Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓર્ડર ઓફ નાઇજરના ગ્રાન્ડ કમાન્ડરના એવોર્ડ પર પ્રધાનમંત્રીનું સ્વીકૃતિ ભાષણ

ઓર્ડર ઓફ નાઇજરના ગ્રાન્ડ કમાન્ડરના એવોર્ડ પર પ્રધાનમંત્રીનું સ્વીકૃતિ ભાષણ


મહામહિમ રાષ્ટ્રપતિ ટિનુબુ,

હું નાઇજિરિયાના રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી મને સન્માનિત કરવા બદલ આપનો, સરકાર અને નાઇજિરીયાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું નમ્રતા અને આદર સાથે આ સન્માન સ્વીકારું છું. અને, હું આ સન્માન ભારતની 1.4 અબજ જનતાને અને ભારત અને નાઇજીરિયાની વચ્ચેની મજબૂત મૈત્રીને સમર્પિત કરું છું. આ સન્માન આપણને ભારત અને નાઇજીરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત પ્રેરિત કરતું રહેશે.

મિત્રો,

ભારત અને નાઇજીરિયા વચ્ચેના સંબંધો પારસ્પરિક સહકાર, સંવાદિતા અને પારસ્પરિક સન્માન પર આધારિત છે. બે જીવંત લોકશાહીઓ અને ગતિશીલ અર્થતંત્રો તરીકે, અમે અમારા લોકોના કલ્યાણ માટે સતત સાથે મળીને કામ કર્યું છે. આપણા બંને દેશોમાં સામાજિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય આપણી ઓળખ છે, આપણી તાકાત છે. નાઇજીરિયાના ‘રિન્યૂડ હોપ એજન્ડા’ અને ભારતના ‘વિકસિત ભારત 2047’માં ઘણી બાબતો સમાન છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ટિનુબુની ભારત યાત્રાએ આપણા સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. આજે આપણે પારસ્પરિક સહયોગને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. અમે અર્થતંત્ર, ઊર્જા, કૃષિ, સુરક્ષા, ફિનટેક, લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગસાહસો અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં જોડાણ માટે નવી તકોની ઓળખ કરી છે. નજીકના અને વિશ્વસનીય ભાગીદાર તરીકે, નાઇજીરીયાના લોકોની જરૂરિયાતો અનુસાર, કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. નાઇજીરિયામાં રહેતા 60,000થી વધારે સભ્યોનો ભારતીય સમુદાય આપણાં સંબંધોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું રાષ્ટ્રપતિ ટિનુબુ અને તેમની સરકારનો તેમની કાળજી લેવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું.

મિત્રો,

નાઇજીરિયાએ આફ્રિકામાં નોંધપાત્ર અને સકારાત્મક ભૂમિકા ભજવી છે. અને, આફ્રિકા સાથે ગાઢ સંબંધો ભારત માટે ટોચની પ્રાથમિકતા છે. અમારા તમામ પ્રયત્નોમાં, અમે નાઇજિરિયા જેવા મૈત્રીપૂર્ણ દેશ સાથે ખભાથી ખભો મિલાવીને આગળ વધ્યા છીએ.

જેમ કે આફ્રિકામાં આ કહેવત છે: ‘મિત્ર તે હોય છે જેમની સાથે તમે તમારો રસ્તો શેર કરો છો.’ ભારત અને નાઇજીરિયા સાથે મળીને આપણા લોકો અને સમગ્ર આફ્રિકા ખંડની સમૃદ્ધિ માટે આગળ વધવાનું ચાલુ રાખશે.

ઘનિષ્ઠ સંકલન સાથે કામ કરીને અમે વૈશ્વિક દક્ષિણના હિતો અને પ્રાથમિકતાઓને મહત્ત્વ આપીશું.

મહામહિમ,

ફરી એક વાર, 1.4 અબજ ભારતીયો વતી, હું આ સન્માન માટે હૃદયપૂર્વક આભાર માનું છું.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com