Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગ્રીસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ આપેલું પ્રેસ નિવેદન

ગ્રીસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ આપેલું પ્રેસ નિવેદન


મહામહિમ, પ્રધાનમંત્રી મિત્સો-તકિસ,

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

સૌથી પહેલા, ગ્રીસમાં જંગલમાં લાગેલી આગની દુ:ખદ ઘટનાઓમાં થયેલી જાનહાનિ માટે, મારા પોતાના વતી અને ભારતના તમામ લોકો વતી, હું મારી સંવેદના વ્યક્ત કરું છું.

સાથે જ, અમે ઇજાગ્રસ્તે ઝડપથી સાજા થઇ જાય એવી અમે કામના કરીએ છીએ.

મિત્રો,

ગ્રીસ અને ભારત – આ એક સ્વાભાવિક મિલન છે.

– વિશ્વની બે પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચે,

– વિશ્વની બે સૌથી જૂની લોકશાહી વિચારધારાઓ વચ્ચે, અને

– વિશ્વના પ્રાચીન વેપાર તેમજ સાંસ્કૃતિક સંબંધો વચ્ચે.

મિત્રો,

આપણા સંબંધોનો પાયો જેટલો પ્રાચીન છે, તેટલો જ મજબૂત છે.

વિજ્ઞાન, કળા અને સંસ્કૃતિ – તમામ વિષયોમાં આપણે એકબીજા પાસેથી શીખ્યા છીએ.

આજે, આપણી ભૌગોલિક-રાજકીય, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક વિષયો પર ઉત્તમ તાલમેલ ધરાવીએ છે – પછી ભલે તે ઇન્ડો-પેસિફિક હોય કે ભૂમધ્ય સમુદ્ર હોય.

બે જૂના મિત્રોની જેમ આપણે એકબીજાની લાગણીઓને સમજીએ છીએ અને તેને માન આપીએ છીએ.

40 વર્ષના લાંબા અંતરાલ પછી ભારતના પ્રધાનમંત્રીએ ગ્રીસની મુલાકાત લીધી છે.

તેમ છતાં, ન તો આપણા સંબંધોની ઘનિષ્ઠતા ઓછી થઇ કે ન તો આપણા સંબંધોની ઉષ્મામાં કોઇ ઘટાડો થયો.

તેથી, આજે પ્રધાનમંત્રીજી અને મેં ભારત-ગ્રીસ ભાગીદારીને “વ્યૂહાત્મક” સ્તરે લઇ જવાનો નિર્ણય લીધો છે.

અમે નક્કી કર્યું છે કે, અમે સંરક્ષણ અને સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, શિક્ષણ, નવી અને ઉભરતી ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં આપણો સહયોગ વધારીને આપણી વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરીશું.

મિત્રો,

સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં, અમે સૈન્ય સંબંધોની સાથે સાથે સંરક્ષણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સંમત થયા છીએ.

આજે અમે આતંકવાદ વિરોધી અને સાઇબર સુરક્ષાના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ આપવા અંગે પણ ચર્ચા કરી છે.

અમે નક્કી કર્યું છે કે, આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોના સ્તરે પણ વાતચીત માટે એક સંસ્થાગત મંચ હોવો જોઇએ.

પ્રધાનમંત્રીજી અને હું, એ બાબતે સંમત થયા છીએ કે, આપણો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધી રહ્યો છે અને તેમાં આગળ પણ વધુ વૃદ્ધિની અપાર સંભાવનાઓ છે.

તેથી, અમે વર્ષ 2030 સુધીમાં આપણા દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

આજે, થોડી જ વારમાં, પ્રધાનમંત્રીજી એક બિઝનેસ બેઠકનું આયોજન કરશે.

આમાં અમે બંને દેશોના વેપારજગતના પ્રતિનિધિઓ સાથે કેટલાક ચોક્કસ ક્ષેત્રો પર ચર્ચા કરીશું.

અમારું માનવું છે કે, આપણા દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપીને અમે આપણા ઔદ્યોગિક તેમજ આર્થિક સહયોગને નવા સ્તરે લઇ જઇ શકીએ છીએ.

આજે કૃષિ ક્ષેત્રમાં સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ કરારથી અમે કૃષિ અને બીજ ઉત્પાદન તેમજ સંશોધન, પશુપાલન અને પશુધન ઉત્પાદન ક્ષેત્રે સહકાર આપી શકીશું.

મિત્રો,

બંને દેશો વચ્ચે કૌશલ્યપૂર્ણ લોકોના સ્થળાંતરણને સરળ બનાવવા માટે, અમે ટૂંક સમયમાં સ્થળાંતરણ અને ગતિશીલતા ભાગીદારી કરાર કરવાનો નિર્ણય લીધો છે.

અમારું માનવું છે કે, આપણા પ્રાચીન લોકોથી લોકોના સંબંધોને નવો આકાર આપવા માટે આપણે સહકાર વધારવો જોઇએ.

અમે આપણી શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપીશું.

મિત્રો,

અમે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે.

ગ્રીસે ઇન્ડિયા-EU વેપાર અને રોકાણ કરાર માટે પોતાનું સમર્થન હોવાનું વ્યક્ત કર્યું છે.

યુક્રેન મામલે, બંને દેશો મુત્સદ્દીગીરી અને સંવાદને સમર્થન આપે છે.

સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર ગ્રીસે આપેલા સહયોગ બદલ મે તેમનો આભાર માન્યો છે.

ભારતની G-20ની અધ્યક્ષતા અંગે પ્રધાનમંત્રીજીએ આપેલી શુભેચ્છાઓ અને પ્રોત્સાહન બદલ હું તેમનો આભારી છુ.

મિત્રો,

આજે મને “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઑર્ડર ઓફ ઓનર”થી સન્માનિત કરવામાં આવ્યો તે બદલ હું હેલેનિક રિપબ્લિકના લોકો અને રાષ્ટ્રપતિજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

140 કરોડ ભારતીયો વતી મેં આ પુરસ્કાર સ્વીકાર્યો છે અને આપનો આભાર વ્યક્ત કરું છું.

ભારત અને ગ્રીસના સહિયારા મૂલ્યો આપણી લાંબી અને ભરોસાપાત્ર ભાગીદારીનો આધાર છે.

લોકશાહીનાં મૂલ્યો અને આદર્શો સ્થાપિત કરવા અને સફળતાપૂર્વક તેનું આચરણ કરવામાં બંને દેશોનું ઐતિહાસિક યોગદાન રહ્યું છે.

મને વિશ્વાસ છે કે, ભારતીય અને ગ્રીકો-રોમન કળાના સુંદર મિશ્રણથી બનેલી ગાંધાર સ્કૂલ ઓફ આર્ટની જેમ, ભારત અને ગ્રીસ વચ્ચેની મિત્રતા પણ સમયના શિલા પર તેની અમીટ છાપ છોડશે.

ફરી એકવાર, ગ્રીસના આ સુંદર અને ઐતિહાસિક શહેરમાં આજે મને અને મારા પ્રતિનિધિમંડળને આપવામાં આવેલા આદર અને સત્કાર બદલ હું પ્રધાનમંત્રીજી અને ગ્રીસના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

ખૂબ ખૂબ આભાર.

CB/GP/JD