Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પેલેસ્ટાઇનની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આપેલું પ્રેસ નિવેદન


મહામહિમ રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ,

પેલેસ્ટાઇન અને ભારતીય પ્રતિનિધિમંડળનાં સભ્યો,

મીડિયાનાં પ્રતિનિધિઓ, દેવીઓ અને સજ્જનો,

સબાહ અલ-ખેર [Good Morning– સુપ્રભાત]

સૌપ્રથમ ભારતીય પ્રધાનમંત્રી તરીકે અહીં રામલ્લાની મુલાકાતે આવવું મારાં માટે આનંદની વાત છે.

રાષ્ટ્રપતિ અબ્બાસ,

તમે મારાં સન્માનમાં જે શબ્દો કહ્યાં, જે રીતે મારૂ અને મારાં પ્રતિનિધિમંડળનું ઉષ્માસભર અને શાનદાર સ્વાગત કર્યું, એ બદલ હું આપનો આભારી છું.

મહામહિમ, તમે પોતીકાપણાની ભાવના સાથે આજે મને પેલેસ્ટાઇનનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે. આ મારૂ નહિં, પણ સંપૂર્ણ ભારત અને તમામ ભારતીયોનું સન્માન છે. આ સન્માન ભારત અને પેલેસ્ટાઇન વચ્ચેનાં મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક પણ છે.

ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે દાયકાઓથી ગાઢ અને મજબૂત ઐતિહાસિક સંબંધ છે, જે સમયની કસોટી પર ખરાં ઉતર્યા છે. અમારી વિદેશી નીતિમાં પેલેસ્ટાઇનનાં હિતો હંમેશા સર્વોપરી રહ્યાં છે. તેમાં કોઈ ફરક પડ્યો નથી.

એટલે આજે રામલ્લામાં ભારતનાં જૂનાં મિત્ર રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળવાનો મને આનંદ છે. ગયા વર્ષે તેમણે નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. એ દરમિયાન તેમનું સ્વાગત કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું.

આપણી મિત્રતા અને ભારતનાં સમર્થનને નવીનતા પ્રદાન કરતાં મને અતિ ખુશી થઈ રહી છે.

આ મુલાકાતમાં અબૂ અમારનાં મકબરા પર શ્રદ્ધાંજલિ પાઠવવાની મને તક મળી છે. તેઓ પોતાનાં સમયનાં ટોચનાં નેતાઓમાનાં એક હતાં. પેલેસ્ટાઇનનાં સંઘર્ષમાં તેમણે અજોડ ભૂમિકા ભજવી છે. અબૂ અમાર ભારતનાં વિશિષ્ટ મિત્ર હતાં. તેમને સમર્પિત સંગ્રહાલયની મુલાકાત મારાં માટે અવિસ્મરણીય અનુભવ છે. હું અબૂ અમારને એક વખત ફરી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.

દેવીઓ અને સજ્જનો,

પેલેસ્ટાઇનનાં લોકોએ સતત પડકારો અને સંકટની સ્થિતિમાં અદભૂત દ્રઢતા અને સાહસનો પરિચય આપ્યો છે. તેઓ કોઈ પણ સ્થિતિ-સંજોગો સામે ઝૂક્યાં નહોતાં અને તેઓએ ખડક જેવી મજબૂત સંકલ્પશક્તિનો પરિચય આપ્યો છે.તેમણે પ્રગતિ માટે અવરોધરૂપ અને આકરાં સંઘર્ષથી પ્રાપ્ત થયોલા લાભો સાથે અસ્થિરતા અને જોખમની વચ્ચે સાહસનો પરિચય આપ્યો છે. તેઓ જે મુશ્કેલીઓ, અવરોધો અને પડકારો વચ્ચે આગળ વધ્યાં એ પ્રશંસનીય છે.

અમે તમારી ભાવનાં અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયાસ કરવાનાં તમારાં વિશ્વાસની પ્રશંસા કરીએ છીએ.પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રનિર્માણનાં પ્રયાસોમાં ભારત તેનો બહુ જૂનો સહયોગી દેશ છે. આપણી વચ્ચે તાલીમ, ટેકનોલોજી, માળખાગત સુવિધાઓનો વિકાસ, પ્રોજેક્ટમાં સહાય અને અંદાજપત્રીય સહાયનાં ક્ષેત્રમાં ગાઢ સંબંધો છે.

અમારી નવી પહેલનાં ભાગરૂપે અમે અહીં રામલ્લામાં એક ટેકનોલોજી પાર્ક પરિયોજના શરૂઆત કરી છે. અત્યારે આ પાર્કનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. અમને આશા છે કે આ પાર્કનું નિર્માણ થયા પછી આ સંસ્થા રોજગારીને પ્રોત્સાહન આપતાં કૌશલ્યો અને સેવા કેન્દ્રો સ્વરૂપે કાર્યરત થશે.

ભારત રામલ્લામાં ડિપ્લોમસી સંસ્થાનનું નિર્માણ કરવામાં પણ સહયોગ કરી રહ્યું છે. અમને ખાતરી છે કે આ સંસ્થા પેલેસ્ટાઇનનાં યુવા રાજકારણીઓ માટે એક વૈશ્વિક સ્તરની તાલીમ સંસ્થા સ્વરૂપે વિકસશે.ક્ષમતા નિર્માણમાં અમારાં સહકારમાં લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં અભ્યાસક્રમો માટે પારસ્પરિક તાલીમ સામેલ છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં નાણાકીય બાબતો, વ્યવસ્થાપન, ગ્રામીણ વિકાસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પેલેસ્ટાઇન માટે તાલીમ અને શિષ્યાવૃત્તિની સંખ્યા તાજેતરમાં વધારવામાં આવી છે.

મને ખુશી છે કે, આ મુલાકાત દરમિયાન અમે અમારાં વિકાસ સહયોગને આગળ વધારી રહ્યાં છીએ. પેલેસ્ટાઇનમાં સ્વાસ્થ્ય અને શૈક્ષણિક માળખાગત સુવિધા તથા મહિલા સશક્તિકરણ કેન્દ્ર તેમજ એક પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપિત કરવાની યોજનાઓમાં ભારત રોકાણ કરતું રહેશે.

અમે ઊર્જાવંત પેસેસ્ટાઇન માટેનાં યોગદાનને નિર્માણ ખંડ માનીએ છીએ.

અમે દ્વિપક્ષીય મંત્રીમંડળ સ્તરે બંને દેશોનાં સંયુક્ત પંચની બેઠકનાં માધ્યમથી બંને દેશો વચ્ચેનાં સંબંધોને વધુ ગાઢ બનાવવા સહમત થયા છીએ.

ગયા વર્ષે ભારત અને પેલેસ્ટાઇનનાં યુવા પ્રતિનિધિમંડળો વચ્ચે સૌપ્રથમ વખત આદાનપ્રદાન થયું છે. યુવા પેઢીમાં રોકાણ કરવું અને તેમનાં કૌશલ્ય વિકાસ તથા સંબંધોમાં સહયોગ આપવો – આપણી સહિયારી પ્રાથમિકતા છે.

પેલેસ્ટાઇનની જેમ ભારત પણ યુવા રાષ્ટ્ર છે. અમે ભારતની યુવા પેઢી માટે જે સ્વપ્ન સેવીએ છીએ, એવું જ સ્વપ્ન અને એવી જ આકાંક્ષા પેલેસ્ટાઇનની યુવા પેઢી માટે ધરાવીએ છીએ, જેમાં પ્રગતિ, સમૃદ્ધિ અને સ્વનિર્ભરતાની તકો ઉપલબ્ધ હોય. આ જ આપણુંભવિષ્ય છે અને એ આપણાં મૈત્રીપૂર્ણ સંબંધોનાં વારસાને આગળ ધપાવશે.

મને એ જાહેર કરતાં આનંદ થાય છે કે, અમે આ વર્ષે યુવાનોનાં પ્રતિનિધિમંડળનાં આદાનપ્રદાનમાં સભ્યોની સંખ્યા 50થી વધારીને 100 કરીશું.

દેવીઓ અને સજ્જનો,

અમારી વચ્ચે આજે ચર્ચા થઈ છે. મેં રાષ્ટ્રપતિ અબ્બાસને ફરી આશ્વાસન આપ્યું છે કે, પેલેસ્ટાઇનનાં નાગરિકોનાં હિતોને ધ્યાનમાં રાખવા કટિબદ્ધ છીએ.પેલેસ્ટાઇન શાંતિપૂર્ણ વાતાવરણમાં ઝડપથી એક સંપ્રભુતા ધરાવતો, સ્વતંત્ર દેશ બને એવી આશા ભારતને છે.રાષ્ટ્રપતિ અબ્બાસ અને મેં તાજેતરમાં પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમ પર ચર્ચા-વિચારણા કરી છે, જેનો સંબંધ પેલેસ્ટાઇનની શાંતિ અને સ્થિરતા સાથે છે.આ ક્ષેત્રમાં ભારતને શાંતિ અને સ્થિરતાની બહુ આશા છે.

અમારૂ માનવું છે કે પેલેસ્ટાઇનની સમસ્યાનું સ્થાયી સમાધાન સંવાદ અને સમજણમાં જ સમાયેલું છે. સંવાદ અને સમજણથી જ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો માર્ગ મોકળો થઈ શકે.કૂટનીતિ અને દીર્ઘદ્રષ્ટિથી જ હિંસાનાં વિષચક્રને અટકાવી શકાય અને ઇતિહાસનાં બોજમાંથી મુક્તિ મેળવી શકાય.અમે જાણીએ છીએ કે આ સરળ નથી, પણ આપણે સતત તેનાં માટે પ્રયાસરત રહેવું જોઈએ, કારણ કે તેમાં ઘણું બધું દાવ પર લાગેલુંહોય છે.

મહામહિમ, તમારી શાનદાર આગતા-સ્વાગતા બદલ હું હૃદયપૂર્વક તમારો આભારી છું.

હું 125 કરોડ ભારતીયો વતી પેલેસ્ટાઇનનાં લોકોની પ્રગતિ અને સમૃદ્ધિની હાર્દિક શુભેચ્છા પણ આપું છું.

ધન્વયાદ.

શુકરન જજીલન.

RP