Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારતીય રેલવેનાં પરિવર્તનકારક માળખાગત પુનર્ગઠનને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારતીય રેલવેનું પરિવર્તન કરવા માટે તેના માળખાગત પુનર્ગઠનને મંજૂરી આપવામાં આવી છે. આ ઐતિહાસિક સુધારો ભારતીય રેલવેને ભારતની ‘વિકાસ યાત્રા’નું એન્જિન બનાવવા સંબંધિત સરકારનાં વિઝનને સાકાર કરવામાં ઘણું મદદગાર સાબિત થશે.

આ સુધારામાં નીચેની બાબતો સામેલ છેઃ

  1. રેલવેનાં ગ્રૂપ ‘એ’ની હાલની આઠ સેવાઓનું એક કેન્દ્રીય સેવા ‘ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ’ (આઈઆરએમએસ)માં એકીકરણ કરવું
  2. રેલવે બોર્ડનું પુનર્ગઠન કાર્યાત્મક ધોરણે થશે, જેની અધ્યક્ષતા સીઆરબી કરશે. એમાં 4 સભ્યો ઉપરાંત થોડા સ્વતંત્ર સભ્યો હશે.
  • હાલની સર્વિસ ‘ઇન્ડિયન રેલવે મેડિકલ સર્વિસ’નું નામ બદલીને ઇન્ડિયન રેલવે હેલ્થ સર્વિસ (આઈઆરએચએસ) રાખવામાં આવશે.

રેલવેએ આગામી 12 વર્ષ દરમિયાન 50 લાખ કરોડ રૂપિયાનાં પ્રસ્તાવિત રોકાણથી આધુનિકીકરણની સાથે-સાથે પ્રવાસીઓને ઉચ્ચ માપદંડો ધરાવતી સુરક્ષા, ગતિ અને સેવાઓ પ્રદાન કરવા માટે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. આ માટે ઝડપી ગતિ અને વ્યાપક સ્તર ધરાવતા એક એકીકૃત અને ચુસ્ત સંગઠનની જરૂર છે, જેથી એ આ જવાબદારીને સંપૂર્ણ એકાગ્રતા સાથે પૂરી કરી શકે અને એની સાથે-સાથે એ વિવિધ પડકારોનો સામનો કરવામાં સક્ષમ થઈ શકે. હાલનાં આ સુધારા હકીકતમાં વર્તમાન સરકારને આધિન અગાઉ લાગુ થયેલા એ વિવિધ શ્રેણીબદ્ધ સુધારા અંતર્ગત આવે છે, જેમાં રેલવે બજેટનો વિલય કેન્દ્રીય બજેટમાં કરવાનો, જનરલ મેનેજર (જીએમ) અને પ્રાદેશિક અધિકારીઓ (ફિલ્ડ ઓફિસર)ને વધારે મજબૂત બનાવવા માટે એમને વધારે અધિકારો સુપરત કરવાનો, હરિફ ઓપરેટરોને રેલવે ચલાવવાની મંજૂરી આપવાનો વગેરે સુધારા સામેલ છે.

આગામી સ્તરનાં પડકારોનો સામનો કરવા અને હાલની વિવિધ મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પગલું ઉઠાવવાની જરૂરિયાત અનુભવવામાં આવી હતી. દુનિયાની રેલવે સિસ્ટમ, જેનું કૉર્પોરેટાઇઝેશન થઈ ગયું છે, એનાથી વિપરીત ભારતીય રેલવેનું મેનેજમેન્ટ સીધુ સરકાર દ્વારા થાય છે. એના વિવિધ વિભાગો જેમ કે પરિવહન, સિવિલ, યાંત્રિક, વિદ્યુતીય, સિગ્નલ અને દૂરસંચાર, સ્ટોર, કર્મચારીઓ, એકાઉન્ટ વગેરેમાં સંગઠિત કરવામાં આવ્યાં છે. આ વિભાગોને ઉપરથી લઈને નીચે સુધી અલગ કરવામાં આવ્યાં છે અને એની અધ્યક્ષતા રેલવે બોર્ડમાં સચિવ સ્તરનાં અધિકારી (સભ્ય) દ્વારા કરવામાં આવી છે. વિભાગની આ રચના ઉપરથી લઈને નીચે સુધી રેલવેના પાયાનાં સ્તર સુધી સુનિશ્ચિત કરવામાં આવી છે. સેવાઓનાં એકીકરણથી આ નોકરશાહીનો અંત આવશે, રેલવેનાં સુવ્યવસ્થિત કામકાજને પ્રોત્સાહન મળશે, નિર્ણય લેવામાં ઝડપ આવશે, સંગઠન માટે એક સુસંગત વિઝનનું સર્જન થશે અને તર્કસંગત નિર્ણય લેવા માટે પ્રોત્સાહન મળશે.

રેલવેમાં સુધારો કરવા માટે રચવામાં આવેલી વિવિધ સમિતિઓએ સેવાઓનું એકીકરણ કરવાની ભલામણ કરી છે, જેમાં પ્રકાશ ટંડન સમિતિ (1994), રાકેશ મોહન સમિતિ (2001), સેમ પિત્રોડા સમિતિ (2012) અને બિબેક દેબ્રોય સમિતિ (2015) સામેલ છે.

7 અને 8 ડિસેમ્બર, 2019નાં રોજ દિલ્હીમાં આયોજિત બે દિવસીય ‘પરિવર્તન બેઠક’માં સામેલ રેલવે અધિકારીઓની સર્વસંમતિ અને વ્યાપક સમર્થન સાથે આ સુધારા કરવામાં આવ્યાં છે. આ ભાવનાની કદર કરવા અને રેલવે અધિકારીઓના સૂચનોને મહત્વ આપવાને લઈને એમાં વ્યાપક ભરોસો પેદા કરવા માટે રેલવે બોર્ડે 8 ડિસેમ્બર, 2019નાં રોજ સંમેલન દરમિયાન બોર્ડની અસાધારણ બેઠક આયોજિત કરવામાં આવી હતી અને ઉપર્યુક્ત સુધારાઓ સહિત અનેક સુધારાઓની ભલામણ કરી હતી.

હવે આગામી ભરતી ચક્ર કે પ્રક્રિયાથી એક એકીકૃત સમૂહ સેવાનું સર્જન કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જે ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ (આઈઆરએમએસ) કહેવાશે. ભરતીનાં આગામી વર્ષમાં સુવિધાઓ માટે ડીઓપીટી અને યુપીએસસી સાથે ચર્ચા કરીને નવી સેવા ઊભી કરવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. એનાથી રેલવે પોતાની જરૂરિયાત અનુસાર એન્જિન/નોન-એન્જિનીયરની ભરતી કરવા અને એની સાથે કારકિર્દીમાં પ્રગતિ કરવા માટે આ બંને કેટેગરીમાં તકોમાં સમાનતા લાવવાની રજૂઆત કરવા સક્ષમ બનશે. રેલવે મંત્રાલય પારદર્શકતા અને તટસ્થતા સુનિશ્ચિત કરવા માટે મંત્રીમંડળ દ્વારા રચિત વૈકલ્પિક વ્યવસ્થાની મંજૂરીથી ડીઓપીટીની સાથે ચર્ચા કરીને સેવાઓનાં એકીકરણની રૂપરેખા નક્કી કરશે. આ પ્રક્રિયા એક વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે.

જે નવા અધિકારીઓની ભરતી કરવામાં આવશે, તેઓ એન્જિનીયરિંગ અને નોન-એન્જિનીયરિંગ ક્ષેત્રોમાંથી આવશે તથા એમની કુશળતા અને નિપુણતા અનુસાર એમને હોદ્દા આપવામાં આવશે, જેથી તેઓ કોઈ એક ક્ષેત્રમાં કુશળતા હાંસલ કરી શકે, એક સંપૂર્ણ પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકે અને એની સાથે જ વરિષ્ઠ સ્તરો પર સામાન્ય મેનેજમેન્ટ જવાબદારીઓ અદા કરવા માટે તૈયાર થઈ શકે. સામાન્ય મેનેજમેન્ટ પદો માટે પસંદગી યોગ્યતા આધારિત વ્યવસ્થા દ્વારા કરવામાં આવશે.

રેલવે બોર્ડની રચના હવે વિભાગીય ધોરણે નહીં થાય અને એના સ્થાને એક નાનું માળખું આકાર લેશે, જેની રચના કામગીરીનાં ધોરણે થશે. એમાં એક ચેરમેન હશે, જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કરશે. એની સાથે અન્ય 4 સભ્યો હશે, જેમને માળખા, પરિવહન અને વ્યાવસાયિક વિકાસ, રોલિંગ સ્ટૉક અને નાણાકીય બાબતો સાથે સંબંધિત કાર્યોની જુદી જુદી જવાબદારી સુપરત કરવામાં આવશે. હકીકતમાં ચેરમેન કેડર નિયંત્રણકારક અધિકારી હશે, જે માનવ સંસાધનો (એચઆર) માટે જવાબદાર હશે અને જેને એક ડીજી (એચઆર) જરૂરી સહાય પ્રદાન કરશે. ટોચનાં સ્તરે ત્રણ પદોને રેલવે બોર્ડમાંથી ખતમ (સરન્ડર) કરવામાં આવશે અને રેલવે બોર્ડનાં બાકીનાં પદ તમામ અધિકારીઓ માટે ખુલ્લા રહેશે, પછી તેઓ કોઈ પણ સેવા અંતર્ગત આવતા હોય. બોર્ડમાં કેટલાંક સ્વતંત્ર સભ્ય (એમની સંખ્યા સમયેસમયે સક્ષમ સત્તામંડળ દ્વારા નક્કી કરવામાં આવશે) પણ હશે, જે ઊંડી જાણકારી ધરાવતા વિશિષ્ટ વ્યાવસાયિકો હશે અને જેમને ઉદ્યોગજગત, નાણાકીય, અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટ ક્ષેત્રોમાં ટોચનાં સ્તરો પર કામ કરવા સહિત 30 વર્ષોનો બહોળો અનુભવ હશે. સ્વતંત્ર સભ્ય વિશિષ્ટ વ્યૂહાત્મક દિશા નક્કી કરવામાં રેલવે બોર્ડની મદદ કરશે. બોર્ડ પાસેથી મંજૂરી મળ્યા બાદ પુનર્ગઠિત બોર્ડ કામ કરવાનું શરૂ કરશે. આ અંતર્ગત એ સુનિશ્ચિત કરવામાં આવશે કે અધિકારીઓને પુનર્ગઠિત બોર્ડમાં સામેલ કરવામાં આવશે અથવા એમની સેવાનિવૃત્તિ સુધી સમાન વેતન અને રેન્કમાં સમાયોજિત કરવામાં આવશે.

 

NP/RP/DS