સંત શિરોમણી આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીએ સમાધિ પ્રાપ્ત કરી અને આપણને સૌને દુઃખી કર્યા. તેમનું જીવન માનવતાના ઉત્થાન માટે અવિરત પ્રતિબદ્ધતાથી ભરેલા આધ્યાત્મિક સમૃદ્ધ યુગ સમાન ગહન શાણપણ અને અનંત કરુણાથી ભરપૂર હતું. મને અસંખ્ય પ્રસંગોએ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સન્માન મળ્યું છે. આમ, હું ખોટની ઊંડી લાગણી અનુભવું છું, તેમની સમાધિ એક માર્ગદર્શક પ્રકાશ ગુમાવવા સમાન છે જેમણે મારા સહિત અસંખ્ય આત્માઓ માટેના માર્ગને પ્રકાશિત કર્યો છે. એમની હૂંફ, સ્નેહ અને આશીર્વાદ એ માત્ર સદભાવનાના હાવભાવ જ નહોતાં, પણ આધ્યાત્મિક ઊર્જાનો ઊંડો સંચાર હતો. આઅ ઉર્જા એમના સંપર્કમાં આવ્યા હોય તેટલા નસીબદાર સૌને સશક્ત અને પ્રેરણા પૂરી પાડતી હતી.
પૂજ્ય આચાર્યજીને હંમેશા જ્ઞાન, કરૂણા અને સેવાના ત્રિવેણીના રૂપમાં યાદ કરવામાં આવશે. તેઓ એક સાચા તપસ્વી હતા, જેમનું જીવન ભગવાન મહાવીરના આદર્શોનું પ્રતીક હતું. તેમના જીવને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, અને તેમનાં પોતાનાં કાર્યો અને ઉપદેશો દ્વારા તેના આદર્શોને મૂર્તિમંત કર્યા હતા. તમામ જીવો પ્રત્યેની તેમની કાળજી જૈન ધર્મના જીવન પ્રત્યેના અગાધ આદરને પ્રતિબિંબિત કરે છે. તેઓ સત્યનિષ્ઠાનું જીવન જીવતા હતા, જે જૈન ધર્મના વિચાર, શબ્દ અને કાર્યમાં પ્રામાણિકતા પરના ભારને પ્રતિબિંબિત કરે છે. તે ખૂબ જ સરળ જીવનશૈલી પણ જીવતા હતા. તેમના જેવા દિગ્ગજોને કારણે જ દુનિયા જૈન ધર્મ અને ભગવાન મહાવીરના જીવનથી પ્રેરિત છે. તેઓ જૈન સમુદાયમાં ઉંચા હતા પરંતુ તેમની અસર અને પ્રભાવ ફક્ત એક સમુદાય સુધી મર્યાદિત નહોતા. વિવિધ ધર્મ, પ્રદેશ અને સંસ્કૃતિના લોકો તેમની પાસે આવ્યા અને તેમણે આધ્યાત્મિક જાગૃતિ માટે, ખાસ કરીને યુવાનો માટે અવિરત પણે કામ કર્યું.
શિક્ષણ એ તેમના હૃદયની ખૂબ નજીકનું ક્ષેત્ર હતું. વિદ્યાધર (તેમના બાળપણનું નામ) થી વિદ્યાસાગર સુધીની તેમની યાત્રા જ્ઞાન પ્રાપ્ત કરવા અને આપવા માટેની ઊંડી પ્રતિબદ્ધતામાંની એક હતી. તે તેમની દ્રઢ માન્યતા હતી કે શિક્ષણ એ ન્યાયી અને પ્રબુદ્ધ સમાજનો પાયો છે. તેમણે વ્યક્તિઓને સશક્ત બનાવવાના સાધન તરીકે જ્ઞાનના ધ્યેયની હિમાયત કરી હતી, જે તેમને હેતુ અને યોગદાનનું જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. તેમના ઉપદેશોએ સાચા શાણપણના માર્ગ તરીકે સ્વ–અભ્યાસ અને સ્વ–જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો, અને તેમના અનુયાયીઓને આજીવન શિક્ષણ અને આધ્યાત્મિક વિકાસમાં જોડાવા વિનંતી કરી હતી.
તે જ સમયે, સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગરજી મહારાજજી ઇચ્છતા હતા કે આપણા યુવાનો એક એવું શિક્ષણ મેળવે કે જેનું મૂળ આપણી સાંસ્કૃતિક નીતિ પણ છે. તેઓ ઘણી વાર કહેતા કે ભૂતકાળની શીખથી આપણે દૂર થઈ ગયા છીએ એટલે જ આપણે પાણીની તંગી જેવા મહત્ત્વના પડકારોનો ઉકેલ શોધી શક્યા નથી. તેઓ એમ પણ માનતા હતા કે સાકલ્યવાદી શિક્ષણ તે છે જે કુશળતા અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે ભારતની ભાષાકીય વિવિધતા પર ખૂબ ગર્વ અનુભવ્યો હતો અને યુવાનોને ભારતીય ભાષાઓ શીખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પૂજ્ય આચાર્યજીએ પોતે સંસ્કૃત, પ્રાકૃત અને હિંદીમાં ઘણું બધું લખ્યું છે. એક સંત તરીકે તે જે ઊંચાઈએ પહોંચ્યા હતા, અને છતાં તે એટલા નમ્ર હતા કે તે તેમના આઇકોનિક વર્ક મૂકમતીમાં સ્પષ્ટપણે જોવા મળે છે. પોતાના કાર્યો દ્વારા તેમણે કચડાયેલા લોકોને અવાજ આપ્યો.
હેલ્થકેરના ક્ષેત્રમાં પણ પૂજ્ય આચાર્યજીનું યોગદાન પરિવર્તનકારી હતું. તેઓ અનેક પ્રયાસો સાથે સંકળાયેલા હતા, ખાસ કરીને વંચિત વિસ્તારોમાં. સ્વાથ્ય સેવાઓ પ્રત્યેનો તેમનો અભિગમ સર્વગ્રાહી હતો, જેણે ભૌતિક સુખાકારીને આધ્યાત્મિક સુખાકારી સાથે સંકલિત કરી હતી અને આ રીતે સમગ્ર વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરી હતી.
હું ખાસ કરીને આવનારી પેઢીઓને આગ્રહ કરીશ કે તેઓ સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજજીની રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશે વિસ્તૃત અભ્યાસ કરે. તે હંમેશાં લોકોને કોઈપણ પક્ષપાતી વિચારણાઓથી ઉપર ઉઠવા અને તેના બદલે રાષ્ટ્રીય હિત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે. તેઓ મતદાનના સૌથી મજબૂત હિમાયતીઓમાંના એક હતા કારણ કે તેઓ તેને લોકશાહી પ્રક્રિયાઓમાં ભાગીદારીની અભિવ્યક્તિ તરીકે જોતા હતા. તેમણે તંદુરસ્ત તેમજ સ્વચ્છ રાજકારણની હિમાયત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માણ લોકોના કલ્યાણ માટે હોવું જોઈએ, સ્વાર્થ માટે નહીં (Lokneeti is about Loksangrah not Lobhsangrah).
તેઓ માનતા હતા કે એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ તેના નાગરિકોની તેમની ફરજો પ્રત્યેની – પોતાની જાત પ્રત્યેની, તેમના પરિવારો, સમાજ અને દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતાના પાયા પર થાય છે. તેમણે વ્યક્તિઓને પ્રામાણિકતા અને આત્મનિર્ભરતા જેવા સદગુણો કેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેને તેમણે ન્યાયી, કરુણાપૂર્ણ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે આવશ્યક તરીકે જોયું હતું. ફરજો પરનો આ ભાર ખૂબ મહત્વનો છે કારણ કે આપણે વિકસિત ભારતના નિર્માણ તરફ કામ કરીએ છીએ.
એક એવા યુગમાં જ્યાં સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય અધઃપતન વ્યાપકપણે થઈ રહ્યું છે, પૂજ્ય આચાર્યજીએ એવી જીવનશૈલીની હાકલ કરી હતી, જે પ્રકૃતિને થતા નુકસાનને ઓછું કરી શકે. એ જ રીતે, તેમણે આપણા અર્થતંત્રમાં કૃષિ માટે સર્વોચ્ચ ભૂમિકા જોઈ અને કૃષિને આધુનિક અને ટકાઉ બનાવવા પર પણ ભાર મૂક્યો. જેલના કેદીઓને સુધારવાની દિશામાં તેમનું કાર્ય પણ નોંધપાત્ર હતું.
આપણી ભૂમિની સુંદરતા એ છે કે હજારો વર્ષોથી આપણી ધરતીએ એવા મહાન લોકો પેદા કર્યા છે કે જેમણે બીજાને પ્રકાશ બતાવ્યો છે અને આપણા સમાજને વધુ સારો બનાવ્યો છે. પૂજ્ય આચાર્યજી સંતો અને સમાજ સુધારકોની આ પરંપરામાં એક વિશાળ વ્યક્તિ તરીકે ઉભા છે. તેમણે જે કંઈ પણ કર્યું, તે માત્ર વર્તમાન માટે જ નહીં પરંતુ ભવિષ્ય માટે પણ કર્યું. ગયા વર્ષે નવેમ્બરમાં, છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરી જૈન મંદિરમાં મને તેમની મુલાકાત લેવાની તક મળી હતી. મને ખબર નહોતી કે આ મુલાકાત પૂજ્ય આચાર્યજી સાથેની મારી છેલ્લી મુલાકાત હશે. તે ક્ષણો ખૂબ જ ખાસ હતી. તેમણે લાંબા સમય સુધી મારી સાથે વાત કરી હતી અને રાષ્ટ્રની સેવા કરવાના મારા પ્રયાસો માટે મને આશીર્વાદ આપ્યા હતા. તેમણે આપણો દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે અને ભારતને વૈશ્વિક મંચ પર જે સન્માન મળી રહ્યું છે તેના પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓ જે કામ કરી રહ્યા હતા તેની વાત કરતી વખતે તેઓ ઉત્સાહથી ભરાઈ ગયા હતા. તેમની નમ્ર નજર અને શાંત સ્મિત શાંતિના હેતુની ભાવનાને પ્રદર્શિત કરવા માટે પૂરતા હતા. તેમના આશીર્વાદો આત્મા પર એક સુખદ મલમ જેવા લાગતા હતા, જે અમારી અંદર અને આપણી આસપાસના દૈવી અસ્તિત્વની યાદ અપાવે છે.
સંત શિરોમણી આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીની શૂન્યતાને એ બધા જ લોકો અનુભવે છે, જેઓ તેમને જાણતા હતા અને તેમના ઉપદેશો અને તેમના જીવનથી પ્રભાવિત થયા હતા. તેઓ જેમને પ્રેરણા આપી હતી એવા લોકોના દિલ અને દિમાગમાં જીવે છે. તેમની સ્મૃતિને માન આપીને, અમે તેમણે સમર્થન આપેલા મૂલ્યોને મૂર્ત સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ રીતે, આપણે માત્ર એક મહાન આત્માને જ શ્રદ્ધાંજલિ નથી આપતા, પરંતુ આપણા દેશ અને લોકો માટેના તેમના ધ્યેયને પણ આગળ વધારીએ છીએ.
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com