Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિકસાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરતા પ્રધાનમંત્રી રામગુલામે જાહેરાત કરી હતી કે, મોરેશિયસ રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન ભારતના પ્રધાનમંત્રીને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારગ્રાન્ડ કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ સ્ટાર એન્ડ કી ઓફ હિન્દ મહાસાગર [જી.સી.એસ.કે.)’ એનાયત કરશે. પ્રધાનમંત્રીએ અસાધારણ સન્માન માટે તેમનો આભાર માન્યો હતો.

પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ મોરેશિયસનાં પ્રધાનમંત્રીનો ઉષ્મા અને મૈત્રી માટે તથા બંને દેશો વચ્ચે વાઇબ્રન્ટ અને વિશેષ સંબંધોને મજબૂત કરવામાં તેમનાં યોગદાન બદલ આભાર માન્યો હતો. એક ખાસ અંદાજમાં તેમણે પીએમ રામગુલમ અને તેમની પત્ની શ્રીમતી વીણા રામગુલમને ઓસીઆઈ કાર્ડ સોંપ્યા હતા. મોરિશિયસના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસના અવસર પર શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ બંને દેશોની સહિયારી ઐતિહાસિક સફરને યાદ કરી હતી. તેમણે મોરેશિયસની સ્વતંત્રતા માટે લડનારા સર શિવસાગર રામગુલામ, સર અનિરુદ્ધ જગન્નાથ, મણિલાલ ડૉક્ટર અને અન્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને નોંધ્યું હતું કે, મુખ્ય અતિથિ તરીકે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવો તેમના માટે સન્માનની વાત છે. બંને દેશો વચ્ચે લોકો વચ્ચેનાં ગાઢ સંબંધોનો પાયો નંખાતાં સહિયારા વારસા અને પારિવારિક સંબંધો પર પ્રકાશ પાડતાં પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં ભારતીય મૂળના સમુદાયે કેવી રીતે તેમનાં સાંસ્કૃતિક મૂળિયાને જાળવી રાખ્યાં છે અને તેનું સંવર્ધન કર્યું છે તેની પ્રશંસા કરી હતી. જોડાણને વધારે મજબૂત કરવા માટે મોરેશિયસ માટે એક ખાસ યોજના બનાવવામાં આવી છે, જેનાં મારફતે મોરેશિયસમાં ભારતીય મૂળનાં લોકોની સાતમી પેઢીને ઓસીઆઇ કાર્ડ ઉપલબ્ધ કરાવી શકાશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ગિરમીટિયાનાં વારસાને પ્રોત્સાહન આપવા માટે કેટલીક પહેલોને ટેકો આપશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતને મોરેશિયસનાં ગાઢ વિકાસલક્ષી ભાગીદાર બનવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને મોરેશિયસ વચ્ચે વિશેષ સંબંધોએ ભારતનાં સાગર વિઝન અને ગ્લોબલ સાઉથ સાથે તેનાં જોડાણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જળવાયુ પરિવર્તનના સહિયારા પડકારને પહોંચી વળવા વિશે બોલતાં તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને વૈશ્વિક જૈવઇંધણ ગઠબંધનની પહેલોમાં મોરેશિયસની ભાગીદારીની પ્રશંસા કરી હતી. સંદર્ભમાં પ્રધાનમંત્રીએ એક પેડ મા કે નામ (પ્લાન્ટ4મધર) પહેલ વિશે પણ પ્રકાશ પાડ્યો હતો, જે અંતર્ગત તેમણે દિવસની શરૂઆતમાં ઐતિહાસિક સર શિવસાગર રામગુલામ બોટનિક ગાર્ડનમાં એક છોડનું વાવેતર કર્યું હતું. પ્રધાનમંત્રીનું સંપૂર્ણ સંબોધન અહીં જોવા મળી શકે છે.

કાર્યક્રમમાં ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર ઇન્ડિયન કલ્ચર (આઇજીસીઆઇસી), મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ (એમજીઆઇ) અને અન્ના મેડિકલ કોલેજના કલાકારો દ્વારા પર્ફોમન્સ આપવામાં આવ્યું હતું.

 

AP/IJ/GP/JD