પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જોધપુરમાં માર્ગ, રેલવે, ઉડ્ડયન, સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં જોધપુરની એઈમ્સમાં 350-બેડના ટ્રોમા સેન્ટર અને ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોકનો શિલાન્યાસ, પીએમ–એએચઆઈએમ હેઠળ 7 ક્રિટિકલ કેર બ્લોક અને જોધપુર એરપોર્ટ પર ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગના વિકાસનો સમાવેશ થાય છે. તેમણે રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીને આઇઆઇટી જોધપુર કેમ્પસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન્સ સમર્પિત કર્યા હતા. તેમણે વિવિધ માર્ગ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો અને બે અન્ય રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું, જેમાં 145 કિલોમીટરની લંબાઈ ધરાવતા દેગના–રાય કા બાગને ડબલિંગ કરવા અને 58 કિલોમીટરની લંબાઈ ધરાવતી દેગના–કુચામન સિટી રેલવે લાઇનનું ડબલિંગ સામેલ છે. શ્રી મોદીએ રાજસ્થાનમાં બે નવી ટ્રેનસેવાઓને– રૂનિચા એક્સપ્રેસ – જેસલમેરથી દિલ્હીને જોડતી અને મારવાડ જેએન– ખંબલી ઘાટને જોડતી નવી હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ વીર દુર્ગાદાસની ભૂમિને વંદન કર્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સતત પ્રયાસોનાં પરિણામો આજની પરિયોજનાઓ સાથે જોઈ અને અનુભવી શકાય છે. તેમણે આ માટે રાજસ્થાનનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજસ્થાન એક એવું રાજ્ય છે, જ્યાં દેશની વીરતા, સમૃદ્ધિ અને સંસ્કૃતિમાં પ્રાચીન ભારતનો મહિમા દેખાય છે. તેમણે તાજેતરમાં જોધપુરમાં એક ખૂબ જ વખાણાયેલી જી ૨૦ મીટિંગને પણ યાદ કરી. તેમણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સનસિટી જોધપુરના આકર્ષણને રેખાંકિત કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, “રાજસ્થાન, જે ભારતના ભૂતકાળના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે, તે ભારતના ભવિષ્યનું પણ પ્રતિનિધિત્વ કરે તે મહત્વનું છે. આવું ત્યારે જ થશે જ્યારે મેવાડથી મારવાડ સુધી સમગ્ર રાજસ્થાન વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે અને આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ અહીં થશે.”
તેમણે જણાવ્યું હતું કે, બિકાનેર અને બાડમેરમાંથી પસાર થતો જામનગર એક્સપ્રેસવે તથા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે રાજસ્થાનમાં હાઈટેક માળખાનું ઉદાહરણ છે.
તેમણે માહિતી આપી હતી કે આ વર્ષે રાજસ્થાનમાં રેલવે માટે આશરે 9500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે અગાઉની સરકારોના સરેરાશ બજેટ કરતા 14 ગણો વધારે છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, રાજસ્થાનમાં આઝાદીથી લઈને અત્યાર સુધી વર્ષ 2014 સુધીમાં આશરે 600 કિલોમીટરની રેલવે લાઇનોનું વિદ્યુતીકરણ થયું હતું, પણ વર્તમાન સરકારે છેલ્લાં 9 વર્ષમાં 3700 કિલોમીટરથી વધારે રેલવે લાઇનનું વિદ્યુતીકરણ કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હવે ડિઝલ એન્જિન ટ્રેનોને બદલે આ ટ્રેક પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવવામાં આવશે.” તેમણે નોંધ્યું હતું કે, તેનાથી રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવામાં અને હવાને સ્વચ્છ રાખવામાં મદદ મળશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં 80થી વધારે રેલવે સ્ટેશનોનો પુનઃવિકાસ થઈ રહ્યો છે. તેમણે દેશમાં એરપોર્ટના વિકાસની જેમ ગરીબો દ્વારા અવારનવાર આવતા રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જોધપુર રેલવે સ્ટેશનનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજની રેલવે અને રોડ પરિયોજનાઓ રાજ્યમાં વિકાસની ગતિને વેગ આપશે. તેમણે રેલવે લાઇનો ડબલ થવાને કારણે ટ્રેનોનાં પ્રવાસનાં સમયમાં થયેલા ઘટાડાનો ઉલ્લેખ કર્યો હતો તથા જેસલમેરને દિલ્હીને જોડતી રૂનિચા એક્સપ્રેસ તથા મારવાડ જેએન– ખંબલી ઘાટને જોડતી નવી હેરિટેજ ટ્રેનને આજે અને થોડાં દિવસો અગાઉ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવાની નોંધ લીધી હતી. તેમણે આજે 3 માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાની સાથે–સાથે જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ ભવનના વિકાસ અંગે પણ વાત કરી હતી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજની વિવિધ પરિયોજનાઓ પ્રાદેશિક અર્થતંત્રને મજબૂત કરવાની સાથે–સાથે રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે–સાથે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને નવી ઊર્જા પ્રદાન કરશે.
મેડિકલ અને એન્જિનીયરિંગ શિક્ષણમાં રાજસ્થાનના વિશેષ સ્થાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કોટાના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, પ્રયાસ એ છે કે રાજસ્થાન શિક્ષણની સાથે–સાથે મેડિકલ અને એન્જિનીયરિંગનું પણ કેન્દ્ર બને. આ માટે જોધપુર એઈમ્સમાં ‘ટ્રોમા, ઈમરજન્સી અને ક્રિટિકલ કેર‘ની સુવિધા વિકસાવવામાં આવી રહી છે અને પ્રધાનમંત્રી – આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (પીએમ–એએચઆઈએમ) હેઠળ સાત ક્રિટિકલ કેર બ્લોક સમગ્ર રાજસ્થાનમાં વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, “એઇમ્સ જોધપુર અને આઇઆઇટી જોધપુરને માત્ર રાજસ્થાનની જ નહીં, પણ દેશની ટોચની સંસ્થાઓમાં સ્થાન ધરાવતી જોઈને મને ઘણો આનંદ થાય છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એઈમ્સ અને આઈઆઈટી જોધપુરે સાથે મળીને મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી સંભાવનાઓ પર કામ શરૂ કર્યું છે. રોબોટિક સર્જરી જેવી હાઈટેક મેડિકલ ટેકનોલોજી ભારતને રિસર્ચ અને ઈન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ અપાવશે. તેનાથી મેડિકલ ટૂરિઝમને પણ પ્રોત્સાહન મળશે.”
પ્રધાનમંત્રીએ ગુરુ જંબેશ્વર અને બિશ્નોઈના સમુદાયો પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, “રાજસ્થાન પ્રકૃતિ અને પર્યાવરણને ચાહતા લોકોની ભૂમિ છે.” તેમણે ગુરુ જંબેશ્વર અને બિશ્નોઈના સમુદાયો પર પ્રકાશ પાડ્યો હતો, જેઓ સદીઓથી આ જીવનશૈલી જીવે છે અને દુનિયા અનુસરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ વારસાને આધારે ભારત અત્યારે સંપૂર્ણ દુનિયાને માર્ગદર્શન આપી રહ્યું છે.” તેમણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સરકારના પ્રયાસો પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરીને અંતમાં કહ્યું કે, રાજસ્થાનનો વિકાસ થવાથી જ ભારતનો વિકાસ થશે. શ્રી મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, “આપણે સાથે મળીને રાજસ્થાનનો વિકાસ કરવો પડશે અને તેને સમૃદ્ધ બનાવવું પડશે.”
આ પ્રસંગે રાજસ્થાનનાં રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર અને કેન્દ્રીય મંત્રીઓ શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને કૈલાસ ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં.
પાશ્વભૂમિ
પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવા માટેનાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, જોધપુરમાં 350 પથારી ધરાવતાં ‘ટ્રોમા સેન્ટર એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક‘ તથા સમગ્ર રાજસ્થાનમાં વિકસાવવામાં આવનાર પ્રધાનમંત્રી – આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) હેઠળ સાત ક્રિટિકલ કેર બ્લોક સામેલ છે. એઈમ્સ જોધપુર ખાતે ‘ટ્રોમા, ઇમરજન્સી એન્ડ ક્રિટિકલ કેર‘ માટેનું ઇન્ટિગ્રેટેડ સેન્ટર 350 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે. તેમાં ટ્રાઇએજ, ડાયગ્નોસ્ટિક્સ, ડેકેર, વોર્ડ, પ્રાઇવેટ રૂમ, મોડ્યુલર ઓપરેટિંગ થિયેટર્સ, આઇસીયુ અને ડાયાલિસિસ એરિયા જેવી વિવિધ સુવિધાઓ સામેલ હશે. તે દર્દીઓને મલ્ટિડિસિપ્લિનરી અને વ્યાપક સંભાળ પ્રદાન કરીને આઘાત અને કટોકટીના કેસોના સંચાલન માટે સાકલ્યવાદી અભિગમ લાવશે. સમગ્ર રાજસ્થાનમાં સાત ક્રિટિકલ કેર બ્લોકથી જિલ્લા–સ્તરના ક્રિટિકલ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થશે, જેનાથી રાજ્યના લોકોને લાભ થશે.
પ્રધાનમંત્રીએ જોધપુર એરપોર્ટ પર અત્યાધુનિક ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનાં વિકાસ માટે શિલારોપણ પણ કર્યું હતું. કુલ 480 કરોડના ખર્ચે તૈયાર થનારા આ નવા ટર્મિનલ બિલ્ડિંગને લગભગ 24,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે અને પીક અવર્સ દરમિયાન 2,500 મુસાફરોને સેવા પૂરી પાડવા માટે સજ્જ કરવામાં આવશે. તે દર વર્ષે 35 લાખ મુસાફરોને સેવા પૂરી પાડશે, કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને આ વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહન આપશે.
પ્રધાનમંત્રીએ આઈઆઈટી જોધપુર પરિસરને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. 1135 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે અત્યાધુનિક સંશોધન અને નવીનતાની પહેલોને ટેકો આપવા માટે ઉચ્ચ–ગુણવત્તાયુક્ત સંપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવા અને માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવાની દિશામાં એક પગલું છે.
રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા માટે પ્રધાનમંત્રીએ દેશને ‘સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબોરેટરી‘, સ્ટાફ ક્વાર્ટર્સ અને ‘યોગ એન્ડ સ્પોર્ટ્સ સાયન્સ બિલ્ડિંગ‘ અર્પણ કર્યું હતું. તેઓ રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સેન્ટ્રલ લાઇબ્રેરી, 600 કેપેસિટી હોસ્ટેલ અને વિદ્યાર્થીઓ માટે જમવાની સુવિધાનો શિલાન્યાસ કરશે.
રાજસ્થાનમાં રોડ માળખાગત સુવિધામાં સુધારો કરવા માટેના એક પગલામાં પ્રધાનમંત્રીએ એનએચ-125એ પર જોધપુર રિંગ રોડના કારવારથી ડાંગિયાવાસ સેક્શનને ચાર માર્ગીય બનાવવા સહિત વિવિધ માર્ગ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. બાલોત્રાથી સાંડેરાવ સેક્શન વાયા જાલોર (એનએચ-325)ના સાત બાયપાસ/રિ–એલાઇનમેન્ટનું નિર્માણ; રાષ્ટ્રીય રાજમાર્ગ – 25નાં પચપદરા–બગુંડી વિભાગને ચાર માર્ગીય બનાવવા માટેનો પ્રોજેક્ટ – આ માર્ગ પ્રોજેક્ટ્સ આશરે 1475 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જોધપુર રીંગરોડ ટ્રાફિકના દબાણને સરળ બનાવવામાં અને શહેરમાં વાહનોના પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટ કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં, વેપારને વેગ આપવા, રોજગારીનું સર્જન કરવામાં અને વિસ્તારમાં આર્થિક વૃદ્ધિ કરવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં બે નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. તેમાં જેસલમેરને દિલ્હીથી જોડતી નવી ટ્રેન – રૂનીચા એક્સપ્રેસ અને મારવાડ જેએન. – ખંબલી ઘાટને જોડતી નવી હેરિટેજ ટ્રેનનો સમાવેશ થાય છે. રૂનીચા એક્સપ્રેસ જોધપુર, દેગણા, કુચામન સિટી, ફુલેરા, રીંગાસ, શ્રીમાધોપુર, નીમ કા થાણા, નારનૌલ, અટેલી, રેવાડીમાંથી પસાર થશે, જેનાથી રાષ્ટ્રીય રાજધાની સાથે તમામ શહેરોની કનેક્ટિવિટીમાં સુધારો થશે. મારવાડ જેએન–ખંબલી ઘાટને જોડતી નવી હેરિટેજ ટ્રેન પ્રવાસનને વેગ આપશે અને આ વિસ્તારમાં રોજગારીનું સર્જન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા અન્ય બે રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. તેમાં 145 કિલોમીટર લાંબી ‘દેગના–રાય કા બાગ‘ રેલવે લાઇનને બમણી કરવા અને 58 કિલોમીટર લાંબી ‘દેગના–કુચામન સિટી‘ રેલવે લાઇનને બમણી કરવા માટેના પ્રોજેક્ટ્સ સામેલ છે.
Launching projects aimed at augmenting health infra, boosting connectivity and supporting education sector in Rajasthan. https://t.co/wN5zHIs0y9
— Narendra Modi (@narendramodi) October 5, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Launching projects aimed at augmenting health infra, boosting connectivity and supporting education sector in Rajasthan. https://t.co/wN5zHIs0y9
— Narendra Modi (@narendramodi) October 5, 2023