Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનો ઉત્તર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. તેમણે ગૃહના વિવિધ સભ્યોનો ચર્ચામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને ઉપયોગી મુદ્દાઓ વહેંચવા બદલ આભાર માન્યો હતો.

જનશક્તિ અતિ વિશિષ્ટ તાકાત છે તેવો અભિપ્રાય વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જનશક્તિના બળે ગરીબ કુટુંબમાં જન્મેલ એક વ્યક્તિ ભારત દેશના પ્રધાનમંત્રી બની શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમના જેવા અનેક લોકો છે, જેમને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશ માટે શહીદ થવાની તક મળી નથી, પણ આઝાદ ભારતમાં જન્મેલા લોકો દેશ માટે જીવે છે અને તેની સેવા કરે છે. જનશક્તિમાં વિશ્વાસ રાખવાથી સારું પરિણામ મળે તેવું જણાવી તેમણે ભારતીયોની તાકાતને સમજવા સભ્યોને અપીલ કરી હતી અને ભારતને નવી ઊંચાઈ પર લઈ જવા હાકલ કરી હતી.

બજેટને વહેલાસર રજૂ કરવાના તર્કને સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી ભંડોળનો વધારે સારો ઉપયોગ સુનિશ્ચિત થશે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં પરિવહન ક્ષેત્રને અત્યારે વિસ્તૃત અભિગમની જરૂર છે, જે એક યુનિયન બજેટ દ્વારા શક્ય બન્યો છે.

પ્રધાનમંત્રીએ તેઓ સત્તામાં આવ્યા પછી પરિવર્તન પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે સત્તા સંભાળી ત્યારે કૌભાંડોમાં કેટલા રૂપિયા બરબાદ થયા હતા તેના પર ચર્ચા ચાલતી હતી અને અત્યારે કેટલું કાળું નાણું પરત મળ્યું તેની ચર્ચા થાય છે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, તેમનો સંઘર્ષ ગરીબો માટે છે અને આ સંઘર્ષ ગરીબોને ઉચિત અધિકાર આપવા ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, આ સરકાર દરેક બાબતોને ચૂંટણીના ત્રાજવે તોલતી નથી અને સરકાર માટે દેશનું હિત સર્વોપરી છે.

વિમુદ્રીકરણની સરખામણી સ્વચ્છ ભારત અભિયાન સાથે કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તે ભારતને ભ્રષ્ટાચાર અને કાળા નાણામાંથી મુક્ત કરવાનું અભિયાન છે.

વિમુદ્રીકરણ સાથે સંબંધિત નિયમોમાં વારંવાર ફેરફારો પર થઈ રહેલી ટીકા પર જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ફેરફારો વિમુદ્રીકરણની કવાયતમાં છીંડાનો લાભ લેવા ઇચ્છતા લોકોથી એક કદમ આગળ રહેવા કરવામાં આવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે, મનરેગા માટેના નિયમો પણ અનેક વખત બદલાયા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પાક વીમા જેવા પગલા ખેડૂતોને સુવિધા મળે અને ફાયદો થાય એ રીતે લેવાયા છે.

પ્રધાનમંત્રીએ દેશની સશસ્ત્ર સેનાઓની પ્રશંસા પણ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ દેશનું સંરક્ષણ કરવા સંપૂર્ણપણે સક્ષમ છે.

AP/J.Khunt/TR/GP