પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં આયોજિત “SAMVAD” કાર્યક્રમ દરમિયાન આજે વીડિયો સંદેશ મારફતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે થાઇલેન્ડમાં ‘સંવાદ’ની આવૃત્તિમાં જોડાવા બદલ સન્માનની લાગણી વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમને શક્ય બનાવવા બદલ ભારત, જાપાન અને થાઇલેન્ડની વિશિષ્ટ સંસ્થાઓ અને વ્યક્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ તેમના મિત્ર શ્રી શિન્ઝો આબેને યાદ કરવાની તક ઝડપી લીધી હતી અને જણાવ્યું હતું કે, વર્ષ 2015માં તેમની વાતચીતમાંથી સંવાદનો વિચાર આવ્યો હતો. ત્યારથી “સંવાદ”એ વિવિધ દેશોની યાત્રા કરી છે અને ચર્ચા, સંવાદ અને ઊંડી સમજણને પ્રોત્સાહન આપ્યું છે.
સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો ધરાવતા દેશ થાઇલેન્ડમાં ‘સંવાદ’ની આ એડિશન યોજાઈ રહી છે, એ વાતની ખુશી વ્યક્ત કરતાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, થાઇલેન્ડ એશિયાની સહિયારી દાર્શનિક અને આધ્યાત્મિક પરંપરાઓનું સુંદર ઉદાહરણ છે.
બે હજાર વર્ષથી વધારે સમયથી ભારત અને થાઇલેન્ડ વચ્ચેનાં ગાઢ સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, રામાયણ અને રામાકિઅન બંને દેશોને જોડે છે તથા ભગવાન બુદ્ધ માટે તેમનો સહિયારો આદર તેમને એકતાંતણે બાંધે છે. તેમણે નોંધ્યું હતું કે, જ્યારે ભારતે ગયા વર્ષે થાઇલેન્ડમાં ભગવાન બુદ્ધનાં પવિત્ર અવશેષો મોકલ્યાં હતાં, ત્યારે લાખો શ્રદ્ધાળુઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ભારત અને થાઇલેન્ડ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં જીવંત ભાગીદારી પર ભાર મૂક્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, ભારતની ‘એક્ટ ઇસ્ટ’ નીતિ અને થાઇલેન્ડની ‘એક્ટ વેસ્ટ’ નીતિ એકબીજાના પૂરક છે. જે પારસ્પરિક પ્રગતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. તેમણે જણાવ્યું હતું કે, આ પરિષદ બંને દેશો વચ્ચેની મૈત્રીનું વધુ એક સફળ પ્રકરણ છે.
એશિયાની સદીની વાત કરતા સંવાદના વિષય પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે, લોકો અવારનવાર એશિયાના આર્થિક વિકાસનો ઉલ્લેખ કરે છે. જો કે પરિષદ એ બાબત પર ભાર મૂકે છે કે, એશિયાની સદી એ માત્ર આર્થિક મૂલ્યની જ નહીં, પણ સામાજિક મૂલ્યોની પણ વાત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધનાં ઉપદેશો શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ યુગનું નિર્માણ કરવામાં દુનિયાને માર્ગદર્શન આપી શકે છે તથા તેમનું માર્ગદર્શન માનવ-કેન્દ્રિત ભવિષ્ય તરફ દોરી જવાની શક્તિ ધરાવે છે.
સંવાદના મુખ્ય વિષયોમાંના એક – સંઘર્ષ નિવારણ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંઘર્ષો ઘણી વખત એવી માન્યતામાંથી ઊભા થાય છે કે ફક્ત એક જ માર્ગ સાચો છે, જ્યારે અન્ય ખોટા છે. તેમણે આ મુદ્દે ભગવાન બુદ્ધની અંતદ્રષ્ટીનો ઉલ્લેખ કરતાં નોંધ્યું હતું કે, કેટલાક લોકો પોતાના વિચારોને વળગી રહે છે અને માત્ર એક જ બાજુને સાચી ગણે છે અને દલીલ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક જ મુદ્દા પર બહુવિધ દ્રષ્ટિકોણો અસ્તિત્વમાં હોઈ શકે છે. તેમણે ઋગ્વેદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે સત્યને જુદા જુદા લેન્સ દ્વારા જોઈ શકાય છે, ત્યારે આપણે સંઘર્ષ ટાળી શકીએ છીએ.
શ્રી મોદીએ સંઘર્ષનાં અન્ય એક કારણ પર પણ પ્રકાશ પાડ્યો હતો – અન્યોને આપણાંથી મૂળભૂત રીતે અલગ હોવાનું સમજવું. તેમણે જણાવ્યું હતું કે, મતભેદો અંતર તરફ દોરી જાય છે અને અંતર વિખવાદમાં પરિવર્તિત થઈ શકે છે. આનો સામનો કરવા માટે, તેમણે ધમ્મપદની એક પંક્તિનો ઉલ્લેખ કર્યો, જેમાં જણાવાયું છે કે દરેકને પીડા અને મૃત્યુનો ડર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અન્ય લોકોને આપણી જાત જેવી જ માન્યતા આપીને આપણે એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે કોઈ નુકસાન કે હિંસા ન થાય. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો આ શબ્દોને અનુસરવામાં આવે તો સંઘર્ષ ટાળી શકાય છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “વિશ્વના ઘણા મુદ્દાઓ સંતુલિત અભિગમને બદલે આત્યંતિક વલણ અપનાવવાથી ઉદભવે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આત્યંતિક મંતવ્યો સંઘર્ષો, પર્યાવરણીય કટોકટી અને તાણ સંબંધિત આરોગ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પડકારોનું સમાધાન ભગવાન બુદ્ધનાં ઉપદેશોમાં રહેલું છે. જેમણે અમને મધ્યમાર્ગને અનુસરવા અને ચરમસીમાઓને ટાળવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મધ્યસ્થતાનો સિદ્ધાંત આજે પણ પ્રસ્તુત છે અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા માર્ગદર્શન પૂરું પાડે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અત્યારે સંઘર્ષ લોકો અને દેશોથી પણ આગળ વધી ગયા છે. જેમાં માનવતા પ્રકૃતિ સાથે સંઘર્ષમાં વધારો કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આનાથી પર્યાવરણીય કટોકટી ઉભી થઈ છે, જે આપણા ગ્રહ માટે ખતરારૂપ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પડકારનો જવાબ એશિયાની સહિયારી પરંપરાઓમાં રહેલો છે. જેનાં મૂળ ધમ્મનાં સિદ્ધાંતો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, શિન્ટોવાદ અને એશિયાની અન્ય પરંપરાઓ આપણને પ્રકૃતિ સાથે સૌહાર્દપૂર્ણ જીવન જીવવાનું શીખવે છે. આપણે આપણી જાતને પ્રકૃતિથી અલગ નથી જોતા પરંતુ તેના એક ભાગ તરીકે જોઈએ છીએ. શ્રી મોદીએ મહાત્મા ગાંધીની હિમાયત મુજબ ટ્રસ્ટીશિપની વિભાવના પર પ્રકાશ પાડ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે આજની પ્રગતિ માટે કુદરતી સંસાધનોનો ઉપયોગ થાય છે. ત્યારે આપણે ભવિષ્યની પેઢીઓ પ્રત્યેની આપણી જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ. તેમણે નોંધ્યું હતું કે, આ અભિગમ સુનિશ્ચિત કરે છે કે સંસાધનોનો ઉપયોગ લોભ માટે નહીં, પણ વિકાસ માટે થાય છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેઓ પશ્ચિમ ભારતનાં નાનાં શહેર વડનગરથી આવે છે. જે એક સમયે બૌદ્ધ વિદ્યાનું મહાન કેન્દ્ર હતું. ભારતીય સંસદમાં તેઓ વારાણસીનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં સારનાથનો સમાવેશ થાય છે, જે પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન બુદ્ધે તેમનું પ્રથમ પ્રવચન આપ્યું હતું. આ એક સુંદર સંયોગ છે કે, ભગવાન બુદ્ધ સાથે સંબંધિત સ્થળોએ તેમની યાત્રાને આકાર આપ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભગવાન બુદ્ધ પ્રત્યેનો અમારો આદર ભારત સરકારની નીતિઓમાં પ્રતિબિંબિત થાય છે.” તેઓએ બૌદ્ધ સર્કિટનાં ભાગરૂપે મહત્ત્વપૂર્ણ બૌદ્ધ સ્થળોને જોડવા પ્રવાસન માળખું વિકસાવ્યું છે. આ સર્કિટની અંદર મુસાફરીની સુવિધા માટે ‘બુદ્ધ પૂર્ણિમા એક્સપ્રેસ’ વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન એ ઐતિહાસિક પગલું છે, જેનો લાભ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ યાત્રાળુઓને મળશે. તેમણે બોધગયા માટે વિવિધ વિકાસલક્ષી પહેલોની જાહેરાત પણ કરી હતી. જેથી બોધગયાનું માળખું વધે અને ભગવાન બુદ્ધની ભૂમિ ભારતની મુલાકાત લેવા માટે દુનિયાભરના યાત્રાળુઓ, વિદ્વાનો અને સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નાલંદા મહાવિહાર ઇતિહાસની મહાન યુનિવર્સિટીઓમાંની એક છે, જેનો સંઘર્ષનાં પરિબળોએ સદીઓ અગાઉ નાશ કર્યો હતો. આ વાતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે તેને શિક્ષણનાં કેન્દ્ર તરીકે પુનર્જીવિત કરીને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે તથા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નાલંદા યુનિવર્સિટી ભગવાન બુદ્ધનાં આશીર્વાદથી તેનું અગાઉનું ગૌરવ પાછું મેળવશે. તેમણે ભગવાન બુદ્ધે જે ભાષા દ્વારા પોતાના ઉપદેશો આપ્યા હતા. તે પાલીને તેના સાહિત્યની જાળવણી સુનિશ્ચિત કરવા માટે શાસ્ત્રીય ભાષા જાહેર કરીને તેને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા મહત્વપૂર્ણ પગલા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પ્રાચીન હસ્તપ્રતોને ઓળખવા અને તેની યાદી તૈયાર કરવા, બૌદ્ધ ધર્મનાં નિષ્ણાતોનાં લાભ માટે દસ્તાવેજીકરણ અને ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા જ્ઞાન ભારતમ મિશન શરૂ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
શ્રી મોદીએ ભગવાન બુદ્ધનાં ઉપદેશોને પ્રોત્સાહન આપવા છેલ્લાં એક દાયકામાં ઘણાં દેશો સાથેનાં જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, તાજેતરમાં ભારતમાં પ્રથમ એશિયાનાં બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન ‘એશિયાને મજબૂત કરવામાં બુદ્ધ ધમ્મ’ની થીમ હેઠળ થયું હતું અને અગાઉ ભારતે પ્રથમ વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. તેમણે નેપાળનાં લુમ્બિનીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજ માટે શિલારોપણનું સન્માન અને લુમ્બિની મ્યુઝિયમનાં નિર્માણમાં ભારતનાં પ્રદાનનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં, તેમણે મંગોલિયાના મઠોમાં 108 ગ્રંથોના મોંગોલિયન કગ્યુર, ભગવાન બુદ્ધના ‘કોન્સીસ ઓર્ડર્સ’ના પુનઃમુદ્રણ અને વિતરણ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, ઘણાં દેશોમાં સ્મારકોની જાળવણીમાં ભારતનાં પ્રયાસો ભગવાન બુદ્ધનાં વારસાની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એ પ્રોત્સાહક છે કે સંવાદનું આ સંસ્કરણ વિવિધ ધાર્મિક નેતાઓને એકમંચ પર લાવવા માટે એક ધાર્મિક ગોળમેજીનું આયોજન કરી રહ્યું છે. આ મંચ પરથી મૂલ્યવાન આંતરદૃષ્ટિ બહાર આવશે, જે વધારે સંવાદી દુનિયાને આકાર આપશે. શ્રી મોદીએ આ સંમેલનનું આયોજન કરવા બદલ થાઇલેન્ડની જનતા અને સરકારનો આભાર માન્યો હતો. તેમણે આ ઉમદા મિશનને આગળ વધારવા માટે એકઠા થયેલા તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરીને સમાપન કર્યું હતું કે, ધમ્મનો પ્રકાશ આપણને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના યુગ તરફ દોરી જશે.
Sharing my remarks during SAMVAD programme being organised in Thailand. https://t.co/ysOtGlslbI
— Narendra Modi (@narendramodi) February 14, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Sharing my remarks during SAMVAD programme being organised in Thailand. https://t.co/ysOtGlslbI
— Narendra Modi (@narendramodi) February 14, 2025