પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી-આધારિત, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિ મારફતે તેમના 18મા ઇન્ટરેક્શનની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રીએ રેલવે સાથે સંબંધિત બાબતોની પ્રગતિની સમીક્ષા અને ફરિયાદોનું સમાધાન કર્યું હતું. મોટા ભાગની ફરિયાદો અધિકારીઓના ભ્રષ્ટાચાર સાથે સંબંધિત હોવાનું ધ્યાનમાં આવતા તેમણે ભ્રષ્ટાચારના આરોપોમાં દોષિત રેલવે અધિકારીઓ સામે શક્ય કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. તેમણે ભારતીય રેલવેને તમામ ફરિયાદો અને પૂછપરછ માટે યુનિફાઇડ સિંગલ ટેલિફોન નંબર પર કામ કરવા જણાવ્યું હતું, જેમાં અકસ્માતના કેસમાં હેલ્પલાઇન સામેલ છે.
પ્રધાનમંત્રીએ રેલવે, રોડ અને પાવર સેક્ટર્સમાં આવશ્યક માળખાગત પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી, જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, આસમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને નાગાલેન્ડ સહિત કેટલાંક રાજ્યોમાં પથરાયેલા છે.
આજે સમીક્ષા કરાયેલા અન્ય પ્રોજેક્ટ્સ છેઃ મુંબઈ મેટ્રો, તિરુપતિ-ચેન્નાઈ હાઇવે, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરમાં લાંબા સમયથી વિલંબમાં મૂકાયેલા રોડ પ્રોજેક્ટ્સ, તથા જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં મહત્વપૂર્ણ પાવર ટ્રાન્સમિશન લાઇન.
બાળકોના સંપૂર્ણ રસીકરણ માટે મિશન ઇન્દ્રધનુષની સમીક્ષા કરીને પ્રધાનમંત્રીએ આ સંબંધમાં 100 સૌથી ખરાબ કામગીરી કરતા જિલ્લાઓ માટે નિયત સમયમર્યાદામાં લક્ષ્યાંક પર ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એનસીસી અને નેહરુ યુવા કેન્દ્ર જેવી યુવા સંસ્થાઓને આ પ્રયાસમાં સાંકળી શકાશે, જેથી રસીકરણનો લાભ લેવામાં કોઈ પણ બાળક બાકાત ન રહી જાય તેવી સુનિશ્ચિતતા થશે.
સ્વચ્છ એક્શન પ્લાન્સના અમલીકરણની સમીક્ષા કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ પખવાડિયા જેવી ઇવેન્ટને કાયમી સમાધાન માટે આંદોલનમાં બદલવી પડશે. અમૃત મિશન પર પ્રધાનમંત્રીએ એલઇડી બલ્બ જેવી આધુનનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધારે લાભ મેળવવા અને તેનું દસ્તાવેજીકરણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું, જેથી તમામને સારી રીતે લાભ મળી શકે.
પ્રધાનમંત્રીએ ભારત સરકારના તમામ સચિવો અને રાજ્યોના તમામ મુખ્ય સચિવોને વર્ષ 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા નક્કર યોજનાઓ અને ઉદ્દેશો રજૂ કરવા વિનંતી કરી હતી. સ્વચ્છતાના સંબંધમાં તેમણે વર્ષ 2019 સુધીમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી અગાઉ મહત્તમ પ્રયાસો હાથ ધરવા અપીલ કરી હતી.
TR