Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)


મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનુ સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે, અને ચારે તરફ ક્રિકેટનું વાતવરણ છે. ક્રિકેટમાં સેન્ચૂરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહિં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે, તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના એકસોમા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઉંચાઇઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઇ હતી. તેમાં ડગલેને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઇ છે. પ્રક્ષેપણ યાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય એલ-1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં એકસો ચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા. અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે, અવકાશ વિજ્ઞાનીઓની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઇને પણ ખૂબ ખુશી થાય છે કે, આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઇએ વિચાર્યું હશે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે ! આપણા જે યુવાનો જીવનમાં કંઇક થ્રીલીંગ અને એકસાઇટીંગ કરવા ઇચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે.

સાથીઓ, આગામી થોડા દિવસોમાં જ આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવવા જઇ રહ્યા છીએ. આપણા બાળકોનો, યુવાનોનો વિજ્ઞાનમાં રસ અને શોખ હોવો ખૂબ મહત્વનો છે. તેને લઇને મારી પાસે એક આઇડિયા છે, જેને તમે એક દિવસના વૈજ્ઞાનિક તરીકે કહી શકો છો, એટલે કે, તમે તમારો એક દિવસ એક વિજ્ઞાનીના રૂપમાં વિતાવીને જુઓ. તમે તમારી સગવડ અનુસાર, તમારી મરજી મુજબ કોઇપણ દિવસ પસંદ કરી શકો છે. તે દિવસે તમે કોઇ પ્રયોગશાળા, તારાગૃહ-પ્લેનેટોરીયમ, કે પછી અવકાશ કેન્દ્ર જેવી જગ્યાએ ચોક્કસ જાઓ. તેનાથી વિજ્ઞાન વિશે તમારી જીજ્ઞાસા ઔર વધી જશે. અવકાશ અને વિજ્ઞાનની જેમ એક વધુ ક્ષેત્ર છે. જેમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યો છે – આ ક્ષેત્ર છે. AI એટલે કે, Artificial Intelligence તાજેતરમાં જ AIના એક મોટા સંમેલનમાં ભાગ લેવા માટે હું પેરિસ ગયો હતો. ત્યાં દુનિયાએ આ ક્ષેત્રમાં ભારતની પ્રગતિની ખૂબ પ્રશંસા કરી. આપણા દેશના લોકો આજે AI નો ઉપયોગ કઇ કઇ રીતે કરી રહ્યા છે, તેના ઉદાહરણ પણ આપણને જોવા મળી રહ્યા છે. હવે જ્યારે તેલંગણામાં આદિલાબાદના સરકારી શાળાના એક શિક્ષક થોડાસમ કૈલાસજી છે. ડીજીટલ ગીત સંગીતમાં તેમની રૂચિ આપણી કેટલીયે આદિવાસી ભાષાઓને બચાવવામાં ખૂબ મહત્વપૂર્ણ કામ કરી રહી છે. તેમણે AI ટૂલ્સની મદદથી કોલામી ભાષામાં ગીત સંગીતબદ્ધ કરીને કમાલ કરી દીધી છે. તેઓ AI નો ઉપયોગ કોલામી ઉપરાંત પણ અનેક ભાષાઓમાં ગીત તૈયાર કરવા માટે કરી રહ્યા છે. સોશિયલ મિડિયા ઉપર તેમના ટ્રેક આપણા આદિવાસી ભાઇઓ બહેનોને ખૂબ પસંદ આવી રહ્યા છે. અવકાશ ક્ષેત્ર હોય કે પછી AI આપણા યુવાનોની વધતી ભાગીદારી એક નવી ક્રાંતિને જન્મ આપી રહી છે. નવી નવી ટેકનોલોજી અપનાવવામાં અને અજમાવવામાં ભારતના લોકો કોઇનાથીયે પાછળ નથી.

મારા વ્હાલા દેશવાસીઓ, આવતા મહિને 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. તે આપણી નારી શક્તિને વંદન કરવાનો એક વિશેષ અવસર હોય છે. દેવી મહાત્મ્યમાં કહેવાયું છે –

विद्या: समस्ता: तव देवि भेदा:

स्त्रीय: समस्ता: सकला जगत्सु |

એટલે કે, બધી વિદ્યાઓ દેવીના વિવિધ સ્વરૂપોની અભિવ્યક્તિ છે, અને જગતની સમસ્ત નારી શક્તિમાં પણ તેમનું જ પ્રતિરૂપ છે. આપણી સંસ્કૃતિમાં દિકરીઓનું સન્માન સર્વોપરી રહ્યું છે. દેશની માતૃશક્તિએ આપણા સ્વતંત્રતા સંગ્રામ અને બંધારણના ઘડતરમાં પણ બહુ મોટી ભૂમિકા અદા કરી છે. બંધારણસભામાં આપણો રાષ્ટ્રધ્વજ પ્રસ્તુત કરતાં હંસા મહેતાજીએ જે કહ્યું હતું તે હું તેમના જ અવાજમાં આપ સૌ સુધી પહોંચાડી રહ્યો છું.

# AUDIO :-

આ ભવ્ય ગૃહ પર ફરકાવવામાં આવનાર પહેલો ધ્વજ ભારતની મહિલાઓ તરફથી ભેટ હોવો જોઈએ તે યોગ્ય છે. આપણે ભગવો રંગ પહેર્યો છે; આપણે આપણા દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો છે, સહન કર્યું છે અને બલિદાન આપ્યું છે. આજે આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આપણી સ્વતંત્રતાના આ પ્રતીકને રજૂ કરીને, આપણે ફરી એકવાર રાષ્ટ્રને આપણી સેવાઓ પ્રદાન કરીએ છીએ. આપણે એક મહાન ભારત માટે કામ કરવાનો, એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ છીએ જે રાષ્ટ્રોમાં એક રાષ્ટ્ર હશે. આપણે જે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે તેને જાળવી રાખવા માટે એક મહાન હેતુ માટે કામ કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.

સાથીઓ, હંસા મહેતાજીએ આપણા રાષ્ટ્રધ્વજના નિર્માણથી લઇને તેના માટે બલિદાન આપનારી દેશભરની મહિલાઓના યોગદાનને પણ આપણી સમક્ષ રાખ્યું હતું. તેમનું માનવું હતું કે, આપણા તિરંગામાં કેસરી રંગથી પણ આ ભાવના વ્યક્ત થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આપણી નારીશક્તિ ભારતને સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપશે. – આજે તેમની વાતો સાચી સાબિત થઇ રહી છે. તમે કોઇપણ ક્ષેત્ર તરફ નજર નાંખો તો જોવા મળશે કે, મહિલાઓનું યોગદાન કેટલું વ્યાપક છે. સાથીઓ, આ વખતે મહિલા દિવસે હું એક એવી પહેલ કરવા જઇ રહ્યો છું, જે આપણી નારીશક્તિને સમર્પિત હશે. આ ખાસ પ્રસંગે હું મારા પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ X અને Instagramના એકાઉન્ટસને દેશની કેટલીક પ્રેરણાદાત્રી મહિલાઓને એક દિવસ માટે સોંપવા જઇ રહ્યો છું. એવી મહિલાઓ કે, જેમણે જુદાજુદા ક્ષેત્રોમાં સિદ્ધિઓ મેળવી હોય, ઇનોવેશન કર્યું હોય, અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હોય. 8મી માર્ચે તેઓ પોતાના કાર્ય અને અનુભવોને દેશવાસીઓ સાથે વહેંચશે. પ્લેટફોર્મ ભલે મારૂં હોય, પરંતુ ત્યાં તેમના અનુભવો તેમના પડકારો અને તેમની સિદ્ધિઓની વાત થશે. જો તમે, ઇચ્છતા હો કે આ તક તમને મળે તો, નમો એપ પર બનાવવામાં આવેલા વિશેષ મંચના માધ્યમથી આ પ્રયોગનો હિસ્સો બનો અને મારા  X અને Instagramના એકાઉન્ટસથી પૂરી દુનિયા સુધી તમારી વાત પહોંચાડો. તો આવો, આ વખતે મહિલા દિવસ ઉપર આપણે બધા મળીને અદમ્ય નારી શક્તિની ઉજવણી કરીએ. સન્માન કરીએ, નમન કરીએ.

મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા બધા એવા હશે જેમણે ઉત્તરાખંડમાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોના રોમાંચનો આનંદ ઉઠાવ્યો હશે. દેશભરના 11 હજારથી વધુ ખેલાડીઓએ તેમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ આયોજને દેવભૂમિને નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરી. ઉત્તરાખંડ હવે દેશમાં મજબૂત રમતગમત દળના રૂપમાં પણ ઉપસી રહ્યું છે. ઉત્તરાખંડના ખેલાડીઓએ પણ તેમાં શાનદાર દેખાવ કર્યો. આ વખથે ઉત્તરાખંડ સાતમા સ્થાને રહ્યું – આ જ તો રમતગમતની શક્તિ છે, જે વ્યક્તિગત અને સમુદાયની સાથે સાથે સમગ્ર રાજયનો કાયાકલ્પ કરી દે છે. તેનાથી એક તરફ ભાવિ પેઢીઓ પ્રેરિત થાય છે, તો બીજી તરફ ઉત્કૃષ્ઠતાની સંસ્કૃતિને પણ પ્રોત્સાહન મળે છે.

સાથીઓ, આજે દેશભરમાં આ રમતોના કેટલાક યાદગાર દેખાવોની ખૂબ ચર્ચા થઇ રહી છે. આ રમતોમાં સૌથી વધુ સુવર્ણચંદ્રકો જીતનારી Services ની ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન. રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેનારા દરેક ખેલાડીની પણ હું પ્રશંસા કરૂં છું. આપણા ઘણાબધા ખેલાડીઓ ખેલો ઇન્ડિયા અભિયાનની ભેટ છે. હિમાચલ પ્રદેશના સાવન બરવાલ, મહારાષ્ટ્રના કિરણ માત્રે, તેજસ શિરસે કે આંધ્રપ્રદેશની જયોતિ યારાજી, આ બધાએ દેશને નવી આશાઓ આપી છે. ઉત્તરપ્રદેશના ભાલાફેંક ખેલાડી સચિન યાદવ અને હરિયાણાની ઉંચા કૂદકાની ખેલાડી પૂજા અને કર્ણાટકની તરણ વિરાંગના ધિનિધિ દેસિન્ધુએ દેશવાસીઓનું દિલ જીતી લીધું હતું. તેમણે 3 નવા રાષ્ટ્રીય વિક્રમ સ્થાપીને સૌને ચૌંકાવી દીધા. આ વખતની રાષ્ટ્રીય રમતોમાં તરૂણ ખેલાડીઓની સંખ્યા નવાઇ પમાડી દેનારી છે. 15 વર્ષના નિશાનેબાજ ગેવીન એન્ટની, ઉત્તરપ્રદેશની હેમર થ્રો ખેલાડી 16 વર્ષની અનુષ્કા યાદવ, મધ્યપ્રદેશના 19 વર્ષના વાંસ કૂદકાના ખેલાડી દેવકુમાર મીણાએ સાબિત કરી દીધું છે કે, ભારતનું રમતગમત ભવિષ્ય અત્યંત પ્રતિભાશાળી પેઢીના હાથમાં છે. ઉત્તરાખંડમાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોએ એ પણ બતાવી દીધું છે કે, કદી હાર ન માનનારા જરૂર જીતે છે. સુખસુવિધા સાથે કોઇ ચેમ્પિયન નથી બનતું. મને આનંદ છે કે, આપણા યુવા રમતવીરોના દ્રઢ નિર્ધાર અને શિસ્તની સાથે ભારત આજે વૈશ્વિક રમતગમત ઉર્જાઘર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

મારા વ્હાલા દેશવાસીઓ, દેહરાદૂનમાં રાષ્ટ્રીય રમતોના ઉદઘાટન દરમિયાન, મે એક ખૂબ જ મહત્વનો વિષય ઉઠાવ્યો છે. જેમાં દેશમાં એક નવી ચર્ચાની શરૂઆત કરી છે. આ વિષય છે Obesity એટલે કે, મેદસ્વિતા એક ચુસ્ત અને તંદુરસ્ત રાષ્ટ્ર બનવા માટે આપણે મેદસ્વિતાની સમસ્યાને હલ કરવી જ પડશે. એક અભ્યાસ અનુસાર આજે દર આઠમાંથી એક વ્યક્તિ મેદસ્વિતાની સમસ્યાથી પરેશાન છે. વિતેલા વર્ષોમાં મેદસ્વિતાના કિસ્સા બમણા થઇ ગયા છે, પરંતુ તેનાથી પણ વધારે ચિંતાની બાબત એ છે કે, બાળકોમાં પણ મેદસ્વિતાની સમસ્યા વધીને ચાર ગણી થઇ ગઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠ્ઠનના આંકડા બતાવે છે કે, 2022માં દુનિયાભરમાં લગભગ અઢીસો કરોડ લોકો મેદસ્વિ હતા. એટલે કે, જરૂર કરતાં પણ કયાંય વધારે એમનું વજન હતું. આ આંકડા અત્યંત ગંભીર છે અને આપણને બધાને વિચારવા મજબૂર કરે છે કે, આખરે આવું કેમ થઇ રહ્યું છે ? વધારે વજન કે, મેદસ્વિતા અનેક પ્રકારની પરેશાનીઓને, બિમારીઓને પણ જન્મ આપે છે. આપણે સૌ મળીને, નાના નાના પ્રયાસોથી આ પડકારનો સામનો કરી શકીએ છીએ. તેમાં એક રીત મે સૂચવી હતી. તે હતી ભોજનમાં તેલના વપરાશમાં 10 ટકા ઘટાડો કરવાની. તમે નક્કી કરી લો કે, દર મહિને 10 ટકા ઓછું તેલ વાપરશો. તમે એવું પણ નક્કી કરી શકો છો કે, જે તેલ ખાવા માટે ખરીદવામાં આવે છે, તે ખરીદતી વખતે જ 10 ટકા ઓછું ખરીદશો. મેદસ્વિતા ઘટાડવાની દિશામાં આ એક મહત્વનું પગલું હશે. હું આજે મન કી બાતમાં આ વિષય પર કેટલાક  ખાસ સંદેશા પણ આપના સુધી પહોંચાડવા ઇચ્છું છું. શરૂઆત ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નિરજ ચોપરાજીથી કરીએ. જેમણે ખુદ સફળતાપૂર્વક મેદસ્વિતા પર કાબૂ મેળવી બતાવ્યો છે.

# Audio

નમસ્તે બધાને, હું નીરજ ચોપરા આજે તમને બધાને કહેવા માંગુ છું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ વખતે મન કી બાતમાં સ્થૂળતા વિશે ચર્ચા કરી છે, જે આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, અને ક્યાંકને ક્યાંક હું આ વાતને મારી જાત સાથે પણ સાંકળું છું, કારણ કે જ્યારે મેં મેદાન પર જવાનું શરૂ કર્યું, ત્યારે મારું વજન પણ ખૂબ વધારે હતું અને જ્યારે મેં તાલીમ શરૂ કરી અને સારું ખાવાનું શરૂ કર્યું, ત્યારે મારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો અને તે પછી જ્યારે હું એક વ્યાવસાયિક રમતવીર બન્યો, ત્યારે મને તેમાં પણ ઘણી મદદ મળી અને તેની સાથે હું કહેવા માંગુ છું કે માતાપિતાએ પણ જાતે કેટલીક બહારની રમત રમવી જોઈએ અને તેમના બાળકોને સાથે લઈ જવું જોઈએ અને સારી સ્વસ્થ જીવનશૈલી જીવવી જોઈએ, સારું ખાવું જોઈએ અને દિવસમાં એક કલાક અથવા તમે તમારા શરીરને ગમે તેટલો સમય કસરત માટે આપવો જોઈએ. અને હું એક બીજી વાત ઉમેરવા માંગુ છું, તાજેતરમાં આપણા વડા પ્રધાને કહ્યું હતું કે ખોરાકમાં વપરાતા તેલનું પ્રમાણ 10% ઘટાડવું જોઈએ, કારણ કે ઘણી વખત આપણે ઘણી બધી તળેલી વસ્તુઓ ખાઈએ છીએ જેની સ્થૂળતા પર ભારે અસર પડે છે. તો હું બધાને કહેવા માંગુ છું કે આ બધી બાબતોથી દૂર રહો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ જ હું તમને વિનંતી કરું છું અને સાથે મળીને આપણે આપણા દેશને ઉન્નત બનાવીશું, આભાર.

નીરજજી તમારો ખૂબ ખૂબ આભાર. જાણીતાં ખેલાડી નિખત જરીનજીએ પણ આ વિષય પર પોતાની વાત રજૂ કરી છે.

# Audio

નમસ્તે મારું નામ નિત ઝરીન છે અને હું બે વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન રહી છું. જેમ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં સ્થૂળતા વિશે ઉલ્લેખ કર્યો છે અને મને લાગે છે કે તે એક રાષ્ટ્રીય ચિંતા છે. આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર રહેવું જોઈએ કારણ કે ભારતમાં સ્થૂળતા ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. આપણે તેને રોકવી જોઈએ, અને આપણે શક્ય તેટલું સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. હું પોતે એક રમતવીર હોવાને કારણે, સ્વસ્થ આહારનું પાલન કરવાનો પ્રયાસ કરું છું. કારણ કે જો ભૂલથી હું બિનઆરોગ્યપ્રદ આહાર લઉં છું અથવા તેલયુક્ત વસ્તુઓ ખાઈ લઉં છું તો તે મારા પ્રદર્શન પર અસર કરે છે અને હું રિંગમાં ઝડપથી થાકી જાઉં છું અને હું ખાદ્ય તેલ જેવી વસ્તુઓનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું અને તેના બદલે સ્વસ્થ આહારનું પાલન કરું છું અને દૈનિક શારીરિક પ્રવૃત્તિ કરું છું જેના કારણે હું હંમેશા ફિટ રહું છું. અને મને લાગે છે કે આપણા જેવા સામાન્ય લોકો, જે દરરોજ કામ પર જાય છે, અને મને લાગે છે કે દરેક વ્યક્તિએ સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર રહેવું જોઈએ અને કેટલીક દૈનિક શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ જેના કારણે આપણે હાર્ટ એટેક અને કેન્સર જેવા રોગોથી દૂર રહીએ છીએ અને પોતાને ફિટ રાખીએ છીએ કારણ કે જો આપણે ફિટ છીએ તો ભારત ફિટ છે‘.

નિખતજીએ ખરેખર, કેટલાંક સારા મુદ્દા રજૂ કર્યા છે. આવો હવે એ સાંભળીએ કે, ડો.દેવી શેટ્ટીજીનું શું કહેવું છે. આપ સૌ જાણો છો કે, તેઓ એક ખૂબ જ સન્માનિત ડોકટર છે, અને આ વિષય પર સતત કામ કરી રહ્યા છે.

# Audio

હું આપણા માનનીય પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે તેમણે તેમના સૌથી લોકપ્રિય મન કી બાતકાર્યક્રમમાં સ્થૂળતા વિશે જાગૃતિ ફેલાવી. આજે સ્થૂળતા કોઈ કોસ્મેટિક સમસ્યા નથી; તે એક ખૂબ જ ગંભીર તબીબી સમસ્યા છે. આજે ભારતમાં મોટાભાગના યુવાનો સ્થૂળતાનો ભોગ બને છે. આજે સ્થૂળતાનું મુખ્ય કારણ ખરાબ ગુણવત્તાવાળા ખોરાકનું સેવન છે. ખાસ કરીને કાર્બોહાઇડ્રેટ્સ જેમ કે ભાત, રોટલી અને ખાંડનું વધુ પડતું સેવન અને અલબત્ત તેલનો વધુ પડતો વપરાશ. સ્થૂળતા હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, ફેટી લીવર અને અન્ય ઘણી ગૂંચવણો જેવી મોટી તબીબી સમસ્યાઓ તરફ દોરી જાય છે. તેથી બધા યુવાનોને મારી સલાહ છે; કસરત શરૂ કરો, તમારા આહાર પર નિયંત્રણ રાખો અને ખૂબ જ સક્રિય રહો અને તમારા વજન પર નજર રાખો. ફરી એકવાર હું તમને બધાને ખૂબ જ ખુશ, સ્વસ્થ ભવિષ્ય, શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ, ભોજનમાં તેલનો ઓછો ઉપયોગ અને મેદસ્વિતા ઘટાડવી એ કેવળ અંગત પસંદગી નથી, પરંતુ પરિવાર પ્રત્યેની આપણી જવાબદારી પણ છે. ખાવાપીવામાં તેલનો વધુ ઉપયોગ હૃદયરોગ, ડાયાબીટીસ અને હાયપર ટેન્શન જેવી ઢગલાબંધ બિમારીઓનું કારણ બની શકે છે. આપણા ખાવા પીવામાં નાના નાના ફેરફાર કરીને આપણે આપણા ભવિષ્યને સુદ્રઢ વધુ ચુસ્ત અને રોગમુક્ત બનાવી શકીએ છીએ. એટલે, આપણે મોડું કર્યા વિના આ દિશામાં પ્રયત્નો કરવા પડશે. તેમને પોતાના જીવનમાં ઉતારવા પડશે. આપણે બધા મળીને તેને રમત રમતમાં બહુ અસરકારક રીતે કરી શકીએ છીએ. જેવી રીતે હું આજે મન કી બાતની આ કડી પછી 10 લોકોને આગ્રહ કરીશ, પડકાર આપીશ કે શું તેઓ પોતાના ભોજનમાં તેલ 10 ટકા ઓછું કરી શકે છે ? અને સાથે જ તેમને એવો આગ્રહ પણ કરીશ કે, તેઓ આગળ નવા 10 લોકોને આવો જ પડકાર આપે. મને વિશ્વાસ છે તેનાથી મેદસ્વિતાનો સામનો કરવામાં બહુ મદદ મળશે.

સાથીઓ, શું તમે જાણો છો કે, એશિયાઇ સિંહ, હેન્ગુલ હરણ, પીગ્મી ડુક્કર અને સિંહ પૂંછ માંકડા શું સમાનતા છે ? તેનો જવાબ એ છે કે, સમગ્ર દુનિયામાં તે બીજે ક્યાંય જોવા નથી મળતા, કેવળ આપણા દેશમાં જ મળે છે. ખરેખર, આપણે ત્યાં વનસ્પતિ અને જીવજંતુઓનું એક ખૂબ જ ચેતનવંતુ પરિસર તંત્ર છે. અને તે વન્યજીવ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિમાં વણાયેલા છે. કેટલાય જીવજંતુ આપણાં દેવીદેવતાઓના વાહનના સ્વરૂપમાં પણ જોવા મળે છે. મધ્યભારતમાં કેટલીયે જનજાતિઓ વાઘેશ્વરની પૂજા કરે છે. મહારાષ્ટ્રમાં વાઘોબાના પૂજનની પરંપરા રહી છે. ભગવાન અયપ્પાનો પણ વાઘ સાથે બહુ ગાઢ નાતો છે. સુંદરવનમાં બોનબીબીની પૂજા અર્ચના થાય છે. જે વાઘ પર સવારી કરે છે. આપણે ત્યાં કર્ણાટકના હુલી વેશા, તમિલનાડુના પુલી અને કેરળના પુલીકલી જેવા કેટલાય સાંસ્કૃતિક નૃત્યો છે. જે પ્રકૃતિ અને વન્યજીવન સાથે જોડાયેલા છે. હું આપણા આદિવાસી ભાઇઓ-બહેનોનો પણ ખૂબ આભાર માનીશ, કેમ કે, તેઓ વન્યજીવ સંરક્ષણના કાર્યોમાં ઉત્સાહભેર ભાગીદારી કરે છે. કર્ણાટકના બીઆરટી વાઘ અભયારણ્યમાં વાઘની વસતિમાં સતત વધારો થયો છે. તેનો ઘણો બધો યશ સોલિગા આદિજાતિને જાય છે. જેઓ વાઘની પૂજા કરે છે. તેના કારણે, આ ક્ષેત્રમાં માણસ અને પશુઓ વચ્ચેની ઘર્ષણ નહિંવત હોય છે. ગુજરાતમાં પણ લોકોએ ગીરમાં એશિયાઇ સિંહોની સલામતિ અને સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે દુનિયાને બતાવી આપ્યું છે કે, પ્રકૃતિની સાથે સહઅસ્તિત્વ આખરે શું હોય છે. સાથીઓ, આ પ્રયાસોના કારણે વિતેલા કેટલાક વર્ષોમાં વાઘ, દિપડા, એશિયાઇ સિંહ, ગેંડા અને બારહસિંગાની વસતિ ઝડપથી વધી છે, અને ભારતમાં વન્યજીવોની વિવિધતા કેટલી સુંદર છે, એ પણ વિચારવા લાયક છે. એશિયાઇ સિંહ દેશના પશ્ચિમી ભાગમાં મળી આવે છે. જ્યારે વાઘનો વિસ્તાર પૂર્વી, મધ્ય અને દક્ષિણ ભારત છે. તો, ગેંડા ઇશાન ભારતમાં મળી આવે છે. ભારતનો દરેક ભાગ કેવળ પ્રકૃતિ માટે જ સંવેદનશીલ છે, એવું નથી. બલ્કે વન્યજીવ સંરક્ષણ માટે પણ પ્રતિબદ્ધ છે. મને અનુરાધા રાવજી વિશે જણાવવામાં આવ્યું છે કે, તેમની કેટલીયે પેઢીઓનો નાતો આંદામાન નિકોબાર ટાપુઓ સાથે રહ્યો છે. અનુરાધાજીએ બહુ નાની ઉંમરમાં જ પશુકલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. ત્રણ દાયકામાં તેમણે હરણ અને મોરના રક્ષણને પોતાનું અભિયાન બનાવી દીધું. ત્યાંના લોકો તેમને Deer Woman એટલે કે, મૃગ મહિલાના નામથી બોલાવે છે. આવતા મહિનાની શરૂઆતમાં આપણે વિશ્વ વન્યજીવ દિવસ મનાવીશું. મારો આગ્રહ છે કે, તમે વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલા લોકોની હિંમત જરૂર વધારો. આ ક્ષેત્રમાં હવે અનેક સ્ટાર્ટઅપ પણ ઉપસીને સામે આવ્યા છે. તે મારા માટે બહુ સંતોષની બાબત છે.

સાથીઓ, આ બોર્ડ પરીક્ષાનો સમય છે. હું મારા યુવા સાથીઓ, એટલે કે, પરીક્ષા યોધ્ધાઓને તેમની પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમે સહેજ પણ તંગદિલી વિના પુરા હકારાત્મક અભિગમ સાથે પોતાની પરીક્ષા આપો. દર વર્ષે પરીક્ષા પે ચર્ચામાં આપણે આપણા પરીક્ષા યોધ્ધાઓ સાથે પરીક્ષાને લગતા અલગ અલગ વિષયો પર વાત કરીએ છીએ. મને આનંદ છે કે, હવે આ કાર્યક્રમ એક સંસ્થાગત રૂપ લઇ રહ્યો છે, સંસ્થાગત બની રહ્યો છે. તેમાં નવા નવા નિષ્ણાતો પણ જોડાઇ રહ્યા છે. આ વર્ષે આપણે એક નવા સ્વરૂપમાં પરીક્ષા પે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. નિષ્ણાતોની સાથે આઠ અલગ અલગ કડીઓ પણ સામેલ કરવામાં આવી. આપણે એકંદર પરીક્ષાથી લઇને આરોગ્ય સંભાળ અને માનસિક સ્વાસ્થ્યની સાથે ખાવાપીવા જેવા વિષયોને પણ આવરી લીધા. તેની સાથે ગયા વર્ષના ટોચના વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચાર અને અનુભવો સૌને જણાવ્યા. ઘણા બધા યુવાનોએ, તેમના માતાપિતાએ અને શિક્ષકોએ આ વિશે મને પત્રો લખ્યા છે. તેમણે જણાવ્યું  છે કે, આ સ્વરૂપ તેમને ખૂબ જ સારૂં લાગ્યું છે, કેમ કે, તેમાં દરેક વિષય પર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. ઇન્સ્ટાગ્રામ પર પણ આપણા યુવા સાથીઓએ આ કડીઓને મોટી સંખ્યામાં જોઇ છે. તમારામાંથી ઘણા બધા લોકોએ આ કાર્યક્રમનું આયોજન દિલ્હીની સુંદર નર્સરીમાં કરવામાં આવ્યું. તેને વખાણ્યું છે. આપણા જે યુવાસાથી પરીક્ષા પે ચર્ચાની આ કડીઓ હજી સુધી નથી જોઇ શક્યા, તેઓ તેને જરૂરથી જુએ. આ બધી કડીઓ નમો એપ પર રાખવામાં આવેલી છે. ફરી એકવાર આપણા પરીક્ષા યોદ્ધાઓને મારો એક સંદેશ છે કે, Be happy and stress free”. તણાવમુક્ત રહો અને આનંદમાં રહો.

મારા પ્રિય સાથીઓ, મન કી બાતમાં આ વખતે મારી સાથે બસ આટલું જ. આવતા મહિને ફરી નવા વિષયો સાથે આપણે મળીને મન કી બાત કરીશું. તમે મને પોતાના પત્ર, પોતાનો સંદેશ મોકલતા રહેજો. તંદુરસ્ત રહો, આનંદમાં રહો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com