Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેરળમાં પ્રધાનમંત્રીએ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

કેરળમાં પ્રધાનમંત્રીએ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ


કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી શ્રી પિનરાઇ વિજયનજી, રાજ્ય મંત્રી, મારા સાથી શ્રી વી. મુરલીધરનજી, ઇસરો પરિવારના તમામ સભ્યો, નમસ્કાર!

સાહસિક સાથીઓના સન્માનમાં ચાલો આપણે સૌ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સન્માન કરીએ. ભારત માતાની – જય!

ભારત માતાની – જય!

ભારત માતાની – જય!

ભારત માતાની – જય!

ખૂબ ખૂબ આભાર!

દરેક રાષ્ટ્રની વિકાસયાત્રામાં કેટલીક ક્ષણો એવી હોય છે, જે વર્તમાન અને આવનારી પેઢીઓને પરિભાષિત કરે છે. આજે ભારત માટે આ એક એવી જ ક્ષણ છે. આપણી આજની પેઢી ખૂબ જ ભાગ્યશાળી છે, જેને જળ, જમીન, આકાશ અને અવકાશમાં ઐતિહાસિક કાર્યોની ખ્યાતિ મળી રહી છે. થોડા સમય પહેલાં મેં અયોધ્યામાં કહ્યું હતું કે, આ એક નવા સમયચક્રની શરૂઆત છે. આ નવા સમયચક્રમાં ભારત દેશ વૈશ્વિક વ્યવસ્થામાં સતત પોતાની જગ્યાનું વિસ્તરણ કરી રહ્યો છે. અને આપણા અવકાશ કાર્યક્રમમાં પણ આ સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

સાથીઓ,

ગયા વર્ષે, ભારત એવો પ્રથમ દેશ બન્યો હતો જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. આજે શિવશક્તિ પોઇન્ટ સમગ્ર વિશ્વને ભારતના સામર્થ્યનો પરિચય કરાવી રહ્યું છે. હવે, વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે, આપણે બધા બીજી એક ઐતિહાસિક યાત્રાના સાક્ષી બની રહ્યા છીએ. થોડા સમય પહેલાં, દેશને તેના ચાર ગગનયાન મુસાફરો સાથે પ્રથમ વખત પરિચય થયો હતો. આ માત્ર ચાર નામ અને ચાર મનુષ્યો નથી, આ ચાર શક્તિઓ છે જે 140 કરોડ આકાંક્ષાઓને અવકાશમાં લઇ જાય છે. 40 વર્ષ પછી કોઇ ભારતીય અવકાશમાં જવા જઇ રહ્યું છે. પણ આ વખતે સમય પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણું છે. મને એ વાતની ખુશી છે કે આજે મને આ અવકાશયાત્રીઓને મળવાનો, તેમની સાથે વાત કરવાનો અને તેમને દેશ સમક્ષ રજૂ કરવાનો લ્હાવો મળ્યો છે. સમગ્ર દેશ વતી હું આ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેમને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું. આજે 21મી સદીના ભારતની સફળતામાં તમારું નામ પણ જોડાઇ ગયું છે.

તમે આજના ભારતનો વિશ્વાસ છો. તમે આજના ભારતનું શૌર્ય છો, સાહસ છો અને શિસ્ત છો. ભારતને ગૌરવ અપાવવા અને અવકાશમાં તિરંગો ફરકાવવા માટે તમે છેલ્લા ઘણા વર્ષોથી દિવસ-રાત પરિશ્રમ કરી રહ્યા છો. તમે ભારતની એ અમૃત પેઢીના પ્રતિનિધિ છો, જે પડકારોને પડકારવાની જુસ્સો ધરાવે છે. તમારા સખત તાલીમ મોડ્યૂલમાં યોગ એક મોટી ભૂમિકા ભજવે છે. આ મિશનમાં, સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર તેમજ આ બંને વચ્ચે સંકલન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે! તમે આ રીતે ચાલુ રાખો, મજબૂતી સાથે આગળ વધો. દેશના આશીર્વાદ તમારી સાથે છે, દેશની શુભેચ્છાઓ તમારી સાથે છે. હું તમને અને ગગનયાન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ લોકોને તાલીમ સામેલ ઇસરોના તમામ સાથીદારોને પણ મારી શુભેચ્છાઓ પાઠવું છું.

પરંતુ આની સાથે સાથે હું કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરવા માંગુ છું. અને તે વસ્તુઓ કેટલાક લોકોને કડવી લાગી શકે છે. દેશની જનતાને અને ખાસ કરીને દેશના મીડિયાને હું કરબદ્ધ પ્રાર્થના કરું છે કે, આ ચારેય મિત્રોએ છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત તપસ્યા કરી છે અને સાધના કરી છે; અને દુનિયાને પોતાનો ચહેરો બતાવ્યા વિના મહેનત કરી છે. પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. અને તેમને ખૂબ જ મુશ્કેલ કસોટીમાંથી પસાર થવાનું છે. તેમણે હજુ પણ તેમના શરીર અને મનને મજબૂત કરવા પડશે. પરંતુ આપણા દેશમાં આપણા લોકોનો જે સ્વભાવ છે તેના કારણે હવે આ ચારેય હસ્તીઓ બની ગયા છે. હવે જ્યારે પણ તે ક્યાંક જાય છે ત્યારે કોઇ તેનો ઓટોગ્રાફ લેવા દોડી આવે છે અને તેમને સેલ્ફી, ફોટો અને ઓટોગ્રાફ જોઇએ છે. હવે કેટલાક મીડિયાના લોકો પણ દંડા લઇને ઉભા રહી જશે. તેમના પરિવારના સભ્યોના વાળ ખેંચી લેશે. બાળપણમાં શું કરતા હતા, અહીં કેવી રીતે પહોંચ્યા? શિક્ષક પાસે દોડી જશે, શાળામાં જશે. મતલબ કે એવું વાતાવરણ સર્જાશે કે સાધનાનો સમયગાળામાં તેમને માટે અવરોધો ઉભા થઇ શકે છે.

અને તેથી મારી આપને કરબદ્ધ પ્રાર્થના છે કે હવે વાસ્તવિક વાર્તાની શરૂઆત થાય છે. આપણે તેમને જેટલો વધારે સહયોગ આપીશું, જેટલો તેમના પરિવારને ટેકો આપીશું એટલું સારું છે, ચાલો આવી કોઇ બાબતોમાં તેમને ગુંચવીએ નહીં. તેમનું એક જ ધ્યાન કેન્દ્રિત રહેવુ જોઇએ, તેમના હાથમાં તિરંગો છે, અંતરિક્ષ છે, 140 કરોડ દેશવાસીઓનું સપનું છે, તેમજ આપણા બધાનો સંકલ્પ છે. આજ જ ભાવના છે, તેથી જ આપણે બને તેટલું અનુકૂલન કરીશું. મને લાગે છે કે દેશનો સહયોગ ખૂબ જ જરૂરી છે. મારા મીડિયાના સાથીઓનો સહકાર મળે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી આ નામો બહાર આવ્યા નથી તેથી આપણું કામ સરળતાથી ચાલી રહ્યું હતું. પરંતુ હવે તેમના માટે પણ થોડી મુશ્કેલી વધશે. અને કદાચ એવું પણ બની શકે છ કે ક્યારેક તેઓને પણ એવું લાગશે કે – ચાલો, એક સેલ્ફી લઇએ, તો શું જવાનું છે. પરંતુ આપણે આ બધી બાબતોથી બચીને રહેવાનું છે.

સાથીઓ,

અહીંયા આ કાર્યક્રમ પહેલાં મને ગગનયાન વિશે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. વિવિધ સાધનો વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે ગગનયાનમાં ઉપયોગમાં લેવામાં આવતા મોટા ભાગના ઉપકરણો મેડ ઇન ઇન્ડિયા છે. આ કેટલો મોટો સંયોગ છે કે જ્યારે ભારત વિશ્વની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા માટે ઉડાન ભરવા જઇ રહ્યું છે, તેવા સમયે જ ભારતનું ગગનયાન પણ આપણા અવકાશ ક્ષેત્રને નવી ઊંચાઇઓ પર લઇ જઇ રહ્યું છે. આજે અહીં અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. તેનાથી વિશ્વસ્તરીય તકનીકના ક્ષેત્રમાં દેશની ક્ષમતા તો વધશે જ, પરંતુ સાથે સાથે રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

અને સાથીઓ,

મને ખુશી છે કે, આપણા અવકાશ ક્ષેત્રમાં નારી શક્તિને પણ ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન હોય કે ગગનયાન, મહિલા વૈજ્ઞાનિકો વિના આવા કોઇ મિશનની કલ્પના પણ કરી શકાતી નથી. આજે 500 કરતાં વધુ મહિલાઓ ઇસરોમાં ટોચના હોદ્દા પર સેવા આપે છે. હું અહીં ઉપસ્થિત તમામ મહિલા વૈજ્ઞાનિકો, ટેકનિશિયન અને એન્જિનિયરોની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. પરંતુ તેના કારણે પુરૂષ વર્ગે નારાજ ન થવું જોઇએ, તેમને તો અભિનંદન મળતા જ રહે છે.

સાથીઓ,

ભારતના અવકાશ ક્ષેત્રનું એક ઘણું મોટું યોગદાન છે, જેની વધુ ચર્ચા નથી થઇ શકતી. આ યોગદાન છે, યુવા પેઢીમાં વૈજ્ઞાનિક સ્વભાવના બીજ રોપવાનું. ઇસરોની સફળતા જોઇને ઘણા બાળકો મનમાં વિચારી રહ્યા છે કે હું પણ મોટો થઇને વૈજ્ઞાનિક બનીશ. રોકેટનું કાઉન્ટડાઉન… તેની ઉલટી ગણતરી… લાખો બાળકોને પ્રેરણા આપે છે. દરેક ઘરમાં કાગળના વિમાનો ઉડાડનાર જે એરોનોટિકલ એન્જિનિયર છે, તેઓ મોટા થઇને તમારા જેવા એન્જિનિયર અને વૈજ્ઞાનિક બનવાની ઇચ્છા રાખે છે. અને કોઇપણ દેશ માટે, તેની યુવા પેઢીની આ ઇચ્છાશક્તિ એક ખૂબ જ મોટી સંપત્તિ છે. મને યાદ છે કે જ્યારે ચંદ્રયાન-2નું ઉતરાણ થવાનો સમય હતો. આખા દેશના બાળકો એ ક્ષણ જોઇ રહ્યા હતા. તે ક્ષણે બાળકો ઘણું શીખ્યા હતા. ત્યારબાદ ગયા વર્ષે 23 ઑગસ્ટનો દિવસ આવ્યો. ચંદ્રયાનના સફળ ઉતરાણે યુવા પેઢીમાં નવો ઉત્સાહ ભરી દીધો. અમે આ દિવસને અવકાશ દિવસ તરીકે માન્યતા આપી છે. તમે બધાએ તમારી અવકાશ યાત્રામાં ભારતને આવી અનેક સિદ્ધિઓ આપી છે. આપણે અવકાશ ક્ષેત્રમાં ઘણા વિક્રમો બનાવ્યા છે. ભારત તેના પ્રથમ પ્રયાસમાં જ મંગળ પર પહોંચવામાં સફળ રહ્યું હતું. એક જ મિશનમાં સો કરતાં વધુ ઉપગ્રહો પ્રક્ષેપિત કરનારો પ્રથમ દેશ, આપણું ભારત છે. ચંદ્રયાનની સફળતા મળ્યા પછી પણ તમે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તમે આદિત્ય-L1ને પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂરના અંતરે તેની ભ્રમણકક્ષામાં સુરક્ષિત રીતે પહોંચાડી દીધું છે. વિશ્વના જૂજ દેશો જ આવું કરી શક્યા છે. 2024ને થોડાં અઠવાડિયાં જ થયાં છે, આટલા ઓછા સમયમાં તમે એક્સપોઝેટ અને ઇન્સેટ-3 ડીએસ જેવી સફળતા હાંસલ કરી છે.

સાથીઓ,

તમે બધા સાથે મળીને ભવિષ્ય માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલી રહ્યા છો. એક એવું અનુમાન છે કે, આવનારા દસ વર્ષમાં ભારતની અવકાશ અર્થવ્યવસ્થા પાંચ ગણી વૃદ્ધિ પામીને 44 અબજ ડૉલરના આંકડા સુધી પહોંચી જશે. અવકાશ ક્ષેત્રે ભારત એક વિશાળ વૈશ્વિક વ્યાપારી કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. આવનારા કેટલાક વર્ષોમાં આપણે ફરી એકવાર ચંદ્ર પર જઇશું. અને આ સફળતા પછી, આપણે આપણાં લક્ષ્યો વધુ ઊંચા નક્કી કર્યા છે. હવે આપણા મિશન તકનીકના દૃષ્ટિકોણથી વધુ પડકારજનક હશે. આપણે ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકઠા કરીશું અને તેમને પૃથ્વી પર પાછા લઇને આવીશું. આનાથી ચંદ્ર વિશેના આપણી જાણકારી અને સમજણમાં વધુ સુધારો આવશે. ત્યાર પછી, શુક્ર પણ ઇસરોના અલગ અલગ લક્ષ્યો પૈકી એક છે. 2035 સુધીમાં, ભારતનું અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે, જે આપણને અવકાશના અજાણ્યા ક્ષેત્રોનું અન્વેષણ કરવામાં મદદ કરશે. એટલું જ નહીં, આ અમૃતકાલ દરમિયાન ભારતના અવકાશ યાત્રી, ભારતના પોતાના રોકેટ સાથે ચંદ્ર પર ઉતરતા જોવા મળશે.

સાથીઓ,

21મી સદીનું ભારત, વિકસિસ થઇ રહેલું ભારત, આજે પોતાના સામર્થ્યથી વિશ્વને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. છેલ્લાં દસ વર્ષમાં આપણે લગભગ 400 ઉપગ્રહોને પ્રક્ષેપિત કર્યા છે. જ્યારે અગાઉનાં 10 વર્ષમાં માત્ર 33 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. દસ વર્ષ પહેલાં સમગ્ર દેશમાં માંડ એક કે બે સ્ટાર્ટઅપ હતા. આજે તેમની સંખ્યા બેસોનો આંકડો ઓળંગી ગઇ છે. આમાંના મોટાભાગના સ્ટાર્ટઅપ યુવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. આજે આવા કેટલાક લોકો આપણી વચ્ચે ઉપસ્થિત પણ છે. હું તેમની દૂરંદેશી, તેમની પ્રતિભા અને તેમની ઉદ્યમિતાની પ્રશંસા કરું છું. તાજેતરમાં કરવામાં આવેલા અવકાશ સંબંધિત સુધારાઓએ આ ક્ષેત્રને નવી ગતિ આપી છે. ગયા અઠવાડિયે જ અમે અવકાશમાં FDI નીતિ પણ બહાર પાડી છે. આ અંતર્ગત અવકાશ ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી પણ આપવામાં આવી છે. આ સુધારો કરવાથી વિશ્વની સૌથી મોટી અવકાશ સંસ્થાઓ ભારતમાં આવી શકશે અને અહીંના યુવાનોને સમગ્ર વિશ્વની સામે તેમની પ્રતિભા દર્શાવવાની તક પ્રાપ્ત થશે.

સાથીઓ,

આપણે સૌએ સાથે મળીને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પને સાકાર કરવામાં અવકાશ ક્ષેત્રની ભૂમિકા ખૂબ જ મોટી છે. અને અવકાશ વિજ્ઞાન એ માત્ર રોકેટ વિજ્ઞાન નથી, પરંતુ તે સૌથી મોટું સામાજિક વિજ્ઞાન પણ છે. અવકાશ તકનીકથી સમાજને સૌથી વધુ ફાયદો થાય છે, દરેકને ફાયદો થાય છે. આજે આપણા રોજિંદા જીવનમાં આપણે જે પણ તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેમાં અવકાશ તકનીકનો ઘણો મોટો ભાગ છે. ખેતીમાં પાકની જાળવણી કરવાની હોય, હવામાન, ચક્રવાત અને અન્ય આપદાઓ વિશેની માહિતી આપવાની હોય, સિંચાઇના સાધનો હોય, વાહન ચલાવવામાં મદદરૂપ થતા નકશા હોય, આવા ઘણા કાર્યો સેટેલાઇટ ડેટા દ્વારા જ કરવામાં આવે છે. ભારતના લાખો માછીમારોને NAVIC (નાવિક) દ્વારા સચોટ માહિતી મળી રહી છે તેની પાછળ પણ અવકાશની જ તાકાત છે. આપણા ઉપગ્રહો માત્ર આપણી સરહદોનું રક્ષણ કરવામાં મદદ કરે છે એવું નથી, તે દૂરના વિસ્તારોમાં શિક્ષણ, સંદેશાવ્યવહાર અને આરોગ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં પણ મદદ કરી રહ્યા છે. તેથી, વિકસિત ભારતના નિર્માણમાં તમારા બધાની, ઇસરોની અને સમગ્ર અવકાશ ક્ષેત્રની ખૂબ જ મોટી ભૂમિકા છે. ફરી એકવાર હું તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ટીમ ગગનયાનને ખાસ કરીને હું ખાસ કરીને 140 કરોડ દેશવાસીઓ વતી શુભેચ્છા પાઠવું છું! ફરી એકવાર તમને સૌને ખૂબ જ શુભેચ્છા સાથે, તમારો ખૂબ ખૂબ આભાર!

AP/GP/JD