુંખલાનું પણ મહત્વ સમજાવ્યું છે. સંકટના સમયમાં, સ્થાનિકે જ આપણી માંગ પૂરી કરી છે, આપણને આ સ્થાનિકે જ બચાવ્યા છે. સ્થાનિક એ માત્ર જરૂરિયાત જ નહી પરંતુ આપણી જવાબદારી પણ છે. સમયે આપણને શીખવાડ્યું છે કે સ્થાનિકને આપણે આપણા જીવનનો મંત્ર બનાવવો જ પડશે.

તમને આજે જે વૈશ્વિક બ્રાંડ લાગી રહ્યા છે તે પણ એક સમયે બિલકુલ આવા જ સ્થાનિક હતા. પરંતુ જ્યારે ત્યાંના લોકોએ તેમનો ઉપયોગ કરવાનું શરુ કર્યું, તેમનો પ્રચાર કરવાનો શરુ કર્યો, તેમની બ્રાન્ડીંગ કરી, તેમની ઉપર ગર્વ કર્યો, તો તે ઉત્પાદનો, સ્થાનિકમાંથી વૈશ્વિક બની ગયા. એટલા માટે આજથી દરેક ભારતવાસીએ પોતાના સ્થાનિક ઉત્પાદન માટે અવાજ ઉઠાવવાનો છે, માત્ર સ્થાનિક ઉત્પાદનો ખરીદવાના જ નથી પરંતુ તેનો ગૌરવપૂર્ણ રીતે પ્રચાર પણ કરવાનો છે.

મને પુરેપૂરો વિશ્વાસ છે કે આપણો દેશ આવું કરી શકે તેમ છે. તમારા પ્રયાસોએ તો દર વખતે તમારા પ્રત્યેની મારી શ્રદ્ધાને વધારેમાં વધારે ઉમેરો કર્યો છે. હું ગર્વ સાથે એક વાતનો અનુભવ કરું છું, યાદ કરું છું. જ્યારે મેં તમને, દેશમાંથી ખાદી ખરીદવાનો આગ્રહ કર્યો હતો. તે પણ કહ્યું હતું કે દેશના હાથશાળના કારીગરોને ટેકો આપો. તમે જુઓ, કેટલા થોડા સમયમાં ખાદી અને હેન્ડલુમ, બંનેની માંગ અને વેચાણ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. એટલું જ નહી, તેને તમે મોટા બ્રાંડ પણ બનાવી દીધા છે. બહુ નાનો અમથો પ્રયાસ હતો પરંતુ પરિણામ મળ્યું, ઘણું સારું પરિણામ મળ્યું.

સાથીઓ,

બધા જ નિષ્ણાતો જણાવે છે, વૈજ્ઞાનિકો જણાવે છે કે કોરોના લાંબા સમય સુધી આપણા જીવનનો ભાગ બનીને રહેશે. પરંતુ સાથે સાથે જ આપણે એવું પણ નથી થવા દઈ શકતા કે આપણી જિંદગી માત્ર કોરોનાની આસપાસ જ સમેટાઈને રહી જાય. આપણે માસ્ક પહેરીશું, બે ગજના અંતરનું પાલન કરીશું પરંતુ આપણા લક્ષ્યોને દુર નહી થવા દઈએ.

એટલા માટે લોકડાઉનનો ચોથો તબક્કો, લોકડાઉન 4, સંપૂર્ણ રીતે નવા રૂપ રંગવાળો હશે, નવા નિયમોવાળો હશે. રાજ્યો પાસેથી અમને જે સૂચનો મળી રહ્યા છે તેમના આધાર પર લોકડાઉન 4 સાથે સંકળાયેલ માહિતી પણ તમને 18 મે પહેલા આપી દેવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે કે નિયમોનું પાલન કરીને, આપણે કોરોના સામે લડીશું અને આગળ પણ વધીશું.

સાથીઓ,

આપણે ત્યાં કહેવામાં આવે છે કે – ‘સર્વમ આત્મ વશં સુખમ’ અર્થાત, જે આપણા હાથમાં છે, જે આપણા નિયંત્રણમાં છે તે જ સુખ છે. આત્મનિર્ભરતા આપણને સુખ અને સંતોષ આપવાની સાથે સાથે સશક્ત પણ કરે છે. 21મી સદી, ભારતની સદી બનાવવાની આપણી જવાબદારી, આત્મનિર્ભર ભારતના પ્રણ સાથે જ પૂરી થશે. આ જવાબદારીને 130 કરોડ દેશવાસીઓની પ્રાણશક્તિ દ્વારા જ ઉર્જા મળશે. આત્મનિર્ભર ભારતનો આ યુગ, દરેક ભારતવાસીની માટે નૂતન પ્રણ પણ હશે, નૂતન પર્વ પણ હશે.

હવે એક નવી પ્રાણશક્તિ, નવી સંકલ્પશક્તિની સાથે આપણે આગળ વધવાનું છે. જ્યારે આચાર વિચાર કર્તવ્ય ભાવથી તરબોળ હોય, કર્મઠતાની પરાકાષ્ઠા હોય, કૌશલ્યની પુંજી હોય તો આત્મનિર્ભર ભારતને બનતા કોણ રોકી શકે તેમ છે? આપણે ભારતને આત્મનિર્ભર ભારત બનાવી શકીએ છીએ. આપણે ભારતને આત્મનિર્ભર બનાવીને જ રહીશું. એ જ સંકલ્પની સાથે, એ જ વિશ્વાસની સાથે, હું તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

તમે તમારા સ્વાસ્થ્યનું, તમારા પરિવારનું, તમારા નજીકનાઓનું ધ્યાન રાખો.

ખૂબ ખૂબ આભાર !!

GP/DS