પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દેશનાં ગૌણ ન્યાયતંત્ર માટે દ્વિતીય રાષ્ટ્રીય ન્યાયતંત્ર પગાર પંચ(એસએનજેપીસી)ની નિયક્તિને મંજૂરી આપી હતી.
આ પંચના અધ્યક્ષ પદે શ્રી જસ્ટિસ (નિવૃત્ત) વેંકટરામા રેડ્ડી (ભારતની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ)ની વરણી કરવામાં આવી છે, જેમાં પંચના સદસ્ય તરીકે શ્રી. આર. બસંત (કેરળ હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ) રહેશે.
આ પંચ 18 મહિનાના ગાળાની અંદર તેમની ભલામણો રાજ્ય સરકારોને સુપરત કરશે.
પંચ દ્વારા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ન્યાયતંત્રનાં અધિકારીઓની પરિસ્થિતિ અને વર્તમાન વેતન માળખાની સમીક્ષા કરાશે. આ પંચનો હેતુ દેશનાં ન્યાયતંત્રમાં રહેલા ગૌણ ન્યાયિક અધિકારીઓનાં વર્તમાન વેતન અને અન્ય માળખાનું સંચાલન કરી શકે તેવા સિદ્ધાંતો અને નિયમો ઘડવાનો રહેશે. આ ઉપરાંત પંચ હાલની કાર્ય પદ્ધતિ અને કાર્યનાં પ્રકાર, વાતાવરણની સમીક્ષા કરવા ઉપરાંત અધિકારીઓને પગાર ઉપરાંત મળતા લાભો અને ભથ્થાની પણ સમીક્ષા કરશે જેથી તેની પ્રક્રિયાને સરળ બનાવી શકાય.
પંચ આ લક્ષ્યાંકને પૂરો કરવા માટે પોતાની આગવી પદ્ધતિ અપનાવશે અને જરૂરી પ્રક્રિયા હાથ ધરશે. આ પંચ સમગ્ર દેશમાં ન્યાયતંત્રના ન્યાયિક અધિકારીઓ માટે એક સમાન વેતન ધોરણ અને કામગીરીનો સમાન પ્રકાર રહે તેનું પણ ધ્યાન રાખશે.
દેશના ન્યાયિક વહીવટીતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરવા અને ન્યાયતંત્રના કદને વાસ્તવિક સ્વરૂપ આપવા તથા અગાઉની ભલામણો બાદ પેદા થયેલી અસંગતતા દૂર કરવાના હેતુથી આ પંચની ભલામણો મદદરૂપ થશે.
*****
RP