Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ડો. મનમોહન સિંઘ

May 22, 2004 - May 26, 2014 | Indian National Congress

ડો. મનમોહન સિંઘ


ભારતના 14માં પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘ સાચે જ વિચારક અને વિદ્વાન છે. કર્તવ્યપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતાથી બધાને ઉપબલ્ધ રહેવાનું વલણ, સતત પરિશ્રમની વૃતિ અને વ્યાવસાયિક સૂઝબૂઝ માટે તેમને યાદ કરવામાં આવે છે.
અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ તેમનો જન્મ થયો હતો. ડો. સિંઘે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રીક પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેમની શૈક્ષણિક કારકિર્દીએ તેમને પંજાબથી બ્રિટનની કેમ્બ્રિઝ યુનિવર્સિટી પહોંચાડ્યા હતા. 1957માં આ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગમાં ઓનર્સ ડિ.ગ્રી મેળવી હતી. તે પછી ડો. સિંઘે 1962માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નુફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં જ ડી. ફિલ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાના પુસ્તક ‘ ઇન્ડીયાસ અક્સપોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર સેલ્ફ સસ્ટેઇન્ડ ગ્રોથ’ (ક્લારેન્ડ્ન પ્રેસ, ઓક્સફોર્ડ, 1964)માં તેમણે ભારતની આંતરલક્ષી (ઇનવર્ડ ઓરિએન્ટેડ) વેપારનીતિની આલોચના કરી હતી. પંજાબ યુનિવર્સિટી તેમજ પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ફેકલ્ટી તરીકે સેવા આપતા તેમની કારકિર્દીને નિખાર મળ્યો હતો. આ વર્ષો દરમિયાન જ તેમણે ટૂંક સમય માટે ‘અંકટાડ’ (UNCTAD) મંત્રાલયમાં પણ સેવા આપી હતી. તેને પગલે જ 1987થી 1990 દરમિયાન સાઉથ કમિશન, જીનેવાના મહામંત્રીપદે તેમની નિમણૂક થઇ હતી.
1971માં ડો.સિંઘ ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયના આર્થિક સલાહકાર પદે જોડાયા હતા. તે પછી તરત 1972માં તેમની નિમણૂક નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકારપદે થઇ હતી. ડો. મનમોહનસિંઘ નાણા મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વબેન્કના ગવર્નર, પ્રધાનમંત્રીના સલાહકાર, યુજીસીના અધ્યક્ષ સહિતના મહત્વના પદ સંભાળી ચૂક્યા છે.
સ્વતંત્ર ભારતના આર્થિક ઇતિહાસને વળાંક આપવાની ઘડીએ 1991 થી 1996 વચ્ચેના પાંચ વર્ષ દરમિયાન તેમણે ભારતના નાણામંત્રી પદે સેવા આપી હતી. આર્થિક સુધારાઓની સર્વાંગીનીતિને અમલી બનાવવામાં રહેલી તેમની ભૂમિકાને વિશ્વભરમાં માન્યતા મળેલી છે. ભારતનો આ સમયગાળો ડો.સિંઘ સાથે સંકળાયેલો રહ્યો હતો.
પોતાની જાહેર કારકિર્દી દરમિયાન ડો.સિંઘને અનેક એવોર્ડ અને સન્માન મળ્યા છે. ભારતના વિત્તીય ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ (1987)થી પણ તેમને સન્માનવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઇન્ડિયન સાયન્સ કોંર્ગેસ દ્વારા તેઓને જવાહરલાલ નહેરુ બર્થ સેન્ટેનરી અવોર્ડ (1995), યુરો મની દ્વારા ફાયનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993 અને 1994), કેમ્ર્બિઝ યુનિવર્સિટી દ્વારા એડમ સ્મિથ પ્રાઇઝ (1956), કેમ્બ્રિઝ સેન્ટ જોન કોલેજ ખાતે ઉત્કૃષ્ઠ કામગીરી માટે રાઇટ પ્રાઇઝ (1955) વગેરે સન્માનથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જાપાનના નોન કેઇલાઇ શિમબુન સંગઠન સહિતના અનેક સંગઠન તેમને સન્માની ચૂક્ચા છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિઝ અને ઓક્સફોર્ડ સહિતની અનેક યુનિવર્સિટી દ્વારા તેમને ઓનરરી ડિગ્રીઓ પ્રાપ્ત થઇ ચૂકી છે.
અનેક આંતકરાષ્ટ્રીય પરિષદો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 1993માં તેમણે સાયપ્રસ ખાતે મળેલા કોમનવેલ્થ હેડ ઓફ ગવર્નમેન્ટ બેઠકમાં ભારતના પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું. એજ રીતે 1993માં વિયેના ખાતે મળેલી હ્યુમન રાઇટ્સ વર્લ્ડ કોન્ફરન્સમાં પણ ભારતીય પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું.
ડો. સિંઘની રાજકિય કારકિર્દીની વાત કરીએ તો 1991થી તેઓ રાજ્યસભાનું સભ્યપદ ધરાવે છે. 1998 અને 2004માં તેઓએ રાજ્યસભામાં વિરોધપક્ષના નેતાનું પદ પણ સભાળ્યું હતું. વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓ પછી 22મી મે ના રોજ ડો.મનમોહનસિંઘે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. 22 મે 2009ના રોજ બીજી મુદત માટે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.
ડો.સિઘ અને તેમના શ્રીમતી ગુરુશરણ કૌર ત્રણ પુત્રીઓ ધરાવે છે.