Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કિસાન માન ધન યોજના શરૂ કરી   


ખેડૂતોના જીવનને સુરક્ષિત બનાવવાના વધુ એક પ્રયત્નના ભાગરૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડની રાજધાની રાંચી ખાતે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજનાની શરૂઆત કરી હતી.

 

આ  યોજના 60 વર્ષની વય પ્રાપ્ત કરતાં 5 કરોડ નાના અને સિમાંત ખેડૂતોને પ્રતિ માસ લઘુતમ રૂ.3000નું પેન્શન પુરું પાડીને તેમના જીવનને સુરક્ષિત બનાવશે.

 

પ્રધાનમંત્રીએ વેપારીઓ અને સ્વરોજગાર વ્યક્તિઓ માટે પણ રાષ્ટ્રીય પેન્શન યોજના શરૂ કરી હતી.

 

આ યોજના 60 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા બાદ નાના વેપારીઓ અને સ્વરોજગાર વ્યક્તિઓને રૂ.3,000નુ લઘુતમ સુનિશ્ચિત પેન્શન પુરું પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે.

 

આ યોજનાના કારણે આશરે 3 કરોડ નાના વેપારીઓને લાભ પ્રાપ્ત થશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મજબૂત સરકાર તમારી અપેક્ષાઓ પૂર્ણ કરશે તે અંગેનું ચૂંટણી વચન નિભાવવામાં આવ્યું છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું “મે કહ્યું હતું કે નવી સરકારની રચના બાદ દેશના દરેક ખેડૂત પરિવારને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ મળશે. આજે, દેશના સાડા છ કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં 21 હજાર કરોડથી વધારે રકમ જમા કરાવવામાં આવી છે. ઝારખંડના 8 લાખ ખેડૂત પરિવારો પણ છે, જેમના ખાતામાં અઢીસો કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યાં છે.”

તેમણે કહ્યું, “સરકાર તેવા લોકોની હમસફર બની રહી છે જેમને તેની સૌથી વધારે જરૂર છે. આ વર્ષે માર્ચ મહિનાથી, દેશના કરોડો બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટે આ પ્રકારની પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું, “32 લાખથી વધારે શ્રમિકો શ્રમયોગી માનધન યોજના સાથે જોડાયા છે. 22 કરોડથી વધારે લોકો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાથે જોડાયા છે, જેમાંથી 30 લાખથી વધારે લાભાન્વિતો માત્ર ઝારખંડના છે. વધુમાં આયુષમાન ભારત યોજના અંતર્ગત આશરે 44 લાખ ગરીબ દર્દીઓને લાભ પ્રાપ્ત થયો છે, જેમાંથી 3 લાખ ઝારખંડમાંથી છે.”

 

તમામ લોકોને સશક્ત બનાવવાના ભાગરૂપે પ્રધાનમંત્રીએ આજે સમગ્ર દેશભરમાં આવેલા આદિવાસી બહુમતી વિસ્તારોમાં 462 એકલવ્ય મોડલ સ્કૂલની શરૂઆત કરી હતી. આ સ્કૂલો આ વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરનું ગુણવતાસભર શિક્ષણ પુરુ પાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું, “આ એકલવ્ય સ્કૂલો આદિવાસી બાળકો માટે માત્ર શિક્ષણના માધ્યમ તરીકે જ સેવા નહીં આપે, પરંતુ તેની સાથે સ્થાનિક કળા અને સંસ્કૃતિના રક્ષણ સહિત રમત-ગમત અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ પણ પુરી પાડશે. આ સ્કૂલોમાં, સરકાર દરેક આદિવાસી બાળક દીઠ એક લાખથી વધારે રૂપિયાનો ખર્ચ કરશે.”

 

પ્રધાનમંત્રીએ સાહિબગંજ ખાતે મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ ટર્મિનલનું પણ ઉદઘાટન કર્યુ હતું.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું, “આજે હું સાહિબગંજ મલ્ટી-મોડલ ટર્મિનલનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય ધરાવું છું. આ માત્ર વધુ એક પ્રોજેક્ટ નથી પરંતુ આ સંપૂર્ણ પ્રદેશને પરિવહનનો નવો વિકલ્પ પુરો પાડી રહ્યો છે. આ જળમાર્ગ ઝારખંડને માત્ર સમગ્ર દેશ સાથે નહીં જોડે પરંતુ વિદેશના દેશો સાથે પણ જોડશે. આ ટર્મિનલ ઉપરથી, આદિવાસી ભાઇઓ અને બહેનો, ખેડૂતો તેમના ઉત્પાદનને સમગ્ર દેશના બજારમાં વધુ આસાનીથી પહોચાડવા માટે સક્ષમ બનશે.”

 

પ્રધાનમંત્રીએ ઝારખંડની નવી વિધાનસભા ઇમારતનું પણ ઉદઘાટન કર્યુ હતું.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે, રાજ્યની રચના પછી આશરે બે દાયકા બાદ, લોકશાહીના મંદિરનું ઝારખંડમાં ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. આ ઇમારત એક પવિત્ર સ્થળ છે જ્યા ઝારખંડના લોકોના સુવર્ણ ભવિષ્યની આધારશીલા મુકાશે અને અને વર્તમાન અને ભાવિ પેઢીના સ્વપ્નોને સાકાર કરવામાં આવશે.” પ્રધાનમંત્રીએ નવા સચિવાલયની ઇમારતની પણ આધારશીલા મૂકી હતી.

 

પ્રધાનમંત્રીએ એક જ વખત ઉપયોગ કરી શકાતા પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા દેશવાસીઓને અપીલ કરી હતી.

11મી સપ્ટેમ્બર, 2019ના રોજ શરૂ કરાયેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો સંદર્ભ આપતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “ગઇ કાલથી, દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝૂંબેશ હેઠળ, 2જી ઓક્ટોબર સુધી આપણે આપણાં ઘરો, સ્કૂલો, ઓફિસોમાં એક જ વખત વાપરી શકાતા  પ્લાસ્ટિકનો સંગ્રહ કરવાનો છે. ગાંધીજીની 150મી જન્મ જયંતિ એટલે કે 2 ઓક્ટોબરના રોજ આપણે પ્લાસ્ટિકના ઢગલાને દૂર કરીશું.”

 

DK/J.Khunt