પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિદેશી રાષ્ટ્રીય ઓઇલ કંપનીઓ (એનઓસી) દ્વારા કર્ણાટકનાં પાદુર સ્થિત પાદુર સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ ભંડાર (એસપીઆર)ને ભરવાની મંજૂરી આપી દીધી છે. પાદુર સ્થિત એસપીઆર સુવિધા એક ભૂગર્ભ સ્તરીય ગુફા છે, જેની કુલ ક્ષમતા 2.5 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) છે. તેમાં ચાર કક્ષ છે, જે દરેકની ક્ષમતા 0.625 એમએમટી છે.
ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડે(આઈએસપીઆરએલ) ત્રણ સ્થળો એટલે કે વિશાખાપટનમ (1.33 એમએમટી), મેંગાલુરુ (1.5 એમએમટી) અને પાદુર (2.5 એમએમટી)માં કુલ 5.33 એમએમટી કાચા ઓઇલનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ગુફાઓનું નિર્માણ કરવાની સાથે એને કાર્યરત પણ કરી દીધી છે. નાણાકીય વર્ષ 2017-18 માટે વપરાશનાં આંકડા અનુસાર, એસપીઆર કાર્યક્રમનાં પ્રથમ તબક્કા અંતર્ગત કુલ 5.33 એમએમટી ક્ષમતાને કારણે હાલ ભારતની કાચા તેલ સાથે સંબંધિત જરૂરિયાતનાં લગભગ 95 દિવસોનો પુરવઠો હોવાનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2017-18 માટે વપરાશનાં આંકડા મુજબ, સરકારે ઓડિશાનાં ચંડીખોલ અને કર્ણાટકનાં પાદુરમાં 6.5 એમએમટીની વધારાની એસપીઆર સુવિધાઓની સ્થાપના માટે જૂન, 2018માં ‘સૈદ્ધાંતિક મંજૂરી’ આપી દીધી છે, જેથી ભારતની ઊર્જા સુરક્ષામાં 11.5 દિવસની વૃદ્ધિ થવાની આશા છે.
J.Khunt/RP