Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

27.10.2019નાં રોજ ‘મન કી બાત 2.0’નાં 5માં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


મારા વ્હાલા દેશવાસીઓ, આજે દીવાળીનું પાવનપર્વ છે. આપ સૌને દીવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે ત્યાં કહેવાય છે –

શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસમ્પદા ।

શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે ।

કેટલો ઉત્તમ સંદેશ છે ! આ શ્લોકમાં કહ્યું છે – પ્રકાશ જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઇને આવે છે, જે વિપરીત બુદ્ધિનો નાશ કરીને સદબુદ્ધિના દર્શન કરાવે છે. આવી દિવ્યજયોતિને મારા વંદન આ દીવાળીને યાદ રાખવા માટે તેનાથી વધુ સારો વિચાર બીજો કયો હોઇ શકે કે, આપણે પ્રકાશને ફેલાવીએ, હકારાત્મકતાનો ફેલાવો કરીએ અને શત્રુતાની ભાવનાને જ નષ્ટ કરવાની પ્રાર્થના કરીએ. આજકાલ દુનિયાના અનેક દેશોમાં દીવાળી ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેમાં કેવળ ભારતીય સમુદાય જ સામેલ થાય છે એવું નથી, પરંતુ હવે કેટલાય દેશોની સરકારો, ત્યાંના નાગરિકો, ત્યાંના સામાજિક સંગઠ્ઠનો પણ દીવાળીનું પર્વ પૂરા હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. એક પ્રકારે ત્યાં ભારત ઉભું કરી દે છે.

સાથીઓ, દુનિયામાં festival tourisamનું પણ પોતાનું એક આકર્ષણ છે. આપણો ભારત દેશ જે ઉત્સવોનો દેશ છે તેમાં festival tourisamની પણ અપાર સંભાવનાઓ છે. આપણો પ્રયાસ હોવો જોઇએ કે હોળી હોય, દીવાળી હોય, ઓણમ હોય, પોંગલ હોય, બીહુ હોય, આવા તહેવારોનો પ્રસાર કરીએ અને તહેવારોની ખુશીઓમાં અન્ય રાજયો, અન્ય દેશોના લોકોને પણ સામેલ કરીએ. આપણે ત્યાં તો દરેક રાજય દરેક ક્ષેત્રના પોતપોતાના કેટલાય વિભિન્ન ઉત્સવ હોય છે કે બીજા દેશોના લોકોની તો તેમાં ખૂબ રૂચિ હોય છે. એટલા માટે ભારતમાં ઉત્સવ પર્યટન વધારવામાં દેશની બહાર રહેનારા ભારતીયોની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે.

મારા વ્હાલા દેશવાસીઓ, ગઇ મન કી બાતમાં આપણે નક્કી કર્યું હતું કે, આ દીવાળીએ કંઇક અલગ કરીશું. મે કહ્યું હતું- આવો આપણે સહુ આ દીવાળીએ ભારતની નારીશક્તિ અને તેમની ઉપલબ્ધિઓની ઉજવણી કરીએ, એટલે કે ભારતની લક્ષ્મીનું સન્માન કરીએ. અને જોતજોતામાં તેના પછી તરત સોશિયલ મિડિયા પર અગણિત પ્રેરણાત્મક કથાઓનો અંબાર લાગી ગયો. વારંગલના કોડીપાકા રમેશે નમો એપ પર લખ્યું છે કે મારી મા જ મારી શક્તિ છે. 1990માં જયારે મારા પિતાજીનું અવસાન થયું હતું ત્યારથી મારી માએ જ અમારી, પાંચેય દિકરાની જવાબદારી ઉઠાવી હતી. આજે અમે પાંચેય ભાઇ સારા વ્યવસાયમાં છીએ. મારી મા જ મારા માટે ભગવાન છે. મારા માટે તે સર્વસ્વ છે અને તે જ ખરા અર્થમાં ભારતની લક્ષ્મી છે.

રમેશજી, તમારાં માતાને મારા પ્રણામ. ટ્વીટર પર એકટિવ રહેનારા દિપીકા સ્વામીનું કહેવું છે કે, તેમના માટે મેજર ખુશ્બુ કંવર ભારતના લક્ષ્મી છે. જે બસ કંડકટરની દિકરી છે. અને તેમણે આસામ રાઇફલ્સની સર્વમહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. કવિતા તિવારી માટે તો ભારતની લક્ષ્મી તેમની દિકરી જ છે. જે તેમની તાકાત પણ છે. તેમને ગૌરવ છે કે, તેમની દિકરી સુંદર ચિત્રકામ કરે છે. તેમને (CLAT)ની પરીક્ષામાં ખૂબ સારો ક્રમાંક મેળવ્યો છે. તો મેઘા જૈનજીએ પણ લખ્યું છે કે, 92 વર્ષના એક વૃદ્ધ મહિલા વર્ષોથી ગ્વાલિયર રેલ્વેસ્ટેશન પર મુસાફરોને મફતમાં પાણી પીવડાવે છે. મેઘાજી ભારતની આ લક્ષ્મીની વિનમ્રતા અને કરૂણાથી ખૂબ પ્રેરિત થયાં છે. આવી તો અનેક કથાઓ લોકોએ Share કરી છે. આપ ચોક્કસ વાંચો, પ્રેરણા મેળવો અને પોતે પણ તમારી આસપાસની આવી કોઇ પ્રેરક કથા હોય તો Share કરો. ભારતની આ તમામ લક્ષ્મીઓને મારા પણ આદરપૂર્વક વંદન છે.

મારા વ્હાલા દેશવાસીઓ, 17મી સદીનાં સુવિખ્યાત કવિયત્રી સાંચી હોનમ્મા થઇ ગયા. તેમણે 17મી સદીમાં કન્નડ ભાષામાં એક કવિતા લખી હતી. એ ભાવ, એ શબ્દો ભારતની દરેક લક્ષ્મી કે જેમના વિષે આપણે વાત કરી રહ્યા છીએ તેમને બિલકુલ વ્યકત કરે છે. એવું લાગે છે જાણે તેનો પાયો 17મી શતાબ્દીમાં જ નાખી દેવામાં આવ્યો હતો. કેટલા સુંદર શબ્દો, કેટલો સરસ ભાવ, અને કેટલા ઉત્તમ વિચાર કન્નડ ભાષાની આ કવિતામાં છે.

પૈણ્ણિન્દા પેર્મેગોંડનૂ હિમવંતનુ,

પૈણ્ણિન્દા ભૃગુ પેર્ચિદનુ

પૈણ્ણિન્દા જનકરાયનુ જસવડેદનુ

અર્થાત્, હીમવંત એટલે કે, પર્વતરાજે પોતાની દિકરી પાર્વતીના કારણે, ભૃગુ ઋષિએ પોતાની દિકરી લક્ષ્મીના કારણે અને રાજા જનકે પોતાની દિકરી સીતાના કારણે પ્રસિદ્ધિ મેળવી. આપણી દિકરીઓ આપણું ગૌરવ છે અને આ દિરરીઓના મહાત્મયને લીધે જ આપણા સમાજની એક મજબૂત ઓળખ છે અને તેનું ઉજ્જવળ ભવિષ્ય છે.

મારા વ્હાલા દેશવાસીઓ, 12મી નવેંબર 2019 એ દિવસ છે જે દિવસે દુનિયાભરમાં શ્રી ગુરૂનાનક દેવજીનો 550મો પ્રકાશ ઉત્સવ ઉજવવામાં આવશે. ગુરૂનાકજીનો પ્રભાવ ભારતમાં જ નહિં પરંતુ પુરા વિશ્વમાં છે. દુનિયાના કેટલાક દેશોમાં આપણા શીખ ભાઇઓ બહેનો વસેલા છે જે ગુરૂ નાનકદેવજીના આદર્શો પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. વૈન્કૂવર (Vancouver) અને તહૈરાનમાં મે કરેલી ગુરૂદ્વારાઓની મારી યાત્રાને હું ક્યારેય ભૂલી નહીં શકું. શ્રી ગુરૂ નાનકદેવજી વિષે એવું ઘણું બધું છે જે હું આપને કહી શકું તેમ છું, પરંતુ એના માટે મન કી બાતની કેટલીયે કડીઓ જોઇએ. તેમણે સેવાને હંમેશા સર્વોપરી રાખી. ગુરૂ નાનકદેવજી માનતા હતા કે, નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવેલા સેવાકાર્યની કોઇ કિંમત આંકી ન શકાય. તેઓ છૂતાછૂત જેવી સામાજીક બૂરાઇઓ સામે મજબૂતાઇથી ઉભા રહ્યા હતા. શ્રી ગુરૂ નાનકદેવજીએ પોતાનો સંદેશ દુનિયામાં દૂરસૂદુર સુધી પહોંચાડ્યો. તેઓ પોતાના સમયમાં સૌથી વધુ યાત્રા કરનારામાંના એક હતા. કેટલાંય સ્થાનો પર ગયા અને જ્યાં પણ ગયા, ત્યાં પોતાની સરળતા, વિનમ્રતા અને સાદાઇથી સૌના દિલ જીતી લીધા. ગુરૂ નાનકદેવજીએ કેટલીયે મહત્વની ધાર્મિક યાત્રાઓ કરી. જેને ઉદાસી કહેવામાં આવે છે. સદભાવના અને સમાનતાનો સંદેશ લઇને તેઓ ઉત્તર હોય કે દક્ષિણ, પૂર્વ હોય કે પશ્ચિમ, દરેક દિશામાં ગયા, દરેક સ્થળે લોકોને સંતો અને ઋષિઓને મળ્યા. એવું માનવામાં આવે છે કે આસામના સુવિખ્યાત સંત શંકરદેવ પણ તેમનાથી પ્રેરિત થયા હતા. તેમણે હરિદ્વારની પવિત્ર ભૂમિની યાત્રા કરી. કાશીમાં એક પવિત્ર સ્થળ ગુરૂબાગ ગુરૂદ્વારાછે. કહેવાય છે કે, શ્રી ગુરૂ નાનકદેવજી ત્યાં રહ્યા હતા. તેઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા રાજગીર અને ગયા જેવા ધાર્મિક સ્થળોએ પણ ગયા હતા. દક્ષિણમાં ગુરૂ નાનકદેવજીએ શ્રીલંકા સુધીની યાત્રા કરી હતી. કર્ણાટકમાં બિદરની યાત્રા વખતે ગુરૂ નાનકદેવજી પોતે જ ત્યાંની પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા. બિદરમાં ગુરૂનાનક જીરા સાહેબ નું એક પ્રસિદ્ધ સ્થળ છે. જે આપણને ગુરૂનાનક દેવજીની યાદ પણ અપાવે છે. અને તે તેમને સમર્પિત છે. એક ઉદાસી દરમ્યાન ગુરૂનાનક દેવજીએ ઉત્તરમાં કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારોની પણ યાત્રા કરી હતી. તેના લીધે શીખ અનુયાયીઓ અને કાશ્મીર વચ્ચે સારો એવો ગાઢ સંબંધ સ્થપાયો. ગુરૂ નાનક દેવજી તિબેટ પણ ગયા જ્યાંના લોકોએ તેમને ગુરૂ માન્યા હતા. જ્યાંની તેમણે યાત્રા કરી હતી તેવા ઉઝબેકિસ્તાનમાં પણ તેઓ પૂજ્ય છે. પોતાની એક ઉદાસી દરમ્યાન તેમણે મુસ્લિમ દેશોની પણ મોટાપ્રમાણમાં યાત્રા કરી હતી. જેમાં સાઉદી અરબ, ઇરાક અને અફઘાનિસ્તાનનો પણ સમાવેશ થાય છે. તેમણે લાખો લોકોના દિલમાં સ્થાન મેળવ્યું. જેમણે પૂરી શ્રદ્ધા સાથે તેઓના ઉપદેશનું પાલન કર્યું અને આજે પણ કરી રહ્યા છે. હજી થોડા દિવસ પહેલાં જ લગભગ 85 દેશોના રાજદૂત દિલ્હીથી અમૃતસર ગયા હતા. ત્યાં તેમણે અમૃતસરના સુવર્ણમંદિરનાં દર્શન કર્યા અને આ બધું જ ગુરૂનાનક દેવજીના 550મા પ્રકાશપર્વનું નિમિત્ત બન્યું હતું. આ બધા રાજદૂતોએ ત્યાં સુવર્ણમંદિરના દર્શન તો કર્યા જ. પરંતુ સાથે તેમને શીખપરંપરા અને સંસ્કૃતિ વિષે જાણવાની તક પણ મળી. ત્યાર બાદ કેટલાય રાજદૂતોએ સોશિયલ મિડિયા પર તેની તસવીરો મૂકી હતી. ખૂબ ગૌરવ સાથે પોતાના સારા અનુભવો પણ વર્ણવ્યા હતા. મારી ઇચ્છા છે કે, ગુરૂનાનક દેવજીનું 550મું પ્રકાશપર્વ આપણને તેમના વિચારો અને આદર્શોને આપણા જીવનમાં ઉતારવાની વધુ પ્રેરણા આપે. ફરી એકવાર હું મારૂં મસ્તક ઝુકાવીને ગુરૂનાનક દેવજીને નમન કરૂં છું.

મારા વ્હાલા ભાઇઓ અને બહેનો, મને વિશ્વાસ છે કે, 31 ઓકટોબરનો દિવસ આપ સૌને ચોક્કસ યાદ હશે. આ દિવસ ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિનો છે. કે જેઓ દેશને એકતાના સૂત્રમાં પરોવનારા મહાનાયક હતા. સરદાર પટેલમાં જ્યાં લોકોને એક સાથે જોડવાની અદભૂત ક્ષમતા હતી, તો બીજી તરફ જેમની સાથે વૈચારિક મતભેદ હોય તેવા લોકો સાથે પણ પોતાનો તાલમેળ બેસાડી દેતા હતા. સરદાર પટેલ જીણામાં જીણી બાબતને પણ ખૂબ ઉંડાણપૂર્વક જોતા હતા, પારખતા હતા. તેઓ સાચા અર્થમાં વિગતપુરૂષ (Man Of Details) હતા. તેની સાથે તેઓ સંગઠ્ઠન કૌશલ્યમાં પણ નિપૂણ હતા. યોજનાઓ તૈયાર કરવામાં અને વ્યૂહરચનામાં તેમને આવડત હતી. સરદાર સાહેબની કાર્યશૈલી વિષે જયારે પણ વાંચીએ છીએ, સાંભળીએ છીએ તો જાણવા મળે છે કે તેમનું આયોજન કેટલું જબરજસ્ત હતું. 1921માં અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનમાં સામેલ થવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં પ્રતિનિધિઓ પહોંચવાના હતા. અધિવેશનની સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી સરદાર પટેલ પર હતી આ તકનો ઉપયોગ તેમણે શહેરમાં પાણી પુરવઠાનું નેટવર્ક સુધારવા માટે પણ કર્યો. અને એ સુનિશ્ચિત કર્યું કે, કોઇને પણ પાણીની મુશ્કેલી ન પડે. એટલું જ નહિં તેમને એ વાતની પણ કાળજી હતી કે અધિવેશન સ્થળે કોઇ પ્રતિનિધિનો સામાન અથવા પગરખાં ચોરાઇ ન જાય અને તેને ધ્યાનમાં રાખીને સરદાર પટેલે જે કર્યું તે જાણીને આપને ખૂબ નવાઇ લાગશે. તેમણે ખેડૂતોનો સંપર્ક કર્યો અને તેમને ખાદીની થેલીઓ બનાવવાનો આગ્રહ કર્યો. ખેડૂતોએ થેલીઓ બનાવી અને પ્રતિનિધિઓને વેચી. આ થેલીઓમાં પગરખાં નાંખીને પોતાની સાથે રાખવાના કારણે પ્રતિનિધિઓના મનમાંથી પગરખાં ચોરાઇ જવાનું ટેન્શન દૂર થઇ ગયું. બીજી તરફ ખાદીના વેચાણમાં પણ સારો એવો વધારો થયો. બંધારણ સભામાં નોંધપાત્ર ભૂમિકા ભજવવા માટે આપણો દેશ સરદાર પટેલનો હંમેશા કૃતજ્ઞ રહેશે. તેમણે મૌલિક અધિકારો સુનિશ્ચિત કરવાનું મહત્વનું કાર્ય કર્યું. જેનાથી જ્ઞાતિ અને સંપ્રદાયના આધારે થનારા ભેદભાવનો કોઇ અવકાશ જ ન રહે.

સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ભારતના પહેલા ગૃહમંત્રીના રૂપમાં સરદાર પટેલે રજવાડાઓને એક કરવાનું, એક બહુ મોટું ભગીરથ અને ઐતિહાસિક કામ કર્યું. સરદાર  વલ્લભભાઇની એ પણ એક વિશેષતા હતી કે, જેમની નજર દરેક ઘટના પર રહેતી હતી. એક તરફ એમનું ધ્યાન હૈદરાબાદ, જૂનાગઢ અને અન્ય રાજયો પર કેન્દ્રિત હતું. તો બીજી તરફ તેમનું ધ્યાન દુરસૂદુર લક્ષદ્વીપ પર હતું. ખરૂં કહું તો જ્યારે આપણે સરદાર પટેલના પ્રયાસોની વાત કરીએ છીએ તો દેશના એકીકરણમાં કેટલાંક ખાસ પ્રાંતોમાંની તેમની ભૂમિકાની પણ ચર્ચા થાય છે. લક્ષદ્વીપ જેવી નાની જગ્યા માટે પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. કદાચ જ, આ વાત લોકો યાદ કરે છે. આપ સારી રીતે જાણો છો કે, લક્ષદ્વીપ કેટલાક ટાપુઓનો સમૂહ છે. તે ભારતના સૌથી સુંદર ક્ષેત્રોમાંનો એક છે. 1947માં ભારતના વિભાજન પછી તરત જ આપણા પાડોશીની નજર લક્ષદ્વીપ ઉપર હતી અને તેણે પોતાના ધ્વજની સાથે જહાજ મોકલ્યું હતું. સરદાર પટેલને જેવી આ વાતની જાણ થઇ કે, તરત તેમણે સમય બગાડ્યા વિના, સહેજ પણ વાર કર્યા વિના તરત કઠોર કાર્યવાહી શરૂ કરી. તેમણે મુદલીયાર ભાઇઓ, આર્કોટ રામાસામી મુદલીયાર અને આર્કોટ લક્ષ્મણ સ્વામી મુદલીયારને કહ્યું કે, તેઓ ત્રાણવણકોરના લોકોને સાથે લઇને તરત કૂચ કરે અને ત્યાં ત્રિરંગો લહેરાવે. લક્ષદ્વિપમાં તિરંગો પહેલો લહેરાવો જોઇએ. તેમના આદેશ પછી તરત ત્રિરંગો લહેરાવવામાં આવ્યો અને લક્ષદ્વિપ ઉપર કબજો કરવાના પાડોશીના દરેક મનસૂબાને જોતજોતામાં ધ્વસ્ત કરી દીધા. આ ઘટના પછી સરદાર પટેલે મુદલીયાર ભાઇઓને કહ્યું કે, તેઓ વ્યક્તિગત રીતે એ સુનિશ્ચિત કરે કે, લક્ષદ્વિપના વિકાસ માટે જરૂરી મદદ મળતી રહે. આજે લક્ષદ્વિપ ભારતની પ્રગતિમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યો છે. તે એક આકર્ષક પર્યટન સ્થળ પણ છે. મને આશા છે કે આપ સૌ પણ આ સુંદર ટાપુઓ અને સમુદ્રકિનારાની મુલાકાત લેશો.

મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબર 2018નો એ દિવસ કે જે દિવસે સરદાર સાહેબની યાદમાં બનાવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયાને સમર્પિત કરવામાં આવ્યું હતું. દુનિયાની આ સૌથી ઉંચી પ્રતિમા છે. અમેરિકામાં આવેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ ઉંચાઇમાં બમણી છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા દરેક હિન્દુસ્તાનીને ગર્વથી ભરી દે છે. દરેક હિંદુસ્તાનીનું મસ્તક શાનથી ઉંચું થઇ જાય છે. તમને જાણીને ખુશી થશે કે, એક વર્ષમાં 26 લાખથી વધુ પર્યટક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પહોંચ્યા હતા. તેનો અર્થ એ થયો કે, દરરોજ સરેરાશ સાડા આઠ હજાર લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાના દર્શન કર્યા. સરદાર વલ્લભભાઇ પટેલ પ્રત્યે તેમના હૃદયમાં જે આસ્થા છે, શ્રદ્ધા છે તેને તેઓએ પ્રગટ કરી અને હવે તો ત્યાં કેકટસ ગાર્ડન, બટરફલાય ગાર્ડન, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યૂટ્રીશનલ પાર્ક, એકતા નર્સરી જેવા અનેક આકર્ષણનાં કેન્દ્રો સતત વિકસી રહ્યાં છે. અને તેના કારણે સ્થાનિક અર્થતંત્રને પણ બળ મળી રહ્યું છે. અને લોકોને રોજગારીની નવી તકો પણ મળી રહી છે. અહીં આવતા પર્યટકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેટલાય ગામના લોકો પોતપોતાના ઘરમાં હોમસ્ટેની સગવડ પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. હોમસ્ટે સુવિધા ઉપલબ્ધ કરાવનારા લોકોને વ્યાવસાયિક તાલીમ પણ આપવામાં આવી રહી છે. ત્યાંના લોકોએ હવે ડ્રેગન ફ્રૂટની ખેતી પણ શરૂ કરી દીધી છે. અને મને વિશ્વાસ છે કે, બહુ જલ્દી તે ત્યાંના લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પણ બની જશે.

સાથીઓ, દેશ માટે, બધા રાજ્યો માટે પર્યટન ઉદ્યોગ માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અભ્યાસનો એક વિષય બની શકે છે. આપણે સૌ તેના સાક્ષી છીએ કે, કેવી રીતે એક વર્ષની અંદર જ એક સ્થળ વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળરૂપે વિકસિત થાય છે. ત્યાં દેશવિદેશમાંથી લોકો આવે છે. પરિવહનની, રહેવાની, ગાઇડની, પર્યાવરણ સાનૂકુળ વ્યવસ્થાઓ, એક પછી એક જાતે જ ખૂબ સરસ વ્યવસ્થાઓ વિકસી રહી છે. બહુ મોટું અર્થતંત્ર વિકસી રહ્યું છે અને પર્યટકોની જરૂરિયાતો મુજબ લોકો ત્યાં સગવડો ઉભી કરી રહ્યા છે. સરકાર પણ પોતાની ભૂમિકા નિભાવી રહી છે. સાથીઓ, એવો કયો હિંદુસ્તાની હશે જેને એ વાતનો ગર્વ નહીં હોય કે, વિતેલા દિવસોમાં ટાઇમ મેગેઝીને પણ દુનિયાના 100 મહત્વનાં પર્યટક સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને મહત્વનું સ્થાન આપ્યું છે. મને આશા છે કે આપ સૌ પણ પોતાના કિંમતી સમયમાંથી કેટલોક સમય કાઢીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તો જશો જ. પરંતુ મારો આગ્રહ છે કે, પ્રવાસ કરવા માટે સમય કાઢનાર દરેક હિંદુસ્તાની ભારતના ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોનો પ્રવાસ કુટુંબની સાથે કરે. જયાં જાય ત્યાં રાતવાસો કરે. એ મારો આગ્રહ તો યથાવત છે જ.

સાથીઓ, આપ જાણો છો કે, 2014થી દર વર્ષે 31 ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ આપણને પોતાના દેશની એકતા, અખંડતા અને સુરક્ષાનું કોઇપણ ભોગે રક્ષણ કરવાનો સંદેશ આપે છે. દર વખતની જેમ 31 ઓકટોબરે એકતા દોડ- રન ફોર યુનિટીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તેમાં સમાજના દરેક વર્ગના, દરેક શ્રેણીના લોકો સામેલ થશે. રન ફોર યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આ દેશ એક છે. એક દિશામાં આગળ વધી રહ્યો છે. અને એક લક્ષ્યને હાંસલ કરવા માંગે છે. એ લક્ષ્ય એટલે એક ભારત-શ્રેષ્ઠ ભારત.

પાછલા પાંચ વર્ષમાં જોવા મળ્યું છે કે, એકલા દિલ્હીમાં જ નહિં પરંતુ હિંદુસ્તાનના સેંકડો શહેરોમાં, કેન્દ્રશાસિત પ્રદેશોમાં, પાટનગરોમાં, જીલ્લા કેન્દ્રોમાં, નાનાં નાનાં બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો તેમાં સામેલ થઇ રહ્યા છે. પછી તે પુરૂષ હોય, મહિલા હોય, શહેરીજન હોય, ગ્રામજન હોય, બાળક હોય, નવયુવાન હોય, વૃદ્ધ હોય કે દિવ્યાંગજન હોય. સૌ કોઇ મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. આમ પણ આજકાલ જોઇએ તો, લોકોમાં મેરાથોન માટે એક શોખ અને જનૂન જોવા મળી રહ્યું છે. રન ફોર યુનિટી પણ એક એવી જ અનોખી જોગવાઇ છે. દોડવું એ મન, મગજ અને શરીર એમ સૌ માટે ફાયદાકારક છે. અહીં તો દોડવાથી ફીટ ઇન્ડિયાની ભાવના ચરિતાર્થ થાય છે. અને સાથે સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારત, ના હેતુ સાથે પણ આપણે જોડાઇ જઇએ છીએ. અને એટલા માટે જ માત્ર શરીર નહીં, મન અને સંસ્કાર ભારતની એકતા માટે, ભારતને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે જોડાય છે. અને એટલા માટે આપ જે પણ શહેરમાં રહેતા હો, ત્યાં, પોતાની આસપાસ રન ફોર યુનિટી વિષે માહીતી મેળવીને જોડાઇ શકો છો. તે માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, runforunity.gov.in આ પોર્ટલમાં દેશભરની તે તમામ જગ્યાઓની માહીતી આપવામાં આવી છે. જયાં રન ફોર યુનિટીનું આયોજન થવાનું છે. મને આશા છે કે, આપ સૌ 31 ઓકટોબરે જરૂર દોડશો, ભારતની એકતા માટે અને પોતાની ફીટનેસ માટે પણ.

મારા વ્હાલા દેશવાસીઓ, સરદાર પટેલે દેશને એકતાના તાંતણે બાંધ્યો. એકતાનો આ મંત્ર આપણા જીવનમાં સંસ્કારની જેમ વણાઇ ગયો છે. અને ભારત જેવા વિવિધતાઓથી ભરેલા દેશમાં આપણે દરેક સ્તરે દરેક રાહ પર દરેક વળાંક પર દરેક પડાવ પર એકતાના આ મંત્રને મજબૂતાઇ પ્રદાન કરતા રહેવું જોઇએ. મારા વ્હાલા દેશવાસીઓ, દેશની એકતા અને પરસ્પર સદભાવનાને મજબૂત બનાવવા માટે આપણો સમાજ હંમેશાથી ખૂબ સક્રિય અને સતર્ક રહ્યો છે. આપણે આપણી આસપાસ જ જોઇએ તો એવાં કેટલાંય ઉદાહરણો મળશે જે પરસ્પર સદભાવ વધારવા માટે સતત કામ કરતા રહ્યાં છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે, સમાજના પ્રયાસ તેનું યોગદાન સ્મૃતિપટ પરથી બહુ જલ્દી ગાયબ થઇ જાય છે.

સાથીઓ, મને યાદ છે કે, જયારે સપ્ટેમ્બર 2010માં અલ્હાબાદ હાઇકોર્ટે રામજન્મભૂમિ અંગે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. જરા એ દિવસોને યાદ કરો કે, ત્યારે કેવું વાતાવરણ હતું. જાતજાતના કેટલા લોકો મેદાનમાં આવી ગયા હતા !! પોતપોતાનાં હિત ધરાવતા કેવાકેવા જૂથો આ પરિસ્થિતિનો પોતાની રીતે ફાયદો ઉઠાવવા રમત રમી રહ્યા હતા. વાતાવરણમાં ગરમી પેદા કરવા માટે કેવા કેવા પ્રકારની ભાષા બોલવામાં આવી રહી હતી. અલગ અલગ સ્વરમાં, તિખાશ ભરવા માટેનો પણ પ્રયાસ કરાઇ રહ્યો હતો. કેટલાંક ભાષણબાજોએ અને બટકબોલાઓએ માત્રને માત્ર પોતાને ચમકાવવાના આશયથી કોણજાણે શું શું કહ્યું હતું ! કેવી કેવી !! બેજવાબદારીભરી વાતો કરી હતી. આપણને બધું યાદ છે. પરંતુ આ બધું પાંચ દિવસ, સાત દિવસ, દસ દિવસ ચાલતું રહ્યું. પણ જેવો ચૂકાદો આવ્યો, એક આનંદદાયક આશ્ચર્યજનક બદલાવનો દેશે અનુભવ કર્યો હતો. એકબાજુ બે અઠવાડિયા સુધી વાતાવરણ ગરમ કરવા ઘણું બધું થયું હતું. પરતું જયારે રામ જન્મભૂમિ પર ચૂકાદો આવ્યો ત્યારે સરકારે, રાજકીય પક્ષોએ, સામાજિક સંગઠનોએ, નાગરિક સમાજે તમામ સંપ્રદાયોના પ્રતિનિધિઓએ, સાધુ-સંતોએ ખૂબ જ સમતોલને સંયમિત નિવેદનો કર્યા. વાતાવરણમાંથી તંગદિલી ઘટાડવાનો પ્રયાસ કરાયો. પરંતુ આજે મને એ દિવસ બરાબર યાદ છે હું જયારે પણ તે દિવસને યાદ કરૂં છું તો, મારા મનને આનંદ થાય છે. ન્યાયપાલિકાની ગરીમાને ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે સન્માન આપવામાં આવ્યું અને કયાંય પણ ગરમાગરમીનું, તંગદિલીનું વાતાવરણ બનવા દેવામાં ન આવ્યું. આ બાબત આપણે હંમેશા યાદ રાખવી જોઇએ કે આપણને ખૂબ શક્તિ આપે છે. તે દિવસ, તે ક્ષણ આપણા બધા માટે એક કર્તવ્ય બોધ છે. એકતાનો સ્વર દેશને કેટલી મોટી તાકાત આપી શકે છે. તેનું આ ઉદાહરણ છે.

મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબર આપણા દેશનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરાજીની હત્યા થઇ હતી તે દિવસ પણ છે. દેશને એક બહુ મોટો આઘાત લાગ્યો હતો. આજે હું તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે ઘરઘરની જો કોઇ એક વાત બહુ દૂર સુધી સાંભળવા મળે છે, દરેક ગામની કોઇ એક વાત સાંભળવા મળે છે, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ હિંદુસ્તાનના દરેક ખૂણામાંથી એક એક વાત સાંભળવા મળે છે. તો તે છે સ્વચ્છતાની વાત. દરેક વ્યક્તિને, દરેક પરિવારને, દરેક ગામને સ્વચ્છતા વિષે પોતાના સુખદ અનુભવો કહેવાની ઇચ્છા થાય છે. કેમ કે, સ્વચ્છતાનો આ પ્રયાસ સવાસો કરોડ હિંદુસ્તાનનો પ્રયાસ છે. પરિણામના માલિક પણ સવાસો કરોડ હિંદુસ્તાનીઓ જ છે. પરંતુ તે એક સુખદ અને રસપ્રદ અનુભવ પણ છે. મેં એ વાતો સાંભળી છે એટલે હું વિચારૂં છું કે, હું આપને પણ સંભળાવું. તમે કલ્પના કરો વિશ્વની સૌથી ઉંચી યુદ્ધભૂમિ કે જયાંનું તાપમાન શૂન્યથી 50 – 60 ડીગ્રી માઇનસમાં જતું રહે છે. હવામાં ઓક્સિજન પણ નામ માત્રનો હોય છે. આટલા વિપરિત સંજોગોમાં આટલા પડકારો વચ્ચે રહેવું એ પણ કોઇ પરાક્રમથી ઓછું નથી. આવા વિકટ સંજોગોમાં આપણા બહાદુર જવાનો છાતી કાઢીને દેશની સરહદોની સુરક્ષા તો કરે જ છે. પરંતુ ત્યાં પણ સ્વચ્છ સીયાચીન અભિયાન ચલાવી રહ્યા છે. ભારતીય સેનાની આ અદભૂત વચનબદ્ધતા માટે હું દેશવાસીઓ તરફથી તેમની પ્રશંસા કરૂં છું. કૃતજ્ઞતા વ્યકત કરૂં છું. ત્યાં એટલી બધી ઠંડી છે કે, કશાયનું પણ સડવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં કચરો જુદો પાડવો અને તેનું વ્યવસ્થાપન કરવું એ પોતે જ ખૂબ મહત્વનું કામ છે. આ સ્થિતિમાં હિમશીખરો અને એની આસપાસના વિસ્તારોમાંથી 130 ટન અને તેનાથી પણ વધારે કચરો દૂર કરવો એ પણ ત્યાંના નાજૂક નિવસનતંત્રની વચ્ચે ! આ કેટલી મોટી સેવા છે ! આ એક એવું નિવસનતંત્ર છે. જે હિમદિપડા જેવી દુર્લભ પ્રજાતિઓનું ઘર છે. અહીં ibex એટલે કે પહાડી બકરા અને  ભૂરૂં રીંછ જેવા દુર્લભ જાનવરો પણ રહે છે. આપણે બધા જાણીએ છીએ કે, સીયાચીન એ એક એવો હિમઆચ્છાદિત વિસ્તાર છે જે નદીઓ અને સ્વચ્છ પાણીનો સ્રોત છે. એટલા માટે ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનો અર્થ એ થાય છે કે, નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે શુદ્ધ પાણી નિશ્ચિત કરવું. આ લોકો તેની સાથે નુબ્રા અને શ્યોક જેવી નદીઓના પાણીનો ઉપયોગ પણ કરે છે.

મારા વ્હાલા દેશવાસીઓ, ઉત્સવ આપણા સૌના જીવનમાં એક નવી ચેતના જગાવવાનું પર્વ હોય છે. અને ખાસ કરીને દીવાળીમાં તો કંઇક ને કંઇક નવું ખરીદવાનું, બજારમાંથી કંઇક લાવવાનું, દરેક પરિવારમાં ઓછાવત્તા પ્રમાણમાં બનતું જ હોય છે. મેં એક વાર કહ્યું હતું કે, આપણે સ્થાનિક ચીજો જ ખરીદવાની કોશિષ કરીએ. આપણી જરૂરિયાતની વસ્તુ આપણા ગામમાંથી જો મળતી હોય તો તાલુકામાં જવાની જરૂર નથી. તાલુકામાં મળતી હોય તો જીલ્લા સુધી જવાની જરૂર નથી. આપણે જેટલી વધુ સ્થાનિક ચીજો ખરીદવાનો પ્રયાસ કરીશું. ગાંધી સાર્ધશતાબ્દિ પોતાની રીતે જ એક મહાન તક બની જશે. અને મારો તો આગ્રહ રહ્યો છે કે, આપણા વણકર ભાઇઓ-બહેનોના હાથે બનેલી આપણા ખાદીના કાર્યકરોના હાથે બનેલી કંઇક ને કંઇક ચીજ તો આપણે ખરીદવી જ જોઇએ. આ દીવાળીએ પણ, દીવાળી પહેલાં તો આપે ઘણુંબધું ખરીદી લીધું હશે. પરંતુ ઘણા બધા લોકો એવા પણ હશે જે વિચારતા હશે કે, દિવાળી પછી જઇશું તો કદાચ, થોડુંક સસ્તુ પણ મળી જશે. તો ઘણા લોકો એવા પણ હશે જેમની ખરીદી હજી બાકી પણ હશે. તો દીવાળીની શુભેચ્ચાઓ સાથે સાથે હું આપને આગ્રહ કરીશ કે, આવો આપણે સ્થાનિક ચીજો ખરીદવાના આગ્રહી બનીએ. સ્થાનિક ચીજો જ ખરીદીએ. તમે જોજો, મહાત્મા ગાંધીનું સપનું સાકાર કરવામાં આપણે પણ કેટલી મહત્વની ભૂમિકા અદા કરી શકીએ છીએ. હું ફરી એકવાર આ દીવાળીના પાવન પ્રસંગે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દીવાળીમાં આપણે જાતજાતના ફટાકડા ફોડીએ છીએ. પરંતુ કયારેક અસાવધાનીમાં આગ લાગી જાય છે. કયાંક ઇજા પણ થાય છે. મારો આપ સૌને આગ્રહ છે કે, પોતાનું પણ ધ્યાન રાખશો, અને ઉત્સવને પણ ખૂબ ઉમંગથી ઉજવશો. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ખૂબખૂબ ધન્યવાદ.   

               

RP