Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી પર સંબોધન કર્યું; સ્વચ્છ ભારત અભિયાનની ત્રીજી વર્ષગાંઠ અને સ્વચ્છતા હી સેવા પખવાડિયાના સમાપનની ઉજવણી થઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વચ્છ ભારત અભિયાનની ત્રીજી વર્ષગાંઠને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવાના અને “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાના સમાપન પ્રસંગે સંબોધન કર્યું હતું.

 

તેમણે જણાવ્યું હતું કે, બીજી ઓક્ટોબરને મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીના જન્મદિવસ સ્વરૂપે ઉજવવામાં આવે છે તથા આ પ્રસંગ આપણે સ્વચ્છ ભારતના આપણા લક્ષ્યાંક તરફ કેટલી આગેકૂચ કરી છે તેનું પ્રતિબિંબ છે.

 

તેમણે યાદ કર્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન ત્રણ વર્ષ અગાઉ ઘણી ટીકાટિપ્પણીઓ વચ્ચે શરૂ થયું હતું. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીએ દર્શાવેલ માર્ગ ખોટો ન હોઈ શકે એની તેમને ખાતરી છે. તેમણે જણાવ્યું હતું કે, જો મંઝિલ મેળવવા માટે પડકારો હોય, તો પણ કોઈ વ્યક્તિએ તેનો સામનો કરવાથી ગભરાઈ જવાની જરૂર નથી.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે લોકો એક અવાજે સ્વચ્છતા માટેની ઇચ્છા વ્યક્ત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વચ્છતા નેતૃત્વ અને સરકારોનાં પ્રયાસો મારફતે હાંસલ ન થઈ શકે, પણ સમાજના સહિયારા પ્રયાસો મારફતે જ હાંસલ થઈ શકે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જનભાગીદારીની પ્રશંસા કરવી પડશે અને આજે સ્વચ્છતા અભિયાન સામાજિક આંદોલન બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી જે કંઈ હાંસલ થયું છે, એ ભારતનાં સ્વચ્છાગ્રહી લોકોની સિદ્ધિ પણ છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો સત્યાગ્રહીઓએ સ્વરાજ હાંસલ કર્યું હતું, તો સ્વચ્છાગ્રહીઓ દ્વારા શ્રેષ્ઠ ભારત હાંસલ થશે.

 

શહેરોના સ્વચ્છતા રેન્કિંગ્સનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે સકારાત્મક, સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કર્યું છે. સ્વચ્છતા માટે વૈચારિક ક્રાંતિની જરૂર છે અને સ્પર્ધા સ્વચ્છતાની વિભાવનાના વિચારોને મંચ પ્રદાન કરે છે તેવું તેમણે કહ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ “સ્વચ્છતા હી સેવા” પખવાડિયા દરમિયાન પ્રદાન કરનાર લોકોને અભિનંદન આપ્યા હતા, પણ હજુ ઘણું વધારે કરવાની જરૂર છે હોવાનું જણાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય નિબંધ, ચિત્રકામ અને ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ આપ્યા હતા તથા ડિજિટલ ડિસ્પ્લે ગેલેરીની મુલાકાત પણ લીધી હતી.

 

 

TR