Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે દેશભરમાં વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનાં લાભાર્થીઓને સંબોધિત કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે દેશભરમાં વિવિધ સામાજિક સુરક્ષાઓનાં લાભાર્થીઓ સાથે વાત કરી હતી. તેમાં અટલ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને વયવંદના યોજના એમ ચાર મુખ્ય સામાજિક સુરક્ષા યોજનાઓ આવરી લેવામાં આવી હતી. સરકારી યોજનાઓનાં વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધિત કરેલી શ્રેણીમાં પ્રધાનમંત્રીનું આ આઠમું સંબોધન હતું.

મુશ્કેલીઓ સામે લડતાં અને વધુ મજબૂત બનેલા લોકો સાથે વાત કરીને ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સામાજિક સુરક્ષા યોજનાઓ લોકોને મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓથી જીવનની અનિશ્ચિતતા સાથે અસરકારક રીતે લડવામાં લોકોને મદદ મળશે તેમજ તેઓ કુટુંબને નાણાકીય મુશ્કેલીની સ્થિતિમાંથી બહાર નીકળવા સક્ષમ પણ બનાવશે.

પ્રધાનમંત્રીએ ગરીબ અને વંચિત વર્ગની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારનાં વિવિધ પગલાઓની રૂપરેખા પણ જણાવી હતી. તેમાં ગરીબો માટે બેંકોનાં દ્વાર ખોલવા બેંકિંગની સુવિધાથી વંચિત લોકોને બેંકિંગની સુવિધા પ્રદાન કરવી સામેલ છે, જેથી નાનાં વેપારીઓ અને નવા ઉદ્યોગસાહસિકો માટે મૂડી સુલભ થશે તેમજ ગરીબ અને વંચિત માટે સામાજિક સુરક્ષા કવચ મળશે તેમજ નાણાકીય રીતે અસુરક્ષિત લોકોને નાણાકીય કવચ મળશે.

પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે વાત કરીને જણાવ્યું હતું કે, વર્ષ 2014થી 2017 દરમિયાન પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ 28 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યાં હતાં, જે દુનિયાભરમાં કુલ બેંક ખાતાઓનો આશરે 55 ટકા હિસ્સો છે. તેમણે એવી ખુશી પણ વ્યક્ત કરી હતી કે, અત્યારે ભારતમાં વધુ મહિલાઓ બેંક ખાતાઓ ધરાવે છે અને ભારતમાં અત્યારે બેંક ખાતાઓની સંખ્યા 80 ટકા થઈ છે, જે વર્ષ 2014માં 53 ટકા છે.

લોકોની મુશ્કેલીઓને સાંભળવા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વ્યક્તિની ખોટ ક્યારેય પૂરી ન શકાય છતાં સરકાર અસરગ્રસ્ત પરિવારોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા હંમેશા પ્રયાસરત છે. તેમણે જણાવ્યું હતું કે, આશરે રૂ. 300 જેટલું ઓછું પ્રિમિયમ ચૂકવીને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનામાંથી પાંચ કરોડથી વધારે લોકોને લાભ મળ્યો છે.

અકસ્માત વીમા કવચ યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 13 કરોડથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ લોકો દર વર્ષે રૂ. 12ની ચુકવણી કરીને રૂ. 2 લાખ સુધીનાં અકસ્માતનાં વીમા કવચમાં વળતરનો દાવો કરી શકે છે.

પ્રધાનમંત્રીએ વાતચીત દરમિયાન સરકારની વયોવૃદ્ધ લોકોની સારસંભાળ લેવાની વિવિધ પહેલો ટૂંકમાં જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે વયવંદના યોજના શરૂ થઈ હતી અને આશરે ત્રણ લાખ વૃદ્ધોએ તેનો લાભ લીધો છે, જે અંતર્ગત 60 વર્ષથી વધારે વયનાં લોકોને 10 વર્ષ માટે 8 ટકા સુનિશ્ચિત વળતર મળશે. ઉપરાંત સરકારે આવકવેરાની મૂળભૂત મર્યાદા વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 3 લાખ પણ કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સરકાર વયોવૃદ્ધ લોકોની સુખાકારી માટે કટિબદ્ધ છે.

સરકારની તમામને સામાજિક સુરક્ષા કવચ પ્રદાન કરવાની કટિબદ્ધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણ મુખ્ય સામાજિક સુરક્ષા યોજનાઓ (પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ યોજના, અટલ પેન્શન યોજના) હેઠળ 20 કરોડથી વધારે લોકોને લાવવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને એવું સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું કે, સરકાર તેનાં તમામ નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનાં પ્રયાસો જાળવી રાખશે, ખાસ કરીને ગરીબો અને વંચિતોને શક્ય તમામ રીતે સક્ષમ બનાવાશે.

પ્રધાનમંત્રી સાથે વાત કરતાં વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનાં લાભાર્થીઓને જરૂરિયાતનાં સમય દરમિયાન આ યોજનાઓ કેવી રીતે મદદરૂપ થાય છે એ સમજાવ્યું હતું. વાતચીતમાં લાભાર્થીઓએ વર્તમાન સરકારે પ્રસ્તુત કરેલી વિવિધ યોજનાઓ માટે પ્રધાનમંત્રીનો આભર માન્યો હતો અને કહ્યું હતું કે, મોટા ભાગની યોજનાઓ ઘણાં લોકોનાં જીવન માટે પરિવર્તનકારી પુરવાર થઈ છે.

 

NP/J.Khunt/RP