અટલબિહારી વાજપેઇ દ્રઢ રાજકીય મનોબળ ધરાવતા લોકલાડિલા નેતા હતા. 13 ઓક્ટોબર 1999ના રોજ તેમણે એન.ડી.એની નવી ગઠબંધન સરકારના વડાપદે સતત બીજી મુદત માટે શપથ લીધા હતા. 1996માં તેમણે ટૂંકી મુદત માટે પ્રધાનમંત્રીપદ સંભાળ્યું હતું. સતત બે ચૂંટણીમાં વિજયી બનીને પ્રધાનંત્રીપદે આરૂઢ થયેલા તેઓ પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પછીની બીજી વ્યક્તિ બન્યા હતા.
વાજપેયી ચાર દાયકા જેટલી લાંબી સંસદીય કારકિર્દી ધરાવતા હતા. લોકસભામાં તેઓ નવ મુદત માટે અને રાજ્યસભામાં બે વાર ચૂંટાઇ આવ્યા હતા. પોતાનામાં આ એક વિક્રમજનક ઘટના જ કહી શકાય.
દેશના પ્રધાનમંત્રી, વિદેશમંત્રી, વિવિધ સંસદિય સ્થાયી સમિતિના વડાપદે અને ભારતની સ્થાનિક અને વિદેશનીતિના ઘડતરમાં સક્રીય ભૂમિકા નિભાવી હતી.
વિદ્યાર્થીકાળમાં તેમણે 1942ની ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટમાં ભાગ લઇને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. રાજ્યશાસ્ત્ર અને કાયદાના વિદ્યાર્થી તરીકે કોલેજકાળમાં જ વિદેશી બાબતોમાં તેમની રૂચિ જન્મી હતી. આ રૂચિ ઉત્તરોતર વધતી રહી હતી અને અનેક બહુરાષ્ટ્રીય અને વિપક્ષીય મંચ પર તેમણે ભારતનું કૌશલ્યપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું હતું.
શ્રી વાજપેઇએ પત્રકારથી કારકિર્દીની શરૂઆત કરી હતી. 1951માં ભારતીય જનસંઘમાં જોડાતા તેમણે આ કારકિર્દી પડતી મૂકી હતી. આજની ભારતીય જનતા પાર્ટીના મૂળ ભારતીય જનસંઘમાં જ રહેલા છે. તેઓ કવિહ્દય અને કવિ પણ રહેલા છે. આટલા વ્યસ્ત જીવનમાં પણ તેમને સંગીત અને થોડાઘણા રસોઇકામમાં પણ આનંદ આવતો હતો.
એક સમયના ગ્વાલિયર સ્ટેટમાં 25, ડિસેમ્બર, 1924માં એક શિક્ષકને ત્યાં તેમનો જન્મ થયો હતો. જાહેરજીવનમાં વાજપેઇનો ઉદય એ ઘટના જ તેમના દ્વારા ભારતની લોકશાહીને અપાયેલી અંજલિરૂપ હતી.
દાયકાઓની રાજકિય કારકિર્દી દરમિયાન તેઓ પોતાના ઉદાર વલણ અને લોકશાહી આદર્શો પ્રતિની વચનબધ્ધતાને કારણે આદરણીય લોકનેતા બની રહ્યા હતા.
મહિલા સશક્તિકરણ અને સામાજિક સમાનતાના હિમાયતી રહીને તે માટે તેઓ લડતા રહ્યા હતા. ભાવિ તરફ નજર રાખીને ભાવિ કેડી કંડારતા ભારતમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતી. ભારત શક્તિશાળી અને સમૃદ્ધ બનીને રાષ્ટ્રોના સમુદાયમાં પોતાના અધિકારપૂર્ણ સ્થાન મેળવી શકે એ પ્રકારનો આત્મિવશ્વાસ કેળવે તે એમનો પ્રયત્ન હતો. પાંચ હજાર વર્ષોની સંસ્કૃતિ પર સવાર થઇને નવીનિકરણની નવી ઉર્જા પ્રાપ્ત કરીને ભારત આવનારા એક હજાર વર્ષના પડકારોને ઝીલવા તૈયાર થાય એ તેમનો ધ્યેય હતો. તેમને એકમાત્ર પ્રેમસ્ત્રોત ભારત પ્રત્યેના તેમના નિસ્વાર્થ સમર્પણભાવ અને તેમની અડધા દાયકા સુધીની સમજ અને દેશસેવાની નોંધ લેતા તેમને ભારતના દ્વિતીયક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનવામાં આવ્યા હતા. 1994માં દેશના શ્રેષ્ઠ સાંસદ તરીકે તેમનું બહુમાન થયું હતુ. તે બહુમાનપત્રમાં લખ્યું હતું કે ‘ પોતાના નામ મુજબ અટલજી અગ્રણી રાષ્ટ્રીય નેતા, સક્રીય રાજકારણી, નિસ્વાર્થ સામાજિક કાર્યકર, જોમવંતા વક્તા, કવિ અને સાહિત્યકાર, પત્રકાર અને સાચે જ બહુમુખી પ્રતિભાના સ્વામી છે. અટલજી લોકોની આકાક્ષાંઓને વાચા આપતા રહ્યા છે. તેમના કાર્યોમાં હંમેશા રાષ્ટ્રવાદ પ્રત્યેની તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતાનો પ્રતિઘોષ ગૂંજતો રહ્યો છે. ’