Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તમિલનાડુની તિરુચિરાપલ્લી સ્થિત ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ તમિલનાડુની તિરુચિરાપલ્લી સ્થિત ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં 38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીદાસન યુનિવર્સિટીનો 38મો પદવીદાન સમારંભ અતિ વિશેષ છે, કારણ કે નવા વર્ષ 2024માં આ તેમનો પ્રથમ જાહેર સંવાદ છે. તેમણે તમિલનાડુનાં સુંદર રાજ્યમાં અને યુવાનો વચ્ચે ઉપસ્થિત રહેવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ભારતીદાસન વિશ્વવિદ્યાલયમાં પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેનારા પ્રથમ પ્રધાનમંત્રી બનવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમણે આ પ્રસંગે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ, તેમનાં શિક્ષકો અને માતાપિતાને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની રચના સામાન્ય રીતે કાયદાકીય પ્રક્રિયા છે અને ધીમે ધીમે નવી કોલેજો જોડાય છે અને યુનિવર્સિટી વિકસે છે, જો કે ભારતીદાસન યુનિવર્સિટીની રચના અલગ રીતે કરવામાં આવી હતી, કારણ કે હાલની ઘણી પ્રસિદ્ધ કોલેજોને એકમંચ પર લાવવામાં આવી હતી, જેથી આ યુનિવર્સિટીની રચના થઈ શકે અને મજબૂત અને પરિપક્વ પાયાનું નિર્માણ થઈ શકે, જે યુનિવર્સિટીને ઘણાં ક્ષેત્રોમાં અસરકારક બનાવે છે.

પ્રધાનમંત્રીએ નાલંદા અને તક્ષશિલાની પ્રાચીન યુનિવર્સિટીઓ પર પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે, “આપણો દેશ અને તેની સભ્યતા હંમેશા જ્ઞાનની આસપાસ કેન્દ્રિત રહી છે.” તેમણે કાંચીપુરમ, ગંગાઈકોંડા ચોલાપુરમ અને મદુરાઈનો ઉલ્લેખ પણ કર્યો હતો કે, તેઓ મહાન વિશ્વવિદ્યાલયોનું ઘર છે, જ્યાં દુનિયાભરના વિદ્યાર્થીઓ અવારનવાર આવતા રહે છે.

પદવીદાન સમારંભની વિભાવના પ્રાચીન હોવા વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ તમિલ સંગમમનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં કવિઓ અને બૌદ્ધિકોએ વિશ્લેષણ માટે કવિતાઓ અને સાહિત્ય પ્રસ્તુત કર્યું હતું, જેના પગલે વિશાળ સમાજે આ કૃતિઓને માન્યતા આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ તર્કનો ઉપયોગ આજે પણ શૈક્ષણિક અને ઉચ્ચ શિક્ષણમાં થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, “યુવાન વિદ્યાર્થીઓ જ્ઞાનની મહાન ઐતિહાસિક પરંપરાનો ભાગ છે.”

રાષ્ટ્રને દિશા પ્રદાન કરવામાં યુનિવર્સિટીઓની ભૂમિકા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, કેવી રીતે જીવંત વિશ્વવિદ્યાલયોની હાજરીને કારણે દેશ અને સંસ્કૃતિ જીવંત બની હતી. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે જ્યારે દેશ પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે રાષ્ટ્રની જ્ઞાન પ્રણાલીને નિશાન બનાવવામાં આવી હતી. મહાત્મા ગાંધી, પંડિત મદન મોહન માલવિયા અને સર અન્નામલાઈ ચેટ્ટીયરનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે 20મી સદીની શરૂઆતમાં વિશ્વવિદ્યાલયોની શરૂઆત કરી હતી, જે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જ્ઞાન અને રાષ્ટ્રવાદનું કેન્દ્ર બની હતી. એ જ રીતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતનાં ઉત્થાન પાછળનું એક પરિબળ તેની યુનિવર્સિટીઓનો ઉદય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારત આર્થિક વૃદ્ધિમાં વિક્રમો સ્થાપિત કરે છે, સૌથી ઝડપથી વિકસતું પાંચમું મોટું અર્થતંત્ર બન્યું છે અને ભારતીય વિશ્વવિદ્યાલયોએ વિક્રમી સંખ્યામાં વૈશ્વિક રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે.

પ્રધાનમંત્રીએ યુવાન વિદ્વાનોને શિક્ષણના ઉદ્દેશ અને સમાજ વિદ્વાનોને કેવી રીતે જુએ છે તે વિશે ઊંડાણપૂર્વક વિચારવા જણાવ્યું હતું. તેમણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ટાંક્યા હતા કે, શિક્ષણ આપણને કેવી રીતે તમામ અસ્તિત્વ સાથે સુમેળમાં રહેવાનું શીખવે છે. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આજની તારીખે લાવવામાં સમગ્ર સમાજે ભૂમિકા ભજવી છે અને તેમને પરત આપવાનાં, વધુ સારા સમાજ અને દેશનું નિર્માણ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. “એક રીતે જોઈએ તો અહીંનો દરેક સ્નાતક 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપી શકે છે.

પ્રધાનમંત્રીએ વર્ષ 2047 સુધીનાં વર્ષને રાષ્ટ્રનાં ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ વર્ષ બનાવવાની યુવાન લોકોની ક્ષમતા પર પોતાનાં વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો હતો. વિશ્વવિદ્યાલયનાં સૂત્ર ચાલો, આપણે નવી દુનિયાનું નિર્માણ કરીએનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય યુવાનો અગાઉથી જ આ પ્રકારની દુનિયાનું નિર્માણ કરી રહ્યાં છે. તેમણે રોગચાળા દરમિયાન રસી બનાવવા, ચંદ્રયાન અને પેટન્ટની સંખ્યા વર્ષ 2014માં 4,000થી વધીને અત્યારે આશરે 50,000 થઈ ગઈ છે, એનાં સંબંધમાં યુવાન ભારતીયોનાં યોગદાનની યાદી આપી હતી. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે ભારતના માનવતાના વિદ્વાનો ભારતની વાર્તાને પહેલાની જેમ પ્રદર્શિત કરી રહ્યા છે. તેમણે ખેલૈયાઓ, સંગીતકારો, કલાકારોની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “તમે દુનિયામાં પ્રવેશી રહ્યાં છો, જ્યારે દરેક વ્યક્તિ તમને દરેક ક્ષેત્રમાં નવી આશા સાથે જુએ છે.”

યૌવન એટલે ઊર્જા. તેનો અર્થ એ છે કે ઝડપ, કૌશલ્ય અને સ્કેલ સાથે કામ કરવાની ક્ષમતા.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર છેલ્લાં થોડાં વર્ષોમાં સમાન ઝડપ અને સ્કેલ સાથે વિદ્યાર્થીઓને મેચ કરવા કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ છેલ્લાં 10 વર્ષ દરમિયાન દેશમાં એરપોર્ટને બમણાં કરીને 74થી આશરે 150 કરવા, તમામ મુખ્ય બંદરોની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા બમણી કરવા, હાઇવેની ઝડપ અને નિર્માણનાં સ્કેલને બમણું કરવા અને સ્ટાર્ટઅપ્સની સંખ્યા વર્ષ 2014માં 100થી ઓછી હતી, જે વધીને આશરે 1 લાખ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારત દ્વારા મહત્વપૂર્ણ અર્થતંત્રો સાથે અનેક વેપારી સમજૂતીઓ હાંસલ કરવા વિશે પણ વાત કરી હતી, જેથી ભારતની ચીજવસ્તુઓ અને સેવાઓ માટે નવા બજારો ખુલી રહ્યા છે, ત્યારે યુવાનો માટે અગણિત તકોનું સર્જન થયું છે. તેમણે કહ્યું હતું કે, દરેક વૈશ્વિક સમાધાનનાં ભાગરૂપે ભારતનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેમણે જી20 જેવી સંસ્થાઓને મજબૂત કરવા, આબોહવામાં પરિવર્તન સામે લડવા અને વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં મોટી ભૂમિકા ભજવવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઘણી રીતે સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને કારણે ભારતમાં યુવાન બનવાનો આ શ્રેષ્ઠ સમય છે.” શ્રી મોદીએ વિદ્યાર્થીઓને આ સમયનો મહત્તમ લાભ લેવા અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા અપીલ કરી હતી.

યુનિવર્સિટીની સફરનો આજે અંત આવી રહ્યો છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષણની સફરનો કોઈ અંત નથી. તેમણે કહ્યું, “જીવન હવે તમારું શિક્ષક બની જશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સતત શીખવાની ભાવના સાથે શીખવાની, પુનઃકૌશલ્ય સ્થાપિત કરવા અને અપસ્કિલિંગ પર સક્રિયપણે કામ કરવું મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીએ સમાપન કર્યું હતું કે, “ઝડપથી બદલાતી દુનિયામાં, કાં તો તમે પરિવર્તનને ચલાવો છો અથવા પરિવર્તન તમને આગળ ધપાવે છે.”

આ પ્રસંગે તમિલનાડુનાં રાજ્યપાલ અને ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં ચાન્સેલર શ્રી આર એન રવિ, તમિલનાડુનાં મુખ્યમંત્રી શ્રી એમ કે સ્ટાલિન, વાઇસ ચાન્સેલર ડૉ. એમ. સેલ્વમ અને પ્રોચાન્સેલર શ્રી આર એસ રાજકન્નપ્પન ઉપસ્થિત રહ્યાં હતાં.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com