પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ ક્ષેત્રની સમીક્ષા કરવા માટે 7 લોક કલ્યાણ માર્ગ પર એક ઉચ્ચ–સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં સંપૂર્ણ સુખાકારી અને હેલ્થકેર, પરંપરાગત જ્ઞાનનું જતન અને દેશની વેલનેસ ઇકોસિસ્ટમમાં પ્રદાન કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વર્ષ 2014માં આયુષ મંત્રાલયની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી પ્રધાનમંત્રીએ તેની વૃદ્ધિ માટે સ્પષ્ટ રોડમેપની કલ્પના કરી હતી. જેમાં તેની પ્રચૂર સંભવિતતાને ઓળખવામાં આવી હતી. આ ક્ષેત્રની પ્રગતિની વિસ્તૃત સમીક્ષામાં પ્રધાનમંત્રીએ તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા વ્યૂહાત્મક હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સમીક્ષામાં પહેલને સુવ્યવસ્થિત કરવા, સંસાધનોને ઓપ્ટિમાઇઝ કરવા અને આયુષની વૈશ્વિક હાજરીને વધારવા માટે એક સ્વપ્નદ્રષ્ટા માર્ગને ચાર્ટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રના નોંધપાત્ર યોગદાન પર ભાર મૂક્યો હતો. જેમાં નિવારણાત્મક હેલ્થકેરને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકા, ઔષધીય છોડની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની અને પરંપરાગત ઔષધિઓમાં અગ્રણી તરીકે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધારવાનો સમાવેશ થાય છે. તેમણે આ ક્ષેત્રની સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો તથા વિશ્વભરમાં તેની વધતી સ્વીકૃતિ તથા સ્થાયી વિકાસ અને રોજગારીનું સર્જન કરવાની તેની સંભવિતતાની નોંધ લીધી હતી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર નીતિગત સમર્થન, સંશોધન અને નવીનતા મારફતે આયુષ ક્ષેત્રને મજબૂત કરવા કટિબદ્ધ છે. તેમણે યોગ, નિસર્ગોપચાર અને ફાર્મસી ક્ષેત્ર પર સંપૂર્ણ અને સંકલિત સ્વાસ્થ્ય તથા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રોમાં સરકારની અંદર તમામ કામગીરીઓમાં પારદર્શકતાનો પાયો બની રહેવો જોઈએ. તેમણે તમામ હિતધારકોને પ્રામાણિકતાના સર્વોચ્ચ ધોરણોને જાળવવાની સૂચના આપી હતી. જેથી એ સુનિશ્ચિત થાય કે તેમનું કાર્ય માત્ર કાયદાના શાસન દ્વારા અને જાહેર હિત માટે જ સંચાલિત થાય.
આયુષ ક્ષેત્ર ઝડપથી ભારતની હેલ્થકેર પરિદ્રશ્યમાં પ્રેરક બળ તરીકે વિકસ્યું છે. જેણે શિક્ષણ, સંશોધન, જાહેર આરોગ્ય, આંતરરાષ્ટ્રીય જોડાણ, વેપાર, ડિજિટલાઇઝેશન અને વૈશ્વિક વિસ્તરણમાં નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે. સરકારના પ્રયાસોના માધ્યમથી આ ક્ષેત્રમાં અનેક મહત્વની ઉપલબ્ધિઓ જોવા મળી છે. જેના વિશે બેઠક દરમિયાન પ્રધાનમંત્રીને જાણકારી આપવામાં આવી હતી.
• આયુષ ક્ષેત્રે ઝડપથી આર્થિક વૃદ્ધિ દર્શાવી હતી, જેમાં ઉત્પાદન બજારનું કદ વર્ષ 2014માં 2.85 અબજ ડોલરથી વધીને વર્ષ 2023માં 23 અબજ ડોલર થયું હતું.
• ભારતે પુરાવા–આધારિત પરંપરાગત ચિકિત્સામાં પોતાને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરી છે. જેમાં આયુષ રિસર્ચ પોર્ટલ અત્યારે 43,000થી વધારે અભ્યાસોનું આયોજન કરે છે.
• છેલ્લાં 10 વર્ષમાં સંશોધન પ્રકાશનો અગાઉના 60 વર્ષનાં પ્રકાશનો કરતાં વધારે છે.
• સંપૂર્ણ હેલ્થકેર સોલ્યુશન્સ મેળવવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય દર્દીઓને આકર્ષવા, મેડિકલ ટૂરિઝમને વધુ પ્રોત્સાહન આપવા આયુષ વિઝા.
• આયુષ ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચની સંસ્થાઓ સાથે જોડાણ મારફતે નોંધપાત્ર સફળતાઓ મળી છે.
• ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું અને આયુષ ગ્રીડ હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંકલન પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવું.
• યોગને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
• વધુ સાકલ્યવાદી વાય–બ્રેક યોગ જેવી સામગ્રી હોસ્ટ કરવા માટે iGot પ્લેટફોર્મ
• ગુજરાતમાં જામનગરમાં ડબ્લ્યુએચઓ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની સ્થાપના કરવી એ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે, જે પરંપરાગત ચિકિત્સામાં ભારતના નેતૃત્વને મજબૂત કરે છે.
• વિશ્વ આરોગ્ય સંસ્થાના રોગોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ (આઇસીડી)-11માં પરંપરાગત દવાઓનો સમાવેશ.
• રાષ્ટ્રીય આયુષ મિશન આ ક્ષેત્રના માળખાગત સુવિધા અને સુલભતાના વિસ્તરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
• વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)માં 24.52 કરોડથી વધારે લોકોએ ભાગ લીધો હતો, જે હવે વૈશ્વિક ઘટના બની ગઈ છે.
• આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઈડીવાય) 2025માં 10મું વર્ષ સમગ્ર વિશ્વમાં લોકોની ભાગીદારી સાથે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આયુષ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રા, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ-2 શ્રી શક્તિકાંત દાસ, પ્રધાનમંત્રીના સલાહકાર શ્રી અમિત ખરે અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
AP/IJ/GP/JD