Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ચર્મ અને ફૂટવેર ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવા માટે વિશેષ પેકેજને માન્યતા આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ચર્મ અને ફૂટવેર ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવા માટે વિશેષ પેકેજને મંજૂરી આપી દીધી છે. આ પેકેજમાં વર્ષ 2017-18 થી વર્ષ 2019-20 સુધીનાં ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 2600 કરોડ રૂપિયાનાં સ્વીકૃત ખર્ચ સાથે કેન્દ્ર સરકારની યોજના “ભારતીય ફૂટવેર, ચર્મ અને સહાયક સામગ્રી વિકાસ કાર્યક્રમ”નો અમલ સામેલ છે.

મુખ્ય અસરઃ

કેન્દ્રિય ક્ષેત્રની આ યોજનાથી ચર્મ ક્ષેત્રમાં માળખાગત સુવિધાનાં વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે, ચર્મ ક્ષેત્ર સાથે જોડાયેલી વિશિષ્ટ પર્યાવરણલક્ષી ચિંતાઓ દૂર થશે, વધારાનું રોકાણ મેળવવાની સુવિધા ઊભી થશે, રોજગારીનું સર્જન થશે અને ઉત્પાદનમાં વૃદ્ધિ થશે. કરવેરામાં સંવર્ધિત પ્રોત્સાહન મળવાથી આ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ આકર્ષવામાં સફળતા મળશે અને આ ક્ષેત્રનાં સિઝનલ સ્વરૂપને ધ્યાનમાં રાખીને શ્રમ કાયદામાં સુધારાથી ઉત્પાદન સ્તરમાં વૃદ્ધિને ટેકો મળશે.

આ વિશેષ પેકેજમાં ત્રણ વર્ષ દરમિયાન 3.24 લાખ નવી રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા છે અને તેનાથી ફૂટવેર, ચર્મ અને સહાયક સામગ્રી ક્ષેત્ર પર કુલ અસર સ્વરૂપે બે લાખ રોજગારીને ઔપચારિક સ્વરૂપ પ્રદાન કરવામાં મદદ મળશે.

ભારતીય ફૂટવેર, ચર્મ અને સહાયક સામગ્રી વિકાસ કાર્યક્રમની વિગતઃ

  1. માનવ સંસાધન વિકાસ (એચઆરડી) પેટાયોજનાઃએચઆરડી પેટાયોજનામાં વ્યક્તિદીઠ રૂ. 15,000નાં દરથી બેરોજગાર વ્યક્તિઓને પ્લેસમેન્ટ સાથે સંબંધિત કૌશલ્ય વિકાસ તાલીમ, કર્મચારીદીઠ રૂ. 5000નાં દરે કાર્યરત કામદારોને કૌશલ્ય વધારવા તાલીમ અને વ્યક્તિદીઠ રૂ. 2 લાખનાં દરે તાલીમદાતાઓને તાલીમ આપવા માટે સહાયતા આપવાનો પ્રસ્તાવ છે. કૌશલ્ય વિકાસ તાલીમ ઘટકથી સંબંધિત સહાયતા પ્રાપ્ત કરવા માટે 75 ટકા કુશળ વ્યક્તિઓનું પ્લેસમેન્ટ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ છે. આ પેટાયોજના અંતર્ગત રૂ. 696 કરોડ રૂપિયાનાં પ્રસ્તાવિત ખર્ચની સાથે ત્રણ વર્ષ દરમિયાન 4.32 લાખ બેરોજગારી વ્યક્તિઓને તાલીમ આપનાર/કૌશલ્ય પ્રદાન કરવા, 75000 વર્તમાન કર્મચારીઓનું કૌશલ્ય વધારવા તથા 150 મુખ્ય તાલીમદાતાઓને તાલીમ આપવાનો પ્રસ્તાવ છે.
  2. ચર્મ ક્ષેત્રનાં સંપૂર્ણ વિકાસ (આઇડીએલએસ)ની પેટાયોજનાઃઆઇડીએલએસ પેટાયોજના અંતર્ગત વર્તમાન એકમોનાં આધુનિકીકરણ/ટેકનિકલ ક્ષમતા વધારવાની સાથે નવાં એકમોની સ્થાપના માટે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમએસએમઇ)ને નવા ઉપકરણો અને મશીનરીનાં ખર્ચનાં 30 ટકાનાં દરે અને અન્ય એકમોને ઉપકરણો અને મશીનરીનાં ખર્ચનાં 20 ટકાનાં દરે બેકએન્ડ રોકાણ સબસિડી પ્રદાન કરવા રોજગારીનાં સર્જન સહિત નિર્માણ અને રોકાણને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે. આ પેટાયોજના અંતર્ગત  રૂ. 425નાં પ્રસ્તાવિત ખર્ચની સાથે 3 વર્ષ દરમિયાન ચર્મ, ફૂટવેર અને સહાયક સામગ્રી તથા ઉપકરણોનાં ક્ષેત્રની 1000 એકમોને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે.
  3. સંસ્થાગત સુવિધાઓની સ્થાપનાની પેટયોજનાઃઆ પેટાયોજના અંતર્ગત ત્રણ વર્ષ દરમિયાન રૂ. 147 કરોડનાં પ્રસ્તાવિત ખર્ચની સાથે ફૂટવેર ડિઝાઇન અને વિકાસ સંસ્થા (એફડીડીઆઈ)નાં કેટલાંક હાલનાં સંકુલોનો વિકાસ કરીને તેમને ‘ઉત્કૃષ્ટ કેન્દ્રો’માં પરિવર્તિત કરવાનો અને પ્રસ્તાવિત મેગા ચર્મ ક્લસ્ટર્સ – જે પરિયોજના સંબંધિત પ્રસ્તાવ પર આધારિત હશે –ની આસપાસ પૂર્ણ સુવિધાઓ સાથે ત્રણ નવા કૌશલ્ય કેન્દ્રોની સ્થાપના માટે એફડીડીઆઈને સહાયતા પ્રદાન કરવાનો પ્રસ્તાવ છે.
  4. મેગા ચર્મ, ફૂટવેર અને સહાયક સામગ્રી ક્લસ્ટર (એમએલએફસી) પેટાયોજનાઃએમએલએફસી પેટાયોજનાનો ઉદ્દેશ મેગા ચર્મ, ફૂટવેર અને સહાયક સામગ્રી ક્લસ્ટરની સ્થાપના કરવા ચર્મ, ફૂટવેર અને સહાયક સામગ્રીનાં ક્ષેત્રને માળખાગત સુવિધા સહાયતા પ્રદાન કરવાનો છે. યોજનાનાં ઉચિત ખર્ચનાં 50 ટકા સુધીની તબક્કાવાર સહાયતા આપવાનો પ્રસ્તાવ છે, જેમાં જમીનનો ખર્ચ સામેલ નહીં હોય અને આ અંતર્ગત મહત્તમ સરકારી સહાયતા 125 કરોડ રૂપિયા સુધી મર્યાદિત હશે. ત્રણ વર્ષ દરમિયાન 3-4 નવા એમએલએફસીને જરૂરી સહાયતા પ્રદાન કરવા 360 કરોડ રૂપિયાનો ખર્ચ પ્રસ્તાવિત છે.
  5. ચર્મ ટેકનોલોજી, નવીનતા અને પર્યાવરણ સાથે સંબંધિત મુદ્દાઓ સાથે જોડાયેલી પેટાયોજનાઃઆ પેટાયોજના અંતર્ગત યોજનાનાં ખર્ચનો 70 ટકા હિસ્સો કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી)ને અપગ્રેડ/સ્થાપિત કરવા માટે સહાયતા આપવા માટેનો પ્રસ્તાવ છે. આ પેટાયોજના અંતર્ગત રાષ્ટ્રીય સ્તરની ક્ષેત્ર મુજબ ઉદ્યોગ પરિષદ/સંગઠનને સહાયતા આપવાની સાથે ચર્મ, ફૂટવેર અને સહાયક સામાન ક્ષેત્ર માટે વિઝન દસ્તાવેજ તૈયાર કરવા મદદ પણ કરવામાં આવશે. આ પેટાયોજના હેતુ ત્રણ વર્ષો માટે રૂ. 782 કરોડનો ખર્ચ પ્રસ્તાવિત છે.
  6. ચર્મ, ફૂટવેર અને સહાયક સામગ્રીનાં ક્ષેત્રમાં ભારતીય બ્રાન્ડને પ્રોત્સાહન આપવાની પેટાયોજનાઃઆ પેટાયોજના અંતર્ગત બ્રાન્ડનાં સંવર્ધન માટે સ્વીકૃત લાયક એકમોને સહાયતા આપવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ અંતર્ગત ત્રણ વર્ષ દરમિયાન દર વર્ષે સરકારી સહાયતા કુલ યોજનાનાં ખર્ચનાં 50 ટકા નક્કી કરવાની દરખાસ્ત છે, જે પ્રત્યેક બ્રાન્ડ માટે મહત્તમ રૂ. 3 કરોડ હશે. આ પેટાયોજના અંતર્ગત રૂ. 90 કરોડનાં પ્રસ્તાવિત ખર્ચની સાથે 3 વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં 10 ભારતીય બ્રાન્ડને સંવર્ધિત કરવાનો પ્રસ્તાવ છે.
  7. ચર્મ, ફૂટવેર અને સહાયક સામગ્રી ક્ષેત્ર માટે વધારાની રોજગારીને પ્રોત્સાહન આપવાની પેટાયોજનાઃઆ પેટાયોજના અંતર્ગત ઇપીએફઓમાં નોંધણી કરાવનાર ચર્મ, ફૂટવેર અને સહાયક સામગ્રી ક્ષેત્રનાં તમામ નવા કર્મચારીઓ માટે તેમની રોજગારીનાં પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન કર્મચારી ભવિષ્ય ભંડોળમાં 3.67 ટકાનું પ્રદાન કંપનીએ કરવાનો પ્રસ્તાવ છે. આ પેટાયોજના રૂ. 15000 સુધીનો પગાર મેળવતા કર્મચારીઓ માટે માન્ય હશે. 100 કરોડ રૂપિયાનાં પ્રસ્તાવિત ખર્ચ સાથે સંબંધિત ક્ષેત્રોમાં લગભગ 2,00,000 રોજગારોને ઔપચારિક કરવામાં મદદ મળશે.

વિશેષ પેકેજમાં શ્રમ કાયદાઓનાં સરળીકરણ માટે ઉપાય અને રોજગારીનાં સર્જન માટે પ્રોત્સાહન પણ સામેલ છે, જેનો ઉલ્લેખ નીચે કરવામાં આવ્યો છે –

  1. આવકવેરા કાયદાની કલમ 80જેજેએએની મર્યાદા વધારવીઃ– કોઈ કારખાનામાં વસ્તુઓનાં ઉત્પાદન સાથે સંલગ્ન ભારતીય કંપની દ્વારા નવા કર્મચારીઓને ત્રણ વર્ષ સુધી અદા કરવામાં આવેલ વધારાનાં વેતન પર તેને કરવેરામાં કાપનો લાભ આપવા આવકવેરા ધારાની કલમ 80જેજેએએ અંતર્ગત કોઈ કર્મચારી માટે એક વર્ષમાં લઘુતમ 240 દિવસોનાં રોજગારીની જોગવાઈ અને વધારે છૂટ આપીને ફૂટવેર, ચર્મ અને સહાયક સામગ્રીનાં ક્ષેત્ર માટે તેને લઘુતમ 150 દિવસની છૂટ આપવામાં આવશે. આ પગલું આ ક્ષેત્રને સિઝનલ સ્વરૂપને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવ્યું છે.
  2. નિશ્ચિત ગાળાનાં રોજગારની શરૂઆતઃવિશ્વભરમાં વ્યાપક રોકાણ આકર્ષિત કરવા માટે ઔદ્યોગિક રોજગારી (સ્થાયી આદેશ) ધારા, 1946ની કલમ 15ની પેટાકલમ (1) અંતર્ગત નિશ્ચિત ગાળાનાં રોજગારની શરૂઆત કરીને શ્રમ સંબંધિત મુદ્દાઓનાં નિયમનકારી માળખાને મજબૂત કરવાનો પ્રસ્તાવ છે. ચર્મ, ફૂટવેર અને સહાયક સામગ્રી ઉદ્યોગનાં સિઝનલ સ્વરૂપને ધ્યાનમાં રાખીને આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.  

GP