શ્રી ચરણસિંહનો જન્મ 1902માં ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1929માં મેરઠમાં પાછા ફર્યા અને કોંગ્રેસમાં જોડાયા હતા.
1937માં તેઓ છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ 1946, 1952, 1962,1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી, વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી. જૂન 1951માં રાજ્યમાં કેબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 1954માં ડો.સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં તેઓ મહેસૂલ અને કૃષિ કેબિનેટ મંત્રી રહ્યા હતા. એપ્રિલ, 1959માં તેમણે મંત્રીપદેથી રાજીનામું આપ્યું ત્યારે મહેસૂલ અને પરિવહન વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા. 1960માં શ્રી સી.બી. ગુપ્તાના મંત્રીમંડળમાં તેમણે ગૃહ અને કૃષિમંત્રીપદ સંભાળ્યું હતું. 1962-63માં શ્રીમતી સૂચેતા ક્રિપલાની મંત્રાલયમાં ચૌધરી ચરણસિંહે કૃષિ અને જંગલમંત્રી પદ સંભાળ્યું હતું. 1965માં કૃષિ વિભાગ ત્યજીને 1966માં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો વિભાગ સંભાળ્યો હતો.
કોંગ્રેસના ભાગલા પડતાં ફેબ્રુઆરી 1970માં તેઓ કોંગ્રેસના સમર્થનથી બીજી વાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે રાજ્યમાં બે ઓક્ટોબર, 1970ના રોજ રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું હતું.
અનેક પદ પર રહીને ઉત્તરપ્રદેશની સેવા કરી ચૂકેલા પોતાના કઠોર પરિશ્રમ બદલ જાણીતા હતા. વહીવટીતંત્રની બિનકાર્યક્ષમતા અને ભષ્ટાચારને તેઓ લેશમાત્ર સાંખી લેતા નહોતા. સંસદીય અને વ્યવહારુ વલણ વસેલું હોવા ઉપરાંત વક્તવ્યની છટા અને પ્રતિબદ્ધતા માટે હિંમત દાખવવા બદલ પણ તેઓ જાણિતા હતા.
તેઓ ઉત્તરપ્રદેશમાં થયેલા જમીન સુધારણાના શિલ્પી હતી. જમીન સુધારણા વિભાગની રચના અને તેને અંતિમ ઓપ આપવામાં શ્રી ચૌધરી ચરણસિંહની મહત્વની ભૂમિકા રહી. તેમણે કરેલી પહેલને પગલે જ ઉત્તરપ્રદેશમાં મંત્રીઓ દ્વારા મેળવાતા ઉંચા વેતનો અને અન્ય અધિકારો પર કાપ મૂકાયો હતો. મુખ્યમંત્રી હોવાની રૂએ તેમણે ‘લેન્ડ હોલ્ડિંગ એક્ટ, 1960, અમલી બનાવવા સઘન ભૂમિકા અદા કરી હતી. રાજ્યમાં સમાનતાનું વાતાવરણ ઉભું કરવા લેન્ડ હોલ્ડિંગની મર્યાદાને નીચી લાવવા આ કાયદો અમલી બનાવવામાં આવ્યો છે.
પાયાની લોકપ્રિયતા ધરાવતા હોવાને મુદ્દે દેશના ગણતરીના નેતાઓ જ ચૌધરી ચરણસિંહ સાથે તુલનામાં આવી શકે. સમર્પિત, જાહેર સેવક અને સામાજિક ન્યાયમાં શ્રદ્ધા ધરાવતા ચૌધરી ચરણસિંહ લાખ્ખો ગ્રામીણજનોનો વિશ્વાસ ધરાવતા હતા અને એ જ તેમની તાકાત હતી.
ચૌધરી ચરણસિંહ સાદગીપૂર્ણ જીવન જીવ્યા હતા અને ફાજલ સમયનો ઉપયોગ વાંચન-લેખન પાછળ કરતાં હતા. ‘જમીનદારી નાબૂદી’, ‘સહકારી ખેતી એક્સ-રે’, ‘ભારતની ગરીબી અને સમાધાન’, ગ્રામીણોની માલિકી અથવા કામદારોની જમીન સહિત અનેક પુસ્તકો અને ચોપાનિયાના તેઓ લેખક રહ્યા હતા.