Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉન્નત એશિયાઃ ભવિષ્ય માટે રોકાણ – અંગે એમઓએફ-આઈએમએફના સંમેલનમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય

ઉન્નત એશિયાઃ ભવિષ્ય માટે રોકાણ – અંગે એમઓએફ-આઈએમએફના સંમેલનમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય


સુશ્રી લેગાર્ડે, મારા કેબિનેટના સહયોગી શ્રી અરુણ જેટલી, સન્નારીઓ અને સજ્જનો,

હું તમારા સહુનું ભારત અને દિલ્હીમાં સ્વાગત કરું છું. દિલ્હી એક સમૃદ્ધ વારસો ધરાવતું શહેર છે અને અહીં ઘણાં ઐતિહાસિક સ્થળો છે. મને આશા છે કે તમારામાંથી ઘણા લોકો આ શહેરને જોવા માટે સમય કાઢશે.

મને આનંદ છે કે આઈએમએફે આ સંમેલનના આયોજન માટે અમારી સાથે સહયોગ સાધ્યો છે. સુશ્રી લેગાર્ડે આ કાર્યક્રમ ભારત અને એશિયા પ્રત્યે તમારા પ્રેમનું વધુ એક ઉદાહરણ છે. હું તમને એના બીજી વાર મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા બદલ અભિનંદન પાઠવું છં. એનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા માટેની તમારી સમજ અને આ સંસ્થાના નેતૃત્વ કરવાની તમારી ક્ષમતામાં દુનિયાને કેટલો બધો ભરોસો છે, તે જોવા મળે છે. સુશ્રી લેગાર્ડે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી અને જેને વર્ષ 2010માં મંજૂરી મળી હતી, તે ક્વોટામાં સુધારા, છેવટે અમલી બન્યા છે. વિકાસશીલ દેશોના ક્વોટા હવે વધુ સારી રીતે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેમની ભાગીદારી મુજબ રહેશે. તેનાથી આઈએમએફમાં સામુહિક નિર્ણયોમાં તેમનું વજન વધશે. વિલંબને કારણે સર્જાતા તણાવને દૂર કરવામાં તમે શાનદાર નેતૃત્વ કૌશલ દર્શાવ્યું છે. તમે 2010નાં નિર્ણયો લાગુ કરાવવામાં તમામ સભ્યોને સહમત કરવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મને વિશ્વાસ છે કે આઈએમએફ આ સફળતાનો પૂરો ફાયદો લેશે. વિશ્વની સંસ્થાઓમાં સુધારા એક ચાલુ રહેનારી પ્રક્રિયા છે. તેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં થનારા ફેરફારોમાં વર્તાવી જોઈએ અને વિકાસશીલ દેશોની ભાગીદારી વધવી જોઈએ. હજુ અત્યાર સુધી પણ આઈએમએફ ક્વોટા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પ્રતિબિંબિત થતા નથી. ક્વોટામાં ફેરફાર એ કેટલાક દેશોની તાકાતમાં વધારાનો મુદ્દો નથી. આ નિષ્પક્ષતા અને ઈમાનદારીની વાત છે. ક્વોટામાં ફેરફાર વ્યવસ્થાને ન્યાયપૂર્ણ બનાવવા માટે જરૂરી છે. ગરીબ રાષ્ટ્રોના સંદર્ભે આવી સંસ્થાઓની ઈમાનદારીને કારણે આ રાષ્ટ્રો મહાત્વાકાંક્ષી બનવા અને આશાઓ બાંધવા માટે સક્ષમ હોવાં જોઈએ. એટલે હું ખુશ છું કે આઈએમએફે ઓક્ટોબર, 2017 સુધી ક્વોટામાં ફેરફારોને અંતિમ સ્વરૂપ આપવાનું નક્કી કર્યું છે.

ભારતને હંમેશા બહુપક્ષવાદમાં દ્રઢ વિશ્વાસ રહ્યો છે. અમારું માનવું છે કે જેમ જેમ દુનિયા વધુ ને વધુ જટિલ બનતી જશે, તેમ તેમ બહુપક્ષવાદની ભૂમિકા વધતી જશે. તમારામાંથી ઘણાને ખબર નહીં હોય કે ભારતે 1944માં યોજાયેલી બ્રેટન વુડ્સ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જેમાં આઈએમએફનો જન્મ થયો હતો. ભારતના પ્રતિનિધિ શ્રી આર. કે. શન્મુખમ શેટ્ટી હતા, જે પાછળથી સ્વતંત્ર ભારતના પ્રથમ નાણાં મંત્રી બન્યા હતા. એટલે આપણાં સંબંધ 70 વર્ષથી પણ વધુ જૂના છે. અમે એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક અને ન્યુ ડેવલપમેન્ટ બેન્કના સ્થાપક સભ્ય છીએ. અમને વિશ્વાસ છે કે આ બેન્ક એશિયાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આઈએમએફ પાસે ઘણી આર્થિક વિશેષજ્ઞતા હોય છે. એના તમામ સભ્યોએ તેનો લાભ લેવો જોઈએ. આપણે સહુએ એવી નીતિઓ પર કામ કરવું જોઈએ, જેનાથી મેક્રો ઈકોનોમિ સ્થિર બને, વિકાસને વેગ મળે અને સમાવેશકતામાં વધારો થાય. આઈએમએફ આ માટે ઘણી મદદ કરી શકે તેમ છે.

સલાહ ઉપરાંત આઈએમએફ નીતિ ઘડતરની ક્ષમતા વિકસાવવામાં મદદરૂપ બની શકે છે. બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ, શ્રીલંકા, ભારત અને આઈએમએફ સાથે નવી ભાગીદારીની જાહેરાત કરતાં મને ખુશી થાય છે. અમે દક્ષિણ એશિયા ક્ષેત્ર માટે તાલીમ અને ટેકનિકલ સહાય માટેનું કેન્દ્ર સ્થાપવા અંગે સમજૂતી સાધી છે. આ કેન્દ્ર સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને તાલીમ આપશે. તેનાથી આ કર્મચારીઓનું કૌશલ્ય વધશે અને નીતિ ઘડતરમાં મદદરૂપ બનશે. તેનાથી સરકારી અને જાહેર સંસ્થાઓને ટેકનિકલ સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ચાલો, આ સંમેલનના વિષય અંગે વાત કરું. હું બે મુદ્દાઓ પર વાત કરીશ : પહેલો, એશિયા જ કેમ ? અને બીજો, ભારત શા માટે ? એશિયા જ કેમ એ સવાલ મહત્ત્વનો છે અને ભારત કેવી રીતે યોગદાન આપી શકે છે ?

ઘણા વિદ્વાનોએ કહ્યું છે કે 20મી સદી એશિયાની છે અને રહેશે. દુનિયાના પાંચમાંથી ત્રણ લોકો એશિયામાં વસે છે. વૈશ્વિક ઉત્પાદન અને વેપારમાં એમની ભાગીદારી એક તૃતિયાંશ છે. વૈશ્વિક સીધા વિદેશી રોકાણોમાં તેમની ભાગીદારી લગભગ 40 ટકા છે. આ વિશ્વના સૌથી વધુ ગતિશીલ ક્ષેત્રોમાંનું પણ એક છે. ભલે એશિયામાં સુસ્તી હોય, પરંતુ આ ક્ષેત્ર વિકસિત દેશોની સરખામણીએ ત્રણ ગણો ઝડપી વિકાસ સાધી રહ્યું છે. એટલે જ વૈશ્વિક આર્થિક સુધારા માટે આશાનું કિરણ છે.

જ્યારે આપણે એશિયા વિશે વિચારી રહ્યા હોઈએ, ત્યારે આપણે તે અનેક રીતે વિશિષ્ટ છે એ પણ માનવું જોઈએ.

દાખલા તરીકે, આ સંમેલનનો વિષય – ભવિષ્ય માટે રોકાણ – છે. એશિયાનો પરિવાર સામાન્ય રીતે વિશ્વના બીજા હિસ્સાઓની સરખાણીએ વધુ બચત કરે છે. એટલે આ દેશો ભવિષ્ય માટે રોકાણ કરે છે. અર્થશાસ્ત્રીઓએ એશિયાના દેશોના બચત અંગેના વિચારોની પ્રશંસા કરી છે. એશિયાના લોકો ઘર ખરીદવા માટે ઉધાર નાણાં લેવાને બદલે બચત કરવાનું પસંદ કરે છે.

એશિયાના ઘણા દેશો મૂડી બજારોને બદલે વિકાસલક્ષી ધિરાણ સંસ્થાઓ અને બેન્કો પર વધુ નિર્ભર છે. એનાથી નાણાંકીય ક્ષેત્ર માટે એક વૈકલ્પિક મોડેલ મળે છે.

મજબૂત પારિવારિક મૂલ્યો પર સામાજિક સ્થિરતાનું નિર્માણ એશિયાના વિકાસની વધુ એક વિશેષતા છે. એશિયાના લોકો આગળની પેઢી માટે વારસો મૂકીને જાય છે.

સુશ્રી લેગાર્ડે, તમે દુનિયાની ટોચનાં મહિલા નેતાઓમાં સ્થાન ધરાવો છો. તમને એશિયાની એક અન્ય વિશેષતામાં પણ રસ પડશે, જેની ભાગ્યે જ કોઈ નોંધ લેવાઈ છે – જે મહિલા નેતાઓની વધુ સંખ્યા બાબતે છે. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, કોરિયા, મ્યાન્માર અને ફિલિપાઈન્સ : આ તમામ દેશોમાં મહિલાઓ રાષ્ટ્રીય નેતા બની ચૂકી છે. એશિયાના અન્ય ઘણા દેશોની સરખામણીએ તેમણે ઘણાં સારાં કામ કર્યાં છે. આજે ભારતના ચાર મોટાં રાજ્યો પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનું નેતૃત્વ લોકશાહી ઢબે ચૂંટાયેલી મહિલાઓ જ કરી રહી છે. ભારતમાં સંસદના નીચલા ગૃહના સભા અધ્યક્ષ પણ મહિલા જ છે.

એશિયામાં ભારતનું ખાસ મહત્ત્વ છે. ભારતે ઐતિહાસિક રીતે એશિયા માટે અનેક રીતે યોગદાન આપ્યું છે. ભારતમાંથી બૌદ્ધ ધર્મ ચીન, જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં ઘણા દેશોમાં પ્રસર્યો. તેનાથી મહાદ્વીપની સંસ્કૃતિ પર વ્યાપક રીતે અસર થઈ. ભારતના દક્ષિણ અને પશ્ચિમ રાજ્યો હજારો વર્ષો સુધી એશિયાના અન્ય વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં સમુદ્ર માર્ગે વેપારથી જોડાયેલા રહ્યા.

ભારતના રાષ્ટ્રીય આંદોલનની અસર અન્ય એશિયાઈ દેશો પર પણ જોવા મળી, જેમાં અહિંસાના માર્ગે ગુલામીથી મુક્તિ મેળવી શકાઈ. તેનાથી રાષ્ટ્રીયતાની ભાવના પણ ફેલાઈ. એને ભાષા અને ધર્મના સંકુચિત વાડાંઓમાં બાંધવાની જરૂર નથી. સંસ્કૃતમાં કહેવાય છે – વસુધૈવ કુટુંબકમ. તેનો અર્થ છે કે સમગ્ર દુનિયા એક પરિવાર છે. તેનાથી તમામ ઓળખાણમાં એકતાની ભાવના ઝલકે છે.

ભારતે એ માન્યતા ખોટી ઠેરવી છે કે લોકશાહી અને આર્થિક વિકાસ સાથે-સાથે ન ચાલી શકે. ભારતે સાત ટકાનો વિકાસ દર નોંધાવ્યો છે, જ્યારે ભારત એક મજબૂત લોકશાહી પણ છે. ક્યારેક ક્યારેક એવું માની લેવાય છે કે ભારતને સામ્રાજ્યવાદ તરફથી લોકશાહીની ભેટ મળી છે. પરંતુ ઈતિહાસવિદો આપણને જણાવે છે કે ભારતે કેટલાયે વર્ષો પૂર્વે જ લોકશાહી ઢબે સ્વશાસનની પદ્ધતિ વિકસાવી હતી, જ્યારે વિશ્વના કેટલાયે ભાગોમાં લોકશાહી વિશે કોઈ જાણતું પણ ન હતું.

ભારતે એ પણ બતાવી આપ્યું છે કે વિવિધતાભર્યા દેશના વહીવટ દ્વારા આર્થિક વિકાસને વેગ આપી શકાય છે અને સામાજિક સ્થિરતા પણ જાળવી રાખી શકાય છે. અમે આ કામ સહકારી અને સ્પર્ધાત્મક સમૂહવાદ દ્વારા કર્યું છે. રાજ્યોએ અને કેન્દ્ર સરકારે સમાન ધ્યેયો સાથે વિકાસ સાધવા માટે હાથ મિલાવ્યા છે. જે રાજ્યોએ અસરકારક નીતિઓને અનુસરીને ગરીબોને આવશ્યક સેવાઓ પહોંચાડી છે, તેમણે બીજાં રાજ્યોને અનુસરણ માટે પ્રોત્સાહિત કર્યાં છે.

એશિયાભરમાં અમારો ઝડપી આર્થિક વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે. અમે અમારા ભાગીદારોને ભોગે વેપારમાં વૃદ્ધિ હાંસલ કરવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી. અમે અમારા આર્થિક ફાયદા માટે પાડોશીઓની ચિંતા નહીં કરવા જેવી આર્થિક નીતિઓ પર કામ નથી કરતા. અમે અમારા વિનિમય દરને ક્યારેય નબળો નથી પાડ્યો. અમે ચાલુ ખાતાની ખોટ વધારીને વિશ્વ અને એશિયા માટે માંગનું સર્જન કર્યું છે. આ રીતે અમે વધુ સારા એશિયાઈ અને વૈશ્વિક આર્થિક નાગરિક છીએ અને પોતાના વેપારી ભાગીદારો માટે માંગના સ્ત્રોત છીએ.

અમે સમગ્ર એશિયાને સફળ બનાવવા ઈચ્છીએ છીએ. મારો દ્રઢ વિશ્વાસ છે કે બારત એશિયાની સમૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપી શકે છે. વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે મને એ કહેતા આનંદ થાય છે કે ભારતમાં વ્યાપક આર્થિક સ્થિરતા છે અને તે આશા, ગતિશીલતા તેમજ તકોનું દ્યોતક છે. સુશ્રી લેગાર્ડે, તમે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે સોનેરી સ્થળ ગણાવ્યું છે. મારા મતે આ ઘણું મોટું સન્માન છે અને સાથે સાથે મોટી જવાબદારી પણ છે. છેલ્લા કેટલાક સમયમાં અમે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે તેના વિશે તેમજ ભવિષ્ય માટે અમારી પ્રાથમિકતાઓ અંગે હું થોડી વાત કરીશ.

અમે પાયામાંથી આર્થિક સ્થિરતા માટે મહત્ત્વની સિદ્ધિઓ મેળવી છે. ફુગાવામાં મજબૂત ઘટાડો, સ્થિર નાણાંકીય મજબૂતાઈ, ચૂકવણાંની સ્થિતિમાં અનુકૂળ સંતુલન અને વિદેશી હૂંડિયામણની અનામતોમાં વધારો એમાંનાં કેટલાક મુખ્ય મુદ્દા છે.

મુશ્કેલ બાહ્ય માહોલ અને સતત બીજા વર્ષે પણ નબળા ચોમાસા છતાં, અમારો વિકાસ દર વધીને 7.6 ટકા થયો છે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઊંચો છે.

અમે આર્થિક વહીવટમાં ઘણો સુધારો નોંધાવ્યો છે. ભ્રષ્ટાચાર અને બેન્કો તેમજ નિયમનકારોના નિર્ણયોમાં દખલગીરી હવે ભૂતકાળની વાતો છે.

– અમે અત્યંત સફળ નાણાંકીય સમાવેશીકરણ કાર્યક્રમ હાથ ધર્યો હતો અને બેન્કિંગ સેવાઓ સુધી પહોંચી નહીં શકેલા 20 કરોડ લોકોને ગણતરીના મહિનાઓમાં બેન્કિંગ સિસ્ટમમાં સામેલ કરી દીધા.

– અમારા નાણાંકીય સમાવેશીકરણ કાર્યક્રમને કારણે અમે હવે રાંધણ ગેસના ક્ષેત્રે વિશ્વના સૌથી મોટા અને સૌથી સફળ કાર્યક્રમ – ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સ – લાભાર્થીના બેન્ક ખાતામાં સહાયની રકમ સીધી જમા કરાવવા અંગેનો કાર્યક્રમ અમલી બનાવ્યો છે. અમે આ યોજના ખાદ્યચીજો, કેરોસીન અને ફર્ટિલાઈઝર્સ જેવા અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તારીશું. આને કારણે જાહેર ખર્ચની ગુણવત્તા અને લક્ષ્ય નિર્ધારણ સુધર્યાં છે.

– અમે સીધાં વિદેશી રોકાણો – એફડીઆઈ માટે લગભગ તમામ ક્ષેત્રો ખુલ્લાં કર્યાં છે.

– વર્ષ 2015 માટે વર્લ્ડ બેન્કના ડુંઈંગ બિઝનેસ ઈન્ડીકેટર્સ – વેપાર કરવાનાં સૂચકાંકોમાં ભારતે સૌથી ઊંચો રેન્ક હાંસલ કર્યો છે.

– વર્ષ 2015માં અનેક ભૌતિક સૂચકાંકોમાં ભારતે ઐતિહાસિક ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે, જેમાં,

– કોલસા, વીજળી, યુરિયા, ફર્ટિલાઈઝર અને મોટર વ્હીકલ્સના ઐતિહાસિક મહત્તમ ઉત્પાદન,

– મુખ્ય બંદરો ખાતે માલસામાનની અવરજવરનું ઐતિહાસિક ઊંચું પ્રમાણ અને બંદરોમાં સૌથી ઝડપી ટર્નએરાઉન્ડ ટાઈમ,

– સૌથી વધુ કિલોમીટરના નવા ધોરીમાર્ગોને મંજૂરી,

– સૌથી વધુ સોફ્ટવેરની નિકાસો,

– અમે લીધેલાં ક્રમબદ્ધ પગલાંને કારણે ઉદ્યોગસાહસિકતા વધી રહી છે. ટેકનિકલ સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં વિશ્વભરમાં અમેરિકા, બ્રિટન અને ઈઝરાયેલ બાદ ભારત ચોથા ક્રમે છે. પ્રતિષ્ઠિત મેગેઝિન ઈકોનોમિસ્ટે ભારત, ઈ-કોમર્સ ક્ષેત્રનો નવો પ્રદેશ હોવાનું જણાવ્યું છે.

અમે આટલી સિદ્ધિઓ પર અટકવા નથી માંગતા, કારણ કે મારો સર્વાંગી પરિવર્તન માટે સુધારાનો એજન્ડા હજુ સંપન્ન થવો જરૂરી છે. અમે તાજેતરમાં રજૂ કરેલા અંદાજપત્રમાં ભવિષ્યની યોજનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ વિશેનું આયોજન જોવા મળે છે. અમે જે ફિલસૂફીને અનુસરી રહ્યા છીએ, તે સ્પષ્ટ છે. સમૃદ્ધિના સર્જન માટે માહોલ પેદા કરવો અને એના માટે સંપત્તિ તમામ ભારતીયો, ખાસ કરીને ગરીબ, નબળા, ખેડૂતો અને વંચિત સમુદાયો સુધી વિસ્તારવી.

અમે ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે રોકાણો વધાર્યાં છે, કારણ કે હજુ આ જ ક્ષેત્રોમાં મહત્તમ ભારતીયો વસી રહ્યા છે. પરંતુ અમે ખેડૂતોને માત્ર પ્રસિદ્ધિનું સાહિત્ય આપવાને આધારે જ મદદરૂપ બનવા નથી માંગતા. અમારું ધ્યેય ખેડૂતોની આવક બમણી કરવાનું છે અને તે પણ, – સિંચાઈ વધારીને, વધુ સુદ્રઢ પાણીની વ્યવસ્થા પૂરી પાડીને, ગ્રામીણ અસ્ક્યામતોના સર્જન દ્વારા, ઉત્પાદકતા વધારીને, માર્કેટિંગ સુધારીને, વચેટિયાઓના માર્જિન ઘટાડીને તેમજ આવકમાં નુકસાનથી તેમને બચાવીને.

અમે કૃષિવિષયક માર્કેટિંગમાં સુધારા અમલી બનાવી રહ્યા છીએ અને પાક વીમા માટે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ શરૂ (લૉન્ચ) કર્યો છે.

કૃષિ ઉપરાંત, અમે રસ્તાઓ અને રેલવેઝના ક્ષેત્રે જાહેર રોકાણો વધાર્યાં છે. આને કારણે અર્થવ્યવસ્થાની ઉત્પાદકતા વધશે અને લોકો વચ્ચે કનેક્ટિવિટી વધશે. જ્યારે ખાનગી રોકાણો પાંખા હોય ત્યારે જાહેર રોકાણો અનિવાર્ય બને છે.

અમે સમૃદ્ધિ અને આર્થિક તકોના સર્જનમાં સહાયરૂપ નીવડે તેવાં અન્ય સુધારા પણ કર્યાં છે. દેશમાં ઉદ્યોગસાહસિકતાની અસાધારણ તકો રહેલી હોવાથી મારો મંત્ર સ્ટાર્ટ અપ ઈન્ડિયા – સ્ટેન્ડ અપ ઈન્ડિયા છે. અંદાજપત્રને પગલે સ્ટાર્ટ-અપ્સ માટેના માહોલને વધુ પ્રોત્સાહન આપવા માટેનાં પગલાં લેવાયાં છે. યુવાનોને રોજગાર સુનિશ્ચિત કરવા માટે અમારા મેઈક-ઈન-ઈન્ડિયા અભિયાનની સફળતા જરૂરી છે. ભારત સરકાર શ્રમિકોને કૌશલ્યવાન બનાવવાનો મહાત્વાકાંક્ષી એજન્ડા ધરાવે છે. અમે હાથ ધરેલા કૌશલ્ય ઘડતરમાં સંસ્થાઓનું નિર્માણ પણ સામેલ છે. હવે અમારી પાસે કૌશલ્ય વિકાસનો કાર્યક્મ છે, જે 29 ક્ષેત્રોને તેમજ સમગ્ર દેશને આવરી લે છે.

પૃથ્વીના રક્ષણ માટે ભારત એક જવાબદાર વૈશ્વિક નાગરિક છે. સીઓપી 21 સમિટમાં ભારતે સકારાત્મક ભૂમિકા ભજવી હતી. અત્યારથી વર્ષ 2030 સુધીમાં અમે ઝડપી વિકાસની સાથે સાથે કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ અમારા જીડીપીની સરખામણીએ 33 ટકા ઘટાડીને ઈતિહાસને નવેસરથી લખવા ઈચ્છીએ છીએ. ત્યાં સુધીમાં ઉર્જાના ઉત્પાદનની અમારી સ્થાપિત ક્ષમતાના 40 ટકા ક્ષમતા બિન-જીવાશ્મિ બળતણ દ્વારા હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. અમે વર્ષ 2030 સુધીમાં વધુ જંગલો અને વૃક્ષોથી આચ્છાદિત વિસ્તારો વિકસાવીને 2.5 અબજ ટન જેટલા કાર્બન ડાયોક્સાઈડ જેટલું જ વધારાના કાર્બન સિન્કનું નિર્માણ કરીશું. માથાદીઠ ઘણી ઓછી જમીન ધરાવતો તેમજ કાર્બન ઉત્સર્જનના માથાદીઠ ઘણું ઓછું પ્રમાણ ધરાવતો દેશ હોવા છતાં અમે આ પગલાં લઈશું. કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે આવેલા સૂર્ય સંસાધનોથી સમૃદ્ધ એવા 121 દેશોને સામેલ કરતું ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ લૉન્ચ કરવામાં પણ અમે આગેવાની લીધી હતી. આને કારણે એશિયા સહિતના ઘણા વિકાસશીલ દેશોને નવિનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસના લાભો મેળવવામાં મદદ મળશે. ભારતે નોંધપાત્ર કાર્બન સબસીડી આપવામાંથી કાર્બન પર વેરો લાદવા તરફનો રસ્તો પકડ્યો છે. કોલસા પર સેસ લાદીને ભારત એવા ગણતરીના દેશોમાં સ્થાન ધરાવે છે, જે કાર્બન પર વેરો વસૂલ કરે છે. કોલસા પરનો સેસ વર્ષ 2016-17ના અંદાજપત્રમાં બમણો કરવામાં આવ્યો છે.

એશિયામાં ભારતે સહભાગિતાનાં અનેક પગલાં લીધાં છે. અમે લૂક ઈસ્ટ પોલિસી એટલે કે પૂર્વના દેશો તરફ જુઓની નીતિને એક્ટ ઈસ્ટ પોલિસીમાં એટલે કે પૂર્વના દેશો માટે કરોની નીતિમાં ફેરવી છે. સહભાગિતા માટે અમારો અભિગમ લચીલો છે. અમે દક્ષિણ એશિયામાં અમારા પાડોશી દેશો સાથે, આસિયાનના અમારા ભાગીદારો સાથે તેમજ અમારા સિંગાપોર, જાપાન અને કોરિયાના સહભાગીઓ સાથે વિવિધ રીતે અને વિવિધ ગતિએ જોડાયેલા છીએ. અમે આ વલણ આગળ પણ ચાલુ રાખવા માંગીએ છીએ.

સર્વાંગી પરિવર્તન ધરાવતું ભારત – એ મારું સ્વપ્ન છે. મારા આ સ્વપ્નને હું આપણા આધુનિક એશિયા – એવું એશિયા, જ્યાં વિશ્વની અડધા કરતાં પણ વધુ વસતી આનંદ અને સંતોષથી જીવી શકે – તેવા એશિયાના સહિયારા સ્વપ્નની જોડાજોડ રાખું છું. આપણો સંયુક્ત વારસો અને પરસ્પર પ્રત્યે સન્માનની ભાવના, આપણા સહિયારા ધ્યેયો અને સમાન નીતિઓ સાતત્યપૂર્ણ વિકાસ અને સહિયારી સમૃદ્ધિનું નિર્માણ કરશે અને એમ થવું જ જોઈએ.

ફરી એકવાર, ભારતમાં હું તમારા સહુનું સ્વાગત કરું છું. આ સંમેલનને તમામ સફળતાઓ મળે તેવી મારી શુભેચ્છાઓ.

આભાર.

AP/J.Khunt/GP