Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યુગાન્ડામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (24 જુલાઈ, 2018) યુગાન્ડામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. કમ્પાલામાં આયોજિત આ કાર્યક્રમમાં યુગાન્ડાનાં રાષ્ટ્રપતિ મુસેવેની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું હતું કે, તેઓ યુગાન્ડમાં ભારતીય સમુદાય સાથે પોતીકાપણાની ભાવના અનુભવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં યુગાન્ડાનાં રાષ્ટ્રપતિ મુસેવેનીની હાજરી તેમનો યુગાન્ડમાં વસતાં ભારતીયો અને ભારતીય સમુદાય પ્રત્યેનાં પ્રેમને દર્શાવે છે. તેમણે યુગાન્ડાની સંસદને બુધવારે સંબોધવાનું સન્માન આપવા બદલ રાષ્ટ્રપતિ મુસેવેની અને યુગાન્ડાની જનતાનો આભાર પણ માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત અને યુગાન્ડા વચ્ચેનાં સંબંધો સદીઓથી વધુને વધુ મજબૂત થઈ રહ્યાં છે. તેમણે બંને દેશો વચ્ચેનાં ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતાં, જેમાં સંસ્થાનવાદ સામેનો સંઘર્ષ અને યુગાન્ડામાં રેલવે નેટવર્ક સ્થાપિત કરવાની કામગીરી જેવી બાબતો સામેલ હતી. તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક ભારતીયો યુગાન્ડાનાં રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યાં છે.

આ પ્રસંગે ભારતીય સમુદાય દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એ સંદર્ભે પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયની ભારતીયતાની ભાવના જાળવી રાખવા બદલ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુગાન્ડા સહિત આફ્રિકાનાં તમામ દેશો ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, આ માટે વિવિધ કારણો છે જેમ કે સંસ્થાનવાદ સામેનો સહિયારો ઇતિહાસ, યુગાન્ડામાં મોટી સંખ્યામાં વસતો ભારતીય સમુદાય અને વિકાસનાં સામાન્ય પડકારો.

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારત કાર અને સ્માર્ટફોનની નિકાસ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનાં લોકો માટે ડિજિટલ ટેકનોલોજી સક્ષમ બનવા માટેનું માધ્યમ છે તથા દેશ સ્ટાર્ટ અપ માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ભારતની વિદેશી નીતિમાં આફ્રિકાનાં મહત્ત્વ વિશે પણ વાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે વર્ષ 2015માં નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયાઆફ્રિકા ફોરમ સમિટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારત અને આફ્રિકાનાં અન્ય દેશો વચ્ચે અન્ય ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય જોડાણોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ હાથ ધરવામાં આવેલી અન્ય વિવિધ પહેલનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે 3 અબજ ડોલરથી વધારે મૂલ્યની લાઇન ઑફ ક્રેડિટ; સ્કોલરશિપ અને ઇવિઝાની વ્યવસ્થા. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનનાં તમામ સભ્યોમાં લગભગ અડધોઅડધ સભ્યો આફ્રિકાનાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એશિયા અને આફ્રિકાનાં દેશો દુનિયામાં નવી વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

NP/J.Khunt/GP/RP