Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવા વર્ષ 2017ની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ ભાષણનો મૂળપાઠ


મારા પ્રિય દેશવાસીઓ,

આપણે થોડા કલાકો પછી નવા વર્ષ 2017નું સ્વાગત કરીશું. ભારતના 125 કરોડ નાગરિકો નવા સંકલ્પ, નવી ઉમંગ, નવા જોશ, નવા સ્વપ્નો સાથે નવા વર્ષને વધાવશે.

આપણો દેશ દિવાળી પછી તરત ઐતિહાસિક શુદ્ધ યજ્ઞનો સાક્ષી બનશે. 125 કરોડ દેશવાસીઓના ધૈર્ય અને તેમની સંકલ્પશક્તિ સાથે આ શુદ્ધિ યજ્ઞ આગામી અનેક વર્ષો સુધી દેશની દિશા નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મનુષ્યનો સ્વભાવ ઈશ્વરદત્ત છે અને આપણા સ્વભાવમાં મૂળભૂત રીતે સદગુણોનો વાસ છે. પણ સમયની સાથે આપણા સ્વભાવમાં પ્રવેશી ગયેલી વિકૃત્તિઓ, દુર્ગણોની માયાજાળમાં આપણે મૂંઝવણ, ગૂંગળામણ અનુભવીએ છીએ. આપણી અંદર સદગુણો રહેલા છે, જેના પગલે આપણે આપણી અંદર રહેલી વિકૃતિઓ અને દુર્ગુણોમાંથી છૂટવા ફાંફાં મારીએ છીએ. દરેક રાષ્ટ્રનો પોતાનો સમાજ અને સમાજને પણ પોતાનું જીવન હોય છે. આપણા રાષ્ટ્રના જીવન અને સમાજમાં ભ્રષ્ટાચાર, કાળું નાણું, બનાવટી નોટો સ્વરૂપે દુર્ગણો પ્રવેશી ગયા હતા, જેણે પ્રામાણિક લોકોને પણ વિવશ કરી દીધા હતા. તેમનું મન સ્વીકારતું નહોતું, પણ સ્થિતિ સંજોગો સામે તેઓ લાચાર હતા, મજબૂર હતા, વિવશ હતા. તેમણે આ તમામ દુર્ગુણોનો સ્વીકાર કરવો પડ્યો હતો.

દિવાળી પછી ઘટનાક્રમોએ સાબિત કરી દીધું છે કે કરોડો દેશવાસીઓ આ દુર્ગુણોમાંથી મુક્તિ મેળવવાની તક શોધતા હતા, આવી તક મળે તેની રાહ જોતા હતા.

આપણા દેશવાસીઓની આંતરિક ઊર્જાને આપણે ઘણી વખત અનુભવી હતી. પછી તે 1962નું વિદેશી આક્રમણ હોય, 1965નું, 1971નું આક્રમણ હોય કે પછી કારગીલમાં થયેલો રણસંગ્રામ હોય. આપણે દરેક કટોકટીમાં ભારતના દરેક નાગરિકોની સંગઠન શક્તિ અને અપ્રતિમ દેશભક્તિના દર્શન કર્યા છે.  ક્યારેક તો બુદ્ધિજીવી વર્ગ એ વાતની ચર્ચા જરૂર કરશે કે બાહ્ય શક્તિઓ સામે દેશવાસીઓની એકતા અને દેશપ્રેમનો સંકલ્પ ભારતીયો માટે સહજ બાબત છે. જ્યારે દેશની અંદર ઘર કરી ગયેલી ભ્રષ્ટાચાર વગેરે જેવી બિમારીઓ સામે, વિકૃતિઓ સામે લડાઈ લડવા આપણા દેશના કોટિ-કોટિ નાગરિકો મેદાને પડે છે, ત્યારે તેઓ દરેક ઘટના પર નૂતન અભિગમ અપનાવે છે, નવા દ્રષ્ટિકોણથી વિચારે છે.

દિવાળી પછી આપણા દેશવાસીઓ દ્રઢ સંકલ્પ સાથે, અપ્રતિમ ધૈર્ય સાથે, ત્યાગની પરાકાષ્ઠા પ્રદર્શિત કરી, કષ્ટો વેઠીને બુરાઈઓને પરાજિત કરવા માટે લડતા રહ્યા છે.

જ્યારે આપણે કહીએ છીએ કે, કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી(कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी), ત્યારે સાચું કહું તો આ પંક્તિને આપણા દેશવાસીઓએ ચરિતાર્થ કરી દેખાડી છે.

ક્યારેક લાગે છે સામાજિક જીવનની બુરાઈઓ, વિકૃતિઓ જાણેઅજાણે, ઇચ્છા-અનિચ્છાએ આપણી જીવનમાં પ્રવેશી ગઈ છે. પણ 8 નવેમ્બર પછીના ઘટનાક્રમે આપણને પુનર્વિચાર કરવા મજબૂત કરી દીધા છે.  125 કરોડ દેશવાસીઓએ તકલીફો વેઠીને, કષ્ઠો ઝીલીને સાબિત કરી દીધું છે કે દરેક હિંદુસ્તાની માટે સત્ય અને સદગુણો કેટલા મહત્વપૂર્ણ છે.

ઇતિહાસમાં અંકિત થઈ ગયું છે કે જનશક્તિનું સામર્થ્ય શું છે, સુશાસન કોને કહેવાય, અપપ્રચારના તોફાન વચ્ચે સત્યને ઓળખવાની વિવેકબુદ્ધિ કોને કહેવાય. સમર્થ, શક્તિશાળી અસત્ય સામે પ્રામાણિકતા અને સત્યના સંકલ્પને કેવી રીતે વિજય મળે છે એ ભારતવાસીઓએ દેખાડી દીધું છે.

ગરીબીમાંથી બહાર નીકળવા આતુર જીવન, ભવ્ય ભારતના નિર્માણ માટે કંઈ પણ કરવા સમર્થ છે. દેશવાસીઓએ જે કષ્ટ સહન કર્યું છે, તે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે નાગરિકોના ત્યાગનું ઉદાહરણ છે. 125 કરોડ દેશવાસીઓએ સંકલ્પ સાથે, પુરુષાર્થ સાથે, પરિશ્રમ સાથે, પોતાના પરસેવા સાથે ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખ્યો છે.

સામાન્ય રીતે દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આંદોલન થાય છે, ત્યારે સરકાર અને જનતા આમનેસામને હોય છે. પણ 8 નવેમ્બર પછી ઇતિહાસમાં ભારતવાસીઓએ અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં પારદર્શક, પ્રામાણિક સમાજનું નિર્માણ કરવા સરકાર અને જનતા – બંને ખભેખભો મિલાવીને ભ્રષ્ટાચાર સામે લડાઈ લડ્યા હતા.

મારા પ્રિય દેશવાસીઓ,

મને ખબર છે કે 8 નવેમ્બર પછી તમારે તમારા રૂપિયા મેળવવા કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન સેંકડો-હજારો પત્રો મળ્યા. દરેક નાગરિકે પોતાના વિચારો રજૂ કર્યા, સંકલ્પનું પુનરાવર્તન કર્યું. સાથે સાથે પોતાના દુઃખદર્દો મારી સાથે વહેંચ્યા. આ તમામ પત્રોમાં એક વાત મેં હંમેશા અનુભવી –

તમે મને તમારો ગણીને વાત કરી. ભ્રષ્ટાચાર, કાળું નાણું, બનાવટી નોટો સામેની લડાઈમાં તમે એક ડગલું પીછેહઠ ન કરી. તમે એક ડગલું પાછળ રહેવા ઇચ્છતા નહોતા. તમારો આ પ્રેમ મારા માટે આશીર્વાદ સમાન છે.

હવે નવા વર્ષમાં બેંકોને ઝડપથી સામાન્ય સ્થિતિ તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. સરકારમાં આ વિષય સાથે સંબંધિત તમામ જવાબદારી વ્યક્તિઓને કહેવામાં આવ્યું છે કે બેંકિંગ વ્યવસ્થાને સામાન્ય કરવા ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો, અંતરિયાળ વિસ્તારોમાં સક્રિય થઈને દરેક નાની નાની ખામીઓને દૂર કરવામાં આવે, જેથી ગ્રામીણ નાગરિકો, ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવે.

પ્રિય ભાઈઓ અને બહેનો,

હિંદુસ્તાનને જે ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે, જે સમગ્ર વિશ્વમાં અનન્ય છે. છેલ્લા 10થી 12 વર્ષમાં 1000 અને 500 રૂપિયાની નોટ ઔપચારિક અર્થતંત્રમાં ઓછી અને સમાંતર અર્થતંત્રમાં વધારે પ્રચલિત હતી. અમારા સમકક્ષ અર્થતંત્રોમાં પણ આટલા મોટા પાયે રોકડ વ્યવહારો થતા નથી કે રોકડ ચલણ અસ્તિત્વમાં નથી.

આપણા અર્થતંત્રમાં મોટા પાયે ચલણમાં આવેલી આ નોટથી મોંઘવારી વધી હતી, કાળા બજારિયાઓને પ્રોત્સાહન મળ્યું હતું અને દેશના ગરીબો પાસેથી તેમનો અધિકાર છીનવાઈ ગયો હતો.

અર્થતંત્રમાં રોકડની ખેંચ મુશ્કેલીરૂપ છે, તો તેનો પ્રભાવ વધારે સમસ્યારૂપ છે. આપણે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. તમામ અર્થશાસ્ત્રીઓ એક વાતે સંમત છે કે રોકડ કે કેશ ઔપચારિક અર્થતંત્રમાં સામેલ ન હોય તો તે દેશના અર્થતંત્ર માટે આફતરૂપ છે. આ જ કેશ કે રોકડ અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય તો જ વિકાસનું માધ્યમ બને છે.

અત્યારે લાલબહાદુર શાસ્ત્રી જીવિત હોય, જયપ્રકાશ નારાયણ જીવિત હોય, રામમનોહર લોહિયા જીવિત હોત, તો કરોડો દેશવાસીઓએ જે ધૈર્ય સાથે, શિસ્ત સાથે જે સંકલ્પશક્તિના દર્શન કરાવ્યા છે, તેને જોઈને તેમણે આશીર્વાદ આપ્યા હોત.

દેશના નાગરિકો કાયદા અને નિયમોનું પાલન કરે એ કોઈ પણ રાષ્ટ્રના ભવિષ્ય માટે શુભ સંકેત છે. આપણા દેશના નાગરિકો ગરીબોની સેવામાં સરકારની સહાયતા કરવા અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં સામેલ થવા ઇચ્છે છે. 8 નવેમ્બર પછી એટલા સારા ઉદાહરણ જોવા મળ્યા છે, જેનું વર્ણન કરીએ તો અઠવાડિયાઓ પસાર થઈ જાય. રોકડમાં વેપાર અને વ્યવહાર કરવા મજબૂત અનેક નાગરિકોએ કાયદાકાનૂનનું પાલન કરી મુખ્ય ધારામાં આવવાની ઇચ્છા પ્રક્ટ કરી છે. આ ખરેખર અભૂતપૂર્વ અને અનપેક્ષિત છે. સરકાર તેમની આ ભાવનાને બિરદાવે છે, તેનું સ્વાગત કરે છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણે વાસ્તવિકતા સામે ક્યાં સુધી આંખ આડા કાન કરતા રહીશું? હું તમને એક જાણકારી આપવા ઇચ્છું છું. તેને સાંભળીને તમને હસવું આવશે કે પછી તમે ગુસ્સે થશો. સરકારને પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ, દેશમાં ફક્ત 24 લાખ લોકો માને છે કે તેમની આવક વર્ષે રૂ. 10 લાખથી વધારે છે. તમને આ વાત સાચી લાગે છે?

તમે તમારી આસપાસ મોટા બંગલા, મોંઘી કાર જોતા હશો. દેશના મોટા શહેરોમાં જ જુઓ. કોઈ પણ શહેરમાં 10 લાખથી વધારે આવક ધરાવતા અનેક લોકો તમને ઊડીને આંખે વળગશે. તમને લાગતું નથી કે દેશની ભલાઈ માટે પ્રામાણિકતાના આંદોલનને વધારે બળ આપવાની જરૂર છે?

ભ્રષ્ટાચાર, કાળા નાણાં સામે અમારી લડાઈની સફળતાના કારણે હવે એ ચર્ચા જોર પકડે એ સ્વાભાવિક છે કે હવે ભ્રષ્ટ લોકોનું શું થશે? તેમના પર શું વીતશે? તેમને શું સજા થશે? ભાઈઓ અને બહેનો, કાયદો કાયદાનું કામ કરશે અને સંપૂર્ણ કઠોરતા સાથે. પણ સરકાર અત્યારે એ પ્રામાણિક લોકોને મદદ કરવા, સુરક્ષા આપવા, તેમની મુશ્કેલીઓ ઘટાડવા કટિબદ્ધ છે. અમે પ્રામાણિકતાની તાકાતને વધારવા પ્રયાસરત છીએ.

અમારી સરકાર સજ્જનોની મિત્ર છે અને દુર્જનોને સજ્જનતાના માર્ગે પરત લાવવા ઉચિત વાતાવરણ ઊભું કરવાના પક્ષમાં છે. એક કડવું સત્ય છે કે લોકોને સરકારની વ્યવસ્થાઓ, કેટલાક સરકારી અધિકારીઓ અને નોકરશાહી સાથે કટુ અનુભવો થતા રહે છે. આ કટુ સત્યને નકારી ન શકાય. કોઈ આ વાતનો ઇનકાર ન કરી શકે કે દેશ પ્રત્યે નાગરિકોથી વિશેષ જવાબદારી અધિકારીઓની છે, સરકારમાં કાર્યરત લોકોની છે. પછી તે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા લોકો હોય, રાજ્ય સરકારે સાથે સંબંધિત કર્મચારીઓ હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે જોડાયેલા લોકો હોય. તમામની જવાબદારી છે કે સામાન્ય નાગરિકના અધિકારોનું રક્ષણ થાય, પ્રામાણિકોને મદદ મળે અને ભ્રષ્ટ લોકોને બેનકાબ થાય.

મિત્રો,

આખી દુનિયામાં એક સર્વસામાન્ય તથ્ય છે કે આતંકવાદ, નક્સલવાદ, માઓવાદ, બનાવટી નોટોના ગોરખધંધા કરતા, નશીલા દ્રવ્યોના ગેરકાયદેસર ધંધા સાથે જોડાયેલા, માનવ હેરાફેરી સાથે જોડાયેલા અનિષ્ટ તત્વોનો આધાર કાળું નાણું જ હોય છે. સરકાર અને સમાજ માટે ઉધઈ જેવા બની ગયેલા આ લોકોને મરણતોલ ફટકો આપવો જરૂરી હતો. અમારી સરકારે લીધેલા નિર્ણયે આ કામ સફળતાપૂર્વક કર્યું છે. અત્યારે નવયુવાનો મોટી સંખ્યામાં મુખ્ય પ્રવાહમાં પરત ફરી રહ્યા છે. જો આપણે જાગૃત રહેશું, તો આપણા બાળકોને હિંસા અને અત્યાચારના કુપથ પર જતા અટકાવવામાં સફળ રહીશું.

આ અભિયાનની સફળતા સૂચવતી એક અન્ય એ પણ છે કે અર્થતંત્રના મુખ્ય પ્રવાહની બહાર જે નાણું હતું, તે બેંકોના માધ્યમથી દેશના મુખ્ય અર્થંતત્રમાં પરત આવી ગયું છે. છેલ્લા થોડા દિવસોની ઘટનાઓથી એક વાત સાબિત થઈ ગઈ છે કે ચાલાકી કરનાર ભ્રષ્ટ લોકો માટે વધુ ભ્રષ્ટાચાર કરવાના માર્ગો બંધ થઈ ગયા છે. ટેકનોલોજીએ તેમાં મોટી ભૂમિકા ભજવી છે. જેમના લોહીમાં જ ભ્રષ્ટાચાર ભળી ગયો છે એ લોકોને પણ કમને ગોરખધંધા છોડીને કાયદાકાનૂનનું પાલન કરીને મુખ્ય ધારામાં આવવાની ફરજ પડશે.

સાથીદારો,

બેંકના કર્મચારીઓએ આ દરમિયાન રાતદિવસ કામ કર્યું છે. હજારો મહિલા બેંક કર્મચારીઓ પણ મોડી રાત સુધી રોકાઈને આ અભિયાનમાં જોડાઈ છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતા લોકો, બેંક મિત્ર – તમામે પ્રશંસનીય કામગીરી કરી છે. ચોક્કસ, તમારા ભગીરથ પ્રયાસો વચ્ચે કેટલીક બેંકોમાં થોડા લોકોએ ગંભીર અપરાધ કર્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. કોઈ જગ્યાએ સરકારી કર્મચારીઓએ પણ ગંભીર અપરાધો કર્યા છે અને ફાયદો ઉઠાવવાના નિર્લજ્જ પ્રયાસો પણ કર્યા છે. તેમને છોડવામાં નહીં આવે.

આ દેશની બેંકિંગ સિસ્ટમ માટે એક સોનેરી તક છે. આ ઐતિહાસિક પ્રસંગે હું દેશની તમામ બેંકોને આગ્રહ સાથે એક વાત કહેવા ઇચ્છું છું કે ઇતિહાસ સાક્ષી છે. હિંદુસ્તાનની બેંકોને અગાઉ આટલા ઓછા સમયમાં, આટલા મોટા પાયે નાણાં ભંડોળ ક્યારેય મળ્યું નહોતું. બેંકોની સ્વતંત્રતાનો આદર કરીને હું આગ્રહ કરું છું કે બેંક પોતાની પરંપરાગત અગ્રતાઓ છોડી હવે દેશના ગરીબ, નીચલા મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને પોતાના કાર્યનું આયોજન કરે. જ્યારે હિંદુસ્તાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ સ્વરૂપે ઉજવે છે, ત્યારે બેંક પણ લોકહિતની આ તકને હાથમાં ન જવા દે. શક્ય તેટલી ઝડપથી જનહિતમાં ઉચિત નિર્ણય લે અને તેનો અમલ કરે.

જ્યારે નીતિઓ નિશ્ચિત લક્ષ્યાંકો સાથે બને છે, યોજનાઓ બને છે, ત્યારે લાભાર્થીઓ સક્ષમ થવાની સાથે તાત્કાલિક અને લાંબા ગાળાના લાભદાયક પરિણામો મળે છે. જ્યારે આપણે પાઈપાઈ પર બારીક નજર રાખીએ છીએ, ત્યારે સારાં પરિણામો મળવાની શક્યતા વધી જાય છે. ગામ, ગરીબો, ખેડૂતો, દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો અને મહિલાઓ, જેટલી સક્ષમ બનશે, આર્થિક રીતે પગભર બનશે, તેટલો જ દેશ મજબૂત થશે અને તેટલી જ ઝડપથી વિકાસ થશે.

 સબ કા સાથ – સબ કા વિકાસ – આ ધ્યેય વાક્યને સાકાર કરવા માટે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશના સવા સો કરોડ નાગરિકો માટે સરકાર કેટલીક નવી યોજનાઓ લાવી રહી છે.

દોસ્તો, સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ દેશના લાખો ગરીબો પાસે પોતાનું ઘર નથી. જ્યારે અર્થવ્યવસ્થામાં કાળું નાણું વધ્યું, તો ઘર ખરીદવાનું પણ મધ્યમ વર્ગની પહોંચની બહાર થઈ ગયું હતું. ગરીબ, નીચલા મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો ઘર ખરીદી શકે એ માટે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.

હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરોમાં આ વર્ગને નવું ઘર આપવા માટે બે નવી યોજનાઓ ઘડવામાં આવી છે. તેના હેઠળ 2017માં ઘર બનાવવા માટે 9 લાખ રૂપિયા સુધીના ધિરાણ પર વ્યાજમાં 4 ટકાની રાહત અને 12 લાખ રૂપિયા સુધીના ધિરાણ પર વ્યાજમાં 3 ટકાની રાહત આપવામાં આવશે.

આ જ રીતે, સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓમાં બનનારા ઘરોની સંખ્યા વધારી દીધી છે. એટલે કે જેટલા ઘર પહેલા બનવાના હતા, તેમાં 33 ટકા વધુ ઘર બનાવવામાં આવશે.

ગામડાના નીચલા મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. 2017માં ગામડાના જે લોકો પોતાનું ઘર બનાવવા માગતા હોય કે ઘર મોટું કરવા માગતા હોય, એક-બે ઓરડા વધુ બનાવવા માગતા હોય, ઉપર માળ ખેંચવા માગતા હોય, તેમને 2 લાખ રૂપિયા સુધીના ધિરાણ માટે 3 ટકા વ્યાજની રાહત આપવામાં આવશે.

દોસ્તો, વીતેલા દિવસોમાં ચારે તરફ એવું વાતાવરણ સર્જી દેવાયું હતું કે દેશની કૃષિ બરબાદ થઈ ગઈ છે. આવું વાતાવરણ સર્જનારા લોકોને જવાબ મારા દેશના ખેડૂતોએ આપી દીધો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે રવિ પાક 6 ટકા વધુ થયો છે. ફર્ટિલાઈઝર પણ 9 ટકા વધુ લેવાયું છે. સરકારે એ વાતનું સતત ધ્યાન રાખ્યું છે કે ખેડૂતોને બિયારણની તકલીફ ના પડે, ખાતરની તકલીફ ના પડે, ધિરાણ લેવામાં મુશ્કેલી ના આવે. હવે ખેડૂતભાઈઓના હિતમાં કેટલાક વધુ મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા છે.

ડિસ્ટ્રિક્ટ કૉ-ઓપરેટિવ સેન્ટ્રલ બેન્ક અને પ્રાયમરી સોસાયટી પાસેથી જે ખેડૂતોએ ખરીફ અને રવિ  પાકના વાવેતર માટે ધિરાણ લીધું હતું, તે ધિરાણનું 60 દિવસનું વ્યાજ સરકાર ભોગવશે અને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે.

કો-ઑપરેટિવ બેન્ક અને સોસાયટીઝ પાસેથી ખેડૂતોને હજુ વધુ ધિરાણ મળી શકે, એ માટેના રસ્તાઓ પણ કાઢવામાં આવ્યા છે. નાબાર્ડે ગયા મહિને 21 હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. હવે સરકાર આ રકમને લગભગ બમણી કરીને તેમાં વધુ 20 હજાર કરોડ રૂપિયા ઉમેરી રહી છે. આ રકમને નાબાર્ડ, કો-ઑપરેટિવ બેન્ક અને સોસાયટીઝને ઓછા વ્યાજે આપશે અને તેનાથી નાબાર્ડને જે આર્થિક નુકસાન થશે, તે પણ સરકાર ભોગવશે.

 

સરકારે એવું પણ નક્કી કર્યું છે કે આગામી ત્રણ મહિનામાં 3 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડોને રૂપે કાર્ડમાં પરિવર્તિત કરાશે. કિસાન ક્રેડિટ કાર્ડમાં એક ઉણપ એ હતી કે પૈસા કાઢવા માટે બેન્ક જવું પડતું હતું. હવે જ્યારે કિસાન ક્રેડિટ કાર્ડને રૂપે કાર્ડમાં પરિવર્તિત કરી દેવામાં આવશે, ત્યારે ખેડૂત ગમે ત્યાંથી પોતાના કાર્ડ દ્વારા ખરીદ-વેચાણ કરી શકશે.

ભાઈઓ અને બહેનો, જે રીતે દેશની અર્થવ્યવસ્થામાં ખેતીનું મહત્વ છે, તે જ રીતે વિકાસ અને રોજગાર માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગ, જેને એમએસએમઈ પણ કહે છે, તેનો પણ મહત્વપૂર્ણ ફાળો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે આ ક્ષેત્ર માટે કેટલાક નિર્ણય લીધા છે, જે રોજગાર વધારવામાં મદદગાર બનશે.

સરકારે નક્કી કર્યું છે કે નાના વેપારીઓ માટે ક્રેડિટ ગેરંટી 1 કરોડ રૂપિયાથી વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવશે. ભારત સરકાર એક ટ્રસ્ટના માધ્યમથી બેન્કોને એવી ગેરંટી આપે છે કે તમે નાના વેપારીઓને લોન આપો, ગેરંટી અમે લઈએ છીએ. અત્યાર સુધી નિયમ હતો કે એક કરોડ રૂપિયા સુધીની લોનને આવરી લેવાતી હતી. હવે 2 કરોડ રૂપિયા સુધીની લોન ક્રેડિટ ગેરંટી હેઠળ આવરી લેવાશે. એનબીએફસી એટલે કે નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીએ આપેલી લોન પણ એમાં આવરી લેવાશે.

સરકારના આ નિર્ણયથી નાના દુકાનદારો, નાના ઉદ્યોગોને વધુ ધિરાણ મળશે. ગેરંટીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવતી હોવાથી તેના પર વ્યાજનો દર પણ નીચો હશે.

સરકારે બેન્કોને એમ પણ કહ્યું છે કે નાના ઉદ્યોગો માટે રોકડ ધિરાણની મર્યાદા 20 ટકાથી વધારીને 25 ટકા કરવી. એ ઉપરાંત, ડિજિટલ માધ્યમથી થયેલા ટ્રાન્ઝેક્શન પર વર્કિંગ કેપિટલ લોન 20 ટકાથી વધારીને 30 ટકા કરવાનું પણ કહેવામાં આવ્યું છે. નવેમ્બરમાં આ સેક્ટર સાથે સંકળાયેલા ઘણા બધા લોકોએ રોકડ જમા કરાવી છે. બેન્કોને કહેવાયું છે કે વર્કિંગ કેપિટલ નક્કી કરતી વખતે આ બાબતની પણ જાણકારી મેળવે.

કેટલાક દિવસો અગાઉ જ સરકારે નાના વેપારીઓને ટેક્સમાં મોટી રાહત આપવાનો પણ નિર્ણય કર્યો હતો. જે વેપારી વર્ષમાં 2 કરોડ રૂપિયા સુધીનો વ્યાપાર કરે છે, તેના ટેક્સની ગણતરી 8 ટકા આવક માનીને કરવામાં આવતી હતી. હવે આવા વેપારીઓની ડિજિટલ લેવડ દેવડ પર ટેક્સની ગણતરી 6 ટકા આવક માનીને કરવામાં આવશે. આ રીતે, તેમનો ટેક્સ ઘણો ઓછો થશે.

દોસ્તો,

મુદ્રા યોજનાની સફળતા નિશ્ચિત પણે ઘણી ઉત્સાહ વધારનારી રહી છે. ગયા વર્ષે લગભગ સાડા ત્રણ કરોડ લોકોએ તેનો લાભ લીધો છે. દલિત-આદિવાસી-વંચિતો, તેમજ મહિલાઓને પ્રાથમિકતા આપીને હવે તેને ડબલ કરવાનો સરકારનો ઈરાદો છે. 

ગર્ભવતી મહિલાઓ માટે પણ એક દેશવ્યાપી યોજના શરૂ કરવામાં આવી રહી છે. હવે દેશના તમામ 650થી વધુ જિલ્લાઓમાં સરકાર ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં નોંધણી અને ડિલિવરી, રસીકરણ અને પૌષ્ટિક આહાર માટે 6 હજાર રૂપિયાની આર્થિક મદદ કરશે. આ રકમ ગર્ભવતી મહિલાઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. દેશમાં માતાનો મૃત્યુ દર ઘટાડવા માટે આ યોજના ઘણી મદદગાર બનશે. હાલમાં આ યોજના 4 હજાર રૂપિયાની આર્થિક મદદ સાથે દેશના માત્ર 53 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ ચાલુ છે.

સરકાર વરિષ્ઠ નાગરિકો માટે પણ એક સ્કીમ શરૂ કરશે. બેન્કોમાં વધુ પૈસા આવવાથી સામાન્ય રીતે બેન્ક ડિપોઝિટ પર ઈન્ટરેસ્ટ રેટ ઘટાડવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો પર તેની અસર ના થાય તે માટે 7.5 લાખ રૂપિયા સુધીની રકમ પર 10 વર્ષ સુધીના ગાળા માટે વર્ષે 8 ટકાનો વ્યાજ દર સુરક્ષિત કરવામાં આવશે. વ્યાજની આ રકમ વરિષ્ઠ નાગરિક દર મહિને મેળવી શકે છે.

ભ્રષ્ટાચાર, કાળા નાણાંની જ્યારે પણ ચર્ચા થાય છે, ત્યારે રાજકીય નેતા, રાજકીય પક્ષ, ચૂંટણીનો ખર્ચ, આ બધી વાતો ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે. હવે સમય પાકી ગયો છે કે તમામ રાજકીય નેતા અને રાજકીય પક્ષ દેશના પ્રામાણિક નાગરિકોની ભાવનાઓનું સન્માન કરીને જનતાના આક્રોશને સમજે. એ વાત સાચી છે કે રાજકીય પક્ષોએ સમય-સમયે વ્યવસ્થામાં સુધારા માટે સાર્થક પ્રયાસો પણ કર્યા છે. તમામ પક્ષોએ મળીને, સ્વેચ્છાએ પોતાના પરના બંધનોનો સ્વીકાર કર્યો છે. આજે આવશ્યક છે કે તમામ રાજકીય નેતા અને રાજકીય પક્ષો – હોલિયેર ધેન ધાઉ… થી અલગ થઈને, સાથે મળીને પારદર્શકતાને પ્રાથમિકતા આપીને ભ્રષ્ટાચાર અને કાળા નાણાંથી રાજકીય પક્ષોને મુક્ત કરવાની દિશામાં યોગ્ય પગલા ભરે.

આપણા દેશમાં સામાન્ય નાગરિકથી માંડીને રાષ્ટ્રપતિજી સુધી તમામે લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ સાથે-સાથે યોજવા માટે ક્યારેક ને ક્યારેક કહ્યું છે. રોજ ઉઠીને ચાલનારા ચૂંટણી ચક્ર, તેનાથી પડતો આર્થિક બોજો, તેમજ વહીવટી વ્યવસ્થા પર પડતા બોજામાંથી મુક્તિ મેળવવાની વાતનું સમર્થન કર્યું છે. હવે સમય પાકી ગયો છે કે આ બાબત પર ચર્ચા થાય, રસ્તો શોધાય.

આપણા દેશમાં દરેક સકારાત્મક પરિવર્તન માટે હંમેશા જગ્યા રહી છે. હવે ડિજિટલ લેવડ-દેવડ  માટે પણ સમાજમાં ઘણું સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. વધુને વધુ લોકો તેની સાથે જોડાઈ રહ્યા છે. ગઈકાલે જ સરકારે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નામે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે સંપૂર્ણપણે સ્વદેશી પ્લેટફોર્મ – ભીમ – બીએચઆઈએમ લૉન્ચ કર્યું છે. ભીમ એટલે કે ભારત ઈન્ટરફેસ ફોર મની. હું દેશના યુવાનોને, વેપારી વર્ગને, ખેડૂતોને આગ્રહ કરું છું કે ભીમ સાથે વધુને વધુ લોકો જોડાવ.

સાથીઓ, દિવાળી પછી જે ઘટનાક્રમ રહ્યો, નિર્ણય લેવાયા, નીતિઓ ઘડાઈ – એનું મૂલ્યાંકન અર્થશાસ્ત્રી તો કરશે જ, પરંતુ સારું એ હશે કે દેશના સમાજશાસ્ત્રી પણ આ સમગ્ર ઘટનાક્રમ, નિર્ણય અને નીતિઓનું મૂલ્યાંકન કરે. એક રાષ્ટ્ર તરીકે ભારતના ગામડા, ગરીબ, ખેડૂત, યુવાન, શિક્ષિત, નિરક્ષર, પુરુષ-મહિલા સહુએ અસાધારણ ધીરજ અને લોકશક્તિનો સાક્ષાત્કાર કરાવ્યો છે. 

કેટલાક સમય પછી 2017ના નવા વર્ષનો પ્રારંભ થશે. આજથી 100 વર્ષ પૂર્વે 1917માં મહાત્મા ગાંધીના નેતૃત્ત્વ હેઠળ ચંપારણમાં પહેલીવાર સત્યાગ્રહ આંદોલનનો આરંભ થયો હતો. આ દિવસો દરમિયાન આપણે જોયું કે 100 વર્ષ પછી પણ આપણા દેશમાં સચ્ચાઈ અને અચ્છાઈ પ્રત્યે સકારાત્મક સંસ્કારની કિંમત છે. આજે મહાત્મા ગાંધી નથી, પરંતુ તેમનો એ માર્ગ, જે આપણને સત્યનો આગ્રહ રાખવા માટે પ્રેરિત કરે છે, તે સૌથી વધુ પ્રસ્તુત છે. ચંપારણ સત્યાગ્રહની શતાબ્દીના અવસરે આપણે ફરી એકવાર મહાત્મા ગાંધીનું પુનઃસ્મરણ કરતા કરીને સત્યના આગ્રહી બનીશું તો સચ્ચાઈ અને અચ્છાઈના માર્ગે આગળ વધવામાં કોઈ મુશ્કેલી નહીં નડે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની આ લડાઈને આપણે અટકાવી નથી દેવાની.

સત્યનો આગ્રહ, સંપૂર્ણ સફળતાની ગેરંટી છે. સવા સો કરોડનો દેશ હોય, 65 ટકા વસતી 35 વર્ષથી ઓછી વયના નવયુવાનોની હોય, સાધનો પણ હોય, સંસાધન પણ હોય અને સામર્થ્યની કોઈ ખોટ ન હોય, એવા હિન્દુસ્તાન માટે હવે પાછળ રહી જવા માટે કોઈ કારણ નથી.

નવા વર્ષનું નવું કિરણ, નવી સફળતાઓના સંકલ્પ લઈને આવી રહ્યું છે. આવો, આપણે સહુ મળીને આગેકૂચ કરીએ, વિઘ્નોને પાર પાડતા જઈએ… એક નવા ઉજજ્વળ ભવિષ્યનું નિર્માણ કરીએ.

જય હિંદ  !!!

 

TR