પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબર, 2023નાં રોજ સવારે 9:45 વાગ્યે નવી દિલ્હીનાં પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2023ની સાતમી એડિશનનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને 100 ‘5G યુઝ કેસ લેબ્સ‘ એનાયત કરશે. આ લેબ્સ ‘100 5G લેબ્સ પહેલ‘ હેઠળ વિકસિત કરવામાં આવી રહી છે.
‘100 5G લેબ્સ ઇનિશિયેટિવ‘, 5G એપ્લિકેશન્સના વિકાસને પ્રોત્સાહન આપીને 5G ટેકનોલોજી સાથે સંકળાયેલી તકોને પ્રાપ્ત કરવાનો એક પ્રયાસ છે, જે ભારતની વિશિષ્ટ જરૂરિયાતો અને વૈશ્વિક માગ એમ બંને પૂર્ણ કરે છે. આ અનોખી પહેલ શિક્ષણ, કૃષિ, સ્વાસ્થ્ય, વીજળી, પરિવહન વગેરે જેવા વિવિધ સામાજિક–આર્થિક ક્ષેત્રોમાં નવીનતાને પ્રોત્સાહન આપશે અને દેશને 5G ટેકનોલોજીના ઉપયોગમાં મોખરે લાવશે. આ પહેલ દેશમાં 6G–રેડી શૈક્ષણિક અને સ્ટાર્ટ–અપ ઇકોસિસ્ટમના નિર્માણ માટે પણ એક મહત્વપૂર્ણ પગલું છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, આ પહેલ સ્વદેશી ટેલિકોમ ટેકનોલોજીના વિકાસ તરફનું એક પગલું છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે.
ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી) એશિયામાં સૌથી મોટું ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ છે અને 27 થી 29 ઓક્ટોબર, 2023 સુધી યોજાશે. આ ઇવેન્ટ ટેલિકમ્યુનિકેશન્સ અને ટેકનોલોજીમાં ભારતની અવિશ્વસનીય પ્રગતિને ઉજાગર કરવા, નોંધપાત્ર જાહેરાતો રજૂ કરવા અને સ્ટાર્ટ–અપ્સને તેમના નવીન ઉત્પાદનો અને સોલ્યુશન્સ પ્રદર્શિત કરવાની તક પ્રદાન કરવા માટેના એક મંચ તરીકે કામ કરશે.
‘ગ્લોબલ ડિજિટલ ઇનોવેશન‘ની થીમ સાથે આઇએમસી 2023નો ઉદ્દેશ મુખ્ય અત્યાધુનિક ટેકનોલોજીના ડેવલપર, ઉત્પાદક અને નિકાસકાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવાનો છે. ત્રણ દિવસની આ કોંગ્રેસમાં 5જી, 6જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) જેવી ટેક્નોલોજીને હાઇલાઇટ કરવામાં આવશે અને સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી, ગ્રીન ટેકનોલોજી, સાઇબર સિક્યોરિટી વગેરેને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ વર્ષે, આઇએમસી એક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ – ‘એસ્પાયર‘ રજૂ કરી રહ્યું છે. તે નવી ઉદ્યોગસાહસિક પહેલો અને જોડાણોને ઉત્પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સ્થાપિત વ્યવસાયો વચ્ચે જોડાણોને પ્રોત્સાહન આપશે.
આઈએમસી 2023માં લગભગ 22 દેશોના એક લાખથી વધુ સહભાગીઓ ભાગ લેશે, જેમાં લગભગ 5000 સીઈઓ સ્તરના પ્રતિનિધિઓ, 230 એક્ઝિબિટર્સ, 400 સ્ટાર્ટઅપ્સ અને અન્ય હિતધારકોનો સમાવેશ થાય છે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com