પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન એસ્ટોનિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ અલાર કારિસ સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓ વચ્ચેની પહેલી મુલાકાત હતી.
પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ કારિસે ભાર મૂક્યો કે ભારત અને એસ્ટોનિયા વચ્ચેના ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો લોકશાહી, કાયદાના શાસન અને સ્વતંત્રતા અને બહુલતાના મૂલ્યો પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે. બંને નેતાઓએ વેપાર અને રોકાણ, આઇટી અને ડિજિટલ, સંસ્કૃતિ, પર્યટન અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં વધતા દ્વિપક્ષીય સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો. તેમણે સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ એસ્ટોનિયન સરકાર અને કંપનીઓને ભારતની વિકાસગાથા દ્વારા ઓફર કરવામાં આવતી તકોનું અન્વેષણ કરવા અને ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.
બંને નેતાઓએ ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીના સંદર્ભમાં ભારત-એસ્ટોનિયા ભાગીદારીના મહત્વની નોંધ લીધી. તેમણે ભારત-નોર્ડિક-બાલ્ટિક ફોર્મેટમાં મંત્રી સ્તર પર આદાન-પ્રદાનની શરૂઆતનું સ્વાગત કર્યું. નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રમાં પરસ્પર હિત અને સહયોગના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
બંને નેતાઓએ ભારત અને એસ્ટોનિયા વચ્ચે વધતા સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ એસ્ટોનિયામાં યોગની લોકપ્રિયતાની પ્રશંસા કરી.
AP/IJ/GP/JD