Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બ્લૂમબર્ગ ઈન્ડિયા ઈકોનોમિક ફોરમ – 2016 માં પ્રધાનમંત્રીના વક્તવ્યનું લખાણ

બ્લૂમબર્ગ ઈન્ડિયા ઈકોનોમિક ફોરમ – 2016 માં પ્રધાનમંત્રીના વક્તવ્યનું લખાણ


શ્રી મિક્લેથવેટ,

પ્રતિષ્ઠિત અતિથિગણ,

સન્નારીઓ અને સજ્જનો,

ભારતમાં બ્લૂમબર્ગની હાજરીનાં 20 વર્ષોની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેતાં મને આનંદ થાય છે. આ સમયગાળા દરમિયાન બ્લૂમબર્ગે ભારતીય અર્થવ્યવસ્થા અંગે ચાતુર્યભરી સમીક્ષા અને કટાક્ષપૂર્ણ વિશ્લેષણો આપ્યાં છે. નાણાં જગત માટે તે અનિવાર્ય હિસ્સો બની ગયું છે.

આ ઉપરાંત, અમારો સ્માર્ટ સીટીઝનો કાર્યક્રમ ઘડવા માટે શ્રી મિશેલ બ્લૂમબર્ગ પાસેથી મળેલી કિંમતી સલાહ માટે હું કૃતજ્ઞ છું. વિશ્વનાં મહાન શહેરોમાં સ્થાન ધરાવતાં શહેરના મેયર તરીકે શ્રી બ્લૂમબર્ગ, પસંદગીમાં શ્રેષ્ઠ શહેર કેવી રીતે બને તે અંગે તેમની વ્યક્તિગત સૂઝ છે. એમના વિચારોએ સ્માર્ટ સીટીઝના કાર્યક્રમને સમૃદ્ધ બનાવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ, અમે દેશભરમાં એવાં 100 શહેરો રચવા માંગીએ છીએ, જે શહેરી વિકાસની આદર્શ પ્રતિકૃતિ બને.

વિશ્વ વૈશ્વિક વિકાસમાં યોગદાન માટે ભારત પાસેથી ઘણી આશા રાખે છે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું તમારી સમક્ષ ભારત કેવી રીતે પડકારોને ઝીલવા ઈચ્છે છે એ અંગેના મારા વિચારો રજૂ કરું છું.

હું ત્રણ મહત્ત્વનાં ક્ષેત્રોનો ઉલ્લેખ કરીશ. પહેલું, હું ભારતના આર્થિક વિકાસ અંગે ચર્ચા કરીશ. બીજું, હું કેટલાક વહીવટી અને નીતિવિષયક સુધારાઓની રૂપરેખા આપીશ, જેનાથી વિકાસ સાધી શકાયો અને જેના પર વિકાસની રફતાર જળવાઈ રહેશે. ત્રીજું, હું આર્થિક વિકાસના પાસા, જેને રોજગાર સર્જન તરીકે ઓળખાય છે અને જે મારા માટે ખાસ મહત્ત્વનું છે, તેના વિશે જણાવીશ.
નિષ્ણાતો એ બાબતે સર્વસંમત છે કે ભારત, વૈશ્વિક અર્થતંત્રના ચમકતા તારલા સમાન છે. ભારતમાં ફુગાવાનો દર નીચો છે, ચૂકવણીનાં ચાલુ ખાતાની ખાધ ઓછી છે અને વૃદ્ધિનો દર ઊંચો છે. આ યોગ્ય નીતિને કારણે સંભવ બન્યું છે, સારા નસીબને કારણે નહીં. હું તમને વિગતવાર જણાવું :

• વર્ષ 2008થી 2009 દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 147 ડોલરની ટોચેથી ઘટીને 50 ડોલર કરતાં નીચે ગગડી ગયા હતા. વર્ષ 2014થી 2015 દરમિયાન થયેલા ઘટાડા કરતાં પણ આ ઘટાડો વધુ તીવ્ર હતો. છતાં, વર્ષ 2009-10માં ભારતની નાણાંકીય ખાધ, તેની ચાલુ ખાતાની ખાધ અને ફુગાવાનો દર નોંધપાત્ર રીતે કથળી ગયા હતા. અને આ ઘટાડો, આ ત્રણેય માટે ઊંચા પાયાના ભાવ બાંધવાને કારણે નોંધાયો હતો. પરંતુ વર્ષ 2015-16માં ત્રણેય આંકડા સુધર્યા છે અને તળિયેથી ઊંચકાયા છે.

• અન્ય ઘણી ઉભરતી અર્થવ્યવસ્થાઓ પણ આયાતી તેલ પર નિર્ભર છે. જો તેલના ભાવ સફળતાના સૂત્રધાર હોય, તો આવાં તમામ દેશોની અર્થવ્યવસ્થાઓ પર સમાન અસર જોવા મળવી જોઈએ. પરંતુ એવું નથી.

• વૈશ્વિક વેપાર કે વિકાસ માટે પણ આપણે પાછા પડીએ છીએ. બંને નીચા છે અને નિકાસો વધારવા માટે મદદરૂપ નથી બન્યા.

• ચોમાસા અને હવામાને પણ આપણને સાથ આપ્યો નથી. વર્ષ 2015 અને 2014 બંને દુકાળનાં વર્ષો રહ્યાં હતાં. દુકાળની સાથે સાથે કમોસમી કરાં પડ્યાં હતાં. આમ છતાં પણ, દુકાળનાં પાછલાં વર્ષ 2009-10ની સરખામણીએ ખાદ્યાન્નનું ઉત્પાદન ઘણું ઊંચું અને ફુગાવો ઘણો નીચો નોંધાયો હતો.

ભારત માટે વૈશ્વિક વૃદ્ધિના હાંસિયામાં ટોચનું સ્થાન અસામાન્ય સ્થિતિ છે. સ્વાભાવિક રીતે જ કેટલાકને આ વાત હજમ કરવી મુશ્કેલ છે અને ભારતની સિદ્ધિને ઝાંખપ લગાડવા માટે કાલ્પનિક અને મનઘડંત વિચારો સાથે આવે છે. હકીકત એ છે કે ભારતની આર્થિક સફળતા ડહાપણ, મજબૂત નીતિ અને અસરકારક વહીવટ દ્વારા કઠોર પરિશ્રમથી હાંસલ કરાયેલું પરિણામ છે. અમારી કેટલીક નીતિઓ વિશે હું પછીથી વાત કરીશ, પરંતુ અત્યારે હું એક વાત પર ભાર મૂકીશ – નાણાંકીય દ્રઢીકરણ. અમે છેલ્લાં બે નાણાંકીય વર્ષોમાં મહાત્વાકાંક્ષી નાણાંકીય લક્ષ્યાંકો હાંસલ કર્યાં છે. મૂડી ખર્ચ વધી રહ્યો હોવા છતાં અમે ખાધ ઘટાડી છે. અને 14મા નાણાં આયોગના ચૂકાદાને પગલે કરવેરાની આવકમાં કેન્દ્ર સરકારનો હિસ્સો મોટા પ્રમાણમાં ઘટ્યો હોવા છતાં આ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2016-17 માટે અમે જીડીપીના 3.5 ટકાની નાણાંકીય ખાધનું લક્ષ્યાંક રાખ્યું છે. છેલ્લાં 40 વર્ષમાં આ બીજું સૌથી નીચું તળિયું હશે.

મહત્ત્વની અર્થવ્યવસ્થાઓમાં અમારો વિકાસ દર સૌથી ઊંચો હોવાનું નોંધાયું છે. કેટલાક લોકો હજુ મૂંઝવણમાં છે અને એવું કહી રહ્યા છે કે વિકાસનો દર સાચો નથી લાગતો. હું તેમની લાગણીઓની સામે હકીકત રજૂ કરીને કદાચ એમની મૂંઝવણ ઘટાડવામાં મદદરૂપ બની શકીશ.

સૌપ્રથમ ધિરાણની સ્થિતિ જોઈએ. સપ્ટેમ્બર, 2015 પછી ધિરાણોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ફેબ્રુઆરી, 2015થી ફેબ્રુઆરી, 2016 દરમિયાન ધિરાણના ઉપાડમાં 11.5 ટકાનો વધારો થયો છે. ઈક્વિટી અને ઘરઆંગણાના તેમજ વિદેશી વિવિધ પ્રકારનાં ધિરાણો દ્વારા કોર્પોરેટ ક્ષેત્રમાં ધિરાણોનો એકંદર પ્રવાહ વર્ષ 2015-16ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં 30 ટકા કરતાં પણ વધુ વધ્યો છે.

ક્રેડિટ રેટિંગ અંગે કેટલાક ઘણા રસપ્રદ આંકડા નોંધાયા છે. વર્ષ 2013 અને 2014માં ક્રેડિટ રેટિંગ વધારાયું હોય, તેવી કંપનીઓ કરતાં અનેક કંપનીઓનું ક્રેડિટ રેટિંગ ઘટાડવામાં આવ્યું હતું. હવે તેમાં નિર્ણાયક ફેરફાર જોવા મળે છે. ક્રેડિટ રેટિંગમાં અપગ્રેડ થવાનું પ્રમાણ વધ્યું છે અને ડાઉનગ્રેડ થવાનું પ્રમાણ ઘટ્યું છે. નાણાંકીય વર્ષ 2015-16ના પ્રથમ છમાસિક ગાળામાં ડાઉનગ્રેડ થતી દરેક કંપની સામે બે કરતાં વધુ કંપનીઓ અપગ્રેડ પામી હતી, જે તાજેતરનાં વર્ષોનું શ્રેષ્ઠ લેવલ છે.

ઓછું લીવરેજ ધરાવતી કંપનીઓમાં હવે વધુ સારી સ્થિતિ છે. ડાઉનગ્રેડ કરતાં અપગ્રેડ વિશાળ માર્જિન સાથે વધુ છે. ઓછું લીવરેજ ધરાવતી મોટી કંપનીઓ માટે ડાઉનગ્રેડના આંકડા કરતાં અપગ્રેડનાં આંકડા 6.8 ગણા વધુ છે, મધ્યમ કદની કંપનીઓ માટે આ રેશિયો 3.9 છે અને નાની કંપનીઓ માટે 6.3 છે. આ અત્યંત અસાધારણ ઊંચા આંકડા છે.

માત્ર ઊંચું લીવરેજ ધરાવતી મોટી કંપનીઓમાં જ ડાઉનગ્રેડનું પ્રમાણ વધુ જોવા મળે છે. સરકાર અને રિઝર્વ બેન્કે મોટા કોર્પોરેટ ડિફોલ્ટર્સ પાસેથી ધિરાણો પરત મેળવવા કડક પગલાં લીધાં છે. કદાચ આ ક્ષેત્રના હોહાપોહને કારણે મીડિયાના અભિગમો પર અસર થઈ છે.

ધિરાણની વાત પરથી હવે રોકાણોની વાત પર જઈએ. ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સીધાં વિદેશી રોકાણો ઐતિહાસિક ઊંચા નોંધાયા છે. પરંતુ મારા માટે વધુ રસપ્રદ વાત એ છે કે કેટલાંક મહત્ત્વનાં ક્ષેત્રોમાં નાટ્યાત્મક વધારો જોવા મળે છે. ઓક્ટોબર, 2014થી સપ્ટેમ્બર, 2015 દરમિયાન ફર્ટિલાઈઝર ક્ષેત્રમાં સીધાં વિદેશી રોકાણો 224 મિલિયન ડોલર નોંધાયાં હતાં, જે ઓક્ટોબર, 2013થી સપ્ટેમ્બર, 2014 દરમિયાન માત્ર એક મિલિયન ડોલર હતાં. ખાંડના ક્ષેત્રે માત્ર ચાર મિલિયન ડોલરની સામે 125 મિલિયન ડોલર સીધાં વિદેશી રોકાણો નોંધાયાં, જ્યારે કૃષિ સંલગ્ન મશીનરીના ક્ષેત્રે સીધાં વિદેશી રોકાણો 28 મિલિયન ડોલરથી બમણાં વધીને 57 મિલિયન ડોલર નોંધાયાં હતાં. આ એવાં ક્ષેત્રો છે, જે ગ્રામીણ અર્થવ્યવસ્થા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં છે. આ ક્ષેત્રોમાં વિદેશી રોકાણો વધી રહ્યાં હોવાનું મારા માટે રોમાંચક છે.

સપ્ટેમ્બર, 2015 સુધીના વર્ષમાં બાંધકામ પ્રવૃત્તિઓમાં વિદેશી રોકાણોમાં 316 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રે 285 ટકા તેમજ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વિદેશી રોકાણોમાં 71 ટકા વૃદ્ધિ જોવા મળી છે. રોજગાર વધારનારાં ક્ષેત્રોમાં મેઈક ઈન ઈન્ડિયા પોલિસીની અસરનો આ નક્કર પુરાવો છે.

નિકાસોના ક્ષેત્રે મુશ્કેલીભર્યા વૈશ્વિક માહોલમાં મેન્યુફેક્ચરીંગ આઉટપુટ અસ્થિર બન્યાં હતાં. જોકે, મેન્યુફેક્ચરીંગનાં કેટલાંક મહત્ત્વનાં પેટાં ક્ષેત્રો ઝડપભેર વિકસી રહ્યાં છે. મોટરકારના ઉત્પાદનનાં આંકડા, ગ્રાહકોની ખરીદશક્તિ અને આર્થિક પ્રવૃત્તિના મજબૂત સૂચકો છે, જેમાં 7.6 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. રોજગાર વધારનારા વસ્ત્ર-પરિધાનના ક્ષેત્રે 8.7 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ફર્નિચરના મેન્યુફેક્ચરીંગના ક્ષેત્રે 57 ટકાનો વધારો નોંધાયો છે, જે ફ્લેટ્સ અને ઘરોના વેચાણમાં વૃદ્ધિ સૂચવે છે.

ભવિષ્ય તરફ જોઈએ, તો મને કૃષિ ક્ષેત્ર વિશે વાત કરવા દો. ભૂતકાળમાં, ખેડૂતોની આવકને બદલે કૃષિ ક્ષેત્રની પેદાશો પર ભાર મૂકવામાં આવતો હતો. મેં વર્ષ 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું. મેં આ લક્ષને પડકાર તરીકે ઉપાડ્યું છે, પરંતુ તે એક પડકારમાત્ર નથી. સુદ્રઢ વ્યૂહરચના, વ્યવસ્થિત રીતે ઘડાયેલા કાર્યક્રમો, પર્યાપ્ત સંસાધનો અને અમલીકરણમાં કુશળ શાસન સાથે આ લક્ષ્યાંક હાંસલ કરી શકાય તેમ છે. અને, આપણા દેશની વિશાળ વસતી કૃષિ પર નિર્ભર હોવાથી ખેડૂતોની આવક બમણી થવાથી અર્થતંત્રનાં અન્ય ક્ષેત્રોને ખાસ્સો લાભ થશે.

અમારી વ્યૂહરચના તમને સંક્ષિપ્તમાં જણાવું.

– પહેલું, અમે અંદાજપત્રોમાં મોટા વધારા સાથે સિંચાઈ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે સિંચાઈને પાણીની સાચવણી સાથે જોડીને સાકલ્યવાદી અભિગમ અપનાવ્યો છે. અમારું ધ્યેય છે – પર ક્રોપ, મોર ક્રોપ, એટલે કે પાણીનું પ્રત્યેક ટીપું પેદાશ વધારવા માટે વપરાય.

– બીજું, અમે ગુણવત્તાભર્યું બિયારણ પૂરું પાડવા પર તેમજ પોષક વપરાશની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સોઈલ હેલ્થ કાર્ડ – માટીનું પરીક્ષણ દર્શાવતું પત્રક પ્રત્યેક ખેતરની જરૂરિયાત મુજબ ઉત્પાદક સામગ્રીની સચોટ પસંદગી કરવાની ક્ષમતા આપે છે. આને કારણે ઉત્પાદનનો ખર્ચ ઘટે છે અને ચોખ્ખી આવક વધે છે.

– ત્રીજું, પાકનો મોટો હિસ્સો વપરાશકાર સુધી પહોંચે એ પહેલાં જ નાશ પામે છે. ઝડપથી બગડી જાય તેવા પાક ખેતરમાંથી વપરાશકાર સુધી પહોંચે ત્યાં સુધીમાં જ નાશ પામે છે. જલ્દી બગડે નહીં તેવા પાક સંગ્રહ દરમિયાન ખરાબ થઈ જાય છે. વખાર વ્યવસ્થા અને કોલ્ડ સ્ટોરેજની સવલતોમાં મોટાં રોકાણો દ્વારા અમે પાક લીધા પછી થતાં નુકસાન ઘટાડી રહ્યા છીએ. કૃષિ ક્ષેત્રે માળખાકીય સવલતો માટે અમે ખર્ચની જોગવાઈમાં ધરખમ વધારો કર્યો છે.

– ચોથું, અમે ફૂડ પ્રોસેસીંગ દ્વારા મૂલ્ય વૃદ્ધિને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. દાખલા તરીકે, મારી ફોન પરની વાતચીતના પ્રતિભાવમાં કોકાકોલાએ તાજેતરમાં તેના કેટલાક એરેટેડ ડ્રિન્ક્સમાં ફળોનો રસ ઉમેરવાનું શરૂ કર્યું છે.

– પાંચમું, અમે વિક્રેતાઓને હટાવીને રાષ્ટ્રીય કૃષિ બજાર વિકસાવી રહ્યા છીએ. 585 નિયમનકારી જથ્થાબંધ બજારો વચ્ચે એક સામાન્ય ઈલેક્ટ્રોનિક માર્કેટનું પ્લેટફોર્મ દાખલ થઈ રહ્યું છે. અમે વચેટિયાઓને ઓછામાં ઓછી રકમ જાય અને ખેડૂતોને છેવટના ભાવનો મહત્તમ હિસ્સો મળે એ સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છીએ. આ બજેટમાં ઘરઆંગણાના ખાદ્ય ઉત્પાદનોના માર્કેટિંગમાં સીધા વિદેશી રોકાણો – એફડીઆઈને આવકારવામાં આવ્યાં એની પાછળ આ જ ઉદ્દેશ છે.

– છઠ્ઠું, અમે પ્રધાન મંત્રી પાક વીમા યોજના શરૂ કરી છે. તે દેશભરમાં વ્યાપક પાક વીમા કાર્યક્રમ છે, જે ખેડૂતોને એમના નિયંત્રણ બહારનાં જોખમો સામે પરવડે તેવા ખર્ચે સંરક્ષણ આપે છે. આ યોજના ખેડૂતોને ખરાબ હવામાનના સમયે આવકની ખાતરી આપશે.

– સાતમું, અમે આનુષંગિક પ્રવૃત્તિઓ વધારીશું. આમાંની કેટલીક મરઘાં-ઉછેર, મધમાખી-ઉછેર, ખેતતલાવડીઓ અને માછીમારી મારફતે હશે. અમે ખેડૂતોને તેમની જમીનનો બિનઉપજાઉ હિસ્સો, ખાસ કરીને ખેતરની સીમા અને ખેતર વચ્ચેનો હિસ્સો ઈમારતી લાકડું ઉછેરવા તેમજ સોલર સેલ્સ નાંખવા ઉપયોગમાં લેવા પ્રોત્સાહિત કરીશું.

અમે આ સંયોજનો દ્વારા ખેડૂતોની આવક વધારીશું –

– ઉત્પાદનમાં વૃદ્ધિ

– ઉત્પાદક સામગ્રીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ

– પાક લેવાયા પછીના નુકસાનમાં ઘટાડો

– ઊંચી મૂલ્ય વૃદ્ધિ

– નીચા માર્કેટિંગ માર્જિન

– જોખમ સામે સંરક્ષણ

– અને આનુષંગિક પ્રવૃત્તિઓ

મને વિશ્વાસ છે કે અમે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક હાંસલ કરી શકીશું. મને એ વાત કહેતાં આનંદ થાય છે કે ભારતીય કૃષિજગતના પિતામહ સમાન ડૉ. એ. એસ. સ્વામીનાથન સંમત થયા છે. તેમણે બજેટ રજૂ થયા બાદ મને પત્ર લખીને ખેડૂત-કેન્દ્રિત બજેટ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ખેતી માટે આવકલક્ષી અભિગમ આવકાર્યો છે. તેમના જ શબ્દોમાં જણાવું તો,

“એકંદરે, સંસાધનોની મર્યાદાને આધીન રહીને બજેટ શક્ય એટલું ખેડૂત તરફી બનાવવાનો પ્રયત્ન કરાયો છે. કૃષિક્ષેત્રે પરિવર્તનનાં બીજ રોપાઈ ચૂક્યાં છે અને ખેતીના વ્યવસાયમાં યુવાનોને આકર્ષવાની અને તેમને એમાં ટકાવી રાખવાની કવાયત શરૂ થઈ ચૂકી છે. કૃષિજગતમાં નવા યુગનું પરોઢ ડોકાય છે.”

હવે હું તમને કેટલાક કાર્યક્રમો અને નીતિઓ વિશે વાત કરું, જે વિકાસમાં ટેકારૂપ બન્યા છે. મેં પહેલા કહ્યું તેમ, મારું ધ્યેય સર્વાંગી પરિવર્તન માટે સુધારાનું છે. સુધારાનું ધ્યેય સામાન્ય લોકોના જીવનમાં સર્વાંગી પરિવર્તન લાવવાનું છે. આપણે વહીવટી સુધારાથી અને અમલીકરણ પર અમારા ધ્યાન વિશેની વાતથી શરૂ કરીએ.

ભારત જેવા દેશમાં સંસાધનો ટાંચા અને સમસ્યાઓ અપાર છે. અમલીકરણમાં કાર્યક્ષમતા વધારીને સંસાધનોનો મહત્તમ વપરાશ કરવો એ સમજદારીપૂર્વકની વ્યૂહરચના છે. માત્ર નીતિઓ અથવા તો કહેવાતી નીતિઓ જાહેર કરવાથી કશું હાંસલ નથી થતું. સુધારાલક્ષી નીતિઓને બદલે આપણે પરિવર્તનકારી અમલની વધુ જરૂર છે. હું તમને ઉદાહરણ આપું. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો વર્ષ 2013માં પસાર થયો, પરંતુ મોટા ભાગનાં રાજ્યોમાં તેનો અમલ જ થયો ન હતો. મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ – મનરેગામાં ફાળવવામાં આવેલો મોટા ભાગનો ખર્ચ, હિસાબોના ચોપડે ખર્ચની નોંધ લેવાતી હોવા છતાં દલાલો, વચેટિયા અને ગરીબ ન હોય તેવા લોકો ઉચાપત કરી જતા હતા.

અમે ખાદ્ય સુરક્ષા કાયદાનો રાષ્ટ્રભરમાં અમલ શરૂ કર્યો છે. રોજગાર ગેરંટી યોજનામાં રકમની ઉચાપતમાં ધરખમ ઘટાડો અમે લાવ્યા છીએ અને એ નાણાં ખરેખર જેના માટે ફાળવવામાં આવ્યાં છે, તેવી વ્યક્તિઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. અમે દલાલોને બદલે લોકોને લાભ મળે તેવી મજબૂત અસ્ક્યામતો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને નાણાંકીય સમાવેશીકરણનાં ગુણગાન ગાવાને બદલે અમે સાચોસાચ કામ કરી બતાવીને 20 કરોડથી વધુ લોકોને બેન્કિંગ વ્યવસ્થા હેઠળ લાવ્યા છીએ.

બહોળે પાયે અમારા અમલીકરણના વિક્રમ અને વિશિષ્ટ રીતે ભ્રષ્ટાચારમાં ઘટાડાને હવે તમે સારી રીતે સમજી શક્યા હશો. એટલે હું ટૂંકમાં કહીશ. કોલસો, ખનિજો અને સ્પેક્ટ્રમની પારદર્શિતા સાથે હરાજી કરીને મોટી રકમો એકઠી કરવામાં આવી. સંચાલન વ્યવસ્થામાં સુધારાને પગલે વીજળીની અછત દૂર થઈ, ધોરીમાર્ગના દૈનિક બાંધકામમાં વિક્રમ સર્જાયો અને બંદરોના થ્રુ-પુટ બાબતે પણ ઐતિહાસિક સિદ્ધિ મેળવી. વિવિધ ક્ષેત્રોમાં અમે અનેક નવા કાર્યક્રમો શરૂ કર્યા છે. વારસા અંગેના ઘણા મુદ્દા ઉકેલ્યા છે. અટવાયેલા પ્રોજેક્ટોની સંખ્યા ઘટી છે. લાંબા સમયથી બંધ પડેલો ડાભોલ પાવર પ્લાન્ટ અમારા સહકારભર્યા પ્રયત્નોથી ફરી કાર્યાન્વિત થયો છે અને વીજળીનું ઉત્પાદન શરૂ થયું છે, રોજગાર બચ્યા છે અને બેન્કો માટે ઘાલખાધની સમસ્યા ટળી છે. હવે હું નીતિવિષયક સુધારાની વાત કરું. જ્યારથી આ સરકાર સત્તામાં આવી, ત્યારથી ફુગાવામાં મજબૂત ઘટાડો નોંધાયો હોવાનું મેં કહ્યું હતું. નાણાંકીય નીતિ વધુ મજબૂત કરવા માટે લેવાયેલા કેટલાક સાહસી પગલાં આ માટે અંશતઃ જવાબદાર છે. ગયા વર્ષે, અમે રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા સાથે મોનેટરી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ કર્યું છે.

આ વર્ષે અમે નાણાં બિલમાં રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના કાયદામાં સુધારા દાખલ કર્યા છે. આ સુધારા હેઠળ, રીઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા ફુગાવા માટે લક્ષ્યાંક રાખશે અને મોનેટરી પોલિસી કમિટી મારફતે નાણાંકીય નીતિ ઘડશે. આ કમિટીમાં સરકારના કોઈ સભ્ય નહીં હોય. આ સુધારા દ્વારા નાણાંકીય નીતિ ફુગાવા કેન્દ્રિત બનશે અને વિશ્વનાં મુખ્ય ઉભરતાં બજારોમાં ક્યાંયે જોવા ન મળતી હોય તેવી તેમજ કેટલાક વિકસિત દેશો કરતાં પણ વધુ એવી અભૂતપૂર્વ સંસ્થાકીય સ્વાયત્તતા મળશે. નાણાંકીય દ્રઢીકરણની હિમાયતની સાથે સાથે અમે મેક્રો-ઈકોનોમિક ક્ષેત્રે સમજદારીભર્યાં પગલાં અને સ્થિરતા માટે મજબૂત રીતે પ્રતિબદ્ધ હોવાનો આ પુરાવો છે.

વધુ એક નીતિવિષયક સુધારો પેટ્રોલિયમ ક્ષેત્રે કરવામાં આવ્યો છે. નવી હાઈડ્રોકાર્બન એક્સ્પ્લોરેશન લાયસન્સિંગ પોલિસી હેઠળ કિંમત નિર્ધારણ અને માર્કેટિંગની સ્વતંત્રતા આપવામાં આવી છે અને કમાણીની વહેંચણીની પારદર્શી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે. આને કારણે અમલદારશાહીનાં નિયંત્રણોનાં અનેક પ્રશ્નો દૂર થશે. જે વિકસાવાયેલાં નથી તેવાં ચાલુ પ્રોજેક્ટો માટે પણ અમે જાહેર કરવામાં આવેલી ઈમ્પોર્ટ પેરિટિના ભાવ પર આધારિત પારદર્શી ટોચમર્યાદાને આધીન માર્કેટિંગ અને ભાવનિર્ધારણની સ્વતંત્રતા આપી છે. હાલમાં ચાલુ હોય તેવા ઉત્પાદન વહેંચણીના કરારોને રીન્યુ કરવા માટે અમે નફામાં સરકારના હિસ્સામાં એક ટકાના વધારા સાથે પારદર્શી પદ્ધતિ દાખલ કરી છે. આને પગલે વિસંગતિ અને અનિશ્ચિતતા દૂર થયા છે.

સંસદમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ પસાર કરવામાં આવ્યો, જેનાથી રિયલ એસ્ટેટના બજારમાં લાંબા ગાળે પરિવર્તન જોવા મળશે, ખરીદ કરનારાઓને સંરક્ષણ મળશે અને ઈમાનદારી પૂર્વકના તેમજ સ્વસ્થ વ્યવહારોને પ્રોત્સાહન મળશે. લાંબા સમયથી અટવાયેલા આ ખરડાને કાયદો બનાવવાની સાથે સાથે અમે નવા મધ્યમ વર્ગ અને ગરીબો માટે રહેઠાણ બનાવતા ડેવલપર્સ અને ખરીદકારો માટે કરવેરા પ્રોત્સાહનો શરૂ કર્યા છે.

વીજળી ક્ષેત્રે યુડીએવાય – ઉદય યોજનાએ રાજ્ય સરકારોને મળતાં પ્રોત્સાહનોનું માળખું કાયમ માટે બદલી નાંખ્યું છે. મહાત્વાકાંક્ષી કાર્યકારી લક્ષ્યાંકો હાંસલ કરવાથી વિશ્વસનીય પ્રોત્સાહનો મળે છે.

આ યોજના હેઠળ, તબક્કાવાર રીતે, રાજ્ય સરકારોએ વિતરણ કંપનીઓના નુકસાનો ઉઠાવવાના રહેશે અને એની નાણાંકીય ખાધનાં લક્ષ્યાંકો સામે ગણતરીમાં મૂકવાનાં રહેશે. આને પગલે રાજ્યો પર અંદાજપત્રમાં મોટી જવાબદારી લદાશે. વીજ ક્ષેત્રનું કુનેહપૂર્વક સંચાલન કરવાથી રાજ્યોને ભારે પ્રોત્સાહન મળશે. વીજ વિતરણ કંપનીઓના કુલ દેવામાં 40 ટકા હિસ્સા માટે નવ રાજ્યોએ કેન્દ્ર સરકાર સાથે આ અંગે સમજૂતી કરાર કરી લીધા છે. અન્ય નવ રાજ્યોએ આવા કરાર કરવા માટે સહમતિ દર્શાવી છે.

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સરકારના આ ખાસ પ્રચલિત નહીં એવા નીતિવિષયક સુધારાથી તમે કદાચ માહિતગાર હશો. સૌર ઉર્જાના ઉત્પાદનની વર્ષે 1500 મેગાવોટ કરતાં પણ ઓછી ક્ષમતા વધારીને આપણે વર્ષે 10,000 મેગાવોટ ક્ષમતા હાંસલ કરી છે. આપણી આબોહવા પરિવર્તન અંગેની વ્યૂહરચનાના આધારસ્તંભ તરીકે મેં રીન્યુએબલ એનર્જી માટે 175 ગિગાવોટ ક્ષમતાનું લક્ષ્યાંક જાહેર કર્યું ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું અને કેટલાક લોકોને શંકા પણ થઈ હતી. છતાં, આ મહિને ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ રીન્યુએબલ્સમાં વધારાને પગલે ઉર્જા-સંબંધિત કાર્બન ઉત્સર્જનમાં વૈશ્વિક વૃદ્ધિ અટકી હોવાનું નોંધ્યું છે.

તાજેતરમાં જ સંસદમાં આંતરદેશીય જળમાર્ગો અંગે નવો કાયદો પસાર થયો, જેનાથી પરિવહન માટેની આ વધુ કાર્યક્ષમ પદ્ધતિમાં ઝડપી વિકાસ જોવા મળશે. આને પગલે પરિવહન કરી શકાય તેવાં જળમાર્ગોની સંખ્યા પાંચથી વધીને 106 થશે.

રેલવે અને સંરક્ષણ જેવાં અત્યારસુધી અંકુશ હેઠળનાં ક્ષેત્રોમાં સીધાં વિદેશી રોકાણને મંજૂરી તેમજ વીમા અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં રોકાણની મર્યાદા વધારવાને પગલે પરિવર્તન જોવા મળશે. આ સુધારાનાં પરિણામો મળવા લાગ્યાં છે. જીઈ અને અલ્સ્ટોમ દ્વારા બિહારમાં 500 અબજ ડોલરના રોકાણે બે નવી લોકોમોટિવ ફેક્ટરીઓ નિર્માણ પામી રહી છે. વીમા ક્ષેત્રે 12 કંપનીઓમાં અગ્રણી વૈશ્વિક વીમા કંપનીઓનાં 9600 કરોડ રૂપિયા, આશરે 15 કરોડ ડોલરનાં સીધાં વિદેશી રોકાણોને મંજૂરી અપાઈ છે.

અમે શેરબજારોમાં વિદેશી રોકાણો માટે ટોચમર્યાદા વધારી છે અને તેમને લિસ્ટિંગની મંજૂરી આપી છે. મને ખાતરી છે કે અમે ખાનગી ઈક્વિટી વેન્ચર કેપિટલ તેમજ સ્ટાર્ટ-અપ્સ માટેની ઈકો-સિસ્ટમને પ્રોત્સાહન આપવા કરેલા સુધારાઓથી તમે અવગત હશો જ. આ નવી ઈકોનોમી પર તમારી પેનલની ચર્ચાઓ કેન્દ્રિત હોય છે.

છેલ્લે, અમે રોજગાર સર્જન માટે લીધેલાં મહત્ત્વનાં પગલાંઓ વિશે હું વાત કરીશ. આ વિષય મારી સૌથી ઊંચી પ્રાથમિકતામાં સ્થાન ધરાવે છે. ભારત મૂડીની ટાંચ અને ભરપૂર શ્રમિકોની ઉપલબ્ધિ ધરાવતો દેશ છે. છતાં, કંપની કરવેરાનું માળખું મૂડીપ્રધાન ઉત્પાદનની તરફેણ કરે છે. વધતો જતો ઘસારો અને રોકાણ ભથ્થાં જેવાં કરવેરાના લાભને કારણે શ્રમિકો સામે કૃત્રિમ પક્ષપાત ઊભો થયો છે. શ્રમિકોના નિયમનોએ પણ પદ્ધતિસરના રોજગારને બદલે સામાજિક સુરક્ષા વિના અનૌપચારિક રોજગારને પ્રોત્સાહન આપ્યું છે. આ સ્થિતિ બદલવા અમે બે મહત્ત્વનાં પગલાં લીધાં છે.

પહેલું, જો કોઈ ટેક્સ ઓડિટને આધીન કંપની કર્મચારીઓની સંખ્યા વધારે તો એને ત્રણ વર્ષ માટે વધારાના વેતનના ખર્ચ પર 30 ટકા જેટલી ભારિત કર કપાત મળશે. અગાઉ, આવો લાભ ઘણા ઓછા ઔદ્યોગિક નોકરીદાતાઓને મળતો હતો અને તેમાં એટલા બધાં અંકુશો હતાં, કે તે વ્યવહારુ રીતે બિનઅસરકારક હતો. હવે તેમાં સેવા ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રોને કર્મચારીઓના માસિક 25000 રૂપિયાના પગાર માટે આવરી લેવાયાં છે.

બીજું, સરકારે એમ્પ્લોઈ પ્રોવિડંટ ફંડમાં નોંધાતા તમામ નવા લોકો માટે ત્રણ વર્ષ માટે પેન્શન ચૂકવવાની જવાબદારી લીધી છે. માસિક 15000 રૂપિયા સુધીના વેતન માટે આ લાગુ થશે. અમે ધારીએ છીએ કે આ પગલાંને લીધે લાખો બેરોજગારો તેમજ અનૌપચારિક રોજગાર મેળવતા લોકોને લાભ થશે.

સરકારી ભરતીઓમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સુધારા તરીકે અમે નીચલા અને મધ્યમ સ્તરના પદો માટે ઈન્ટરવ્યુની પ્રથા નાબૂદ કરી છે. હવે પારદર્શી રીતે પરીક્ષાનાં પરિણામોને આધારે આ પદો ભરવામાં આવશે.

તમને ખબર હશે કે એન્જિનિયરીંગ અને મેડિકલ કોલેજો માટે સરકારની પ્રવેશ પરીક્ષાઓનાં પરિણામો ખાનગી કોલેજો દ્વારા પણ ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. શ્રમિકોના બજારને સુધારવા અને બેરોજગારોના લાભ માટે વધુ એક પગલું જાહેર કરતાં મને આનંદ થાય છે. સરકાર અને જાહેર ક્ષેત્રનાં એકમો ભરતી માટે અનેક પરીક્ષાઓ યોજે છે. અત્યાર સુધી, આ પરીક્ષાઓમાં મેળવેલા સ્કોરની માહિતી સરકાર જાળવી રાખશે. અમે પરિણામો જાહેર કરીએ ત્યાર બાદ ઉમેદવાર વિશેની માહિતી જ્યાં પણ ઉમેદવારની સંમતિ મળશે, ત્યાં તમામ નોકરીદાતાઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. આને કારણે એક હકારાત્મક માહોલ સર્જાશે. તેનાથી એક સમૃદ્ધ ડેટાબેઝ ભેગો થશે, જેનો ઉપયોગ ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ તૈયાર અને તટસ્થ સોર્સિંગ અને સ્ક્રીનિંગ પદ્ધતિ તરીકે કરી શકે છે. આને પગલે શ્રમ બજારમાં નોકરીદાતાઓ અને નોકરીવાંચ્છુકો બંને માટે શોધખોળનો ખર્ચ ઘટશે. ઉપરાંત, જે ક્ષેત્રોમાં જરૂર કરતાં વધુ શ્રમિકો છે, તો વધારાના શ્રમિકો જો રોજગાર ઉપલબ્ધ હોય તેવાં અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની યોગ્યતા પણ ધરાવતાં હોય તો સરળતાથી જઈ શકશે.

તમને કદાચ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ સાધેલી અસાધારણ પ્રગતિથી માહિતગાર હશો. આ વર્ષે ઉદ્યોગસાહસિકોને કુલ 19 અબજ ડોલરના મૂલ્યની 3.1 કરોડ કરતાં વધુ લોન મંજૂર કરવામાં આવી છે. તમને એ વાત જાણીને આનંદ થશે કે આ ઉદ્યોગસાહસિકોમાં 77 ટકા મહિલાઓ છે અને 22 ટકા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્યોગસાહસિકો છે. જો આપણે રૂઢિચૂસ્ત અભિગમ રાખીને પણ જોઈએ અને પ્રત્યેક કંપની માત્ર એક જ રોજગારનું સર્જન કરે છે, તેમ ધારીએ તો પણ આ પગલાંને લીધે 3.1 કરોડ નવાં રોજગારનું સર્જન થયું છે. સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજના હેઠળ પણ મહિલાઓ તેમજ અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત જનજાતિઓને 2,50,000 જેટલી ઉદ્યોગસાહસિકતા લોન આપવામાં આવશે.

કૌશલ્ય વિકાસ માટે મારી સરકારે લીધેલાં પગલાં પ્રચલિત છે. બજેટમાં અમે શિક્ષણ ક્ષેત્રે નવો ચીલો ચાતરનારા બે મહત્ત્વના સુધારા પણ જાહેર કર્યાં હતાં. હું એ વિશે વિગતવાર વાત કરીશ. અમારું ધ્યેય ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓને સર્વોચ્ચ ધોરણો હાંસલ કરવામાં મદદરૂપ બનીને સશક્ત બનાવવાનું છે. આ દિશામાં આગળ વધવા અમે 10 ખાનગી અને 10 જાહેર સંસ્થાઓને સક્રિય નિયમનકારી માળખું પૂરું પાડીશું, જેથી તેઓ વિશ્વ કક્ષાની શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તરીકે ઉભરી શકે. એમનું નિયમનકારી માળખું યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની જેમ હાલના માળખાથી સ્વતંત્ર હશે. શૈક્ષણિક, વહીવટી અને નાણાંકીય બાબતોમાં એમને સંપૂર્ણ સ્વાયત્તતા અપાશે. 10 જાહેર યુનિવર્સિટીઓ માટે આવતાં પાંચ વર્ષો માટે અમે વધારાંનાં સંસાધનો પૂરાં પાડીશું. આને પગલે સામાન્ય ભારતીયો પરવડે તે રીતે વિશ્વ કક્ષાના ડિગ્રી કોર્સીઝ કરી શકશે. આ પગલું ઉચ્ચ શિક્ષણ નિયમનકારના મૂળ આદેશને પુનઃસ્થાપિત કરવાની યાત્રાની શરૂઆત છે.

ઉપલા સ્તરથી નીચલા સ્તર પર કમાન્ડ અને કન્ટ્રોલને બદલે નિયમોને આધારિત સ્વ-જાહેરાત અને પારદર્શિતા દ્વારા તેઓ મદદગાર અને માર્ગદર્શક હોવાં જોઈએ. તબક્કાવાર, નિયમનકારી સુધારા દ્વારા અમે તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં વૈશ્વિક ધોરણોની આશા રાખીએ છીએ.

બીજું પગલું શાળાકીય શિક્ષણ ક્ષેત્રે લેવાયું છે. અમે શાળામાં પ્રવેશ અને વિદ્યાર્થીની સંખ્યાદીઠ શિક્ષકના ગુણોત્તરમાં નોંધપાત્ર ગુણાત્મક વિકાસ હાંસલ કર્યો છે. આજના જ્ઞાન અર્થતંત્રનો પાયો તેના શાળા છોડનારાની ગુણવત્તા છે. અમે હવે નક્કી કર્યું છે કે ભણતરની ગુણવત્તા સરકારનું મુખ્ય ધ્યેય રહેશે. એ માટે, અમે સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગુણવત્તા માટે વધુ સંસાધનો ફાળવીશું. આ ભંડોળ શૈક્ષણિક પરિણામો સુધારવા માટે સ્થાનિક પહેલો અને નવિનીકરણને પ્રોત્સાહન આપવા માટે વાપરવામાં આવશે. મને ખાતરી છે કે તમે બધા, જે લોકો માતા-પિતા છે, તે બધા તેમજ જે લોકો નોકરીદાતાઓ છે, તે બધા, અનુક્રમે ઉચ્ચ અને શાળાકીય શિક્ષણ ક્ષેત્રનાં પગલાં આવકારશે.

અંતે, સન્નારીઓ અને સજ્જનો, અમે ઘણાં પગલાં લીધાં છે. હજુ ઘણાં પગલાં આવનારા દિવસોમાં લઈશું. કેટલાંક પગલાંનાં પરિણામો મળવા લાગ્યાં છે. અમે અત્યાર સુધીમાં જે કંઈ હાંસલ કર્યું છે, તેનાથી મને વિશ્વાસ છે કે લોકોની મદદથી અમે ભારતને સર્વાંગી પરિવર્તિત કરી શકીશું.

મને ખબર છે કે એ મુશ્કેલ હશે.

પરંતુ મને ખાતરી છે કે એ કરી શકાય એમ છે.

આભાર.

SP/AP/J.Khunt