Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો


પ્રધાનમંત્રીએ આજે દેશની રાજધાનીમાં નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. લેહ, કાશ્મીર, આંધ્રપ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાંથી આ સિદ્ધિ હાંસલ કરનારી 15 મહિલાઓએ પોતાના લક્ષ્યો હાંસલ કરવા માટે કેવી કસોટીઓમાંથી પસાર થઇ અને કેવો સંઘર્ષ કર્યો તે વાતો પ્રધાનમંત્રીને જણાવી હતી.
આ સિદ્ધિ હાસંલ કરનારી મહિલાઓમાં 103 વર્ષની ઉંમરના સુશ્રી માન કૌર પણ છે જેમણે 93 વર્ષની ઉંમરે એથલેટિક્સનો આરંભ કર્યો હતો અને પોલેન્ડ ખાતે યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથલેટિક ચેમ્પિયનશીપમાં ફિલ્ડ એન્ડ ટ્રેક ઇવેન્ટ્સમાં 4 સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રહેવાસી આરીફા નુમ્ધા હેન્ડિક્રાફ્ટ્સના આદ્યસ્થાપક છે જે વિસરાઇ ગયેલી નુમ્ધા હસ્તકળાને સજીવન કરવા માટે કાર્યરત છે. તેમણે કાશ્મીરમાં 100થી વધુ મહિલાઓને આ સંબંધે તાલીમ આપવા અને ખતમ થઇ રહેલી આ હસ્તકળાને પુનર્જીવિત કરવા પાછળ તેમના સંઘર્ષની વાતો કરી હતી.

ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ મોહનાસિંહ, ભાવના કંથ અને અવની ચતુર્વેદીએ પણ તેમના અનુભવો જણાવ્યા હતા. ભારતીય વાયુસેનામાં પ્રાયોગિક ધોરણે મહિલાઓ મહિલાઓ માટે ફાઇટર સ્ટ્રીમ શરૂ કરવાના ભારત સરકારના નિર્ણય બાદ આ ત્રણેય વીરાંગનાઓએ વાયુદળની ફાઇટર સ્ક્વૉડ્રનમાં પર્દાર્પણ કર્યું હતું. 2018માં મિગ-21માં સોલો ઉડાન ભરનારી તેઓ પ્રથમ ભારતીય મહિલા પાઇલટ બની હતી.

પડાલા ભૂદેવી આંધ્રપ્રદેશના આદિજાતિ મહિલા ખેડૂત અને ગ્રામીણ ઉદ્યમી છે, બીના દેવી બિહારના મુંગરના છે જેઓ મશરૂમની ખેતીને લોકપ્રિય બનાવવા બદલ ‘મશરૂમ મહિલા’ તરીકે પણ ઓળખાય છે તેમણે પણ ખેતીવાડી અને માર્કેટિંગ અંગેના પોતાના અનુભવો પ્રધાનમંત્રીને જણાવ્યા હતા.

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના મહિલા કડિયા કારીગર કલાવતી દેવીએ તેમના જિલ્લામાં ખુલ્લામાં શૌચક્રિયા ઘટાડવાની કામગીરીમાં પર ચાલક બળ તરીકેની ભૂમિકા નિભાવી છે. ગામડાઓ અને કાનપુરની આસપાસના વિસ્તારોમાં 4000થી વધુ શૌચાલયોનું નિર્માણ તેમની સક્રીય ભૂમિકાના કારણે શક્ય બન્યું છે. તેમણે કેવી રીતે ઘરે ઘરે જઇને ખુલ્લામાં શૌચક્રિયાના કારણે સમસ્યાઓ ઉભી થાય છે તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો કર્યા અને ખુલ્લામાં શૌચક્રિયા ઘટાડવા માટે સમગ્ર કાનપુરના ગામડાઓ સુધી પહોંચવા માટે કલાકોની મુસાફરી કેવી રીતે કરી તે અંગે તેમના અનુભવો પ્રધાનમંત્રીને જણાવ્યા હતા.

ઝારખંડના ચામી મૂર્મુ, ખૂબ જ ઉત્સાહી પર્યાવરણવિદ છે જેમણે 30,000થી વધુ મહિલાઓના 2800થી વધુ સમૂહોની રચના કરીને ઉજ્જડ જમીનમાં 25 લાખથી વધુ વૃક્ષોના વાવેતર અને ઉછેરના અનુભવો જણાવ્યા હતા.
કેરળથી આવેલા 98 વર્ષના કાત્યાયની અમ્માએ કેરળ સાક્ષરતા મિશનની અક્ષરલક્ષમ યોજના અંતર્ગત ઑગસ્ટ 2018માં કેવી રીતે IV માપદંડને સમકક્ષ પરીક્ષા પાસ કરી તે અંગેના અનુભવો જણાવ્યા હતા. તેમણે 98% ગુણ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

અહીં ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓએ સમાજના નિર્માણમાં અને દેશને પ્રેરણા આપવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.

તેમણે કહ્યું કે, મહિલાઓની મહત્વપૂર્ણ ભાગીદારી વગર દેશ ક્યારેય પણ ખુલ્લામાં શૌચ મુક્ત દરજ્જો હાંસલ ના કરી શક્યો હોત. તેમણે કહ્યું હતું કે, તેવી જ રીતે મહિલાઓની ખૂબ જ મોટી ભાગીદારીથી કુપોષણની સમસ્યાનો પણ નિકાલ લાવી શકાય તેમ છે.

પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણના મુદ્દાને પણ અહીં સ્પર્શ્યો હતો અને કહ્યું હતું કે, જળ જીવન મિશનમાં મહિલાઓની ખૂબ મોટી ભાગીદારી આવશ્યક છે.

તેમણે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ સમગ્ર ભારત માટે પ્રેરણાનો સ્રોત છે.

SD/GP/DS