Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

શ્રી એચ. ડી. દેવ ગૌડા

June 1, 1996 - April 21, 1997 | Janata Dal

શ્રી એચ. ડી. દેવ ગૌડા


સામાજિક આર્થિક વકાસ માટેના લડવૈયા અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રશંસક શ્રી. એચ.ડી. દેવ ગૌડાનો જન્મ 18 મે, 1933ના રોજ કર્ણાટકના હસન જિલ્લાના હોલેનારા સિપુરા તાલુકાના હારાદનાહલી ગામમાં થયો હતો.
સિવિલ એન્જિનીયર ડિપ્લોમાં પદવી ધરાવતા દેવ ગૌડાએ 20 વર્ષની વયે જ સક્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. શિક્ષણ પૂરું કરતા જ 1953માં તેઓ કોગ્રેસમાં જોડાયા હતા અને 1962 સુધી પક્ષના સભ્ય રહ્યા હતા. મધ્યમવર્ગના ખેડૂત પરિવારમાંથી આવેલા દેવ ગૌડા ખેડૂત જીવનની હાડમારીઓનો સામનો કરી ચૂક્યા હતા. તેમણે ગરીબ ખેડૂતો, વંચિતો અને દમનનો સામનો કરી ચૂકેલા વર્ગોના હિતમાં લડત આપવા જાણે કે શપથ લીધા હતા.
લોકશાહીના સૌથી નીચેના માળખાથી શરૂ કરીને શ્રી ગૌડા એક પછી એક રાજકિય પદોન્નતિ કરતાં રહ્યા, અંજનેયા સહકારી મંડળીના પ્રમુખપદે કાર્ય કરતાં અને ત્યારબાદ હોલેનારાસિપુરા તાલુકા વિકાસ બોર્ડના સભ્ય તરીકે કામ કરતાં તેમણે લોકહદયમાં સ્થાન મેળવ્યું હતું.
સમાજમાં પ્રવર્તી રહેલી અસાનમતાને સુધારવાની સ્વસ્થ આશા સાથે તેઓ હંમેશાં સ્વદર્થ રાજ્યનું સ્વપ્ન જોતા રહ્યા છે. માત્ર 28 વર્ષની વયે જ ગૌડા અપક્ષ ચૂંટણી લડીને 1962માં કર્ણાટક વિધાનસભાના સભ્યપદે પહેલીવાર ચૂંટાઇ આવ્યા હતા. વિધાનસભા મંચ પરની તેમની અસરકારક વાણીને ગૃહના વરિષ્ઠ સભ્યો સહિત તમામ વખાણતા રહ્યા હતા.
હોલેનારાસિપુર મતદાન વિસ્તારે તેમને સતત ત્રણ મુદત માટે વિધાનસભા પ્રતિનિધિરૂપે મોકલ્યા હતા. ત્યાર બાદ 1957-61માં ચોથી વાર, 1972-77માં પાંચમી વાર અન 1978-83માં છઠ્ઠી મુદત માટે વિધાનસભ્યપદે ચૂંટાઇ આવ્યા હતા.
માર્ચ 1972થી માર્ચ 1976 અને નવેમ્બર 1976થી ડિસેમ્બર 1977 દરમિયાન વિધાનસભાના નેતાપદે તેમણે આપેલી સેવાઓને પણ બિરદાવવામાં આવી હતી.
શ્રી દેવ ગૌડાએ 22 નવેમ્બર 1982ના રોજ છઠ્ઠી વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. સાતમી અને આઠમી વિધાનસભાના સભ્ય તરીકે તેમણે જાહેર સેવા અને સિંચાઇ મંત્રી તરીકેના તેમના સેવાકાર્ય દરમિયાન અનેક સિંચાઇ પરિયોજનાઓ આકાર પામી હતી. સિંચાઇ વિભાગને અપૂરતા ભંડોળના વિરોધમાં તેમણે 1978માં કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
સ્વતંત્રતા અને સમાનતાના હિમાયતી અને લડવૈયા હોવાને કારણે જ 1965-76 દરમિયાન કેન્દ્રીય સત્તાના ક્રોધનો ભોગ બન્યા હતા. કટોકટી દરમિયાન તેમની ધરપકડ થઇ હતી. દેવ ગૌડાએ જેલવાસ દરમિયાન ફરજિયાત આરામના સમયનો ઉપયોગ પણ ગહન વાંચન દ્વારા જ્ઞાનવૃદ્ધિ માટે કર્યો હતો. કારાવાસ દરમિયાન કરેલા વાંચન અને એ સમયગાળા દરમિયાન જેલવાસ ભોગવી ચૂકેલા ભારતના રાજકારણના અન્ય નેતાઓ સાથેના સંવાદે તેમના દ્રષ્ટિકોણ અને વ્યક્તિત્વને નવો ઓપ આપ્યો હતો. જેલના કારાવાસમાંથી બહાર આવ્યા પછી તેઓ વધુ ઠરેલ અને પ્રતિબદ્ધ વ્યક્તિત્વ સ્વામી બન્યા હતા.
1991માં હસન લોકસભા બેઠક પરથી સંસદમાં ચૂંટાઇ આવતા રાજ્યના અને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નોને અગ્રિમ મોરચે લાવવાની દિશામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા નીભાવી હતી. સંસદમાં ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા બદલ તેઓ આદર પ્રાપ્ત કરતાં રહ્યા. સંસદ અને સંસદિય સંસ્થાઓની પ્રતિષ્ઠા અને ગૌરવને કાયમ રાખવા તેમણે નિભાવેલી ભૂમિકાની પણ તેમની પ્રશંસા થતી રહી છે.
શ્રી દેવ ગૌડા રાજ્યમાં બે વાર જનતા પાર્ટીના પ્રમુખ બન્યા હતા અને 1994માં સ્ટેટ જનતા દળના પ્રમુખ બન્યા હતા. 1994માં રાજ્યમાં જનતા દળ સત્તામાં આવ્યા તેની પાછળનું બળ દેવ ગૌડા હતા. તેઓ જનતાદળ વિધાનસભા પક્ષના નેતા પદે ચૂંટાઇ આવ્યા હતા. 11 ડિસેમ્બર, 1994ના રોજ તેમણે કર્ણાટકના 14માં મુખ્યમંત્રી તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. ત્યાર પછી તેઓ રામનગર વિધાનસભા બેઠક પરથી જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા.
સક્રીય રાજકારણમાં રહેલો તેમનો લાંબો અનુભવ અને તળિયાની સપાટીએ પ્રવર્તી રહેલી સંગીન સ્થિતિને કારણે રાજ્યની અનેક સમસ્યાઓને ઉકેલવામાં તેમને સફળતા મળી હતી. હુબલી ખાતેના ઇદગાહ મેદાનનું સમાધાન શોધીને તેમણે પોતાની રાજકીય કુશળતાના દર્શન કરાવ્યા હતા. ઇદગાહ લઘુમતી સમુદાયનું છે અને તે મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો હતો. શ્રી ગૌડાને આ પ્રશ્નનું શાંતિપૂર્ણ સમાધાન શોધવામાં સફળતા મળી હતી.
જાન્યુઆરી 1995માં શ્રી દેવ ગૌડાએ સ્વીટ્ઝર્લેન્ડની મુલાકાત લઇને આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓના મંચમાં ભાગ લીધો હતો. યુરોપ અને મધ્યપૂર્વના દેશોની તેમની મુલાકાતે તેમની સમર્પિત રાજકારણી તરીકેની પ્રતિષ્ઠાના દર્શન કરાવ્યા હતા. તેમની સિંગાપોર પ્રવાસે રાજ્ય માટે જરૂરી વિદેશી મૂડી રોકાણ મેળવવામાં મદદ કરી હતી. તે મુલાકાતે તેમની બિઝનેસ કુશગ્રતા પણ છતી થઇ હતી.
70 ના દાયકાથી જ તેમના મિત્રો અને હરિફો પણ રાજકારણમાં તેમના દ્વારા એકલે હાથે નિભાવાતી ભૂમિકા પર ટીપ્પણીઓ આપતા રહ્યા છે. શ્રી ગૌડા કહે છે કે તેઓ લોકસમુદાયનું રાજકારણ જ ખેલતા રહ્યા છે. પોતે લોકોથી ઘેરાયેલા હોય અને તેમના માટે કાંઇક કરી છૂટતા હોય ત્યારે તેમને આનંદ આવે છે.
1989માં તેમના રાજકીય જૂથ જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ નબળો દેખાવ કર્યો હતો. વિધાનસભાની 222 બેઠક માટે પક્ષે ઉમેરવારોને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ માત્ર બે જ બેઠકો પક્ષના ફાળે આવી હતી. રાજકીય કારકિર્દીમાં પહેલી જ વાર પરાજયનો સ્વાદ ચાખતા જે બે બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી તે બંને બેઠકો પર દેવ ગૌડાનો પરાજય થયો હતો.
પરાજય મળ્યાને પગલે પ્રતિષ્ઠા ગુમાવેલા સન્માન અને સત્તાને પુન: પ્રાપ્ત કરવાની દોડમાં તેમણે પોતાની રાજકિય શૌલીઓની પુન: સમીક્ષા કરીને નવી ધાર કાઢવા પ્રયાસ કર્યા હતા. કડવાશભરી રાજકિય હરિફાઇઓ ત્યજીને તેમણે કર્ણાટક અને દિલ્હીમાં નવા મિત્રો બનાવ્યા હતા. ગૌડા સાદગીપૂર્ણ જીવનશૈલી ધરાવતા અસરકારક અને સ્પષ્ટવાદી વ્યક્તિ છે.
રાજકારણમાં પ્રવેશતાં પહેલા શ્રી ગૌડા કોન્ટ્રાક્ટર તરીકે નાના નાના કામો કોન્ટ્રાક્ટ પર લેતા હતા. તેમણે સ્વતંત્રપણે ગાળેલા સાત વર્ષો દરમિયાન તેમને પક્ષીય રાજકારણને બહારથી નિહાળવામાં મદદ મળી હતી.
હંમેશાં કાર્યરત રહેવાની આદત હોવાથી તેઓ વિધાનસભા ગ્રંથાલયમાં પણ પુસ્તકો અને સામાયિકોના ખડકલા વચ્ચે જોવા મળતા હતા. 1967માં તેઓ ફરી ચૂંટાઇ આવતા તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તેઓ શ્રી નિજલિંગાયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ (ઓ)માં જોડાયા હતા. કર્ણાટકમાં તે સમયે આ પક્ષ સત્તામાં હતો. પરંતુ 1971ની લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ (ઓ)નો પરાજય થયા પછી શ્રી ગૌડાને ખરી રાજકિય તક મળી હતી. ઇન્દિરા ગાંધી મોજાને પગલે સત્તાથી દૂર થયેલા વિરોધપક્ષના તેઓ નેતા બન્યા હતા.
શ્રી ડોડ્ડે ગોવડા અને શ્રીમતી દેવમ્માને ત્યાં દેવ ગૌડાનો જન્મ થયો હતો. સાદગીભર્યું ખેડૂત જીવન જીવતા પરિવારનું ફરજંદ હોવાનું શ્રી દેવ ગૌડા હંમેશા ગૌરવ લેતા રહ્યા છે. શ્રીમતી ચેન્નમા સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ દંપતિ ચાર પુત્રો અને બે પુત્રીઓ ધરાવે છે. તેમના એક પુત્ર કર્ણાટકમાં વિધાનસભા અને બીજા પુત્ર લોકસભામાં ચૂંટાઇ આવ્યા છે.
બિનકોંગ્રેસી અને બિનભાજપ જેવા પ્રાદેશિક પક્ષોના બનેલા ત્રીજા મોરચાનું નેતૃત્વ સંભાળતા હોવાથી તે નેતૃત્વ જ દેવ ગૌડાને પ્રધાનમંત્રી પદ સુધી દોરી ગયું હતું. શ્રી ગૌડા આ પદ મેળવવા ઇચ્છતા પણ નહોતા.
દેશના 11માં પ્રધાનમંત્રીપદે શપથ લેવા શ્રી દેવ ગૌડાએ 30 મે, 1996ના રોજ કર્ણાટકના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું.