Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 26, અલીપુર રોડ, દિલ્હી ખાતે ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકના ઉદઘાટન પ્રસંગે કરેલા સંબોધનનો મૂળપાઠ


મંત્રીમંડળના મારા સાથી શ્રીમાન થાવરચંદજી ગેહલોત, શ્રીમાન રામવિલાસ પાસવાનજી, આ વિસ્તારના સાંસદ અને મંત્રીમંડળના મારા સાથી ડૉ. હર્ષવર્ધનજી, રામદાસ આઠવલેજી, શ્રીમાન વિજય સાંપલાજી અને અહિં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો, ભાઇઓ અને બહેનો.

આજે સૌથી પહેલાં હું સવા સો કરોડ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે આજે તેમને ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારક સ્વરૂપે એક અણમોલ ઉપહાર પ્રાપ્ત થયો છે. આજે બાબા સાહેબની યાદમાં બનેલા આ રાષ્ટ્રીય સ્મારકને રાષ્ટ્રને સમર્પિત કરતી વખતે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી હોવાનો અનુભવ કરી રહ્યો છું.

દેશમા વૈશાખીનો તહેવાર મનાવાઈ રહ્યો છે. વૈશાખી એ આપણાં અન્નદાતા ખેડૂતના પરિશ્રમને પૂજવાનો દિવસ છે. હું દેશવાસીઓને વૈશાખીની પણ ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ એ જલિયાવાલા બાગના નરસંહારની પણ તિથી છે. 99 વર્ષ પહેલાં આઝાદીના દિવાનાઓ પર જે રીતે અંગ્રેજ શાસને જુલ્મ વરસાવ્યો હતો એ બાબત માનવજાતના ઈતિહાસની સૌથી ઘૃણાસ્પદ ઘટનાઓમાંની એક છે. જલિયાવાલાં બાગના ગોળીબારમાં શહિદ થયેલા દરેક સેનાનીને હું નમન કરૂં છું.

સાથીઓ, સ્વતંત્રતા પછી આટલી સરકારો આવી અને ગઈ, કેટલો બધો સમય પસાર થઈ ગયો, પરંતુ જે કાર્ય ઘણાં સમય પહેલાં કરવું જોઈતું હતું તે કામ આજે દાયકાઓ પછી થઈ રહ્યું છે અને એટલા માટે આ જગ્યાએ આવવું અને કાર્યક્રમમાં સામેલ થવું, એ જગ્યાએ ઊભા રહેવું કે જ્યાં બાબા સાહેબે તેમનો છેલ્લો સમય વિતાવ્યો હતો તે મારા માટે ખૂબ જ ભાવુક ક્ષણ છે. બાબા સાહેબના નામે અને તેમની યાદમાં નિર્માણ પામેલું આ રાષ્ટ્રિય સ્મારક દેશ તરફથી તેમને અપાયેલી એક ભાવભીની શ્રદ્ધાંજલિ છે. આવતી કાલે બાબા સાહેબની જન્મ જયંતિ છે અને તેના એક દિવસ પહેલાં અહીં આ સમારંભનું આયોજન બાબા સાહેબ પ્રત્યે આપણી સૌની અતૂટ શ્રદ્ધાને પ્રગટ કરે છે. સરકારની નિષ્ઠાને પણ પ્રગટ કરે છે.

આ પવિત્ર કાર્ય પૂરૂ કરવા માટે હું સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને ભારત સરકારના અન્ય સંબંધિત વિભાગોની પણ ખૂબ-ખૂબ પ્રશંસા કરૂ છું.

સ્મારકના નિર્માણમાં પોતાનો ખૂબ પરસેવો વહાવનારા એક-એક શ્રમિકને પણ હું નમન કરૂં છું. તેમનામાંના ઘણા બધા આજે અહીં હાજર નહીં હોય. તેઓ આ કાર્યક્રમથી દૂર ક્યાંક અન્ય કામમાં લાગેલા હશે, પરંતુ તેમને પણ હું મારા કોટિ કોટિ પ્રણામ કરૂં છે.

ભાઈઓ અને બહેનો આજે અહીં 26, અલીપુર રોડ ખાતે બનાવવામાં આવેલું આ સ્મારક માત્ર દિલ્હી જ નહીં, દેશના માનસપટ પર હંમેશા માટે અંકિત થઈ ગયું છે. અહીં આવીને લોકો બાબા સાહેબના જીવન સાથે જોડાયેલી વાતોને, તેમની દ્રષ્ટિને વધુ સારી રીતે સમજી શકશે.

આ સ્મારક એક અસાધારણ વ્યક્તિના અસાધારણ જીવનનું પ્રતિક છે. આ સ્મારક ભારત માતાના એક પ્રમાણિક સપૂતના આખરી દિવસોની યાદગીરી છે.

ભાઈઓ અને બહેનો. આ સ્મારકને એક પુસ્તકના આકાર સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક આપણાં દેશના બંધારણ કે જેના શિલ્પકાર ડૉ. બાબા સાહેબ આંબેડકર હતા. એ બંધારણની રચના કરીને બાબા સાહેબે દુનિયાના સૌથી મોટા લોકતંત્રને, લોકતંત્ર બની રહેવા માટેનો માર્ગ સુનિશ્ચિત કર્યો હતો.

આજની નવી પેઢી, જ્યારે પણ આ સ્મારકમાં આવશે અને અહિંયા ગોઠવાયેલું પ્રદર્શન જોઈને તથા અહિંના સ્મારકમાં આધુનિક તકનિક દ્વારા તેમના જીવનના મહત્વના પડાવને જોઈને બાબા સાહેબના જીવનના દીર્ઘ વિસ્તારને સારી રીતે સમજી શકશે.

સાથીઓ, અમારી સરકાર માટે સૌભાગ્યની એક બાબત એ છે કે તેને બાબા સાહેબ આંબેડકર સાથે જોડાયેલા મહત્વના 5 સ્થળો, જેને હંમેશા પંચ તીર્થ સ્વરૂપે પુણ્યભાવથી હું સ્મરણ કરૂં છુ, તેને વિકસીત કરવાની અમને તક મળી છે. શ્રીમાન ગેહલોતજીએ તેનું વિસ્તારથી વર્ણન પણ કર્યું છે.

મધ્ય પ્રદેશના મહુમાં બાબા સાહેબની જન્મભૂમિ, લંડનમાં ડૉ. આંબેડકર સ્મારક-તેમની શિક્ષા ભૂમિ, નાગપુરમાં દીક્ષા ભૂમિ, મુંબઈમાં- ચૈત્ય ભૂમિ અને અહીં દિલ્હીમાં આ રાષ્ટ્રીયસ્મારક સ્વરૂપે તેમની મહાપરિનિર્માણ ભૂમિ, આ સ્થળ, આ તીર્થ માત્ર ઈંટ અને માટીથી બનેલી ઈમારતો જ નથી, પણ એક જીવંત સંસ્થાઓ છે. આચાર અને વિચારની સૌથી મોટી સંસ્થાઓ છે.

સાથીઓ, આ ઈમારત ભવ્ય પણ છે, આ ઈમારત દિવ્ય પણ છે. સાથીઓ, આ દિવ્ય-ભવ્ય ઈમારત એ આ સરકારની કામ કરવાની સંસ્કૃતિનું પણ એક પ્રતિક છે. જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, કેટલા વર્ષો વિતી ગયા. તમે યાદ કરી જુઓ. ત્યારે અહીં આ જમીન પર રાષ્ટ્રીય સ્મારક રચવાની વાતનો પ્રારંભ થયો હતો. વાત આગળ વધી, પરંતુ અટલજીની સરકાર ગયા પછી કોંગ્રેસ સરકારના સમયમાં આ પરિયોજના ફાઈલોમાં અટકી ગઈ અને કામ બંધ થઈ ગયું.

2014માં ફરીથી એક વખત દેશવાસીઓએ અમને સેવા કરવાની તક આપી છે. 2014માં અમારી સરકાર રચાયા પછી 26, અલીપુર રોડની ફાઈલો શોધવાની શરૂઆત થઈ, બધુ શોધીને તથા ફાઈલો મળ્યા પછી ફરી એક વખત અમે ઝડપથી આ કામનો પ્રારંભ કર્યો.

26 માર્ચ, 2016ના રોજ આ સ્મારકની શિલારોપણ વિધિ કરવામાં આવી હતી, તે વખતે મેં એ દિવસે જ કહ્યું હતું કે વર્ષ 2018માં બાબા સાહેબની જન્મ જયંતિ પહેલાં જ હું તેનું લોકાર્પણ કરવાનું ઈચ્છીશ. હું પૂરી નમ્રતા સાથે કહેવા માંગુ છું કે અમે એક એવી કાર્ય સંસ્કૃતિ વિકસાવવાનો પ્રયાસ કર્યો છે કે જેનો શિલાન્યાસ અમે કરીએ, તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ.

સમયની ચોકસાઈ, સાધનો પર વિશ્વાસ અને સરકારની ઈચ્છાશક્તિ કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તે આજે અમે આપ સૌની સામે જે ભવ્ય સ્મારક ઉભુ કરાયું છે તેના દ્વારા આપ સારી રીતે સમજી શકો તેમ છો.

સાથીઓ, લોકતંત્રમાં જ્યારે-જ્યારે જનતા જવાબ માંગે તે અગાઉ તમારે પોતે પોતાની જવાબદારી નક્કી કરી લેવાની હોય છે. તમારે તમારી જાતને પણ જવાબ આપવાનો હોય છે, પરંતુ આપણે ત્યાં અગાઉની સરકારોમાં આ પ્રકારની જવાબદારી ખૂબ ઓછી જોવા મળતી હતી. આવી વ્યવસ્થાને અમે આ સરકારમાં સંપૂર્ણ રીતે બદલી નાંખી છે.

સંભવતઃ તમારામાંના કેટલાક લોકો દિલ્હીના 15, જનપથ પર બનેલા આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પર પણ ગયા હશે. વર્ષ 1992માં, તમે વિચાર કરો, 1992માંઆ કેન્દ્રની રચના કરવાનો વિચાર આવ્યો હતો, પરંતુ 22 વર્ષ સુધી તેની ફાઈલો પણ દબાવી દેવામાં આવી હતી. દિલ્હીમાં કામકાજ સંભાળ્યું તેના એક જ વર્ષની અંદર એપ્રિલ 2015 માં મને આ કેન્દ્રનો શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને થોડાંક મહિના પહેલાં જ ડિસેમ્બરમાં લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. હવે ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારોના પ્રતિક જેવુ આ અત્યંત આધુનિક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દિલ્હીની આન, બાન અને શાનનું પ્રતીક બની રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, વ્યવસ્થામાં આવું પરિવર્તન ત્યારે જ થઈ શકે કે જ્યારે બિલકુલ જમીની સ્તર પર જઈને ખામીઓને સમજવામાં આવે અને તેને દૂર કરવામાં આવે. હમણાં ત્રણ દિવસ પહેલાં જ હું ચંપારણમાં હતો. ત્યાંથી મેં મધેપુરાની ઈલેક્ટ્રીક લોકોમોટીવ ફેક્ટરીના પ્રથમ તબક્કાનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજનાની પણ આવી જ વાર્તા છે. આ પરિયોજની સ્વીકૃતિ વર્ષ 2007માં કરવામાં આવી પણ કામ-કાજનો પ્રારંભ થયો અમારા આવ્યા પછી વર્ષ 2015માં, અગાઉની સરકારે 7 વર્ષ તો ફાઈલોની યાત્રામાં જ ગૂમાવ્યા હતા.

આ સરકારના માત્ર બે- અઢી વર્ષના પ્રયાસમાં હવે આ ફેક્ટરીમાં દુનિયાના સૌથી શક્તિશાળી એન્જીનોમાંનાં એક ગણાતા એન્જીનોનું ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રીતે જો હું યોજનાઓની યાદી ગણાવવાના કામમાં લાગી જાઉં તો કદાચ ઘણાં દિવસો વિતી જશે. દેશની આઝાદી પછી, અટકાવવાની, ભટકાવવાની અને લટકાવવાની કાર્ય સંસ્કૃતિ આપણને મળી હતી. આવું તો બાબા સાહેબે ક્યારેય પણ વિચાર્યું નહોતું. તેમણે ક્યારેય પણ એવું વિચાર્યું નહીં હોય કે જે સરકારો આવશે તે 30-30, 40-40 વર્ષ સુધી યોજનાઓ પૂરી નહીં કરે. યોજનાઓનું આ રીતે અટકી જવું તે દેશ પ્રત્યેનો એક ખૂબ મોટો અપરાધ છે.

સાથીઓ, છેલ્લા 4 વર્ષથી અમારી સરકાર શોધી શોધીને વર્ષોથી અધૂરી પડેલી યોજનાઓના કામ પૂરા કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. પ્રધાનમંત્રીના કાર્યાલયની સીધી દેખરેખ હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા દ્વારા સાડા નવ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમની અધૂરી યોજનાઓને ઝડપભેર આગળ વધારવાનું કામ આજે ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં પ્રગતિની આવી બેઠકો દ્વારા દેશના વિકાસમાં એક નવી ગતિ આવી છે.

સાથીઓ, અભાવથી રોવાનું નથી અને પ્રભાવથી વિચલિત થવાનું નથી. આ મંત્ર દરેક માટે એક તાકાત બની જતો હોય છે. આવી તાકાત આપવાનું કામ બાબા સાહેબ આંબેડકરે તેમના જીવન દ્વારા આપણને શિખવ્યું છે. એટલા માટે આ સરકારમાં પણ તમને અભાવના રોદણાં રોવાનું જોવા નહીં મળે. અમે તો આપણાં સાધનો પર, આપણા સામર્થ્ય પર વિશ્વાસ મૂકીને આગળ વધવાનો નિરંતર પ્રયાસ કરતા રહીએ છીએ. આ વિચારધારાને કારણે અમે લક્ષ્ય નક્કી કરીને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોતાની પૂરી તાકાત લગાડી દેતા હોઈએ છીએ. આવો જ રસ્તો આપણને બાબા સાહેબ આંબેડકરે શિખવ્યો છે.

ભાઈઓ અને બહેનો. આજથી બરાબર એક મહિના પહેલાં અહીં દિલ્હીમાં એક કાર્યક્રમ થયો હતો. સમગ્ર દુનિયાના લોકો તેમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં દુનિયાના બાકીના દેશોએ એવી વાત મૂકી હતી કે ટી.બી.ને વર્ષ 2030 સુધીમાં કેવી રીતે નાબૂદ કરી દેવો જોઈએ. એ બેઠકમાં મેં ભારત તરફથી ઘોષણા કરી કે ભારત વર્ષ 2025 સુધીમાં ટી.બી.ને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવાનું કામ કરશે. એટલે કે આપણે પોતાના માટે લક્ષ્ય પ્રાપ્ત કરવાની સમય સીમાને બાકીના દેશોની તુલનામાં વધુ 5 વર્ષ ઓછા કરી દેવાનું કામ કર્યું હતું.

હવે તમે વિચારો કે અગાઉની સરકારો કામ પૂર્ણ કરવાની તારીખ આગળ વધારવામાં પોતાનું મગજ ચલાવતી રહી હતી. આ સરકાર કામ પૂર્ણ કરવાની તારીખ પહેલાં જ કામ પૂર્ણ કરી દેવામાં વિશ્વાસ રાખી રહી છે. આ કામ પણ કેવા છે, હવે ટી.બી. સામેની લડાઈ એ માત્ર અમીરો માટેની જ લડાઈ નથી. ગરીબોના ઘરમાં ટી.બી.એ ઘર કરી દીધુ છે અને આ ગરીબો કોણ છે? દલિત છે, શોષિત છે, પીડિત છે, વંચિત છે. તેમને આ મુસીબતોમાંથી મુક્તિ અપાવવી તે બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું અને અમે તેને પૂર્ણ કરવા માટેના કામમાં લાગી ગયા છીએ.

ભલે દેશના દૂર-દૂરના વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો રસીકરણનો કાર્યક્રમ હોય કે પછી ગામડાંને સડકો દ્વારા જોડવાની યોજના હોય. આ સરકારમાં લક્ષ્ય પૂર્ણ કરવાની આખરી તારીખના બે-બે, ત્રણ-ત્રણ વર્ષ ઓછા કરી દેવામાં આવ્યા છે. જે કામ 2022માં કરવાનું હતું તે કામ આપણે વર્ષ 2020માં કેમ ન કરી શકીએ? જે કામ 2024માં પૂર્ણ થવાનું હોય તે કામ 2022માં કેમ કરી શકાય નહીં?

સાથીઓ, બાબા સાહેબની વિચારધારાના મૂળમાં સમાનતા અનેક સ્વરૂપે સમાવેશ પામેલી છે. સન્માનની સમાનતા, કાયદાની સમાનતા, અધિકારની સમાનતા, માનવીય ગૌરવની સમાનતા, અવસરની સમાનતા. આવા ઘણાં વિષયોમાં બાબા સાહેબે આપણને જીવનમાં હંમેશા એની વ્યાખ્યાઓ બાંધી આપી છે. આ વિષયો ઉઠાવતા રહીને તેમણે હંમેશા આશા દર્શાવી હતી કે ભારતમાં સરકારે બંધારણનું પાલન કરતાં કરતાં કોઈ ધર્મનો ભેદ રાખ્યા વગર કે કોઈ જાતિનો ભેદ રાખ્યા વગર તેને ચલાવવી જોઈએ.

આજે આ સરકારની તમામ યોજનામાં તમને સામાજીક ન્યાય અને કોઈ પણ ભેદભાવ વગર, તમામને સમાનતાનો અધિકાર આપવાના પ્રયાસનો અનુભવ થશે. દાયકાઓથી આપણા દેશમાં અસમતુલા ઉભી થયેલી હતી. તેને આ સરકાર તેની યોજનાઓ દ્વારા ખતમ કરવાનું કામ કરી રહી છે. દાખલા તરીકે જન-ધન યોજના, આઝાદીનાં આટલાં વર્ષ પછી, પણ કરોડો લોકો પાસે પોતાનુ બેંકનું ખાતુ ન હોવું તે એક ખૂબ મોટો અન્યાય હતો. તેને ખતમ કરવાનું કામ અમારી સરકારે કર્યું. જન-ધન યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશની બેંકોમાં 31 કરોડથી પણ વધુ ખાતાં ખોલવામાં આવી ચૂક્યાં છે.

આવી રીતે દેશના કરોડો લોકોના ઘરમાં શૌચાલય નહીં હોવું તે પણ સામાજીક અન્યાયનું એક પાસુ છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશમાં આ સરકારે 7 કરોડ શૌચાલય બનાવ્યાં છે. એમાંથી લગભગ સવા બે કરોડ શૌચાલય ગ્રામ્ય વિસ્તારોમાં બન્યાં છે. છેલ્લા 4 વર્ષમાં દેશે એ જોયું છે કે, આ રીતે શૌચાલયોથી ઈજ્જત આવે છે, સમાનતા પણ આવે છે.

ભાઈઓ અને બહેનો, આજે આ આધુનિક યુગમાં કોઈના ઘરમાં વિજળી ન હોય તો તે બાબત પણ ઘણો મોટો સામાજીક અન્યાય છે. આપણે ત્યાં તો વર્ષ 2014માં 18,000 થી વધારે ગામડાં એવા હતા કે ત્યાં સુધી વિજળી પહોંચી શકી ન હતી. આઝાદીના આટલા વર્ષો પછી પણ 18,000 ગામડાં 18મી સદીમાં જીવવા માટે મજબૂર બની રહ્યા હતા. લાલ કિલ્લા પરથી એલાન કરીને અમારી સરકારે આ ગામડાંઓ સુધી વિજળી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. અત્યાર સુધીમાં અનેક ગામોમાં વિજળી પહોંચી પણ ગઇ છે. મને હમણાં છેલ્લી જાણકારી મળી તે મુજબ કદાચ 200 થી 225 ગામ અત્યારે વિજળીની સુવિધાથી વંચિત રહ્યા હશે. અત્યારે અમે દરેક ઘરને વિજળીના જોડાણથી જોડવાનું ભગીરથ કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના હેઠળ દેશના 4 કરોડ ઘરોમાં વિજળીનું જોડાણ મફત આપવામાં આવી રહ્યું છે. જ્યારે ઘરમાં રોશની થશે ત્યારે પ્રકાશ ફેલાશે. સ્વ-રોજગારને ઉત્તેજન આપનારી મુદ્રા યોજના પણ દાયકાઓથી થઈ રહેલા અન્યાયને ખતમ કરવાનું કામ કરી રહી છે. બેંકમાંથી લોન, માત્ર મોટી મોટી યોજનાઓવાળા લોકોને જ મળતી હતી. પોતાના આત્મવિશ્વાસ પર કંઇક કરવાનું સપનું જોઈ રહેલા નવયુવાનો બેંકની ગેરંટીના નામે ભટકતા રહેતા હતા. આ સ્થિતી યોગ્ય નહોતી. આથી અમારી સરકારે બેંક બાંહેધરી વગર લોન લેવાનો વિકલ્પ તેમને આપ્યો.

મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ લોન અરજીઓ સ્વિકારવામાં આવી છે. તેનાથી ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં સ્વ-રોજગાર માટે અમર્યાદિત દ્વાર ખોલવાનું શક્ય બન્યું છે. મુદ્રા યોજના હેઠળ 2 કરોડ 16 લાખથી વધુ દલિત લાભાર્થીઓને ગેરંટી વગર પૈસા મળ્યા છે અને તે આજે પોતાના પગ પર ઉભા રહી શક્યા છે.

સાથીઓ, આ બજેટમાં સરકારે વધુ એક મોટી યોજનાની જાહેરાત કરી છે. સમગ્ર દુનિયામાં આ યોજનાની ચર્ચા થઈ રહી છે. આ યોજના સામાજીક અસમાનતા દૂર કરવાની દિશામાં અમારો એક ખૂબ મોટો પ્રયાસ છે. આ યોજનાનું નામ છે – આયુષમાન ભારત. આ યોજના હેઠળ સરકાર દેશના લગભગ 10 થી 11 કરોડ ગરીબ પરિવારો એટલે કે લગભગ 45 થી 50 કરોડ લોકોને આરોગ્યની ખાતરી આપી રહી છે. ગરીબ પરિવારમાં જો કોઈ બિમાર પડે ત્યારે તેને રૂ. 5 લાખ સુધીની નાણાકીય સહાય નિશ્ચિતપણે કરવામાં આવશે.

સાથીઓ, આજે તમે દેશના કોઈપણ ખૂણે પહોંચો તો ગ્રામીણ મહિલાઓમાં જે યોજનાની સૌથી વધુ ચર્ચા થાય છે તે યોજના છે, ઉજ્જવલા યોજના. દાયકાઓ સુધી દેશમાં એવી સ્થિતી ચાલી રહી હતી કે ગામના થોડા જ ઘરોમાં ગેસનું જોડાણ હતું. ગેસનું જોડાણ હોવાના કારણે એ લોકોની પોતાની આગવી ઓળખ હતી. જે ઘરોમાં ગેસ નહોતો તે સામાજીક અન્યાયનું જ એક ઉદાહરણ હતું.

ઉજ્જવલા યોજના હેઠળ સરકારે દેશમાં સાડા ત્રણ કરોડથી વધુ ગેસ જોડાણો વિનામૂલ્યે આપ્યા છે. હવે તેનો લક્ષ્યાંક વધારીને 8 કરોડ કરી દેવામાં આવ્યો છે. હું સમજું છું કે વિતેલા ઘણા દાયકોની તુલના કરવામાં આવે ત્યારે સામાજીક ન્યાય સ્થાપિત કરનારી આ સૌથી લોકપ્રિય યોજના બની રહી છે.

સાથીઓ, આ સરકારમાં કાયદાના માધ્યમથી સામાજીક સમતુલા સ્થાપવા માટેનો પણ નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એ અમારી સરકાર છે કે, જેણે વર્ષ 2015માં, અને ઘણાં લોકો એ ભૂલી જાય છે તેમને હું યાદ અપાવવા માંગુ છું કે વર્ષ 2015માં અમારી સરકાર રચાયા પછી દલિતો પર થતા અત્યાચારો રોકવા માટે કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો હતો. દલિતો પર અત્યાચારોની અલગ અલગ 22 અપરાધોની યાદી હતી તેને લંબાવીને અમે 47ની કરી હતી, એટલે કે હવે દલિતો પર થતા 47 અલગ-અલગ અપરાધોની કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

• સાથીઓ, જ્યારે અમારી સરકારે આ કાયદામાં સુધારો કર્યો ત્યારે આરોપીઓને આગોતરા જામીન નહીં આપવાની જોગવાઈ હતી, તે જોગવાઈને અમારી સરકારે યથાવત્ત રાખી હતી. પીડિતોને મળનારી રકમમાં પણ અમારી સરકારે વધારો કર્યો હતો. આ કાયદાનો કડકાઈથી અમલ થાય તેના માટે અમારી સરકારે અગાઉની સરકારની તુલનામાં બે ગણી વધુ રકમ ખર્ચી છે. જ્યારે માનનીય સર્વોચ્ચ અદાલતે આ અધિનિયમ સાથે જોડાયેલો હુકમ કર્યો ત્યારે સરકારે તુરંત જ પુનર્વિચારની અરજી દાખલ કરી હતી, પરંતુ ઘણાં લોકોને એ વાતની ખબર નથી કે ચૂકાદો આવ્યો અને અરજી કરવામાં આવી તેની વચ્ચે 6 દિવસની રજાઓ હતી, જાહેર રજાઓ હતી. ભણેલા ગણેલા સારા-સારા લોકો મને મળે છે ત્યારે પૂછે છે કે મોદીજી વિલંબ કેમ થયો? મેં જ્યારે તેમને જણાવ્યું કે 6 દિવસ જાહેર રજાઓ હતી ત્યારે તેમણે જણાવ્યું કે સોરી-સોરી સાહેબ. આ વાત તો કોઈ કરતું જ નથી.

• હું આજે આ પ્રસંગે દેશને આશ્વાસન આપવા માંગુ છું કે જે કાયદાને અમારી સરકારે કડક બનાવ્યો છે તેના પર કોઇ અસર પડવા દેવામાં આવશે નહીં. લોકોને મારો આગ્રહ છે કે કોંગ્રેસ અને કોંગ્રેસ સંસ્કૃતિ સામે આત્મસમર્પણ કરનારા પક્ષોની જાળમાં ફસાય નહીં.

સાથીઓ, આપણાં દલિત ભાઈબહેનો, પછાત આદિવાસીઓના સન્માન માટે, તેમના અધિકારો માટે અમારી સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ પર અત્યાચાર સાથે જોડાયેલા કેસોની ઝડપી સુનાવણી થાય તે માટે ખાસ અદાલતોની રચના કરવામાં આવી રહી છે.

સરકારે પછાત જાતિઓની પેટા શ્રેણી માટે એક પંચની રચના કરવાનો નિર્ણય પણ કર્યો છે. સરકાર એવું ઇચ્છે છે કે ઓબીસી સમુદાયમાં પણ ખૂબ પછાત લોકો છે તેમને સરકાર અને શિક્ષણ સંસ્થાઓમાં નિશ્ચિત મર્યાદા બાંધીને અનામતનો થોડો વધુ ફાયદો મળે. આટલા માટે ઓબીસી સમુદાયમાં પેટા શ્રેણી બનાવવા માટે પંચની રચના કરવામાં આવી છે.

સાથીઓ, અગાઉ 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કર્મચારીઓ ક્રીમી લેયરના વ્યાપ નીચે આવી જતા હતા. સરકારે આ મર્યાદા વધારીને રૂ. 8 લાખ સુધીની કરી દીધી છે. આનો અર્થ એ કે પછાત વર્ગના વધુને વધુ લોકોને ઓબીસી અનામતનો ફાયદો મળી રહ્યો છે.

અગાઉ સરકાર અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં પણ ક્રીમી લેયરની સમાનતા ન હતી. આ અસમતુલાને દૂર કરવાની માંગ છેલ્લા 24 વર્ષથી કરવામાં આવી રહી હતી. યાદ રાખો કે, 24 વર્ષથી માંગ કરવામાં આવી રહી હતી. આ સરકારે થોડાંક મહિના પહેલાં આ અમસતુલાને દૂર કરી છે. કેન્દ્રમાં આવ્યા પછી સરકારે એવી જગાઓ ભરવામાં ઝડપ રાખી છે, કે જે દલિતો અને પછાત વર્ગો માટે અનામત છે.

સાથીઓ, સામાજીક અધિકાર એ આ સરકાર માટે માત્ર કહેવા- સાંભળવાની વાત નથી, પરંતુ એ અમારી કટિબદ્ધતા છે. હું જે ન્યૂ ઈન્ડિયાની વાત કરૂં છું તે બાબા સાહેબ આંબેડકરના સપનાંઓનું પણ ભારત છે. ડૉ. બાબા સાહેબ આંબેડકરની 125 મી જન્મ જયંતી પ્રસંગની દેશ અને વિદેશમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. દુનિયાના 150થી વધુ દેશોમાં આ દિવસ ઉજવાયો હતો. એવું પહેલી વખત બન્યું છે કે એ વખતે એક ખાસ ટપાલ ટિકિટ, સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા.

ગણતંત્ર દિવસ પર બાબા સાહેબથી સંબંધિત એક ઝાંખી બહાર પાડવામાં આવી. અમેરિકા અને બ્રિટનમાં જ્યાં બાબા સાહેબે અભ્યાસ કર્યો હતો ત્યાં અનેક વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતા. સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈને 26 નવેમ્બર કે જે દિવસે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, તે દિવસને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો અને પહેલી વખત બંધારણ પર સંસદમાં બે દિવસ સુધી ચર્ચા પણ કરવામાં આવી હતી. મને એક દિવસ નરેન્દ્ર યાદવજી મળ્યા હતા. મેં તેમને મારા જીવનની એક કથા સંભળાવી કે જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો તે સમય દરમિયાન આપણા બંધારણને 60 વર્ષ પૂરા થયા. હિંદુસ્તાનમાં 60 વર્ષ વિતી ગયા તેની કોઈને પણ ખબર નહોતી. અમે ગુજરાતમાં બંધારણના 60 વર્ષનો એક મોટો ઉત્સવ ઉજવ્યો અને બંધારણને હાથીની અંબાડી પર રાખીને તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને હું પોતે પગપાળા ચાલીને તેની આગળ-આગળ ચાલતો હતો અને હાથીની ઉપર બંધારણ મૂકવામાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકરની તસવીર મૂકવામાં આવી હતી, કારણ કે એ અમારી કટિબદ્ધતા, અમારૂં સમર્પણ છે.

ભાઈઓ અને બહેનો, આજે હું દેશના લોકો સમક્ષ એ બાબત સ્પષ્ટ કરવા માંગુ છું કે બાબા સાહેબની સત્ય નિષ્ઠા, કર્તવ્ય નિષ્ઠા અને રાષ્ટ્ર નિર્માણના પવિત્ર યજ્ઞમાં તેમનું યોગદાન હતું જ અને તેના કારણે જ તે ભારતીયોના હૃદયમાં તે નિવાસ કરે છે. એ બાબત ભૂલી શકાતી નથી કે કોંગ્રેસે દેશના ઈતિહાસમાંથી તેમનું નામ અને નિશાન મિટાવી દેવા માટે પૂરી તાકાત લગાવી હતી. આ ઈતિહાસનુ ખૂબ જ કડવું સત્ય છે કે જ્યારે બાબા સાહેબ આંબેડકર જીવતા હતા ત્યારે પણ કોંગ્રેસે તેમનું અપમાન કરવામાં કોઈ જાતની કસર છોડી ન હતી.

ભાઈઓ અને બહેનો, આજની પેઢી માટે એ જાણવું ખૂબ જ આવશ્યક છે કે જ્યારે બાબા સાહેબ જીવતા હતા ત્યારે અને તેમના નિધન પછી પણ કોંગ્રેસે તેમને કેવી રીતે અપમાનિત કર્યા છે. આજની પેઢી માટે એ પણ જાણવું જરૂરી છે કે કેવી રીતે બાબા સાહેબે કોંગ્રેસનું અસલી ચારિત્ર્ય દેશની સમક્ષ ખૂલ્લુ કર્યુ હતું. આજની પેઢી માટે એ પણ જાણવું જરૂરી છે કે જ્યારે-જ્યારે કોંગ્રેસ આરોપોથી ઘેરાઈ જાય છે ત્યારે સામેની વ્યક્તિનું મૂળ ઉખાડી નાંખવા માટે સામ, દામ, દંડ ભેદ સહિત અનેક પ્રકારના કાવતરા કરતી રહે છે.

કોંગ્રેસ અને બાબા સાહેબ વચ્ચે જ્યારે સંબંધ તૂટવાનો આખરી સમય ચાલતો હતો તે દરમિયાનની ઘણી બધી વાતો છે. જો હું આ બધી વાતો કરવા બેસીશ તો કદાચ, દિવસો નિકળી જશે પરંતુ આ બાબતો યાદ કરવાનું એટલા માટે પણ જરૂરી છે કે એ કોંગ્રેસનો અસલી ચહેરો આપણી સામે લાવે છે.

સાથીઓ, આવા તમામ વિવાદોને કારણે બાબા સાહેબે, પંડિત નહેરૂજીના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યુ હતું. પોતાના નિવેદનમાં બાબા સાહેબે એક-એક કરીને અનેક તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો અને જેને કારણે રાજીનામુ આપવામાં આવ્યું હતું તે કારણો પણ વિસ્તૃત સ્વરૂપે જણાવવામાં આવ્યા હતા.

હું આ નિવેદનની થોડીક પંક્તિઓ વિશે તમને જણાવવા માંગુ છું. આ જણાવવું એટલા માટે ખૂબ મહત્વનું બની રહે છે કે દેશભરમાં દલિત સમાજ, દેશભરનો આદિવાસી સમાજ, પછાત સમાજ પ્રત્યેક ભારતવાસી, એ બાબત જાણી લે કે દેશમાં કોટોકટી લાગુ કરનાર કોંગ્રેસે સંવિધાનની રચના કરનાર સાથે કેવી વર્તણુંક કરી હતી.

સાથીઓ, બાબા સાહેબે લખ્યું હતું કે “મને કેબિનેટની કોઈ સમિતિમાં લેવામાં આવ્યો નથી.” તે મંત્રી હતા. “મને કેબિનેટની કોઈ સમિતિમાં લેવામાં આવ્યો નહીં કે વિદેશી બાબતોની સમિતિમાં પણ મને સ્થાન આપવામાં આવ્યું નહીં. રક્ષા સમિતિમાં પણ નહીં. જ્યારે આર્થિક બાબતોની સમિતિની રચના થઈ રહી હતી ત્યારે મને લાગ્યું કે મને એમાં જરૂર સામેલ કરવામાં આવશે, કારણ કે હું અર્થશાસ્ત્ર અને નાણાંકિય બાબતોનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું. પરંતુ મને તેમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો.” આ શબ્દો બાબા સાહેબના છે.

બાબા સાહેબ માટે કોંગ્રેસના કેવા વિચારો હતા તે સત્ય 70 વર્ષ પહેલાનું છે. જે વ્યક્તિએ દુનિયાના એક-એકથી ચડે તેવા વિશ્વ વિદ્યાલયોમાં અભ્યાસ કર્યો હોય તે વ્યક્તિનું દરેક ક્ષણે અપમાન થતું રહ્યું હતું. ખૂદ બાબા સાહેબ કહ્યું હતું કે તેમને એવું મંત્રાલય આપવામાં આવ્યું હતું કે તેમાં ઝાઝુ કામ ન હતું. તે એવું વિચારતા હતા કે યોજનાઓ ઘડવાની બાબતમાં જોડાઈ જશે. જે વિષયના તે નિપુણ છે તે વિષયોમાં પોતાના અનુભવનો લાભ દેશને આપશે, પરંતુ તેમને આ બધાથી દૂર રાખવામાં આવ્યા હતા, એટલે સુધી કે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે કોઈ ખાતાની વધારાની જવાબદારી પણ બાબા સાહેબને આપવામાં આવી ન હતી.

સાથીઓ, વધુ એક મોટું કારણ એ હતું કે જેને લીધે બાબા સાહેબે રાજીનામુ આપ્યું હતું. આ બાબત બતાવે છે કે કોંગ્રેસનો દેશના દલિતો સાથે, દેશના પછાત વર્ગના લોકો સાથે કેવો વ્યવહાર રહ્યો છે. પોતાના નિવેદનમાં બાબા સાહેબે લખ્યું હતું કે

“હવે હું તમને કારણ બતાવવા માંગુ છું કે જે કારણે મારો સરકાર બાબતે મોહ ભંગ થયો છે તે બાબત છે પછાત વર્ગના અને દલિતો સાથે કરવામાં આવતા વર્તન સાથે જોડાયેલી બાબત છે. મને એ બાબતનો અફસોસ છે કે બંધારણમાં પછાત જાતિઓના હિતોની સુરક્ષા માટે યોગ્ય જોગવાઈ કરાઈ નથી. આ કામગીરી એક પંચની ભલાણમને આધારે કરવાની હતી. સંવિધાનને અમલમાં આવ્યાને એક વર્ષથી વધુ સમય વિતી ચૂક્યો હતો, પરંતુ સરકારે અત્યાર સુધી પંચની રચના કરવા બાબતે વિચાર પણ કર્યો ન હતો.”

સાથીઓ, ત્યારથી માંડીને આજ સુધી કોંગ્રેસની વિચારધારા બદલાઈ નથી. 70 વર્ષ પહેલાં પછાત વર્ગની જાતિઓ વિરૂદ્ધ પંચ માટે કોંગ્રેસે વાત આગળ વધારી ન હતી. એટલે સુધી કે ડૉ. આબેંડકરે આ બાબતે રાજીનામુ આપવું પડ્યું હતું. 70 વર્ષ પછી પણ કોંગ્રેસ સંસદમાં ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટેનું કામ રોકવાની કોશિષ કરી રહી છે. તમને ખબર હશે કે અમારી સરકાર ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટે લઈ આવી. આ લોકો તેને મંજૂર થવા દેતા નથી. સંસદ ચાલવા દેતા નથી. ઓબીસી પંચને બંધારણીય દરજ્જો મળ્યા પછી આ પંચને પણ અનુસૂચિત જાતિ /અનુસૂચિત જન જાતિ પંચ જેવી જ શક્તિ પ્રાપ્ત થઈ જશે, પરંતુ કોંગ્રેસ તેમાં પણ અવરોધો ઉભા કરી રહી છે.

સાથીઓ, તમને બધાંને મેં બાબા સાહેબના રાજીનામાના પ્રકરણ બાબતે આટલું વિસ્તારપૂર્વક એટલા માટે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે બાબા સાહેબને તો તેણે દેશના કાયદા મંત્રી બનાવ્યા હતા. કાયદા મંત્રી બનાવ્યા પછી બાબા સાહેબ સાથે કોંગ્રેસે જે વર્તન કર્યું હતું તે બાબત પણ દરેક ભારતીયે જાણવા જેવી છે, કારણ કે સ્વતંત્રતા પછી કોંગ્રેસે એવી વ્યવસ્થા ઉભી કરી હતી કે દેશનો ઈતિહાસ માત્ર ને માત્ર એક પરિવારની આજુ બાજુ જ અટકીને રહી જાય. તમે જુઓ આઝાદી પછી કોઈ મહાપુરૂષને યાદ કરવા માટે દિલ્હીમાં એક પરિવાર સિવાય કોઈનું પણ સ્મારક બન્યુ નથી.

અમારા આવ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક બન્યું અને આજે બાબા સાહેબ આંબેડકરનું સ્મારક બન્યું છે. એક પરિવાર સિવાય કોઈને માટે જગ્યા હોતી નથી. શું આ લોકોએ દેશ માટે પોતાનું જીવન હોમી દીધુ ન હતું? બાબા સાહેબ આંબેડકર તો ભારતીય જનતા પક્ષના સભ્ય ન હતા. બાબા સાહેબ આંબેડકર ભારતના ભવિષ્યના નિર્માતા હતા અને આપણાં બધા પર તેમનું એ દેવું છે. જેમણે કોંગ્રેસના વ્યવસ્થાતંત્ર સામે ઘૂંટણ ટેકવ્યા નહીં અને એ બાબત પણ સાચી છે કે જે જે લોકોએ કોંગ્રેસના વ્યવસ્થા તંત્ર સામે ઘૂંટણ ટેકવ્યા નથી તેમને પુસ્તકોમાં પણ સ્થાન મળ્યું નથી.

સાથીઓ, વર્ષ 1951માં કેબિનેટમાંથી રાજીનામુ આપ્યા પછી બાબા સાહેબ વર્ષ 1952માં લોકસભાની સામાન્ય ચૂંટણી લડ્યા હતા. તે સમયે કોંગ્રેસે તેમની સામે પોતાનો ઉમેદવાર તો ઉતાર્યો જ હતો, પણ સાથે-સાથે ખુદ નહેરૂજી બાબા સાહેબ વિરૂદ્ધ પ્રચાર કરવા માટે પણ પહોંચી ગયા હતા. કોંગ્રેસ દ્વારા તમામ શકિત લગાડી દેવાના કારણે બાબા સાહેબે હારનું અપમાન સહન કરવું પડ્યુ હતું. ત્યાર પછી તેમણે વર્ષ 1953માં ભંડારા બેઠક પરથી લોકસભાની પેટા ચૂંટણી લડી. કોંગ્રેસે ફરીથી તેમની વિરૂદ્ધ ઉમેદવાર ઉતાર્યો અને ફરીથી બાબા સાહેબને લોકસભા સુધી પહોંચતા રોકવામાં આવ્યા. આવા સળંગ અપમાનના સમયે તેમનો સાથ કોણે આપ્યો હતો અને તે સમયે સાથ આપનાર હતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી. તેમના જ પ્રયાસોને કારણે બાબા સાહેબ રાજ્યસભામાં પહોંચ્યા. એ જ શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘને જન્મ આપ્યો જે આજે ભારતીય જનતા પક્ષ સ્વરૂપે કામ કરી રહ્યો છે.

સાથીઓ, હું આજે કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે તે એક એવું કામ તો બતાવે કે જેના દ્વારા તેણે બાબા સાહેબ માટે કામ કર્યું હોય. મારો કોંગ્રેસને એ પડકાર છે કે જો કોંગ્રેસે બાબા સાહેબના સન્માન કર્યું હોય તો તે બતાવે.

ભાઈઓ અને બહેનો. મને અને તમને ખબર છે કે કોંગ્રેસની પાસે આ વાતનો કોઈ જવાબ નથી. જવાબના નામે તે માત્ર ખોટુ બોલી શકે છે. સાચી વાત એ છે કે બાબા સાહેબના અવસાન પછી કોંગ્રેસે બાબા સાહેબે રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાનને પણ ખતમ કરી દેવાની કોશિષ કરવામાં આવી. નહેરૂજીથી માંડીને રાજીવ ગાંધી સુધીના કોંગ્રેસના તમામ લોકોને ‘ભારત રત્ન’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા, પરંતુ તેમને ક્યારેય પણ બાબા સાહેબને ‘ભારત રત્ન’ બનાવવાનું યોગ્ય લાગ્યુ નહીં.

બાબા સાહેબને ભારત રત્નનો ખિતાબ એ સમયે મળ્યો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ટેકાથી વી.પી. સિંહ સરકારમાં બેઠા હતા અને અટલજી, અડવાણીજીનો આગ્રહ હતો એટલે બાબા સાહેબને આટલા વિલંબ પછી ‘ભારત રત્ન’થી નવાજવામાં આવ્યા હતા. ભારતીય જનતા પક્ષે બીજો એ પણ પ્રયાસ હતો કે સંસદના મધ્યસ્થ હોલમાં બાબા સાહેબની તસવીર લગાવવામાં આવે. બાબા સાહેબની તસવીર લગાવવા બાબતે એવો તર્ક રજૂ કરવામાં આવતો હતો કે મધ્યસ્થ હોલમાં જગ્યા નથી. વિચાર કરો કે જે મહાપુરૂષે જે મધ્યસ્થ હોલમાં બેસીને બંધારણની રચના કરી હોય, તેની બારીકીઓ અંગે કલાકો સુધી ચર્ચા કરી હોય. તેમના માટે કોંગ્રેસના શાસન દરમિયાન મધ્યસ્થ હોલમાં એક ફૂટ, બે ફૂટ કે ચાર ફૂટની તસવીર લગાવવા માટે જગ્યા પણ મળી નહીં. ત્યાર બાદ જ્યારે ભારતીય જનતા પક્ષની સરકાર આવી ત્યારે બાબા સાહેબ આંબેડકરની તસવીર મધ્યસ્થ હોલમાં મૂકવામાં આવી હતી.

ભાઈઓ અને બહેનો હું દાવા સાથે કહી શકું તેમ છું કે જો 90 ના દાયકામાં દેશમાં પછાત અને દલિતોના અધિકારો અંગે રાષ્ટ્ર વ્યાપી ચર્ચા શરૂ થઈ ન હોત તો કોંગ્રેસ આજે પણ બાબા સાહેબ તરફની પોતાની નફરત સાર્વજનિકપણે એવી જ રીતે દેખાડતી હોત જેવી અગાઉ દેખાડતી હતી, કારણ કે તે કોંગ્રેસની મજબૂરી છે કે તેમને બાબાસાહેબના નામે વોટ બેંક નજરે પડી રહી છે, સત્તા નજરે પડી રહી છે. એટલા માટે તે હવે મજબૂરીમાં તેમનું નામ લેવાનો દેખાવ કરી રહી છે. કોંગ્રેસના પોતાની ઈતિહાસમાં બાબા સાહેબનું નામ લેવું તે તેમની સૌથી મોટી મજબૂરીઓમાંની એક હતી.

આ બાબા સાહેબના કર્મોનું, દેશની સેવાનું ફળ છે કે એક જ પરિવારની પૂજા કરવા વાળા, એ પરિવારને દેશના ભાગ્ય વિધાતા સમજવાવાળા, હવે દિલ પર પત્થર મૂકીને બાબા સાહેબનું નામ લેવા માટે મજબૂર બની રહ્યા છે. પરંતુ મને વિશ્વાસ છે કે કોંગ્રેસ એ પણ નહીં કરી શકે. એ માત્ર એક ભ્રમ જ ફેલાવી શકે છે, દલિતો, આદિવાસીઓ સામે જૂઠુ બોલી શકે છે, એમની વચ્ચે અફવા ફેલાવી શકે છે. તેમના આ પ્રયાસને આ મહિનાની બીજી તારીખે આપણે જોઈ ચૂક્યા છીએ. ક્યારેક અનામત દૂર કરવાની અફવા ફેલાવે છે અને દરેક ચૂંટણી પહેલાં અફવા ફેલાવવી તે તેનું કામ છે. અટલજીની સરકાર આવી હતી, અમે ચાર વર્ષથી છીએ, હું લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહીને આવ્યો છું. ભારતીય જનતા પક્ષ અનેક રાજ્યોમાં સરકાર ચલાવી રહ્યો છે. અનામત દૂર કરવાનો ક્યારેય, ક્યાંય પણ એવો એક અંશ પણ જોવા નથી મળ્યો. અફવા ફેલાવવી, જૂઠાણાં ફેલાવવા, ભ્રમ પેદા કરવો, લોકોને ભ્રમિત કરતા રહેવુ, ક્યારેક દલિતો સાથે અત્યાચાર સાથે જોડાયેલ કાનૂનને દૂર કરવાની અફવા ફેલાવવી, તો ક્યારેક કોઈ બીજી, ભાઈ- ભાઈને લડાવવામાં કોંગ્રેસે ક્યારેય કોઈ કસર છોડી નથી.

સાથીઓ, કોંગ્રેસ ક્યારેય નહોતી ઈચ્છતી કે આજે પણ નથી ઈચ્છતી કે દલિતો અને પછાત લોકો વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે. જ્યારે અમારી સરકારે બાબા સાહેબે બતાવેલા માર્ગ પર આગળ વધતાં વધતાં “સૌનો સાથ સૌનો વિકાસ” મંત્ર દ્વારા સમાજના દરેક વર્ગ સુધી લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. કોઈપણ રાજનૈતિક પક્ષ અને વ્યક્તિ જો ઈમાનદારી સાથે બાબા સાહેબના નામની માળા જપે અને એમનામાં શ્રદ્ધા રાખતો હોય તો તે ક્યારેય કોંગ્રેસની સાથે નહીં જઈ શકે.

સાથીઓ, જો હું ગરીબ અને પછાત કુટુંબમાં ન જન્મ્યો હોત તો આટલી સરળતાથી બાબા સાહેબને સમજી શક્યો ન હોત. મેં ગરીબી જોઈ છે, જાતિ સાથે જોડાયેલ અપશબ્દો પણ સાંભળ્યા છે અને પ્રધાનમંત્રી બન્યા પછી પણ ક્યારેક ક્યારેક સાંભળવા પડે છે, મ્હેણાં સાંભળવા પડે છે. મારા જેવી વ્યક્તિ માટે આ અનુભવ એ સ્વાભાવિક છે કે બાબા સાહેબે એ સમય દરમિયાન શું સહન કરવું પડ્યું હશે અને આજે પણ મારા દલિત ભાઈઓએ શું સહન કરવું પડે છે.

બાબા સાહેબની પ્રેરણાથી જ, કાલથી જ એટલે કે તેમની જન્મ જયંતિ પ્રસંગે દેશમાં સ્વરાજ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. હું પોતે છત્તીસગઢના બીજાપુર ખાતે હાજર રહીશ. દેશમાં પ્રાદેશિક વિકાસમાં ઊભી થનારી અસમતુલા પણ એક અન્યાય જ છે. અસમતોલ સ્વાસ્થ્યમાં પણ જે અસમતુલા ઉભું થાય છે તેને દૂર કરવા માટે કાલથી એક નવા અધ્યાયની પણ શરૂઆત કરવામાં આવી રહી છે.

સાથીઓ, સામાજીક ન્યાય આ રીતે સરકાર માટે માત્ર કહેવા કેસાંભળવાની વાત નથી, પરંતુ એક નિષ્ઠા છે. તે અમારી શ્રદ્ધા પણ છે, પરંતુ જે રીતે 20 થી 22 દિવસમાં અમે જે ઘટનાઓ જોઈ છે તે સામાજીક ન્યાયની માન્યતાને પડકાર પૂરો પાડનારી બની રહી છે. છેલ્લા બે દિવસથી જે ઘટનાઓ ચર્ચામાં છે તે ચોક્કસપણે કોઈપણ સભ્ય સમાજને શોભા આપે તેવી નથી, તે શરમજનક છે. આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે પોતાની જીંદગી આ દેશના ભવિષ્ય માટે બલિદાન આપીને હોમી દીધી હતી, આ તેમના બલિદાનનું પણ અપમાન છે. એક સમાજ તરીકે, એક દેશ તરીકે આપણાં બધા માટે આ એક શરમજનક બાબત છે, દેશના કોઈપણ રાજ્યમાં, કોઈપણ વિસ્તારમાં થનારી આવી ઘટનાઓ આપણી માનવીય સંવેદનાઓને હચમચાવી મૂકે તેવી છે.

હું દેશને વિશ્વાસ આપવા માંગુ છું કે કોઈ અપરાધીને છોડવામાં નહીં આવે, ન્યાય થશે અને પૂરે પૂરો થશે. જે દિકરીઓ સાથે જે ખરાબ વ્યવહાર થયો છે તે દિકરીઓને ન્યાય મળીને જ રહેશે. આપણાં સમાજની આ આંતરિક બદીને ખતમ કરવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. અને તમને યાદ હશે કે પ્રધાનમંત્રી બન્યા પછી વર્ષ 2014માં મારૂં પહેલુ ભાષણ લાલ કિલ્લા પરથી હતું અને લાલ કિલ્લા પરથી બોલવાનું મેં સાહસ કર્યું હતું અને મારા પહેલા જ સંબોધનમાં મેં કહ્યું હતું કે આપણે તો દિકરીની પૂજા કરીએ છીએ. ઘરે મોડી આવે તો પૂછીએ છીએ કે ક્યાં ગઈ હતી? ક્યાં હતી? અને કેમ મોડી આવી?

મેં કહ્યું હતું કે દિકરીઓને પૂછનારા માતા-પિતાને હું કહેવા માંગુ છું કે દિકરાઓને તો પૂછો કે તે ક્યાં ગયા હતા? રાત્રે કેમ મોડા આવ્યા? આ માતાઓ- બહેનો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તે અત્યાચાર કરનાર કોઈને કોઈ માતાનો દિકરો તો હશે જ, અને એટલા માટે જ એક સામાજીક સંવેદના આપણાં સૌની જવાબદારી બની રહે છે. આપણે સૌએ સાથે મળીને આપણાં સમાજની આ બદીઓ સામે લડત આપવાની છે અને ગૂનેગારોને કડકમાં કડક સજા થાય તે આપણા સૌની જવાબદારી બની રહે છે અને ભારત સરકાર તેની આ જવાબદારી પૂરી કરવા બાબતે કોઈ ઊણપ નહીં આવવા દે. હું દેશવાસીઓને આ બાબતે વિશ્વાસ આપવા માંગુ છું. આપણામાં કૌટુંબિક વ્યવસ્થા, સામાજીક મૂલ્યોથી માંડીને ન્યાય વ્યવસ્થા સુધી તમામ બાબતોને આને માટે મજબૂત કરવી પડશે અને ત્યારે જ આપણે બાબા સાહેબના સપનાનું ભારત બનાવી શકીશું, ન્યૂ ઈન્ડિયા બનાવી શકીશું.

બાબા સાહેબના આશિર્વાદ દેશને મળતા રહે. સવા સો કરોડ દેશવાસીઓને પણ આશિર્વાદ મળતા રહે, તેમના વિચારોમાંથી આપણે સૌ નિરંતર પ્રેરણા મેળવતા રહીએ. આવી ઈચ્છા સાથે હું મારી વાતને સમાપ્ત કરૂં છું.

ફરી એકવાર આપ સૌને અને દેશના તમામ લોકોને ડૉ. બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્મારક માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ!!! જય ભીમ!!!

NP/J.Khunt/RP