પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 6 કરોડ ગ્રામીણ કુટુંબોને ડિજિટલ રીતે સાક્ષર બનાવવા ‘પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન’ (પીએમજીદિશા)ને મંજૂરી આપી છે. ગ્રામીણ ભારતમાં માર્ચ, 2019 સુધીમાં ડિજિટલ સાક્ષરતા વધારવા આ પ્રોજેક્ટ માટે રૂ. 2,351.58 કરોડ અંકિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રીય બજેટ 2016-17માં નાણાં મંત્રીએ કરેલી જાહેરાતને અનુરૂપ છે.
પીએમજીદિશા દુનિયામાં સૌથી મોટા ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમોમાંનો એક બનશે તેવી અપેક્ષા છે. આ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2016-17માં 25 લાખ ઉમેદવારોને, નાણાકીય વર્ષ 2017-18માં 275 લાખ ઉમેદવારોને અને નાણાકીય વર્ષ 2018-19માં 300 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ તમામ વિસ્તારોમાં સમાન રીતે પહોંચે એ માટે 250,000 ગ્રામ પંચાયતોમાંથી દરેક પંચાયત સરેરાશ 200થી 300 ઉમેદવારોની નોંધણી કરશે તેવી અપેક્ષા છે.
ડિજિટલી સાક્ષર વ્યક્તિઓ કમ્પ્યુટર્સ/ડિજિટલ એક્સેસ ડિવાઇઝ (ટેબ્લેટ્સ, સ્માર્ટ ફોન વગેરે જેવા)નો ઉપયોગ કરી શકશે, ઇમેલ મોકલી અને મેળવી શકશે, ઇન્ટરનેટ બ્રાઉઝ કરી શકશે, સરકારી સેવાઓ મેળવી શકશે, માહિતી માટે શોધખોળ કરી શકશે, કેશલેસ વ્યવહારો હાથ ધરી શકશે અને આ રીતે રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સક્રિયપણે સહભાગી થવા આઇટીનો ઉપયોગ કરી શકશે.
યોજનાનો અમલ નિયુક્ત રાજ્ય અમલીકરણ સંસ્થાઓ, જિલ્લા ઇ-ગવર્નન્સ સોસાયટી (ડીઇજીએસ) વગેરે મારફતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સક્રિય ભાગીદારીમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના સંપૂર્ણ નિરીક્ષણ હેઠળ થશે.
પૃષ્ઠભૂમિ:
શિક્ષણ 2014 પર 7મા એનએસએસઓ સર્વે મુજબ, ફક્ત 6 ટકા ગ્રામીણ કુટુંબો કમ્પ્યુટર ધરાવે છે. આ સૂચવે છે કે 15 કરોડથી વધારે ગ્રામીણ કુટુંબો (@ 16.85 કરોડ કુટુંબોમાં 94 ટકા) પાસે કમ્પ્યુટર નથી અને નોંધપાત્ર પ્રમાણમાં આ કુટુંબો ડિજિટલી સાક્ષરતા મેળવવાની શક્યતા ધરાવે છે. ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ શરૂ કરવામાં આવેલ પીએમજીદિશા ગ્રામીણ વિસ્તારોમાં 6 કરોડ કુટુંબોને ડિજિટલી સાક્ષર બનાવશે. તેનાથી નાગરિકો માહિતી, જ્ઞાન અને કુશળતા મેળવીને કમ્પ્યુટર્સ/ડિજિટલ એક્સેસ ઉપકરણોનો ઉપયોગ કરવા સક્ષમ બનશે.
સરકાર મોબાઇલ ફોન્સ મારફતે કેશલેસ વ્યવહારો પર ભાર મૂકતી હોવાથી અભ્યાસક્રમની સામગ્રીમાં ડિજિટલ વોલેટ્સ, મોબાઇલ બેન્કિંગ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ), અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા (યુએસએસડી) અને આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઇપીએસ) વગેરે પર ભાર મૂકવામાં આવશે.
AP/JKhunt/TR/GP