Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું; અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂરમાં રાહત કામગીરીની સમીક્ષા કરી

પ્રધાનમંત્રીએ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું; અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂરમાં રાહત કામગીરીની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂર માટે રાહત કામગીરીની સમીક્ષા પણ કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, અન્ય વરિષ્ઠ મંત્રીઓ તથા રાજ્ય સરકાર, આપત્તિ નિવારણ સંસ્થાઓ અને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) ટોચના અધિકારીઓ ઉપસ્થિત હતા.

 

પ્રધાનમંત્રીને પૂરથી થયેલા નુકસાન અંગે અને હાથ ધરવામાં આવેલી રાહત કામગીરી વિશે જાણકારી આપવામાં આવી હતી.

 

પ્રધાનમંત્રીએ ભારતીય વાયુદળ સહિત રાહત કામગીરીમાં સંકળાયેલી તમામ સંસ્થાઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવાની સૂચના આપી હતી. તેમણે સ્વચ્છતા, સાફસફાઈ અને સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, આ પાસાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પાક વીમા સહિત વિવિધ કામગીરી સાથે સંકળાયેલી વીમા કંપનીઓને મિલકતો, પાક વગેરેને થયેલા નુકસાનની સંગઠિત આકારણી ઝડપથી કરવાની સૂચના આપી શકાશે તથા દાવાની વહેલાસર પતાવટ માટે પગલાં લઈ શકાશે, જેથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળશે.

 

પ્રધાનમંત્રીએ પાણી પુરવઠા, વીજળી અને સંચારને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા પણ જણાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, માર્ગ-રસ્તાઓને થયેલા નુકસાનને રિપેર કરવા, વીજ માળખાને પુનઃસ્થાપિત કરવા અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત સહાય માટે વિશેષ ટુકડી સ્થાપિત કરવામાં આવશે.

 

અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં અઠવાડિયાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આવતીકાલથી બચાવ કામગીરી માટે વધુ 10 હેલિકોપ્ટર્સ તૈનાત કરવામાં આવશે તથા તેમણે ભાર મૂક્યો હતો કે રાહત કામની ગતિ હજુ વધશે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં નુકસાનની આકારણી કરવામાં આવશે તથા ટૂંકા અને લાંબા એમ બંને પ્રકારના પગલાં લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ અત્યાર સુધી પૂરની સ્થિતિમાં કામગીરી કરનાર રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓની પ્રશંસા કરી હતી.

 

પ્રધાનમંત્રીએ મૃતકના પરિવાર માટે રૂ. બે લાખની સહાય તથા પૂરમાં ગંભીર રીતે ઇજા પામેલી વ્યક્તિ માટે રૂ. 50,000ની સહાય જાહેર કરી હતી. તેમણે એસડીઆરએફ હેઠળ વધુ રૂ. 500 કરોડની તાત્કાલિક સહાયની જાહેરાત કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, લોકો અને ગુજરાત વધુ મજબૂત બનીને બહાર આવશે અને પૂરના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરશે. તેમણે રાજ્યની જનતાને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ખભેખભો મિલાવીને કામ કરશે.

 

TR