Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ


આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ!

હું ભારતમાં રાષ્ટ્રપતિ દિસાનાયકનું હાર્દિક સ્વાગત કરું છું. મને પ્રસન્નતા છે કે તમે રાષ્ટ્રપતિ તરીકે તમારી પ્રથમ વિદેશી મુલાકાત માટે ભારતને પસંદ કર્યું છે. રાષ્ટ્રપતિ દિસાનાયકની મુલાકાતથી આપણા સંબંધોમાં નવી ગતિશીલતા અને ઊર્જાનો સંચાર થયો છે. અમે અમારી ભાગીદારી માટે ભવિષ્યનું વિઝન અપનાવ્યું છે. અમે અમારી આર્થિક ભાગીદારીમાં રોકાણસંચાલિત વૃદ્ધિ અને કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે. અને નક્કી કર્યું છે કે ભૌતિક, ડિજિટલ અને ઊર્જાનું જોડાણ આપણી ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ હશે. અમે બંને દેશો વચ્ચે વીજળીગ્રિડ કનેક્ટિવિટી અને મલ્ટિપ્રોડક્ટ પેટ્રોલિયમ પાઇપલાઇન્સ સ્થાપિત કરવાની દિશામાં કામ કરીશું. સમપુર સૌર ઊર્જા પરિયોજનાને વેગ આપવામાં આવશે. આ ઉપરાંત શ્રીલંકાના પાવર પ્લાન્ટ્સ માટે એલએનજીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. બંને પક્ષો દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં ઇટીએ પૂર્ણ કરવા પ્રયાસ કરશે.

મિત્રો,
 
અત્યાર સુધી ભારતે શ્રીલંકાને 5 અબજ ડોલરની ગ્રાન્ટ અને લાઇન ઓફ ક્રેડિટ આપી છે. અમે શ્રીલંકાના તમામ ૨૫ જિલ્લાઓને ટેકો પૂરો પાડી રહ્યા છીએ. અમારા પ્રોજેક્ટ્સની પસંદગી હંમેશા આપણા ભાગીદાર દેશોની વિકાસલક્ષી પ્રાથમિકતાઓના આધારે કરવામાં આવે છે. આ વિકાસલક્ષી સાથસહકારને આગળ વધારીને અમે અનુરાધાપુરા રેલ સેક્શન અને કાંકેસાન્થુરાઇ બંદરને માહોની સિગ્નલિંગ સિસ્ટમના કાયાકલ્પ માટે ગ્રાન્ટ સપોર્ટ પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. અમારા શૈક્ષણિક સહયોગના ભાગરૂપે, અમે જાફનાના 200 વિદ્યાર્થીઓને અને શ્રીલંકાના પૂર્વીય ક્ષેત્રની યુનિવર્સિટીઓને માસિક શિષ્યવૃત્તિ પ્રદાન કરીશું. આગામી પાંચ વર્ષમાં, શ્રીલંકાના 1500 સનદી અધિકારીઓને ભારતમાં તાલીમ આપવામાં આવશે. ભારત આવાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને માળખાગત સુવિધાઓની સાથે સાથે કૃષિ, ડેરી અને મત્સ્યપાલનનાં ક્ષેત્રોમાં પણ શ્રીલંકાને સાથસહકાર આપશે. ભારત શ્રીલંકામાં વિશિષ્ટ ડિજિટલ ઓળખ પ્રોજેક્ટ માટે ભાગીદારી કરશે.

મિત્રો,
રાષ્ટ્રપતિ ડિસનાયક અને હું સંપૂર્ણ સહમત છીએ કે આપણા સુરક્ષા હિતો એકબીજા સાથે જોડાયેલા છે. અમે સુરક્ષા સહયોગ સમજૂતીને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે. અમે હાઇડ્રોગ્રાફી પર સહકાર આપવા માટે પણ સંમત થયા છીએ. અમારું માનવું છે કે કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ છત્ર હેઠળ દરિયાઈ સુરક્ષા, આતંકવાદનો સામનો કરવા, સાયબર સુરક્ષા, દાણચોરી અને સંગઠિત અપરાધ સામે લડવા, માનવતાવાદી સહાય અને આપત્તિમાં રાહત જેવી બાબતોમાં સાથસહકાર આપવામાં આવશે.

મિત્રો,
ભારત અને શ્રીલંકાની વચ્ચે લોકોથી લોકો વચ્ચેનો સંબંધ આપણી સભ્યતાઓમાં જકડાયેલો છે. જ્યારે ભારતે પાલી ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરી હતી, ત્યારે શ્રીલંકા આ ઉજવણીમાં અમારી સાથે જોડાયું હતું. ફેરી સર્વિસ અને ચેન્નાઈજાફના ફ્લાઇટ કનેક્ટિવિટીથી પ્રવાસનને પ્રોત્સાહન મળવાની સાથે સાથે સાંસ્કૃતિક સંબંધોને પણ મજબૂત કરવામાં આવ્યા છે. અમે સંયુક્તપણે નિર્ણય લીધો છે કે, નાગાપટ્ટિનમ કંકેસાન્થુરાઇ ફેરી સર્વિસના સફળ પ્રક્ષેપણ પછી, અમે રામેશ્વરમ અને તલાઇમન્નાર વચ્ચે ફેરી સર્વિસ પણ શરૂ કરીશું. બૌદ્ધ સર્કિટ અને શ્રીલંકાની રામાયણ ટ્રેઇલ મારફતે પર્યટનમાં રહેલી પ્રચૂર સંભવિતતાને સાકાર કરવા માટે પણ કામ શરૂ કરવામાં આવશે.

મિત્રો,

અમે અમારા માછીમારોની આજીવિકા સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ વિસ્તૃત વાત કરી. અમે બંને સંમત થયા હતા કે આપણે આ બાબતે માનવતાવાદી અભિગમ અપનાવવો જોઈએ. અમે શ્રીલંકામાં પુનર્નિર્માણ અને સુલેહ વિશે પણ વાત કરી હતી. રાષ્ટ્રપતિ દિસાનાયકે મને તેમના સર્વસમાવેશક પરિપ્રેક્ષ્યથી વાકેફ કર્યા હતા. અમને આશા છે કે શ્રીલંકાની સરકાર તમિલ લોકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે. અને તેઓ શ્રીલંકાના બંધારણનો સંપૂર્ણ અમલ કરવા અને પ્રાંતીય પરિષદની ચૂંટણીઓ યોજવાની દિશામાં તેમની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરશે.

મિત્રો,

મેં રાષ્ટ્રપતિ દિસાનાયકને ખાતરી આપી છે કે રાષ્ટ્રનિર્માણની દિશામાં તેમના પ્રયાસોમાં ભારત એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે ઊભું રહેશે. ફરી એક વાર, હું રાષ્ટ્રપતિ દિસાનાયક અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરું છું. હું બોધગયાની તેમની મુલાકાત માટે તેમને શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે તે આધ્યાત્મિક ઊર્જા અને પ્રેરણાથી ભરપૂર હોય.

તમારો ખૂબ ખૂબ આભાર.

AP/IJ/GP/JD