Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરતા કહ્યું હતું કે, “હું નિઃશબ્દ છું, શૂન્ય છું, પરંતુ લાગણીઓનું પૂર ઉમટી પડ્યું છે. આપણાં સૌના શ્રદ્ધેય અટલજી આપણી વચ્ચે રહ્યાં નથી. પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ તેમણે રાષ્ટ્રને સમર્પિત કરી દીધી હતી. એમનું જવું, જાણે એક યુગનો અંત છે.

પરંતુ તે આપણને કહીને ગયા છે કે – मौत की उमर क्या है? दो पल भी नहीं, ज़िन्दगी सिलसिला, आज कल की नहीं मैं जी भर जिया, मैं मन से मरूं, लौटकर आऊँगा, कूच से क्यों डरूं?’

અટલજી આજે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ તેમની પ્રેરણા અને તેમનું માર્ગદર્શન દરેક ભારતીયને, ભાજપના દરેક કાર્યકર્તાને હંમેશા મળતું રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના દરેક સ્નેહીને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!

ભારત અટલજીના નિધનને કારણે શોકની લાગણી અનુભવી રહ્યું છે. તેમના જવાથી એક યુગ પૂરો થયો છે. તે દેશ માટે જીવ્યા છે અને દસકાઓ સુધી ખંતપૂર્વક દેશની સેવા કરતા રહ્યા છે. દુઃખની આ ઘડીએ હું એમના પરિવારજનો, ભાજપના કાર્યકર્તાઓ અને તેમના લાખો ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું. ઓમ્ શાંતિ!

અટલજીના અદ્વિતીય નેતૃત્વને કારણે 21મી સદીમાં મજબૂત, સમૃદ્ધ અને સમાવેશી ભારતનો પાયો નંખાયો હતો. વિવિધ ક્ષેત્રોમાં એમની દૂરગામી નીતિઓ ભારતના દરેક નાગરિકના જીવનને સ્પર્શી છે.

અટલજીનાં નિધનથી મને વ્યક્તિગત અને ક્યારેય ન પુરી શકાય એવી તેવી ખોટ પડી છે. તેમની સાથેની મારી અગણિત યાદો છે. મારા જેવા કાર્યકર્તા માટે તેઓ પ્રેરણારૂપ હતા. મને ખાસ કરીને તેમની તીવ્ર મેધાશક્તિ અને અદભુત વાક્ચાતુર્ય હંમેશા યાદ રહેશે.

તેમના સતત પ્રયાસો અને સંઘર્ષને કારણે ભારતીય જનતા પક્ષનું ઉત્તરોત્તર ઘડતર થયું. તેઓએ ભારતના ખુણે-ખુણે ફરીને ભાજપનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો, જેના કારણે ભાજપ આપણી રાષ્ટ્રીય રાજનીતિમાં અને કેટલાક રાજ્યોમાં મજબૂત પરિબળ બની રહ્યું.

આ અગાઉ ઑલ ઇન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) નવી દિલ્હી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નિધન અંગે આજે 05:05 કલાકે માહિતી આપતી એક અખબારી યાદી બહાર પાડવામાં આવી હતી.

J.Khunt/RP