પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (સુધારણા) ખરડા, 2017ને સંસદમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ સંશોધિત ખરડો આઇઆઇટી સંસ્થાઓની સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ (આઇઆઇઆઇટીડીએમ), કુર્નૂલને મુખ્ય કાયદામાં સમાવવા માટેનો માર્ગ મોકળો કરે છે. તેના પરિણામે આઇઆઇઆઈટીડીએમ કુર્નૂલને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની સત્તા આપવાની સાથે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થા તરીકે જાહેર કરવામાં આવશે.
આઇઆઇઆઈટીડીએમ કુર્નૂલને કાર્યરત કરવા માટેનો ખર્ચ માનવ સંસાધન વિકાસના મંત્રાલયના આયોજિત ભંડોળમાંથી વહન કરવામાં આવે છે.
કુશળ ટેકનિકલ મેનપાવર માટેની ઉદ્યોગ અને અર્થતંત્રની નવીન જરૂરિયાતો સંસ્થામાં તૈયાર થતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પૂર્ણ કરશે તેવી અપેક્ષા છે. સંસ્થા જાતિ, જ્ઞાતિ, ધર્મ, પંથ, સંપ્રદાય, અક્ષમતા, વતન, વંશ, સામાજિક કે આર્થિક પૃષ્ઠભૂમિના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના તમામ વ્યક્તિઓને પ્રવેશ આપશે.
પૃષ્ઠભૂમિ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ધારો, 2014 તમામ આઇઆઇઆઇટી સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થાઓનો દરજ્જો આપે છે તથા આ આઇઆઇઆઇટી સંસ્થાઓના વહીવટ સાથે સંબંધિત બાબતો પણ પૂરી પાડે છે. તેના પગલે આંધ્રપ્રદેશમાં કુર્નૂલમાં નવી એનઆઇઆઇટીની સ્થાપનાને મંજૂરી આપી છે, જે આંધ્રપ્રદેશ પુનર્ગઠન ધારા, 2014માં જણાવ્યું છે. આ આઇઆઇઆઇટી સાથે કુર્નુલ કેન્દ્ર સરકારનું ફંડ મેળવતી પાંચમી આઇઆઇઆઇટી બનશે.
આઇઆઇટીડીએમ કુર્નૂલમાં શૈક્ષણિક સત્ર 2015-16માં અભ્યાસ બે શાખાઓમાં શરૂ થયું છે.