પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના મહામહિમ શ્રી શૌકત મિર્ઝિયોયેવે 18 જાન્યુઆરીનાં રોજ “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019” દરમિયાન દ્વિપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતુ. ગુજરાતનાં રાજ્યપાલ શ્રી ઓ પી કોહલીએ 17 જાન્યુઆરીનાં રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય વિશાળ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતુ.
તેમની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ ગુજરાતમાં રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ અને એમનાં પ્રતિનિધિમંડળનું અભિવાદન કર્યું હતુ. ભારતમાં 30 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર, 2018 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ સાથેની અગાઉની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ તે બેઠકમાં લેવાયેલા વિવિધ નિર્ણયોમાં થયેલી પ્રગતિ અને અમલીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત અને ઉઝબેકિસ્તાનનાં એન્ડિજાન પ્રાંત વચ્ચે સહકાર સ્થાપિત કરવા પર થયેલા સમજૂતી કરારનાં સંદર્ભમાં પ્રધાનંત્રીએ ઉઝેબક પ્રતિનિધિમંડળમાં એન્ડિજાનનાં ગવર્નરની ઉપસ્થિતિની નોંધ લીધી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવની મુલાકાતને પરિણામે ઉઝબેકિસ્તાન અને ભારત વચ્ચેનાં સંબંધો તથા એન્ડિજાન અને ગુજરાત વચ્ચે પ્રાદેશિક સાથ-સહકારનાં સંબંધો વધારે મજબૂત થશે.
પ્રધાનમંત્રીએ 12-13 જાન્યુઆરી, 2019નાં રોજ ઉઝબેકિસ્તાનનાં સમરકંદમાં વિદેશી મંત્રીઓનાં સ્તરે યોજાયેલા પ્રથમ ભારત-મધ્ય એશિયા સંવાદ માટે ટેકો આપવા બદલ રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવનો આભાર માન્યો હતો, જેમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને વિકાસને ટેકો આપવા મહત્વપૂર્ણ ચર્ચાવિચારણા પણ થઈ હતી.
રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી કે, ઉઝબેકિસ્તાન ભારતમાંથી રોકાણને આકર્ષવા આતુર છે અને સૌથી વધુ પ્રાથમિકતા ધરાવે છે તથા આઇટી, શિક્ષણ, ફાર્માસ્યુટિકલ, હેલ્થકેર, એગ્રિ-બિઝનેસ અને પ્રવાસનનાં ઉલ્લેખિત ક્ષેત્રો ભારત સાથે સંભવિત સહકારની ઉઝબેકિસ્તાનની સંભવિતતાનાં મુખ્ય ક્ષેત્રો છે.
રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે પ્રધાનમંત્રીને પ્રથમ ઇન્ડિયા-સેન્ટ્રલ એશિયા સંવાદનાં સફળ આયોજન પર અભિનંદન આપ્યા હતા, જેણે મધ્ય એશિયાનાં વિસ્તાર પર ભારતની સકારાત્મક અસર પ્રદર્શિત કરી હતી અને અફઘાનિસ્તાનમાં શાંતિ માટે સહભાગી દેશોના સંયુક્ત પ્રયત્નોની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
બંને નેતાઓ ભારતનાં પરમાણુ ઊર્જા વિભાગ અને ઉઝબેકિસ્તાનનાં નોવોઈ મિનરલ્સ એન્ડ મેટલર્જિકલ કંપની વચ્ચેના કરારના આદાન-પ્રદાનના સાક્ષી બન્યા હતા, જેનો ઉદ્દેશ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂર્ણ કરવા માટે યુરેનિયમ ઓર કોન્સન્ટ્રેટનાં લાંબા ગાળાનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.
બંને નેતાઓએ એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા અને પ્રજાસત્તાક ઉઝબેકિસ્તાનની સરકાર વચ્ચે ઉઝબેકિસ્તાનમાં આવાસ અને સામાજિક માળખાગત પ્રોજેક્ટ માટે ભારત સરકાર દ્વારા 200 મિલિયન ડોલરની લાઇન ઑફ ક્રેડિટ પર થયેલી સમજૂતીને પણ આવકારી હતી. ઉઝબેકિસ્તાનને 200 મિલિયન ડોલરની લાઇન ઑફ ક્રેડિટની જાહેરાત અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવની સત્તાવાર મુલાકાત દરમિયાન કરી હતી.
NP/J.Khunt/GP/RP
India is honoured to host the President of the Republic of Uzbekistan, Mr. Shavkat Mirziyoyev.
— Narendra Modi (@narendramodi) January 18, 2019
We had fruitful talks on the sidelines of the Vibrant Gujarat Summit in Gandhinagar. We discussed various aspects relating to India-Uzbekistan ties. @president_uz pic.twitter.com/Y14sqvBFtt