પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવતા અતિ–સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ–મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 45મી આવૃત્તિ પ્રગતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં આઠ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં શહેરી પરિવહનનાં છ મેટ્રો પ્રોજેક્ટ અને રોડ કનેક્ટિવિટી અને થર્મલ પાવર સાથે સંબંધિત એક–એક પ્રોજેક્ટ સામેલ છે. વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પથરાયેલા આ પ્રોજેક્ટ્સનો સંયુક્ત ખર્ચ રૂ. 1 લાખ કરોડથી વધારે છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય એમ બંને સ્તરે તમામ સરકારી અધિકારીઓએ સ્વીકારવું જોઈએ કે પ્રોજેક્ટમાં વિલંબ થવાથી ખર્ચમાં વધારો થવાની સાથે–સાથે જનતાને ઇચ્છિત લાભ મેળવવામાં પણ અવરોધ ઊભો થાય છે.
વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ બેંકિંગ અને વીમા ક્ષેત્ર સાથે સંબંધિત જાહેર ફરિયાદોની પણ સમીક્ષા કરી હતી. જ્યારે પ્રધાનમંત્રીએ નિકાલ માટે લાગતા સમયમાં થયેલા ઘટાડાની નોંધ લીધી હતી, ત્યારે તેમણે ફરિયાદોના નિકાલની ગુણવત્તા પર પણ ભાર મૂક્યો હતો.
વધુને વધુ શહેરો મેટ્રો પ્રોજેક્ટ્સને પસંદગીની જાહેર પરિવહન વ્યવસ્થામાંના એક તરીકે રજૂ કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ એવા શહેરો માટે અનુભવની વહેંચણી માટે વર્કશોપનું આયોજન કરવાની સલાહ આપી હતી, જ્યાં પ્રોજેક્ટ્સ અમલમાં છે અથવા પાઇપલાઇનમાં છે, જેથી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને અનુભવોમાંથી પ્રાપ્ત થતી જાણકારી મેળવી શકાય.
સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટનાં અમલીકરણ દરમિયાન પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવારોનાં સમયસર પુનર્વસન અને પુનઃસ્થાપનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે નવા સ્થળે ગુણવત્તાસભર સુવિધાઓ આપીને આવા પરિવારોનું જીવન સરળ બનાવવા જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત બિજલી યોજનાની પણ સમીક્ષા કરી હતી. તેમણે ગુણવત્તાયુક્ત વિક્રેતા ઇકોસિસ્ટમ વિકસાવીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂફટોપ્સની સ્થાપનાની ક્ષમતા વધારવાની સૂચના આપી હતી. તેમણે આ પ્રક્રિયામાં જરૂરી સમય ઘટાડવાનો પણ નિર્દેશ આપ્યો હતો, જેમાં ડિમાન્ડ જનરેશનથી શરૂ કરીને રૂફટોપ સોલારના સંચાલન સુધીનો સમાવેશ થાય છે. તેમણે રાજ્યોને તબક્કાવાર રીતે ગામો, નગરો અને શહેરો માટે સંતૃપ્તિનો અભિગમ અપનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
પ્રગતિની બેઠકોનાં 45માં સંસ્કરણ સુધી આશરે રૂ. 19.12 લાખ કરોડનો કુલ ખર્ચ ધરાવતાં 363 પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી.
AP/IJ/GP/JD