Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નૌકાસંચાલન માટે સહાય (એટૂએનએસ) પર થયેલા એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકારના જહાજ મંત્રાલય ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઇટહાઉસીસ એન્ડ લાઇટશિપ્સ (ડીજીએલએલ) અને બાંગ્લાદેશ સરકારના જહાજ વિભાગ વચ્ચે નૌકાપરિવહન માટે સહાય (એટૂએનએસ) પર થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી.

આ એમઓયુ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે નીચેની બાબતો પર સહકાર સ્થાપિત કરશેઃ

ક. દીવાદાંડી અને માર્ગસૂચક સંકેતો પર સલાહનું આદાનપ્રદાન;

ખ. જહાજ ટ્રાફિક સેવા અને ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (એઆઇએસ) પર સલાહનું આદાનપ્રદાન; અને

ગ. નૌકાસંચાલન અને દીવાદાંડી સત્તામંડળને દરિયાઈ સહાય માટેના આંતરરાષ્ટ્રીય સંગઠન (આઇએએલએ)ના તાલીમ અભ્યાસક્રમ મુજબ બાંગ્લાદેશના એટીએન મેનેજર્સ અને ટેકનિશિયન્સને તાલીમ આપવી.

આ એમઓયુ બંને દેશોને નીચેની બાબતોમાં સહકાર સ્થાપિત કરવા સક્ષમ બનાવશે:

ક. એટૂએન પર સલાહ પ્રદાન કરવી;

ખ. એટૂએન અધિકારીને તાલીમ આપવા એકેડેમિક આદાનપ્રદાન પૂરું પાડવું; અને

ગ. એટૂએન ક્ષેત્રમાં કુશળતા વધારવા સંગઠિત કાર્યશાળાઓ/સમારંભોમાં જરૂરી સહકાર પ્રદાન કરવો.

એમઓયુ દક્ષિણ એશિયાના દેશોમાં એટૂએન તાલીમના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણમાં વધારે સહકાર સ્થાપિત કરવા માટે પણ મદદરૂપ થશે. આ આઇએએલએ મોડલ કોર્સ ઇ-141/1 પર નૌકાસંચાલનને દરિયાઈ સહાયના વ્યવસ્થાપન પર તાલીમ આપવા પ્રોત્સાહન આપશે અને આઇએએલએ માર્ગદર્શિકા મુજબ વ્યાવસાયિક તાલીમ અભ્યાસક્રમ સુલભ કરશે.

દક્ષિણ એશિયાના દેશોમાં ભારત અને બાંગ્લાદેશ બે મહત્વપૂર્ણ વિકાસશીલ દેશો છે. બંને દેશોએ મૈત્રીપૂર્ણ અને ઉષ્માસભર સંબંધોની લાંબી પરંપરા જાળવી છે, જે તાજેતરના વર્ષો દરમિયાન બંને દેશોમાંથી મહાનુભાવોની કેટલીક દ્વિપક્ષીય મુલાકાતોમાં પ્રગટ થાય છે.


પૃષ્ઠભૂમિઃ

વિવિધ દેશોમાં ઓથોરિટીઝ ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (આઇએમઓ)ની જરૂરિયાત મુજબ, આંતરરાષ્ટ્રીય ભલામણો અને માર્ગદર્શિકાને અનુરૂપ તેમની જળ સરહદોમાં નૌકાસંચાલન માટે યોગ્ય સહાય પૂરી પાડે છે. દીવાદાંડીઓ, માર્ગસૂચક સંકેતો, ડીજીપીએસ, નેવિગેશનલ અને લંગર નાંખવાની રિંગ જેવી નૌકાસંચાલનની દરિયાઈ સહાય જહાજો અને/અથવા જહાજના ટ્રાફિકના સલામત અને કાર્યદક્ષ સંચાલનને વધારવા કાર્યરત છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઇટહાઉસીસ એન્ડ લાઇટશિપ્સ ભારતમાં ભારતીય જળ સરહદોમાં જહાજોની સુરક્ષિત અવરજવર માટે નૌકાસંચાલનને સહાય સ્થાપિત કરે છે અને તેને જાળવે છે. દીવાદાંડીની ઇજનેરીમાં કુશળતા ધરાવતી ડીજીએલએલ નૌકાસંચાલનમાં સહાયની મોટી ઇન્વેન્ટરી જાળવે છે, જેમાં 193 દીવાદાંડી, 64 રેકોન્સ, દરિયામાં ઊંડે 22 ઓછા પ્રકાશ ધરાવતા બોયું, 23 ડીજીપીએસ સ્ટેશન, 01 લાઇટશિપ, 04 ટેન્ડર જહાજો, રાષ્ટ્રીય એઆઇએસ નેટવર્ક, કચ્છની ગાડીમાં જહાજ ટ્રાફિક સેવા સામેલ છે.

આઇએએલએ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે નૌકાસંચાલનની તમામ પ્રકારની સહાયને સંકલિત કરે છે અને તેમની વચ્ચે સમન્વય સ્થાપિત કરે છે. ડીજીએલએલ મારફતે પ્રતિનિધિત્વ ધરાવતો ભારત આઇએએલએ કાઉન્સિલનો સભ્ય છે. પ્રાદેશિક સહકાર સ્થાપિત કરવા અગ્રેસર ભારત અને બાંગ્લાદેશએ એટૂએન પર સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર કર્યા છે. આ એમઓયુ મુજબ, ભારત સરકારના જહાજ મંત્રાલય તરફથી ડીજીએલએલ એટૂએન પર બાંગ્લાદેશના જહાજ મંત્રાલયના જહાજ વિભાગને સલાહ આપશે, જેમાં જહાજ ટ્રાફિક સેવા, ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમની શ્રેણી સામેલ છે. બાંગ્લાદેશના એટૂએન અધિકારીઓને તાલીમ આપવા ડીજીએલએલ એટૂએન મેનેજર્સ અને ટેકનિશિયન્સને આઇએએલએ ટ્રેનિંગ મોડ્યુલ મુજબ તાલીમ આપશે, કાર્યશાળાઓ/સમારંભોનું આયોજન કરશે. આ બાંગ્લાદેશના એટૂએન અધિકારીની ક્ષમતા વધારવામાં મદદ કરશે.

TR