પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ પ્રયાગરાજ જશે અને બપોરે 12:15 વાગ્યે સંગમ સ્થળે પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ લગભગ 12:40 વાગ્યે પ્રધાનમંત્રી અક્ષય વટવૃક્ષમાં પૂજા કરશે અને ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ મહાકુંભ પ્રદર્શન સ્થળનું ભ્રમણ કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2 વાગ્યે તેઓ પ્રયાગરાજ ખાતે 6670 કરોડ રૂપિયાથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી મહાકુંભ 2025 માટે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં પ્રયાગરાજમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા અને સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 10 નવા રોડ ઓવર બ્રિજ (RoBs) અથવા ફ્લાયઓવર, કાયમી ઘાટ અને રિવરફ્રન્ટ રોડ જેવા વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
સ્વચ્છ અને નિર્મળ ગંગા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી ગંગા નદી તરફ જતા નાના નાળાઓને રોકવા, ટેપીંગ, ડાયવર્ઝન અને ટ્રીટમેન્ટના પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે, જે નદીમાં ગંદું પાણી છોડવામાં ન આવે તેની ખાતરી કરશે. તેઓ પીવાના પાણી અને વીજળી સંબંધિત વિવિધ માળખાકીય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી મુખ્ય મંદિર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે જેમાં ભારદ્વાજ આશ્રમ કોરિડોર, શ્રીંગવેરપુર ધામ કોરિડોરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ ભક્તોની સરળતા સુનિશ્ચિત કરશે અને આધ્યાત્મિક પર્યટનને પણ વેગ આપશે.
પ્રધાનમંત્રી કુંભ સહાયક ચેટબોટ પણ લોન્ચ કરશે જે મહાકુંભ મેળા 2025 પર ભક્તોને કાર્યક્રમો અંગે માર્ગદર્શન અને અપડેટ્સ આપવા વિગતો પ્રદાન કરશે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com