Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની યુગાન્ડાની મુલાકાત દરમિયાન ભારત-યુગાન્ડાનું સંયુક્ત નિવેદન


1. પ્રજાસત્તાક યુગાન્ડાનાં રાષ્ટ્રપતિ મહામહિમ યોવેરી કાગુટા મુસેવેનીનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24-25 જુલાઈ, 2018નાં રોજ યુગાન્ડાની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીની સાથે ભારત સરકારનાં ઉચ્ચ અધિકારીઓનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મોટું વેપારી પ્રતિનિધિમંડળ પણ યુગાન્ડાનાં પ્રવાસે ગયું હતું. છેલ્લાં 21 વર્ષમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની આ યુગાન્ડાની પ્રથમ મુલાકાત હતી.

2. ત્યાં પહોંચીને પ્રધાનમંત્રી શ્રી મોદીનું પરંપરાગત ઉચ્ચસ્તરીય રીતે સ્વાગત કરવામાં આવ્યું. પ્રવાસ દરમિયાન તેમણે બુધવારે 24 જુલાઈ, 2018નાં રોજ એંટેબે સ્થિત સ્ટેટ-હાઉસમાં રાષ્ટ્રપતિ મુસેવેની સાથે દ્વિપક્ષીય ચર્ચાવિચારણા કરી. પ્રધાનમંત્રીનાં સન્માનમાં રાષ્ટ્રપતિ મુસેવેનીનાં રાજકીય ભોજનની મેજબાની કરી હતી.

3. પ્રધાનમંત્રી શ્રી મોદીનાં કાર્યક્રમમાં યુગાન્ડાનાં સંસદને સંબોધન સામેલ હતું, જેનું ભારત અને આફ્રિકાનાં ઘણાં દેશોમાં સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. પહેલી વાર કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ યુગાન્ડાની સંસદને સંબોધન કર્યું હતું. યુગાન્ડાનાં ખાનગી ક્ષેત્રનાં ફાઉન્ડેશન અને ઔદ્યોગિક સંગઠને સંયુક્ત સ્વરૂપે એક વેપારી કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં બંને નેતાઓએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વિશેષ સ્વરૂપે આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ યુગાન્ડામાં વિશાળ ભારતીય સમુદાયને પણ સંબોધન કર્યું હતું.

4. ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુસેવેનીએ યુગાન્ડા અને ભારત વચ્ચે પરંપરાગત ઊંડાણપૂર્વક અને નજીકનાં સંબંધોની રૂપરેખા આપી હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોમાં પુષ્કળ સંભાવના હોવાની સંમતિ વ્યક્ત કરી હતી. બંનેએ રાજકીય, આર્થિક, વાણિજ્યિક, સંરક્ષણ, પ્રૌદ્યોગિકી, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સહયોગને મજબૂત કરવા દ્વિપક્ષીય પ્રતિબદ્ધતા પ્રતિપાદિત કરી હતી. રાષ્ટ્રપતિ મુસેવેનીએ યુગાન્ડાનાં રાષ્ટ્રીય વિકાસ અને આર્થિક પ્રગતિમાં ત્યાં રહેતાં 30,000 ભારતીયોનાં યોગદાનની પ્રશંસા કરી હતી. ભારતે આ ક્ષેત્રમાં આર્થિક એકીકરણ તથા શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે યુગાન્ડાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી.

5. આ ચર્ચાવિચારણાને ધ્યાનમાં રાખીને ભારત અને યુગાન્ડાનાં પક્ષમાં નીચેનાં મુદ્દે ચર્ચા થઈ હતીઃ

• હાલનાં દ્વિપક્ષીય સાથસહકારની ઉપલબ્ધિઓ અને સફળતાઓનો લાભ ઉઠાવવા તથા તેમને મજબૂત પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનંપ પુનરાવર્તન કરવું,

• બંને પક્ષો વચ્ચે વેપાર-વાણિજ્ય અને આર્થિક સંબંધોનાં મહત્ત્વને રેખાંકિત કરવાં. બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર-વાણિજ્યનાં વર્તમાન સ્તરની સમીક્ષા કરી હતી અને વેપારી ક્ષેત્રોને વધારવા તથા તેમાં વિવિધતા લાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમાં બંને દેશો વચ્ચે વેપારી અસંતુલન દૂર કરવા અને બંને દેશો વચ્ચે વેપાર-વાણિજ્યની સુવિધાને સામેલ કરી હતી.

• વિવિધ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં ખાનગી રોકાણને વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તથા આ વાતને રેખાંકિત કરી કે પારસ્પરિક વેપારી સંબંધોનાં વિસ્તાર અને પ્રોત્સાહનની અપાર ક્ષમતા છે.

• ભારતીય ટેકનિકલ અને આર્થિક સહયોગ (આઈટીઈસી), ભારત-આફ્રિકા ફોરમ શિખર સંમેલન (આઈએએફએસ), ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ વગેરે અંતર્ગત યુગાન્ડાનાં નાગરિકોને તાલીમ અને શિષ્યાવૃત્તિ માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી.

• ભારત અને યુગાન્ડા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા સાથસહકાર પર સંતોષ વ્યક્ત કર્યો, ખાસ કરીને ભારતીય ટેકનિકલ અને આર્થિક સહયોગ અંતર્ગત વિવિધ ભારતીય સેના તાલીમ સંસ્થાઓમાં યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સ (યુપીડીએફ)ની તાલીમ સામેલ છે. આ ઉપરાંત કીમાકામાં યુગાન્ડાનાં સીનિયર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજમાં ભારતીય સૈન્ય તાલીમ દળની હાજરી પણ તેમાં સામેલ છે.

• ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ભારત અને યુગાન્ડા વચ્ચે સહયોગને સમર્થન આપવા પર સંમતિ. યુગાન્ડાએ પોતાની મહત્ત્વપૂર્ણ જાહેર માળખાગત યોજનાને લાગુ કરવામાં ડિજિટલ સર્વસમાવેશકતા માટે ભારતની યોજનાઓને અપનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

6. બંને નેતાઓએ આ વાત સંમતિ વ્યક્ત કરી કે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આતંકવાદ જોખમ છે. બંને નેતાઓએ આતંકવાદનાં તમામ સ્વરૂપો અને તમામ પદ્ધતિઓનો સામનો કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી. બંને નેતાઓએ આ વાત પર ભાર મૂક્યો હતો કે, કોઈ પણ આધારે આતંકવાદી કામગીરીને વાજબી ઠેરવી ન શકાય.

7. નેતાઓએ આ વાત પર ભાર મૂક્યો હતો કે, આતંકવાદીઓ, આતંકવાદી સંગઠનો, તેમનાં નેટવર્ક અને આતંકવાદને સમર્થન અને નાણાંકીય સહાયતાને પ્રોત્સાહન આપતાં તેમજ આતંકવાદીઓ અને આતંકવાદી સમૂહોને આશ્રય આપનાર વિરૂદ્ધ કઠોર પગલાં લેવા જોઈએ. બંને નેતાઓએ આ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે આતંકવાદી સંગઠન કોઈ ડબલ્યુએમડી (સામૂહિક વિનાશનાં શસ્ત્રો) કે ટેકનોલોજી સુધી પહોંચી નહીં શકે. બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વિસ્તૃત સમજૂતીને તાત્કાલિક અપનાવવા માટે સાથ-સહકાર સ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

8. બંને નેતાઓએ પ્રાદેશિક અને પારસ્પરિક હિતનાં આંતરરાષ્ટ્રીય વિષયો પર ઘનિષ્ઠતા સાથે કામ કરવા સંમતિ પ્રકટ કરી હતી.

9. બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં વિસ્તાર અને તેને જવાબદાર, ઉચિત પ્રતિનિધિત્વ અને 21મી સદીની ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓ પ્રત્યે જવાબદાર બનાવવા સહિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વિસ્તૃત સુધારાની જરૂરિયાતોનું પુનરાવર્તન કર્યું હતું. બંને નેતાઓએ આબોહવામાં પરિવર્તન જેવા હાલનાં વૈશ્વિક પડકારોનાં સમાધાન માટે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓમાં સહયોગ સ્થાપિત કરવામાં ઝડપ લાવવા તેમજ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા તથા સતત વિકાસમાં ઝડપ લાવવા માટે સાથ-સહકારનું પુનરાવર્તન કર્યું હતું.

10. બંને નેતાઓએ વિદેશ મંત્રીનાં સ્તર સહિત દ્વિપક્ષીય વ્યવસ્થાઓને નિયમિત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી શકાય તથા આર્થિક અને વિકાસલક્ષી સહયોગ યોજનાઓને ઝડપથી લાગુ કરી શકાય.

11. પ્રવાસ દરમિયાન નીચેનાં સમજૂતી કરારો (એમઓયુ)/ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં:

o સંરક્ષણ સહયોગ પર સમજૂતી કરાર

o રાજદ્વારી અને સરકારી પાસપોર્ટ ધારકો માટે વીઝામાં છૂટછાટ પર સમજૂતી કરાર

o સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ પર સમજૂતી કરાર

o તપાસ પ્રયોગશાળાઓ પર સમજૂતી કરાર

12. બંને નેતાઓએ સમજૂતી કરારોને આવકાર આપ્યો હતો અને સંબંધિત વ્યક્તિઓને એ સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી કે હાલની સંધિઓ, સમજૂતી કરારો અને સહયોગની અન્ય રુપરેખાઓ લાગુ કરવાનું કામ ઝડપથી આગળ વધારવામાં આવે.

13. પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ નીચેની જાહેરાતો કરી હતીઃ

o વીજ લાઇનો અને સબ-સ્ટેશનોનું નિર્માણ કરવા 141 મિલિયન ડોલરની તથા ડેરી ઉત્પાદન માટે 64 મિલિયન ડોલરની બે લાઇન ઑફ ક્રેડિટ

o જિંજામાં મહાત્મા ગાંધી કન્વેન્શન/હેરિટેજ સેન્ટરની સ્થાપનામાં યોગદાન

o ક્ષમતાનાં સર્જન અને પૂર્વ આફ્રિકન સમુદાય (ઈએસી) માટે 929,705 અમેરિકન ડોલરનું નાણાકીય સમર્થન. હાલમાં યુગાન્ડા પૂર્વ આફ્રિકન સમુદાયનું અધ્યક્ષ રાષ્ટ્ર છે.

o ડેરી ક્ષેત્રમાં સાથ-સહકારને મજબૂત કરવા માટે ડેરી સહયોગનાં ક્ષેત્રમાં આઈટીઈસી યોજના અંતર્ગત તાલીમ માટે 25 સ્લોટ.

o યુગાન્ડા પીપલ્સ ડિફન્સ ફોર્સ (યુપીડીએફ) માટે તથા યુગાન્ડા સરકાર દ્વારા ઉપયોગ માટે દરેકને 44-44 (88) વાહનોની ભેટ.

o કેન્સરની બિમારી દૂર કરવામાં યુગાન્ડાનાં પ્રયાસોને મદદ કરવા માટે ભાભાટ્રોન કેન્સર થેરપી મશીનની ભેટ આપવી.

o યુગાન્ડાનાં શાળાનાં બાળકો માટે એનસીઈઆરટીની 100,000 પુસ્તકોની ભેટ.

o કૃષિ વિકાસમાં યુગાન્ડાનાં પ્રયાસોમાં સહાયતા કરવા યુગાન્ડાને સૌર ઊર્જાથી સંચાલિત 100 પમ્પની ભેટ.

14. પ્રધાનમંત્રી મોદીએ કરેલી આ જાહેરાતોનું રાષ્ટ્રપતિ મહામહિમ યોવેરી મુસેવેનીએ સ્વાગત કર્યું હતું. તેમણે આ વાતની પુષ્ટિ કરી હતી કે, આ જાહેરાતો દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

15. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં અને શિષ્ટમંડળનાં આતિથ્ય સત્કાર માટે રાષ્ટ્રપતિ શ્રી યોવેરી મુસેવેનીનો આભાર વ્યક્ત કર્યો તથા ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ મુસુવેનીએ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. રાજકીય જોડાણનાં માધ્યમથી તેમની મુલાકાતની તારીખો પર સંમતિ આપવામાં આવશે.

RP