પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં તમિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. એમ. કરુણાનિધિનાં નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમનું નિધન 7 ઓગસ્ટ, 2018નાં રોજ ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં થયું હતું.
મંત્રીમંડળે તેમની યાદમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું અને શોક-પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવનો મૂળપાઠ નીચે મુજબ છે :-
‘‘મંત્રીમંડળ તમિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. એમ કરુણાનિધિનાં દુઃખદ નિધન પર ઊંડો શોક વ્યક્ત કરે છે. તેમનું મૃત્યુ 7 ઓગસ્ટ, 2018નાં રોજ ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં થયું હતું. તેમનાં નિધનથી દેશમાં એક દિગ્ગજ અને પ્રતિષ્ઠિત નેતાની ખોટ સર્જાઈ છે, જેમને લોકો પ્રેમ અને આદરથી ‘કલાઈનાર’ કહેતાં હતાં
તેમનો જન્મ 3 જૂન, 1924નાં રોજ નાગાપટ્ટિનમ જિલ્લાનાં થિરુક્કુવલઈ ગામમાં થયો હતો. તેમણે તમિલનાડુની રાજનીતિમાં પોતાનાં લાંબા કાર્યકાળ દરમિયાન અનેક જાહેર અને રાજકીય સ્વરૂપે મહત્ત્વપૂર્ણ પદો પર કામ કર્યું હતું. તેમણે 33 વર્ષની ઉંમરે વર્ષ 1957ની ચૂંટણીમાં કુલિથલઈ બેઠક જીતીને તમિલનાડુની વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. તેઓ વર્ષ 1967માં તમિલનાડુ સરકારમાં મંત્રી બન્યાં હતાં અને વર્ષ 1969માં પહેલી વાર રાજ્યમાં મુખ્યમંત્રી બન્યાં હતાં. તેઓ પાંચ વાર તમિલનાડુનાં મુખ્યમંત્રી બન્યાં હતાં.
રાજકીય જીવન ઉપરાંત તેઓ સિનેમાનાં અતિ લોકપ્રિય પટકથા લેખક પણ રહ્યાં છે. તેમણે દ્રવિડ આંદોલનનાં આદર્શોનાં પ્રચાર માટે સિનેમાને માધ્યમ બનાવ્યું. ડૉ. એમ કરુણાનિધિ પોતાનાં લેખન અને વક્તૃત્વ કૌશલ્ય માટે પણ પ્રસિદ્ધ હતાં. તમિલ સાહિત્યમાં તેમનું યોગદાન ઉલ્લેખનીય અને અભૂતપૂર્વ હતું. તેમણે કવિતા, પટકથા, નવલકથા, જીવનકથા, નાટક, સંવાદ અને ફિલ્મનાં ગીતોની રચના કરી છે.
તેમનાં નિધનથી તમિલનાડુની જનતાએ પોતાના લોકપ્રિય નેતા ગુમાવ્યા છે.
મંત્રીમંડળે સરકાર અને સંપૂર્ણ રાષ્ટ્ર તરફથી શોકગ્રસ્ત પરિવાર અને તમિલનાડુની જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.”
NP/J.Khunt/GP/RP