પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના સ્ટુટગાર્ટમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ સમિટ ભારત-જર્મની ભાગીદારીમાં એક નવા અધ્યાયનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મને ખુશી છે કે ભારતનું એક મીડિયા જૂથ આજના માહિતી યુગમાં જર્મની અને જર્મન લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ભારતના લોકોને જર્મની અને જર્મનીના લોકોને સમજવા માટે એક મંચ પણ પ્રદાન કરશે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ શિખર સંમેલનનું આયોજન ભારતનાં ટીવી-9માં જર્મનીનાં એફએયુ સ્ટુટગાર્ટ અને બેડન-વુર્ટેમ્બર્ગનાં સહયોગથી થયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સમિટની થીમ “ઇન્ડિયા-જર્મનીઃ અ રોડમેપ ફોર સસ્ટેઇનેબલ ગ્રોથ” છે, જે ભારત અને જર્મની વચ્ચે જવાબદાર ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, છેલ્લાં બે દિવસમાં ઉપસ્થિત લોકોએ આર્થિક મુદ્દાઓ પર તેમજ રમતગમત અને મનોરંજન સાથે સંબંધિત વિષયો પર ફળદાયક ચર્ચાવિચારણા કરી છે, જે બંને દેશો વચ્ચે સહયોગના વિસ્તૃત અવકાશને દર્શાવે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત માટે ખાસ કરીને ભૂરાજકીય સંબંધો, વેપાર અને રોકાણની દ્રષ્ટિએ યુરોપનાં વ્યૂહાત્મક મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં જર્મની ભારતનાં મુખ્ય ભાગીદારોમાંનું એક છે. વર્ષ 2024 ભારત-જર્મન વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરે છે, જે તેને ઐતિહાસિક વર્ષ બનાવે છે. પ્રધાનમંત્રીએ નોંધપાત્ર કાર્યક્રમો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ચાન્સેલર શોલ્ઝની ભારતની ત્રીજી મુલાકાત અને 12 વર્ષ પછી દિલ્હીમાં આયોજિત જર્મન બિઝનેસની એશિયા-પેસિફિક કોન્ફરન્સ સામેલ છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જર્મનીએ “ભારત પર ધ્યાન કેન્દ્રિત કરો” દસ્તાવેજ અને તેની પ્રથમ દેશ-વિશિષ્ટ “ભારત માટે કુશળ શ્રમ વ્યૂહરચના” પણ જાહેર કરી હતી, જે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ભારત અને જર્મની વચ્ચે 25 વર્ષથી વ્યૂહાત્મક ભાગીદારી અસ્તિત્વમાં છે, ત્યારે બંને દેશો વચ્ચેનાં સંબંધો સદીઓ જૂનાં છે. નોંધનીય છે કે, એક જર્મને યુરોપના પ્રથમ સંસ્કૃત વ્યાકરણના પુસ્તકોની રચના કરી હતી, અને જર્મન વેપારીઓએ યુરોપમાં તમિલ અને તેલુગુ પ્રિન્ટિંગ રજૂ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અત્યારે જર્મનીમાં આશરે 3,00,000 ભારતીયો વસે છે, જેમાં 50,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ભારતમાં છેલ્લાં 3-4 વર્ષમાં જર્મનીની 1,800થી વધારે કંપનીઓએ 15 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર આશરે 34 અબજ ડોલરનો છે અને ભાગીદારીને મજબૂત કરવાને કારણે આગામી વર્ષોમાં પણ આ વેપાર વધતો રહેશે.
પ્રધાનમંત્રીએ ભાર આપતા કહ્યું કે, ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં મોટાં અર્થતંત્રમાંથી એક છે, જેની સાથે દુનિયા વૃદ્ધિ માટે ભાગીદારી કરવામાં રસ ધરાવે છે. જર્મનીનો “ભારત પર ફોકસ” દસ્તાવેજ ભારતના વ્યૂહાત્મક મહત્વને માન્યતા આપતા વિશ્વને પ્રતિબિંબિત કરે છે. પાછલા દાયકામાં ભારતના સુધારાઓ પાછળ આ બદલાવ જવાબદાર છે, જેણે ધંધાકીય સ્થિતિમાં સુધારો કર્યો છે, નોકરશાહીમાં ઘટાડો કર્યો છે અને વિવિધ ક્ષેત્રોમાં નીતિઓને આધુનિક બનાવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્ય સુધારાઓમાં જીએસટી સાથે કરવેરા વ્યવસ્થાને સરળ બનાવવી, 30,000થી વધારે અનુપાલનને દૂર કરવું અને બેંકિંગ ક્ષેત્રને સ્થિર કરવું સામેલ છે. પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ પ્રયાસોએ ભારતનાં ભવિષ્યનાં વિકાસ માટે એક મજબૂત પાયો નાંખ્યો છે, જેમાં જર્મની આ સફરમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે.
પ્રધાનમંત્રીએ મુખ્ય વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવા તરફ ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો, જે જર્મનીના ઉત્પાદન અને એન્જિનીયરિંગમાં પોતાના વિકાસની સમાંતર છે. “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ, દેશ ઉત્પાદકોને ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રોત્સાહનો ઓફર કરી રહ્યો છે. ભારતે નોંધપાત્ર હરણફાળ ભરી છે, અને મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં અગ્રણી દેશ બન્યો છે, જે ટૂ વ્હીલરને વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, અને સ્ટીલ અને સિમેન્ટનો બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. આ પરિવર્તન વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનાં વધતાં મહત્ત્વને દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભારત ફોર-વ્હીલર્સનો ચોથો સૌથી મોટો ઉત્પાદક દેશ પણ છે અને તેનો સેમિકન્ડક્ટર ઉદ્યોગ વૈશ્વિક સફળતા માટે સજ્જ છે. આ પ્રગતિનો શ્રેય તાજેતરની સરકારી નીતિઓને આભારી છે, જેનો ઉદ્દેશ માળખાગત સુવિધાઓમાં સુધારો કરવાનો, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવાનો, વ્યવસાયિક કામગીરીને સરળ બનાવવાનો અને સ્થિર શાસનની ખાતરી કરવાનો છે. ભારત ભૌતિક, સામાજિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, તેની નવીન ડિજિટલ ટેકનોલોજીથી નોંધપાત્ર વૈશ્વિક અસર છે. ભારત હવે વિશ્વનું સૌથી વિશિષ્ટ ડિજિટલ જાહેર માળખું ધરાવે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં પહેલેથી જ સ્થાપિત થયેલી જર્મન કંપનીઓને તેમનું રોકાણ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું તથા હજુ સુધી ત્યાં હાજર ન હોય તેવી કંપનીઓને ભારતીય બજારમાં પ્રવેશવા વિચારણા કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતનાં વિકાસ સાથે તાલમેળ સાધવાનો આ યોગ્ય સમય છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ભારતની ગતિશીલતા અને જર્મનીની ચોકસાઈ, એન્જિનીયરિંગ અને નવીનતા વચ્ચે ભાગીદારી માટે અપીલ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે કેવી રીતે પ્રાચીન સંસ્કૃતિ તરીકે ભારતે હંમેશા વૈશ્વિક ભાગીદારીને આવકારી છે અને વિશ્વના સમૃદ્ધ ભવિષ્યના નિર્માણમાં જોડાવા માટે તમામને આમંત્રણ આપ્યું છે.
Addressing the News9 Global Summit. @News9Tweetshttps://t.co/bOCjBBMFPc
— Narendra Modi (@narendramodi) November 22, 2024
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Addressing the News9 Global Summit. @News9Tweetshttps://t.co/bOCjBBMFPc
— Narendra Modi (@narendramodi) November 22, 2024