દેશના ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક, સામાજિક અને આંતરમાળખાના વિકાસ દ્વારા એની કાયાપલટ કરવાના એક મહત્વાકાંક્ષી પ્રયાસના રૂપમાં આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રૂપિયા 5142.08 કરોડના ખર્ચ સાથે શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન (ગ્રામીણ – શહેરી) મિશનની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
આ મિશનનું ધ્યેય દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિકાસની ક્ષમતા વધારતાં ગ્રામીણ વિકાસના ઝૂમખાં – ગામડાંના જૂથો વિકસાવવાનું છે. જે સમગ્ર પ્રદેશના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જાય. આ ઝૂમખાં કે ક્લસ્ટરનો વિકાસ એમાં આર્થિક પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસ અને સ્થાનિક ઉદ્યોગસાહસિકતાની પૂરી પાડીને કરવામાં આવશે. આમ રૂરબન મિશન સ્માર્ટ ગામડાંના ઝૂમખાં – ક્લસ્ટર વિકસાવશે.
આ ક્લસ્ટરનું યોજનાબદ્ધ નકશા સાથે સ્પષ્ટ સીમાંકન કરવામાં આવશે. જેને માટે સંબંધિત રાજ્ય સરકારો / કેન્દ્રશાસિત પ્રદેશો આ યોજનાના ધોરણો આ અંગે વિધિવત જાહેરનામા બહાર પાડશે. આ ધોરણોનું છેવટે સંબંધિત વિસ્તારનાં જિલ્લા યોજનાઓ / માસ્ટર પ્લાન સાથે સંકલન કરવામાં આવશે. રાજ્ય સરકારો, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ મિશનના અમલ માટે તૈયાર કરેલા વિશાળ માળખાને સુસંગત થાય એ મુજબના ક્લસ્ટર્સની રચના કરશે. આ ક્લસ્ટર્સ, ભૌગોલિક રીતે, મેદાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે 25 થી 50,000ની રણ, ટેકરાળ અથવા આદિવાસી વિસ્તારોમાં 5 થી 15000ની વસતિ ધરાવતી ગ્રામ પંચાયતોની નજીક ઉભાં કરવામાં આવશે. ક્લસ્ટર્સની પસંદગી માટે આદિવાસી અને બિન આદિવાસી જિલ્લાઓમાં અલગ અલગ અભિગમ અપનાવવામાં આવશે. શક્ય હશે ત્યાં સુધી આવા ક્લસ્ટર્સ ગ્રામ પંચાયતોના મુખ્ય વહિવટી કેન્દ્રોને અનુસરશે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવા ક્લસ્ટર્સની પસંદગી માટે વૈજ્ઞાનિક પ્રક્રિયા અપનાવશે, જે દરમિયાન સંબંધિત જિલ્લા પેટા-જિલ્લા-તાલુકા અને ગામડાંની સપાટીએ વસતિ, અર્થતંત્ર, પ્રવાસન અને યાત્રા સ્થળ તરીકેના મહત્વ તેમજ વાહનવ્યવહાર પરિસરના પ્રભાવનું નિષ્પક્ષ પૃથ્થકરણ કરવામાં આવશે. આ પ્રકારના પૃથ્થકરણ બાદ કેન્દ્રીય મંત્રાલય રાજ્યોને પેટા – જિલ્લા સૂચવતી યાદી પૂરી પાડશે અને રાજ્ય સરકારો એ પછી આ યોજનાના અમલ માટે મંત્રાલયે નક્કી કરેલા માળખાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી ક્લસ્ટર્સની પસંદગી કરશે.
મિશનનું લક્ષ્ય આગામી 3 વર્ષમાં દેશના વિવિધ ભાગોમાં આવાં 300 રૂરબલ વિકાસ ક્લસ્ટર્સ ઉભાં કરવાનું છે. આ ક્લસ્ટર્સ માટે, એમાં સમાવિષ્ટ કરાયેલી સરકારની વિવિધ યોજનાઓ મારફત ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં આવા ક્લસ્ટર્સના વિકાસમાં મદદરૂપ થવા, મિશન ક્લસ્ટરદીઠ પ્રોજેક્ટના ખર્ચના 30 ટકા સુધીની રકમ ‘ક્રિટિકલ ગેપ ફંડીંગ’ તરીકે કેન્દ્રના હિસ્સાના રૂપમાં પૂરી પાડશે.
ક્લસ્ટર્સનો મહત્તમ વિકાસ સુનિશ્ચિત કરવા પ્રત્યેક ક્લસ્ટર માટે 14 અંગભૂત કાર્યક્રમો ઈચ્છીય હોવાનું સૂચવાયું છે. આમાં આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી કૌશલ્ય વિકાસ તાલીમ, કૃષિ પ્રોસેસીંગ / કૃષિ સેવાઓ / સંગ્રહ કેન્દ્રો અને વખારો, ડિજીટલ સાક્ષરતા, સ્વચ્છતા, નળ દ્વારા પાણી પૂરવઠો, ઘન અને પ્રવાહી કચરાના નિકાલની વ્યવસ્થા, ગામડાંની શેરીઓ અને ગટર વ્યવસ્થા શેરીઓમાં વીજળીની વ્યવસ્થા, સંપૂર્ણ સુસજ્જ ફરતું આરોગ્ય એકમ, શાળા / ઉચ્ચત્તર શિક્ષણની વ્યવસ્થાનું ધોરણ ઉંચુ લઈ જવું ગામડાની અંદર રસ્તાઓ નાગરિકોને વિવિધ સેવાઓ પૂરી પાડવા કેન્દ્રો, જાહેર પરિવહન સેવા એલપીજી જોડાણો.
રાજ્ય સરકારો રૂરબન ક્લસ્ટર્સ માટે સંગઠિત ક્લસ્ટર, એક્શન પ્લાન તૈયાર કરશે, જે સર્વગ્રાહી યોજનાકીય દસ્તાવેજ હશે જેમાં સંબંધિત ક્લસ્ટર માટેની વ્યૂહરચના એનાં ઈચ્છિત પરિણામો, વિવિધ કેન્દ્રીય ક્ષેત્ર, કેન્દ્ર પુરસ્કૃત અને રાજ્ય સરકારની યોજનાઓ તથા ક્લસ્ટર માટે ક્રિટિકલ ગેપ ફંડીંગ હેઠળ થનારી સાધનોની ફાળવણીની વિગતોનો સમાવેશ કરવામાં આવશે. વધુમાં આ મિશનની સફળતા સુનિશ્ચિત કરવા, રાજ્ય સરકારોને રાજ્ય સ્તરે પ્રોજેક્ટના વિકાસ, કાર્યશક્તિનું નિર્માણ અને અન્ય સંસ્થાકીય વ્યવસ્થા માટે ટેકો પૂરો પાડવા અંદાજપત્રમાં યોગ્ય જોગવાઈ કરવામાં આવી છે.
મિશનની યોજનાઓનો સરળ અમલ સુનિશ્ચિત કરવા મિશનને કેન્દ્ર તેમજ રાજ્યોની સપાટીએ યોગ્ય સંસ્થાકીય સગવડો ઉભી કરવાનું વિચાર્યું છે. સંશોધન, વિકાસ તથા કાર્યશક્તિના નિર્માણ માટે મિશને એક ખાસ બજેટ – ઈનોવેશન બજેટની પણ જોગવાઈ કરી છે. આમ આ મિશન એકંદરે પ્રાદેશિક વિકાસ માટે રૂરબન વિકાસ ક્લસ્ટર્સ વિકસાવી, ગ્રામીણ વિસ્તારોને વધુ મજબૂત કરવાના અને શહેરી વિસ્તારો ઉપરનો બોજ ઘટાડવાના બે ઉદ્દેશો સિદ્ધ કરી એકી સાથે દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારો માટે ફાયદાકારક બનશે અને દેશના સમતોલ પ્રાદેશિક વિકાસ અને પ્રગતિ તરફ લઈ જશે.
AP/J.Khunt/GP