Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આતંકવાદી હમલામાં દોષિતેને સજા કરવામાં આવશેઃ પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, પુલવામા આતંકવાદી હુમલાનાં દોષિતોને સજા આપવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી છે કે, હુમલાનાં દોષિતો, આતંકવાદીઓનાં સહાયકો અને તેમને ઉશ્કેરતાં લોકોએ બહુ મોટી ભૂલ કરી છે અને તેમને આ કૃત્ય માટે ભારે કિંમત ચૂકવવી પડશે. પ્રધાનમંત્રીએ સુરક્ષા દળોને કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ છૂટ આપવાની વાત કરતા પાકિસ્તાને ચેતવણી આપી હતી કે, તેઓ ભારતને અસ્થિર કરી શકે છે એવા ભ્રમમાં ન રહે.

પ્રધાનમંત્રીએ આ વાત નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી નવી દિલ્હી અને વારાણસી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપતાં અગાઉ ત્યાં ઉપસ્થિતિ લોકોને સંબોધન દરમિયાન કહી હતી. ભાષણની શરૂઆતમાં પુલવામામાં આતંકવાદી હુમલા વિશે પ્રધાનમંત્રીનાં સંબોધનનો અંશ આ પ્રકારે છેઃ

“સૌપ્રથમ હું પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે દેશની સેવા કરીને પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું છે. દુઃખની આ ઘડીમાં મારી અને દરેક ભારતીયની સંવેદનાઓ તેમનાં પરિવારો સાથે છે.

આ હુમલાનાં કારણે દેશમાં જેટલો આક્રોશ છે, લોકોનું લોહી ઊકળી રહ્યું છે – આ વાત હું સારી રીતે જાણું છું, સમજું છું. અત્યારે દેશની અપેક્ષાઓ છે, કંઈક કરી છૂટવાની ભાવના છે, એ પણ સ્વાભાવિક છે. આપણા સૈન્ય દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. આપણને આપણા સૈનિકોનાં શૌર્ય પર, તેમની બહાદુરી પર સંપૂર્ણ ભરોસો છે. મને વિશ્વાસ છે કે, દેશભક્તિનાં રંગે રંગાયેલા લોકો સાચી જાણકારીઓ પણ અમારી એજન્સીઓ સુધી પહોંચાડશે, જેથી આતંકવાદને કચડવામાં અમારી લડાઈને બળ મળે.

હું આતંકવાદી સંગઠનો અને તેમનાં આશ્રયદાતાઓને કહેવા ઇચ્છું છું કે, તેમણે મોટી ભૂલ કરી છે, તેમને બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.

હું દેશને ખાતરી આપું છું કે, હુમલાની પાછળ જે તાકાત છે, આ હુમલા માટે જેઓ ગુનેગાર છે, તેમને તેમનાં કર્મોની સજા જરૂર મળશે. જેઓ અમારી ટીકા કરી રહ્યાં છે, તેમની ભાવનાઓનો પણ હું આદર કરું છું. તેમની લાગણીઓને પણ હું સમજું છું અને ટીકા કરવાનો એમને સંપૂર્ણ અધિકાર છે.

પણ તમામ સાથીદારોને મારી વિનંતી છે કે, અત્યારે સમય બહુ સંવેદનશીલ અને ભાવુક છે. શાસક પક્ષમાં હોય કે વિપક્ષમાં, આપણે રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવાથી દૂર રહેવું જોઈએ. આ હુમલાનો દેશ એકજૂટ થઈને મુકાબલો કરી રહ્યો છે, દેશ એકસાથે છે, દેશનો એક જ સ્વર છે અને એ જ વિશ્વમાં સંભાળવવો જોઈએ, કારણ કે આ લડાઈ આપણે જીતવા માટે લડી રહ્યાં છીએ.

આખા વિશ્વમાં અલગ પડી ગયેલો આપણો પડોશી દેશ એમ સમજતો હોય કે તેનાં કૃત્યો કે ષડયંત્રોથી ભારતમાં અસ્થિરતા પેદા કરવામાં એ સફળ થશે, તો એ સ્વપ્ન હંમેશા માટે ભૂલી જાય. તેઓ ક્યારેય આવું નહીં કરી શકે. આવું ક્યારેય થવાનું નથી.

અત્યારે અત્યંત નબળી આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહેલા આપણે પડોશી દેશને એવું લાગે છે કે, તે આવો ખૂની ખેલ રચીને ભારતને વેર-વિખર કરી શકે છે, તેનાં આ ઇરાદા ક્યારેય પૂર્ણ થવાના નથી. સમયે સાબિત કરી દીધું છે કે, તેઓ જે માર્ગ પર ચાલી રહ્યાં છે, તેનાં પર બરબાદી સિવાય કંઈ જ નથી અને અમે જે માર્ગ પસંદ કર્યો છે, એ સતત પ્રગતિ તરફ દોરી રહ્યો છે.

130 કરોડ હિંદુસ્તાઓ આ પ્રકારનાં દરેક ષડયંત્ર, આ પ્રકારનાં દરેક હુમલાનો કમરતોડ જવાબ આપશે. ઘણાં મોટા દેશોએ આંકરા શબ્દોમાં આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતની સાથે ઊભા રહેવાની, ભારતને સમર્થન આપવાની ભાવના પ્રકટ કરી છે.

હું એ તમામ દેશોનો આભારી છું અને તમામને આહવાન કરું છું કે આતંકવાદ સામે તમામ માનવતાવાદી શક્તિઓને એક થઈને લડવું પડશે, માનવતાવાદી શક્તિઓએ એક થઈને આતંકવાદને પરાજિત કરવો પડશે.
આતંકવાદ સામે લડવા માટે જ્યારે તમામ દેશ એકમત, એક અવાજ, એક દિશમાં ચાલશે, ત્યારે આતંકવાદ થોડી મિનિટોથી વધારે નહીં ટકી શકે.

સાથીઓ,

પુલવામા હુમલા પછી હજુ મનોસ્થિતિ અને વાતાવરણ દુઃખની સાથે આક્રોશથી ભરેલું છે. આ પ્રકારનાં હુમલાનો દેશ મુકાબલો કરશે. આ દેશ અટકાવવાનો નથી. આપણા વીર શહીદોએ પોતાનાં પ્રાણોની આહૂતિ આપી દીધી છે. દેશ માટે શહીદ થતાં લોકો બે સ્વપ્નો માટે પોતાનાં જીવનનું જોખમ ઉપાડે છે એક, પોતાનાં દેશની સુરક્ષા માટે અને બીજું, દેશની સમૃદ્ધિ માટે. હું તમામ વીર શહીદોને, તેમના આત્માને નમન કરીને તેમનાં આશીર્વાદ લઈને ફરી એક વાર તેમને ખાતરી આપું છું કે, તમારાં સ્વપ્નોને પૂર્ણ કરવા માટે અમે જીવનની એક-એક ક્ષણનો ઉપયોગ કરીશું. સમૃદ્ધિનાં માર્ગને પણ આપણે વધારે વેગ આપીને, વિકાસનાં માર્ગને વધારે તાકાત આપીને, આપણા આ વીર શહીદોના આત્માને નમન કરીને આગળ વધીશું વિકાસની આ જ શ્રૃંખલામાં વંદે ભારત એક્સ્પ્રેસનો કન્સેપ્ટ અને ડિઝાઈને વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું છે, તેને આકાર આપનારા દરેક એન્જિનીયર, દરેક કામદારનો હું આભાર વ્યક્ત કરું છું.”

NP/J.Khunt/GP/RP