Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવી દિલ્હીમાં બી20 સમિટ ઇન્ડિયા 2023ને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

નવી દિલ્હીમાં બી20 સમિટ ઇન્ડિયા 2023ને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


સન્નારીઓ અને સદ્‌ગૃહસ્થો

માનવંતા મહેમાનો,

નમસ્કાત.

ભારતમાં સ્વાગત છે.

સાથીઓ,

તમે બધા બિઝનેસ લીડર્સ એવા સમયે ભારત આવ્યા છો જ્યારે આપણા આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. ભારતમાં દર વર્ષે આવતી લાંબી તહેવારોની મોસમ એક રીતે પ્રિપોન, વહેલી આવી ગઈ છે. આ તહેવારોની મોસમ એવી હોય છે જ્યારે આપણો સમાજ પણ ઉજવે છે અને આપણો બિઝનેસ પણ ઉજવે છે. અને આ વખતે તેની શરૂઆત 23મી ઑગસ્ટથી જ થઈ ગઈ છે. અને આ ઉજવણી ચંદ્રયાન ચંદ્ર પર પહોંચવાની છે. ભારતનાં ચંદ્ર મિશનની સફળતામાં આપણી સ્પેસ એજન્સી ઇસરોની મોટી ભૂમિકા છે. પરંતુ સાથે સાથે ભારતીય ઉદ્યોગે પણ આમાં ઘણો સહયોગ આપ્યો છે. ચંદ્રયાનમાં ઉપયોગમાં લેવાતાં ઘણાં ઘટકો આપણા ઉદ્યોગે, આપણી ખાનગી કંપનીઓએ, આપણા એમએસએમઇએ જરૂરિયાત મુજબ તૈયાર કરીને સમયસર ઉપલબ્ધ કરાવ્યાં છે. એટલે એ વિજ્ઞાન અને ઉદ્યોગ બેઉની સફળતા છે. અને અગત્યનું એ પણ છે કે આ વખતે ભારતની સાથે સાથે આખી દુનિયા એની ઉજવણી કરી રહી છે. આ સેલિબ્રેશન એક જવાબદાર અવકાશ કાર્યક્રમ ચલાવવાનું છે. આ સેલિબ્રેશન દેશના વિકાસને એક્સલરેટ કરવાનું છે. આ સેલિબ્રેશન ઇનોવેશનનું છે. આ સેલિબ્રેશન સ્પેસ ટેક્નૉલોજીનાં માધ્યમથી ટકાઉપણું અને સમાનતા લાવવાનું છે. અને આ જ તો આ બી20 સમિટની થીમ છે- RAISE, તે જવાબદારી, પ્રવેગ, નવીનતા, ટકાઉપણું અને સમાનતા વિશે છે. અને, તે તો માનવતાની વાત છે. તે એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય વિશે છે.

સાથીઓ,

આમ તો B-20ના થીRAISEમાં, I છે, I ઇનોવેશનનું પ્રતિનિધિત્વ કરે છે. પણ ઈનોવેશનની સાથે મને એમાં એક બીજો I પણ દેખાય છે. અને એ I છે ઇન્ક્લુઝિવનેસ. અમે આ જ વિઝન સાથે G-20ના કાયમી સભ્યપદ માટે આફ્રિકન યુનિયનને પણ આમંત્રણ આપ્યું છે. B-20માં પણ આફ્રિકાના આર્થિક વિકાસને ફોકસ એરિયા તરીકે રાખવામાં આવ્યો છે. ભારત માને છે કે આ ફોરમ તેના અભિગમમાં જેટલો વધુ સમાવિષ્ટ હશે તેટલી જ તેની અસર વધુ મોટી હશે. આનાથી વૈશ્વિક આર્થિક પડકારોનો સામનો કરવામાં, વિકાસને ટકાઉ બનાવવા અને અહીં લીધેલા નિર્ણયોનાં અમલીકરણમાં આપણને એટલી જ વધુ સફળતા મળશે.

સાથીઓ,

કહેવાય છે કે જ્યારે કોઈ પણ આફત આવે છે, મોટું સંકટ આવે છે ત્યારે તે આપણને કોઈ ને કોઈ બોધપાઠ આપીને જાય છે. બે-ત્રણ વર્ષ પહેલાં, આપણે વિશ્વની સૌથી મોટી મહામારી, 100 વર્ષમાં આવેલી સૌથી મોટી કટોકટીમાંથી પસાર થયા છીએ. આ કટોકટીએ વિશ્વના દરેક દેશ, દરેક સમાજ, દરેક બિઝનેસ હાઉસ, દરેક કોર્પોરેટ એન્ટિટીને પાઠ આપ્યો છે. બોધપાઠ એ છે કે હવે આપણે સૌથી વધુ રોકાણ કરવાનું છે તે વસ્તુ છે પરસ્પર વિશ્વાસ. કોરોનાએ વિશ્વના આ પરસ્પર વિશ્વાસને છિન્ન ભિન્ન કરી દીધો છે. અને આ અવિશ્વાસનાં વાતાવરણમાં જે દેશ તમારી સામે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે, વિનમ્રતા સાથે, વિશ્વાસનો ધ્વજ લઈને ઉભો છે- તે છે ભારત. 100 વર્ષનાં સૌથી મોટાં સંકટમાં ભારતે વિશ્વને જે વસ્તુ આપી તે છે વિશ્વાસ, વિશ્વાસ, પરસ્પર વિશ્વાસ. જ્યારે કોરોનાના સમયે વિશ્વને તેની જરૂર હતી, ત્યારે વિશ્વની ફાર્મસી તરીકે ભારતે 150થી વધુ દેશોને દવાઓ ઉપલબ્ધ કરાવી. જ્યારે વિશ્વને કોરોના રસીની જરૂર હતી, ત્યારે ભારતે રસીનું ઉત્પાદન વધારીને કરોડો લોકોના જીવ બચાવ્યા. ભારતનાં લોકશાહી મૂલ્યો ભારતનાં કાર્યોમાં દેખાય છે, ભારતના પ્રતિભાવમાં દેખાય છે. દેશનાં 50થી વધુ શહેરોમાં યોજાયેલી G-20 બેઠકોમાં ભારતનાં લોકશાહી મૂલ્યો દેખાય છે. અને તેથી, ભારત સાથે તમારી ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારતમાં વિશ્વની સૌથી યુવા પ્રતિભા છે. આજે ઇન્ડસ્ટ્રી 4.0ના આ યુગમાં ભારત ડિજિટલ ક્રાંતિનો ચહેરો બની ગયું છે. ભારત સાથેની તમારી મિત્રતા જેટલી મજબૂત હશે તેટલી જ બંનેને વધુ સમૃદ્ધિ મળશે. તમે બધા જાણો છો, વેપાર સંભવિતતાને સમૃદ્ધિમાં પરિવર્તિત કરી શકે છે, અવરોધોને અવસરોમાં, આકાંક્ષાઓને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી શકે છે. પછી તે નાના હોય કે મોટા, વૈશ્વિક હોય કે સ્થાનિક, બિઝનેસીસ દરેક માટે પ્રગતિની ખાતરી આપી શકે છે. એટલે વૈશ્વિક વિકાસનું ભવિષ્ય બિઝનેસનાં ભવિષ્ય પર આધારિત છે.

સાથીઓ,

કોવિડ-19 પહેલા અને કોવિડ-19 પછી દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. આપણે ઘણી બધી બાબતોમાં બદલી ન શકાય તેવાં પરિવર્તનને જોઇ રહ્યા છીએ. હવે જેમ કે વિશ્વ ફરી ક્યારેય વૈશ્વિક સપ્લાય ચેનને એ રીતે ન જોઇ શકે. અગાઉ એવું કહેવામાં આવતું હતું કે જ્યાં સુધી વૈશ્વિક સપ્લાય ચેન કાર્યક્ષમ છે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ વાત નથી. પરંતુ આવી સપ્લાય ચેઇન અને સુનિયાને જ્યારે સૌથી વધારે જરૂર હતી ત્યારે જ જે તૂટી જાય એ સપ્લાય ચેઇનને શું એફિસિયન્ટ કહી શકાય. તેથી, આજે જ્યારે વિશ્વ આ પ્રશ્ન સાથે ઝઝૂમી રહ્યું છે, તો મિત્રો, હું તમને ખાતરી આપું છું કે આ સમસ્યાનો ઉકેલ ભારત છે. એક કાર્યક્ષમ અને વિશ્વસનીય વૈશ્વિક પુરવઠા શૃંખલાનાં નિર્માણમાં ભારતનું મહત્વનું સ્થાન છે. અને આ માટે વૈશ્વિક ઉદ્યોગોએ આગળ વધીને અને આપણે બધાએ સાથે મળીને પોતાની જવાબદારી નિભાવવી પડશે.

સાથીઓ,

મને ખુશી છે કે બિઝનેસ-20 G20 દેશો વચ્ચે ચર્ચા અને સંવાદ માટે એક વાઇબ્રન્ટ ફોરમ બનીને ઉભરી આવ્યું છે. તેથી, જ્યારે આપણે આ પ્લેટફોર્મ પર વૈશ્વિક પડકારોના ઉકેલોની ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે ટકાઉપણું એ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. આપણે બધાએ ધ્યાનમાં રાખવાનું છે કે ટકાઉપણુંની વાત માત્ર નિયમો અને કાયદાઓ સુધી મર્યાદિત ન રહે, પરંતુ તે રોજિંદાં જીવનનો એક ભાગ બને, જીવનનો હિસ્સો બને. મારી વિનંતી છે કે વૈશ્વિક બિઝનેસે આનાથી એક ડગલું આગળ વધવું જોઈએ. સસ્ટેનેબિલિટી એ પોતાનામાં જ એક તક છે અને સાથે સાથે બિઝનેસ મૉડલ પણ છે. હવે હું તમને એક નાનું ઉદાહરણ આપું મિલેટ્સનું ઉદાહરણ સમજી શકો છો. યુએન આ વર્ષને બાજરીનાં આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. બાજરી એક સુપરફૂડ પણ છે, પર્યાવરણને અનુકૂળ પણ છે અને નાના ખેડૂતોને પણ ટેકો આપે છે. અને તેમાં ફૂડ પ્રોસેસિંગ બિઝનેસમાં પણ અપાર સંભાવના રહેલી છે. મતલબ કે આ જીવનશૈલી અને અર્થતંત્ર દરેક બાબતમાં જીત-જીતનું મૉડલ છે. તેવી જ રીતે, આપણે ચક્રીય અર્થતંત્ર પણ જોઈએ છીએ. આમાં પણ બિઝનેસ માટે ઘણી મોટી સંભાવનાઓ છે. ભારતમાં અમે ગ્રીન એનર્જી પર ઘણો વધારે ભાર આપી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે ભારતને સૌર ઊર્જા ક્ષમતામાં જે સફળતા મળી છે, તેને આપણે ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રમાં પણ પુનરાવર્તિત કરીએ. ભારતનો પ્રયાસ આમાં પણ વિશ્વને સાથે લઈ ચાલવાનો છે અને આ પ્રયાસ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સનાં રૂપમાં પણ દેખાઈ રહ્યો છે.

સાથીઓ,

આજકાલ કોરોના પછીની દુનિયામાં આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિ પોતાનાં સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન થઈ ગઈ છે. ડાયનિંગ ટેબલ પર તો સ્વાસ્થ્ય સભાનતા તરત જ દેખાય છે, જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ, જે ખાઈએ છીએ, જે કામ કરીએ છીએ તે દરેક વસ્તુમાં આપણે ચોક્કસપણે જોઈએ છીએ કે તે આપણાં સ્વાસ્થ્યને કેવી અસર કરશે. દરેક વ્યક્તિ વિચારે છે કે ક્યાંક મને તકલીફ તો નહીં થાય ને, મને લાંબા સમય સુધી મને મુશ્કેલી તો ન પડે ને. આપણે માત્ર આજની ચિંતા જ નથી કરતા પરંતુ આગળ જતા તેની અસર શું પડશે એ વિશે પણ વિચારીએ છીએ. હું માનું છું કે, આ જ વિચાર બિઝનેસ અને સમાજનો ગ્રહના સંદર્ભમાં પણ હોવો જોઈએ. મને મારાં સ્વાસ્થ્યની જેટલી ચિંતા છે અને જો તે મારાં રોજિંદાં જીવનમાં મારું ત્રાજવું છે, તો મારાં રોજિંદાં જીવનમાં પૃથ્વી ગ્રહનું શું થશે, તેની તંદુરસ્તીનું શું થશે એ પણ તો આપણી જવાબદારી છે. દરેક નિર્ણય પહેલા એ વિચારવું જોઈએ કે તેની આપણી ધરતી પર શું અસર થશે. મિશન LiFE એટલે કે પર્યાવરણ માટે જીવનશૈલી પાછળની આ જ લાગણી છે. તેનો હેતુ વિશ્વમાં આવાં પ્રો-પ્લેનેટ લોકોનું જૂથ બનાવવાનો, એક આંદોલન ઊભું કરવાનો છે. જીવનશૈલીના દરેક નિર્ણયની બિઝનેસ જગત પર કંઇક ને કંઇક અસર ચોક્કસ પડે છે. જ્યારે જીવનશૈલી અને વ્યવસાય બંને ગ્રહ તરફી હશે ત્યારે ઘણી સમસ્યાઓ એમ જ ઓછી થઈ જશે. આપણે આપણાં જીવનને અને આપણા વ્યવસાયને પર્યાવરણને અનુરૂપ કેવી રીતે અનુકૂલિત કરી શકાય તેના પર ભાર મૂકવો પડશે. ભારતે બિઝનેસ માટે ગ્રીન ક્રેડિટનું માળખું તૈયાર કર્યું છે. આપણે લોકો આટલા દિવસોથી કાર્બન ક્રેડિટમાં જ ગૂંચવાયેલા છીએ અને કેટલાક લોકો કાર્બન ક્રેડિટનો આનંદ પણ લઈ રહ્યા છે. હું ગ્રીન ક્રેડિટની વાત દુનિયાની સામે લાવ્યો છું. ગ્રીન ક્રેડિટ જે ‘પ્લેનેટ પોઝિટિવ’ ક્રિયાઓ પર ભાર મૂકે છે. હું વૈશ્વિક બિઝનેસના તમામ દિગ્ગજ લોકોને આમાં જોડાવા અને તેને વૈશ્વિક ચળવળ બનાવવા વિનંતી કરું છું.

સાથીઓ,

આપણે વેપારના પરંપરાગત અભિગમ પર પણ વિચાર કરવો પડશે. આપણે માત્ર આપણાં ઉત્પાદન, આપણી બ્રાન્ડ, આપણાં વેચાણની ચિંતા કરવા સુધી મર્યાદિત ન રહીએ. એક વ્યવસાય તરીકે, આપણે એક એવી ઇકોસિસ્ટમ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જે લાંબા ગાળે પણ લાભ આપતી રહે. હવે, જેમ કે વીતેલા સમયમાં ભારત દ્વારા લાગુ કરવામાં આવેલી નીતિઓને કારણે, માત્ર 5 વર્ષમાં, લગભગ લગભગ 13.5 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ જે લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેઓ નિયો મિડલ ક્લાસ છે અને હું માનું છું કે તેઓ સૌથી મોટા ઉપભોક્તા છે, કારણ કે તેઓ નવી આકાંક્ષાઓ સાથે આવે છે. નિયો મિડલ ક્લાસ પણ ભારતના વિકાસને વેગ આપી રહ્યો છે. એટલે કે, સરકારે ગરીબો માટે  જે કામ કર્યાં તેનો ચોખ્ખો લાભાર્થી આપણો મધ્યમ વર્ગ પણ છે તેમજ આપણા એમએસએમઇ પણ છે. કલ્પના કરો, ગરીબ તરફી શાસન પર ધ્યાન કેન્દ્રિત કરીને, આવનારાં 5-7 વર્ષમાં કેટલો મોટો મધ્યમ વર્ગ તૈયાર થવાનો છે. એટલે દરેક બિઝનેસે વધુમાં વધુ લોકોની, અને આજે ખરીદ શક્તિ વધી રહી છે, એ મધ્યમ વર્ગની ખરીદ શક્તિ જેમ જેમ વધે છે એની સીધે સીધી અસર બિઝનેસ પર બહુ મોટી ઊભી થાય છે. અને આપણે આ બેઉ પર એક સમાન રીતે કેવી રીતે ફોકસ કરવાનું છે. જો આપણું ધ્યાન સ્વ-કેન્દ્રિત રહેશે, તો હું માનતો નથી કે આપણે આપણું કે વિશ્વનું ભલું કરી શકીએ. આ પડકાર આપણે ક્રિટિકલ સામગ્રી, દુર્લભ પૃથ્વી ધાતુઓના કિસ્સામાં પણ અનુભવી રહ્યા છીએ. આ એવી વસ્તુઓ છે જે અમુક જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં છે અને અમુક જગ્યાએ છે જ નહીં, પરંતુ જરૂરિયા સમગ્ર માનવજાતને છે. જેની પાસે તે છે, જો તે તેને વૈશ્વિક જવાબદારી તરીકે જોશે નહીં, તો તે સંસ્થાનવાદનાં નવાં મૉડલને પ્રોત્સાહન આપશે અને હું આ ખૂબ જ ગંભીર ચેતવણી આપી રહ્યો છું.

સાથીઓ,

જ્યારે ઉત્પાદકો અને ગ્રાહકોનાં હિતમાં સંતુલન હોય ત્યારે નફાકારક બજાર ટકાવી શકાય છે. આ વાત રાષ્ટ્રોને પણ લાગુ પડે છે. અન્ય દેશોને ફક્ત બજાર તરીકે ગણવાથી ક્યારેય કામ નહીં ચાલે. તે વહેલા કે મોડા ઉત્પાદક દેશોને પણ નુકસાન પહોંચાડશે. પ્રગતિમાં દરેકને સમાન ભાગીદાર બનાવવા એ આગળનો માર્ગ છે. અહીં ઘણા ગ્લોબલ બિઝનેસ લીડર્સ છે. શું આપણે સૌ ધંધાઓને વધુ ગ્રાહક-કેન્દ્રિત કેવી રીતે બનાવી શકાય તે વિશે વધુ વિચારણા કરી શકીએ? આ ગ્રાહકો વ્યક્તિઓ અથવા દેશો હોઈ શકે છે. તેમનાં હિતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. શું આપણે આ માટે કોઈ પ્રકારની વાર્ષિક ઝુંબેશ વિશે વિચારી શકીએ? દર વર્ષે, શું વૈશ્વિક વ્યવસાયો ગ્રાહકો અને તેમનાં બજારોનાં ભલા માટે પોતાને સંકલ્પબદ્ધ કરવા એકસાથે આવી શકે છે?

સાથીઓ,

શું વિશ્વભરના તમામ વ્યવસાયો એકસાથે વર્ષનો એક દિવસ નક્કી કરી શકે છે જે ગ્રાહકોને સમર્પિત કરી શકાય? કમનસીબી જુઓ, આપણે ઉપભોક્તા અધિકારોની વાત કરીએ છીએ, વિશ્વ પણ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરે છે, તેઓએ તે કરવું પડી રહ્યું છે. શું આપણે આ ચક્રને બદલીને જેમ કાર્બન ક્રેડિટ છોડીને ગ્રીન ક્રેડિટ પર જઈએ એમ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની દુનિયા પર મજબૂરીને બદલે, આપણે ગ્રાહક સંભાળ વિશે વાત કરીને શું આગેવાની લઈ શકીએ છીએ. એકવાર આપણે કન્ઝ્યુમર કેર ડે ઉજવવાનું શરૂ કરી દઈએ, પછી તમે કલ્પના કરી શકો છો કે કેટલા મોટા હકારાત્મક સંકેતો સાથે વાતાવરણ બદલાશે. જો ગ્રાહક સંભાળની વાત હશે, તો તેમના અધિકારો સાથે સંબંધિત મુદ્દાઓ આપોઆપ ઉકેલાઈ જશે સાથીઓ. એટલા માટે ઇન્ટરનેશનલ કન્ઝ્યુમર કેર ડે એવી વ્યવસ્થા પર, હું ઈચ્છું છું કે તમે બધા મિત્રો સાથે મળીને કંઈક વિચાર કરો. આનાથી વેપાર અને ઉપભોક્તા વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. અને આપણે યાદ રાખવું જોઈએ કે ઉપભોક્તા માત્ર ભૂગોળમાં છૂટક ઉપભોક્તા નથી, પરંતુ વિવિધ દેશો પણ છે, જેઓ વૈશ્વિક વેપાર, વૈશ્વિક માલસામાન અને સેવાઓના ઉપભોક્તા છે.

સાથીઓ,

આજે જ્યારે વિશ્વના મોટા બિઝનેસ અગ્રણીઓ અહીં એકઠા થયા છે, ત્યારે આપણી સામે બીજા કેટલાક મોટા પ્રશ્નો પણ છે. આ પ્રશ્નોના જવાબો દ્વારા જ બિઝનેસ અને માનવતાનું ભાવિ નક્કી થશે. અને તેના જવાબ માટે પરસ્પર સહયોગ જરૂરી છે. આબોહવા પરિવર્તનનો વિષય હોય, ઊર્જા ક્ષેત્રની કટોકટી હોય, ખાદ્ય પુરવઠા શૃંખલાનું અસંતુલન હોય, જળ સુરક્ષા હોય, સાયબર સુરક્ષા હોય, આવા ઘણા વિષયો છે જેની બિઝનેસ પર મોટી અસર પડે છે. આનો સામનો કરવા માટે આપણે આપણા સહિયારા પ્રયાસો વધારવા પડશે. સમયની સાથે સાથે એવા વિષયો પણ આપણી સામે ઉમેરાતા જાય છે, જેના વિશે 10-15 વર્ષ પહેલા કોઈ વિચારી પણ શકતું ન હતું. હવે જેમ કે ક્રિપ્ટોકરન્સી સંબંધિત એક પડકાર છે. આ બાબતે વધુ ને વધુ સંકલિત અભિગમની જરૂર છે. મને લાગે છે કે, આ માટે વૈશ્વિક માળખું બનાવવું જોઈએ, જેમાં તમામ હિતધારકોનું ધ્યાન રાખવું જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે પણ આ જ પ્રકારના અભિગમની જરૂર છે. આજે દુનિયા એઆઈને લઈને ઘણી ઉત્તેજનામાં દેખાઇ રહી છે. પરંતુ ઉત્તેજના વચ્ચે કેટલીક નૈતિક બાબતો પણ છે. કૌશલ્ય અને પુનઃ કૌશલ્યના સંદર્ભમાં, અલ્ગોરિધમ પૂર્વગ્રહ અને સમાજ પર તેની અસર વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે બધાએ સાથે મળીને આવા પ્રશ્નો ઉકેલવા પડશે. વૈશ્વિક વ્યાપારી સમુદાયો અને સરકારોએ એથિકલ AI વિસ્તરે તેની ખાતરી કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે. આપણે વિવિધ ક્ષેત્રોમાં સંભવિત વિક્ષેપોને સમજવાની જરૂર છે. વિક્ષેપ દરેક વખતે દેખાય છે અને આપણે વિચારીએ છીએ, ગણતરી કરીએ છીએ, તેનાથી વધારે વિક્ષેપનું પ્રમાણ, તેનો અવકાશ અને તેની ઊંડાઈ વધુ ગંભીર બનતી જાય છે. આ સમસ્યા વૈશ્વિક માળખા હેઠળ ઉકેલવી પડશે. અને સાથીઓ, એવું નથી કે આ પ્રકારના પડકારો આપણી સામે પહેલીવાર આવ્યા છે. જ્યારે ઉડ્ડયન ક્ષેત્ર વધી રહ્યું હતું, જ્યારે નાણાકીય ક્ષેત્ર વધી રહ્યું હતું, ત્યારે પણ દુનિયાએ એવાં ફ્રેમવર્ક બનાવ્યાં છે. તેથી જ આજે હું B-20ને આ નવા વિષયો પર પણ મંથન કરવા, ચિંતન કરવા આહ્વાન કરીશ.

સાથીઓ,

વ્યવસાયો સફળતાપૂર્વક સરહદો અને સીમાઓથી આગળ વધ્યા છે. હવે સમય આવી ગયો છે કે, વ્યવસાયોને માત્ર બોટમલાઇનથી આગળ લઈ જવામાં આવે. આ ફક્ત સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીને જ કરી શકાય છે. મને ખાતરી છે કે બી-20 શિખર સંમેલને સામૂહિક પરિવર્તનનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. ચાલો આપણે યાદ રાખીએ કે જોડાયેલું વિશ્વ એ માત્ર તકનીકીનાં માધ્યમથી જોડાણ વિશે જ નથી. તે માત્ર સહિયારા સામાજિક મંચો વિશે જ નહીં, પણ સહિયારા હેતુ, સહિયારા ગ્રહ, સહિયારી સમૃદ્ધિ અને સહિયારાં ભવિષ્ય વિશે પણ છે.

આપ સૌનો આભાર.

આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

CB/GP/JD