Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું


તેમનાં ભાષણના મુખ્ય અંશો નીચે મુજબ છે

  1. મારા પ્રિય 140 કરોડ પરિવારજનો, વિશ્વની સૌથી મોટી લોકશાહી અને હવે ઘણા લોકોનો અભિપ્રાય છે કે વસ્તીની દ્રષ્ટિએ પણ આપણે વિશ્વમાં નંબર વન છીએ. આટલો મોટો દેશ, 140 કરોડ દેશવાસી, મારાં ભાઈઓ અને બહેનો, મારા પરિવારજનો આજે આઝાદીનું પર્વ મનાવી રહ્યા છે. હું દેશ અને દુનિયાનાં એ કરોડો લોકોને આઝાદીનાં આ પવિત્ર પર્વ પર ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું, જેઓ ભારતને પ્રેમ કરે છે, ભારતનું સન્માન કરે છે, ભારત માટે ગૌરવ અનુભવે છે.
  2. પૂજ્ય બાપુનાં નેતૃત્વમાં અસહકારનું આંદોલન, સત્યાગ્રહનું આંદોલન અને ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ જેવા અસંખ્ય વીરોનું બલિદાન, એ પેઢીમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે દેશની આઝાદીમાં યોગદાન ન આપ્યું હોય. આજે હું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાનું યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, તપસ્યા કરી છે, તેમને આદરપૂર્વક નમન કરું છું, હું તેમને અભિનંદન આપું છું.
  3. આજે 15 ઑગસ્ટ, મહાન ક્રાંતિકારી અને આધ્યાત્મિક જીવનના પ્રણેતા શ્રી અરવિંદની 150મી જન્મજયંતિ પૂર્ણ થઈ રહી છે. આ વર્ષે સ્વામી દયાનંદ સરસ્વતીની 150મી જન્મજયંતીનું વર્ષ છે. આ વર્ષે રાણી દુર્ગાવતીની 500મી જન્મ જયંતીનો ખૂબ જ શુભ અવસર છે, જેને સમગ્ર દેશ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે. ભક્તિ યોગનાં વડાં મીરાબાઈનાં 525 વર્ષનું શુભ પર્વ પણ આ વર્ષ છે.
  4. આ વખતે, 26 જાન્યુઆરીએ આપણે આપણા પ્રજાસત્તાક દિવસની 75મી વર્ષગાંઠ ઉજવીશું. તેમાં ઘણી બધી રીતે તકો હશે, અનેક સંભાવનાઓ હશે, દરેક ક્ષણે નવી પ્રેરણા હશે, ક્ષણે ક્ષણે નવી ચેતના હશે, સપનાં હશે, સંકલ્પો હશે, રાષ્ટ્રનિર્માણમાં વ્યસ્ત રહેવું હશે, તેનાથી મોટી કોઈ તક બીજી કોઈ ન હોઈ શકે.
  5. પૂર્વોત્તરમાં, ખાસ કરીને મણિપુરમાં, અને ભારતના કેટલાક અન્ય ભાગોમાં, પરંતુ ખાસ કરીને મણિપુરમાં, ઘણાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, માતા અને દીકરીઓનાં સન્માન સાથે રમત રમાઈ, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં, સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે, દેશ મણિપુરની જનતાની સાથે છે. દેશે મણિપુરના લોકોએ છેલ્લા કેટલાક દિવસોથી જાળવી રાખી છે શાંતિના એ પર્વને આગળ વધારવું જોઈએ, અને સમાધાનનો માર્ગ શાંતિથી જ નીકળશે. અને રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને તે સમસ્યાઓનું સમાધાન લાવવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે અને આગળ પણ કરતી રહેશે.
  6. અમૃતકાલનું આ પ્રથમ વર્ષ છે, આ સમયગાળામાં આપણે શું કરીશું, આપણે જે પગલાં લઈશું, જે બલિદાન આપીશું, જે તપ કરીશું, આવનારાં એક હજાર વર્ષ સુધી દેશનો સુવર્ણ ઇતિહાસ તેમાંથી ફૂટવાનો છે.
  7. મા ભારતી જાગી છે અને હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું મિત્રો, આ તે સમયગાળો છે જે આપણે છેલ્લાં 9-10 વર્ષોમાં અનુભવ્યો છે, એક નવું આકર્ષણ છે, એક નવી શ્રદ્ધા છે, ભારતની ચેતના તરફ, ભારતની સંભવિતતા તરફ, એક નવી આશા વિશ્વભરમાં ઊભી થઈ છે, અને વિશ્વ આ પ્રકાશનાં કિરણપુંજને જોઈ રહ્યું છે જે ભારતમાંથી ઉભરી આવ્યું છે, વિશ્વ તેને પોતાના માટે એક જ્યોતનાં રૂપમાં જોઈ રહ્યું છે.
  8. ડેમોગ્રાફી (જનસંખ્યા), ડેમોક્રેસી (લોકશાહી) અને ડાઇવર્સિટી (વિવિધતા)ની આ ત્રિપુટી ભારતનાં દરેક સ્વપ્નને સાકાર કરવાનું સામર્થ્ય ધરાવે છે. તે ખૂબ જ ગર્વનો સમય છે કે આજે આપણી 30 વર્ષથી ઓછી ઉંમરની વસ્તી વિશ્વમાં સૌથી વધુ છે. 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં મારા દેશમાં લાખો-કરોડો હાથ છે, લાખો-કરોડો મસ્તિષ્ક છે, લાખો-કરોડો સપનાં છે, લાખો-કરોડો  સંકલ્પ છે, જેનાથી મારાં ભાઈઓ અને બહેનો, મારા પરિવારજનો ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકે છે.
  9. આજે મારા યુવાનોએ ભારતને વિશ્વની પ્રથમ ત્રણ સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમમાં સ્થાન અપાવ્યું છે. ભારતની આ તાકાતને જોઈને દુનિયાનો યુવાવર્ગ આશ્ચર્યચકિત થઈ ગયો છે. આજે દુનિયા ટેક્નૉલોજીથી સંચાલિત છે અને આવનારા યુગ પર ટેક્નૉલોજીનો પ્રભાવ પડવાનો છે અને ત્યારે ટેક્નૉલોજીમાં ભારતની પ્રતિભા એક નવી ભૂમિકા નિભાવવા જઈ રહી છે.
  10. તાજેતરમાં જ હું જી-20 સમિટ માટે બાલી ગયો હતો અને બાલીમાં, વિશ્વના સૌથી સમૃદ્ધ દેશો, તેમના નેતાઓ, વિશ્વના વિકસિત દેશો પણ, ભારતના ડિજિટલ ઇન્ડિયાની સફળતા, તેની બારીકાઈઓ વિશે મારી પાસેથી જાણવા ઉત્સુક હતા. દરેક જણ આ પ્રશ્ન પૂછતા હતા અને જ્યારે હું તેમને કહેતો હતો કે ભારતે જે ચમત્કારો કર્યા છે તે ફક્ત દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ સુધી મર્યાદિત નથી, ભારત જે અજાયબીઓ કરી રહ્યું છે, મારાં ટાયર -2, ટાયર -3 શહેરોના યુવાનો પણ આજે મારા દેશનાં ભાગ્યને આકાર આપી રહ્યા છે.
  11. ઝુંપડપટ્ટીમાંથી બહાર આવેલાં બાળકો આજે રમત-ગમતની દુનિયામાં તાકાત બતાવી રહ્યા છે. નાનાં ગામ, નાનાં શહેરોના યુવાનો, આપણાં દીકરા-દીકરીઓ આજે કમાલ બતાવી રહ્યાં છે. મારા દેશમાં 100 શાળાઓ એવી છે જ્યાં બાળકો ઉપગ્રહો બનાવી રહ્યા છે અને તેને છોડવાની તૈયારી કરી રહ્યાં છે. આજે હજારો અટલ ટિંકરીંગ લેબ નવા વૈજ્ઞાનિકો તૈયાર કરી રહી છે, જેણે લાખો બાળકોને વિજ્ઞાન અને ટેક્નૉલોજીના માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કર્યા છે.
  12. છેલ્લા એક વર્ષમાં ભારતના દરેક ખૂણામાં જે રીતે જી-20 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તેનાથી દુનિયા દેશના સામાન્ય માનવીની ક્ષમતાથી વાકેફ થઈ છે. ભારતની વિવિધતાનો પરિચય આપવામાં આવ્યો છે અને તેમને પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
  13. આજે ભારતની નિકાસ ઝડપથી વધી રહી છે અને વિવિધ માપદંડોના આધારે વિશ્વના નિષ્ણાતો કહી રહ્યા છે કે હવે ભારત અટકવાનું નથી. વિશ્વની કોઈપણ રેટિંગ એજન્સી ભારતને ગૌરવ અપાવે છે.
  14. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે કોરોના પછી, એક નવી વિશ્વ વ્યવસ્થા, એક નવી વૈશ્વિક વ્યવસ્થા, એક નવું ભૌગોલિક-રાજકીય સમીકરણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભૂરાજકીય સમીકરણનાં તમામ અર્થઘટનો બદલાઈ રહ્યા છે, વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. આજે, મારા 140 કરોડ દેશવાસીઓ, બદલાતી દુનિયાને આકાર આપવાની તમારી ક્ષમતા દેખાઈ રહી છે. તમે એક વળાંક પર ઊભા છો. અને કોરોના કાળમાં ભારતે જે રીતે દેશને આગળ વધાર્યો છે, દુનિયાએ આપણું સામર્થ્ય જોયું છે.
  15. આજે ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની રહ્યો છે. ભારતની સમૃદ્ધિ અને વારસો આજે વિશ્વ માટે એક તક બની રહી છે. હવે બૉલ આપણા કૉર્ટમાં છે, આપણે તક જવા દેવી જોઈએ નહીં, આપણે તક ગુમાવવી ન જોઈએ. હું ભારતના મારા દેશવાસીઓને એટલા માટે પણ ખૂબ-ખૂબ અભિનંદન આપું છું કારણ કે દેશવાસીઓમાં સમસ્યાઓનાં મૂળને સમજવાની ક્ષમતા છે અને એટલા માટે જ 2014માં 30 વર્ષના અનુભવ બાદ મારા દેશવાસીઓએ એક મજબૂત અને સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય કર્યો.
  16. જ્યારે તમે 2014માં અને 2019માં સરકાર ફોર્મ (રચના) કરી, ત્યારે જ તો મોદીને રિફોર્મ (સુધારા) કરવાની હિંમત મળી. અને જ્યારે મોદીએ એક પછી એક રિફોર્મ (સુધારા) કર્યા ત્યારે મારી બ્યુરોક્રેસીના લોકો, મારા લાખો હાથ પગ, જે ભારતના દરેક ખૂણામાં સરકારના એક ભાગ તરીકે કામ કરી રહ્યા છે, તેમણે નોકરશાહીમાં ટ્રાન્સફોર્મ (પરિવર્તન લાવવાનું) કરવાનું કામ કર્યું. અને એટલા માટે જ રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મનો આ સમય હવે ભારતનાં ભવિષ્યને આકાર આપી રહ્યો છે.
  17. અમે એક અલગ કૌશલ્ય મંત્રાલય બનાવ્યું છે, તે માત્ર ભારતની જરૂરિયાતોને જ પૂર્ણ કરશે નહીં, પરંતુ તેમાં વિશ્વની જરૂરિયાતોને પૂર્ણ કરવાની ક્ષમતા પણ હશે. અમે જલ શક્તિ મંત્રાલયની રચના કરી છે, જે એ વાત પર ભાર મૂકે છે કે આપણા દેશના દરેક દેશવાસીઓ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે, પર્યાવરણની રક્ષા માટે જળ સંવેદનશીલ વ્યવસ્થાઓ વિકસાવવી જોઈએ. સાકલ્યવાદી આરોગ્ય સંભાળ એ સમયની જરૂરિયાત છે. અમે આયુષનું એક અલગ મંત્રાલય બનાવ્યું છે અને આજે યોગ અને આયુષ દુનિયામાં તેનાં ઉજ્જવળ ઉદાહરણ બની ગયાં છે.
  18. આપણાં કરોડો માછીમાર ભાઈઓ અને બહેનો, તેમનું કલ્યાણ પણ આપણાં હૃદયમાં છે અને તેથી જ અમે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી માટે એક અલગ મંત્રાલય બનાવ્યું છે, જેથી સમાજના જે લોકો પાછળ રહી ગયા છે, તેમને ઇચ્છિત સમર્થન મળે.
  19. સહકારી આંદોલન એ સમાજની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ છે, તેને મજબૂત કરવા માટે, તેને આધુનિક બનાવવા અને દેશના દરેક ખૂણામાં લોકશાહીનાં આ સૌથી મોટાં એકમોમાંના એકને મજબૂત કરવાં માટે, અમે એક અલગ સહકારિતા મંત્રાલયની રચના કરી છે. અમે સહકાર સે સમૃદ્ધિનો માર્ગ અપનાવ્યો છે.
  20. જ્યારે અમે 2014 માં સત્તા પર આવ્યા હતા, ત્યારે આપણે વૈશ્વિક અર્થતંત્રમાં 10મા ક્રમે હતા અને આજે 140 કરોડ દેશવાસીઓના પ્રયત્નોનું ફળ મળ્યું છે અને આપણે વિશ્વની અર્થવ્યવસ્થામાં પાંચમા ક્રમે પહોંચી ગયા છીએ. અમે લીકેજ બંધ કર્યું, એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવી, અમે ગરીબોનાં કલ્યાણ માટે વધુને વધુ પૈસા ખર્ચવાનો પ્રયાસ કર્યો.
  21. હું લાલ કિલ્લા પરથી તિરંગાની સાક્ષીએ મારા દેશવાસીઓને 10 વર્ષનો હિસાબ આપી રહ્યો છું.
  • 10 વર્ષ પહેલા, ભારત સરકાર તરફથી 30 લાખ કરોડ રૂપિયા રાજ્યોમાં જતા હતા. છેલ્લાં 9 વર્ષમાં આ આંકડો 100 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.
  • અગાઉ ભારત સરકારની તિજોરીમાંથી સ્થાનિક સંસ્થાઓના વિકાસ માટે 70 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવતા હતા, આજે તે 3 લાખ કરોડથી વધુ છે.
  • પહેલા ગરીબોનાં ઘર બનાવવા માટે 90 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવતા હતા, આજે તેમાં 4 ગણો વધારો થયો છે, ગરીબોનાં ઘર બનાવવામાં 4 લાખ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
  • યુરિયાની જે થેલીઓ વિશ્વનાં કેટલાક બજારોમાં 3,000 રૂપિયામાં વેચાતી હતી, મારા ખેડૂતોને યુરિયાની તે થેલી 300 રૂપિયામાં મળી હતી, જેના માટે દેશની સરકાર 10 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપી રહી છે.
  • મારા દેશના નવયુવાનોને સ્વરોજગાર માટે, તેમના ધંધા-વ્યવસાય માટે 20 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મુદ્રા યોજનાનો લાભ મેળવનારા 8 કરોડ નાગરિકોને 8-10 કરોડ નવાં લોકોને રોજગાર આપવાની ક્ષમતા મળી છે.
  • અમે એમએસએમઇને વધુ મજબૂત કરવા માટે લગભગ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા આપ્યા.
  • વન રેન્ક, વન પેન્શન એ મારા દેશના સૈનિકો માટે સન્માનની વાત હતી, 70 હજાર કરોડ રૂપિયા આજે ભારતની તિજોરીમાંથી મારા નિવૃત્ત સૈન્ય નાયકો અને તેમના પરિવારો સુધી પહોંચી ગયા છે.
  1. અમે જે પણ પ્રયત્નો કર્યા છે તેનું પરિણામ એ આવ્યું છે કે, આજે મારાં 13.5 કરોડ ગરીબ ભાઈ-બહેનો ગરીબીની સાંકળ તોડીને નવા મધ્યમ વર્ગનાં રૂપમાં બહાર આવ્યા છે. જીવનમાં આનાથી મોટો સંતોષ બીજો કોઈ હોઈ શકે નહીં.
  2. પીએમ સ્વનિધિ તરફથી શેરી વિક્રેતાઓ માટે 50 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આગામી વિશ્વકર્મા જયંતી પર અમે વધુ એક કાર્યક્રમ અમલી બનાવીશું. આ વિશ્વકર્મા જયંતી પર અમે પરંપરાગત કૌશલ્ય સાથે રહેતા, સાધનોથી અને પોતાના હાથે કામ કરનારા, મોટાભાગે ઓબીસી સમુદાયના લોકોને લગભગ 13-15 હજાર કરોડ રૂપિયા આપીશું.
  3. અમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિમાંથી 2.5 લાખ કરોડ રૂપિયા સીધા મારા દેશના ખેડૂતોનાં ખાતામાં જમા કરાવ્યા છે. દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચે તે માટે જલ જીવન મિશન હેઠળ અમે બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
  4. ગરીબોને બીમારીને કારણે હૉસ્પિટલમાં જતા હતા તે વખતે જે મુશ્કેલીઓ પડતી હતી એમાંથી છૂટકારો મળી શકે તે માટે અમે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. તેમને દવાઓ મળવી જોઈએ, તેમની સારવાર થવી જોઈએ, ઓપરેશન સારામાં સારી હૉસ્પિટલમાં થવું જોઈએ, આયુષ્માન ભારત યોજના હેઠળ અમે 70 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
  5. દેશને યાદ છે કે જો આપણે કોરોના રસી પર 40 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, તો આપણે પશુધનને બચાવવા માટે તેમનાં રસીકરણ માટે લગભગ 15 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
  6. અમે જન ઔષધિ કેન્દ્રથી બજારમાં રૂ. 100માં મળતી દવાઓ રૂ. 10, રૂ. 15, રૂ. 20માં આપી હતી, જેનાથી આ દવાઓની જરૂરિયાત ધરાવતાં લોકોના આશરે 20 કરોડ રૂપિયાની બચત થઈ હતી. હવે દેશમાં 10,000 જન ઔષધિ કેન્દ્રોથી અમે આગામી દિવસોમાં 25,000 જન ઔષધિ કેન્દ્રોનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે કામ કરવાના છીએ.
  7. અમે છેલ્લાં થોડાં વર્ષોમાં મારા પરિવારજનો માટે એક યોજના લઈને આવ્યા છીએ, જેઓ શહેરોમાં રહે છે, પરંતુ ભાડાનાં મકાનોમાં, ઝૂંપડપટ્ટીમાં, ચાલીઓમાં, અનધિકૃત વસાહતોમાં રહે છે. જો મારા પરિવારના સભ્યો પોતાનું ઘર બનાવવા માગતા હોય તો તેમને બૅન્કમાંથી મળનારી લોનનાં વ્યાજમાં રાહત આપીને અમે તેમને લાખો રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
  8. મારા મધ્યમ વર્ગના પરિવારની આવકવેરાની મર્યાદા બે લાખથી વધારીને સાત લાખ કરવામાં આવે તો સૌથી મોટો ફાયદો પગારદાર વર્ગને, મારા મધ્યમ વર્ગને થાય છે. 2014 પહેલા ઈન્ટરનેટ ડેટા ખૂબ જ મોંઘો હતો. હવે દુનિયાનું સૌથી સસ્તું ઈન્ટરનેટ દરેક પરિવારના પૈસા બચાવી રહ્યું છે.
  9. આજે, દેશ ઘણી ક્ષમતાઓ સાથે આગળ વધી રહ્યો છે, ગ્રીન હાઇડ્રોજન પર નવીનીકરણીય ઊર્જામાં કામ કરી રહ્યો છે, અવકાશમાં દેશની ક્ષમતા વધી રહી છે અને સાથે સાથે દેશ ડીપ સી મિશનમાં પણ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. દેશમાં રેલ આધુનિક બની રહી છે, વંદે ભારત, બુલેટ ટ્રેન પણ આજે દેશમાં કામ ચાલુ છે. આજે ઇન્ટરનેટ દરેક ગામમાં પહોંચી રહ્યું છે, તો દેશ ક્વોન્ટમ કમ્પ્યૂટર માટે પણ નિર્ણય લે છે. નેનો યુરિયા અને નેનો ડીએપી પર કામ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ઓર્ગેનિક ખેતી પર પણ અમે જોર આપી રહ્યા છીએ. અમે સેમીકન્ડક્ટર્સ પણ બનાવવા માગીએ છીએ.
  10. અમે આઝાદીના અમૃત મહોત્સવમાં 75 હજાર અમૃત સરોવર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આજે લગભગ 75 હજાર અમૃત સરોવરનાં નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ પોતે જ એક મોટું કાર્ય છે. આ જનશક્તિ (માનવ સંસાધન) અને જલશક્તિ (જળ સંસાધન) ભારતનાં પર્યાવરણની સુરક્ષામાં ઉપયોગી સિદ્ધ થવાના છે. 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચાડવી, જનસામાન્યનાં બૅન્ક ખાતાં ખોલવાં, દીકરીઓ માટે શૌચાલય બનાવવું, બધાં જ લક્ષ્યોને સમય પહેલા પૂરી તાકાતથી પૂર્ણ કરી લીધાં છે.
  11. વિશ્વને એ જાણીને આશ્ચર્ય થયું કે ભારતે કોવિડ દરમિયાન 200 કરોડ રસીકરણના ડોઝ આપ્યા હતા. મારા દેશનાં આંગણવાડી વર્કરો, આપણી આશા વર્કરો, આપણા હેલ્થ વર્કરોએ આને શક્ય બનાવ્યું છે. મારો દેશ વિશ્વમાં સૌથી ઝડપી 5-જી શરૂ કરનારો દેશ છે. અમે અત્યાર સુધીમાં 700થી વધુ જિલ્લાઓમાં પહોંચી ગયા છીએ અને હવે અમે 6-જી માટે પણ તૈયારી કરી રહ્યા છીએ.
  12. અમે વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનું જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યું હતું, તે 21-22માં પૂર્ણ થયું હતું. અમે ઇથેનોલમાં 20 ટકા મિશ્રણની વાત કરી હતી, તે પણ અમે સમય કરતાં પાંચ વર્ષ પહેલાં હાંસલ કરી લીધું હતું. અમે 500 અબજ ડૉલરની નિકાસની વાત કરી હતી, જે પણ સમય પહેલા હાંસલ થઈ ગઈ હતી અને તે વધીને 500 અબજ ડૉલરથી વધુ થઈ ગઈ છે.
  13. અમે નક્કી કર્યું, જેની ચર્ચા આપણા દેશમાં 25 વર્ષથી ચાલી રહી હતી, દેશમાં નવી સંસદ હોવી જોઈએ, તે મોદીએ જ સમય પહેલા નવી સંસદ બનાવી છે, મારાં પ્રિય ભાઈઓ અને બહેનો.
  14. આજે દેશ સલામતીનો અહેસાસ કરી રહ્યો છે. આજે દેશમાં આતંકવાદી હુમલાઓમાં ધરખમ ઘટાડો થયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પણ મોટો ફેરફાર થયો છે, મોટાં પરિવર્તનનો માહોલ સર્જાયો છે.
  15. આવનારાં 25 વર્ષો સુધી, આપણે ફક્ત એક જ મંત્રનું પાલન કરવું જોઈએ, આ આપણા રાષ્ટ્રીય ચરિત્રનું શિખર હોવું જોઈએ – એકતાનો સંદેશ. ભારતની એકતા આપણને શક્તિ આપે છે, પછી તે ઉત્તર હોય, પછી તે દક્ષિણ હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, ગામ હોય, શહેર હોય, પુરુષ હોય, મહિલા હોય; આપણે 2047માં આપણા દેશને એક વિકસિત ભારત બનાવવા માગીએ છીએ, તો આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને જીવંત રાખવો પડશે, આપણે તેને વિશેષતા આપવી પડશે.
  16. દેશમાં આગળ વધવા માટે, વધારાની શક્તિની સંભાવના ભારતને આગળ લઈ જવાની છે અને તે છે મહિલા સંચાલિત વિકાસ. મેં જી-20માં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસના વિષયોને આગળ વધાર્યા છે, જી-20નું આખું ગ્રૂપ તેનું મહત્વ સ્વીકારી રહ્યું છે અને તેનાં મહત્વને સ્વીકારી રહ્યું છે.
  17. આજે, ભારત ગર્વથી કહી શકે છે કે જો કોઈ એક દેશમાં વિશ્વમાં નાગરિક ઉડ્ડયનમાં સૌથી વધુ મહિલા પાઇલટ્સ છે, તો મારા દેશમાં તે છે. આજે, પછી તે ચંદ્રયાનની ગતિ હોય, પછી તે ચંદ્ર મિશનની વાત હોય, મારી મહિલા-વૈજ્ઞાનિકો તેનું નેતૃત્વ કરી રહ્યાં છે.
  18. આજે 10 કરોડ મહિલાઓ મહિલા સ્વ-સહાયમાં સામેલ છે અને જો તમે મહિલા સ્વ-સહાય જૂથ સાથે ગામમાં જશો, તો તમને દીદી બૅન્કમાં મળશે, તમને આંગણવાડી સાથે દીદી મળશે, તમને દવાઓ આપનારી દીદી મળી જશે અને હવે મારું સ્વપ્ન 2 કરોડ લખપતિ દીદી (દર વર્ષે એક લાખ કમાતી મહિલાઓ) બનાવવાનું છે.
  19. આજે દેશ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે. હાઈવે હોય, રેલવે હોય, એરવેઝ હોય, આઈ-વે હોય ઈન્ફોર્મેશન વેઝ), વોટર વે હોય, એવું કોઈ ક્ષેત્ર નથી, જ્યાં દેશ પ્રગતિની દિશામાં કામ નથી કરી રહ્યો. છેલ્લાં 9 વર્ષોમાં અમે દરિયાકાંઠાના વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં, અમારા પર્વતીય વિસ્તારોમાં વિકાસ પર ભાર મૂક્યો છે.
  20. અમે આપણા દેશનાં સરહદી ગામોમાં વાઇબ્રન્ટ બોર્ડર વિલેજનો કાર્યક્રમ શરૂ કર્યો છે અને અત્યાર સુધી વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ એ દેશનું છેલ્લું ગામ કહેવાતું હતું અમે આખી વિચારસરણી બદલી નાખી છે. તે દેશનું છેલ્લું ગામ નથી, સરહદ પર દેખાતું ગામ મારા દેશનું પહેલું ગામ છે.
  21. આપણે દેશને એટલો મજબૂત બનાવવો પડશે કે તે વિશ્વનાં કલ્યાણ માટે તેની ભૂમિકા ભજવી શકે. અને આજે કોરોના બાદ હું જોઈ રહ્યો છું કે, સંકટના સમયમાં જે રીતે દેશે દુનિયાને મદદ કરી હતી, તેનું પરિણામ એ આવ્યું છે કે આજે આપણા દેશને દુનિયાના મિત્રનાં રૂપમાં જોવામાં આવે છે. વિશ્વના અભિન્ન સાથી તરીકે. આજે આપણા દેશે એક નવી ઓળખ પ્રાપ્ત કરી છે.
  22. સપના ઘણા છે, સંકલ્પ સ્પષ્ટ છે, નીતિઓ સ્પષ્ટ છે. મારા નિયત (ઇરાદા) પર કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી. પરંતુ આપણે કેટલીક વાસ્તવિકતાઓને સ્વીકારવી પડશે અને તેને હલ કરવા માટે, મારા પ્રિય પરિવારજનો, આજે હું લાલ કિલ્લા પરથી તમારી મદદ લેવા આવ્યો છું, હું લાલ કિલ્લા પરથી તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.
  23. અમૃતકાળમાં, 2047માં જ્યારે દેશ આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે તે સમયે વિશ્વમાં ભારતનો તિરંગો વિકસિત ભારતનો ત્રિરંગો ધ્વજ હોવો જોઈએ. આપણે અટકવું ન જોઈએ, ન તો અચકાવું જોઈએ, અને પારદર્શકતા અને વાજબીપણું એ આ માટેની પ્રથમ મજબૂત આવશ્યકતાઓ છે.
  24. જો સપનાંઓ પૂરાં કરવાં હોય, સંકલ્પો સિદ્ધ કરવા હોય, તો ત્રણેય દૂષણો સામે તમામ સ્તરે નિર્ણાયક રીતે લડવું એ સમયની માગ છે. આ ત્રણ અનિષ્ટો છે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ.
  25. મારે ભ્રષ્ટાચાર સામેની લડાઈને આગળ વધારવાની છે. કૉર્ટમાં દાખલ કરવામાં આવતી ચાર્જશીટની સંખ્યા પહેલા કરતા ઘણી વધારે છે અને જામીન મેળવવા પણ મુશ્કેલ બની ગયા છે, અમે આવી મક્કમ સિસ્ટમ સાથે આગળ વધી રહ્યા છીએ, કારણ કે અમે પ્રામાણિકપણે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છીએ.
  26. પરિવારવાદ એ પ્રતિભાઓનો દુશ્મન છે, તે ક્ષમતાઓને નકારી કાઢે છે અને સંભવિતતાને સ્વીકારતો નથી. અને તેથી, આ દેશની લોકશાહીની તાકાત માટે, પરિવારવાદથી મુક્તિ જરૂરી છે. સર્વજન હિતાય, સર્વજન સુખાય માટે પણ દરેકને પોતાનો હક્ક મળે અને સામાજિક ન્યાય મળે તે માટે પણ મહત્ત્વનું છે.
  27. તુષ્ટિકરણની વિચારસરણી, તુષ્ટિકરણની રાજનીતિ, તુષ્ટિકરણ માટેની સરકારી યોજનાઓએ સામાજિક ન્યાયની હત્યા કરી છે. અને તેથી જ આપણે તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારને વિકાસના સૌથી મોટા દુશ્મનો તરીકે જોઈએ છીએ. જો દેશ વિકાસ ઈચ્છે છે, દેશ 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનું સપનું પૂરું કરવા માગે છે, તો આપણા માટે જરૂરી છે કે આપણે કોઈ પણ સંજોગોમાં દેશમાં ભ્રષ્ટાચારને સહન ન કરીએ.
  28. આપણા બધાની એક ફરજ છે, દરેક નાગરિકની એક ફરજ છે અને આ અમૃતકાળ એ કર્તવ્યકાળ છે. આપણે આપણી ફરજમાંથી પીછેહઠ ન કરી શકીએ, આપણે જે ભારતનું સ્વપ્ન પૂજ્ય બાપુનું હતું તેને બનાવવાનું છે, આપણે એ ભારતનું નિર્માણ કરવાનું છે જેનું સપનું આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું હતું, આપણે એ ભારતનું નિર્માણ કરવાનું છે જે આપણા શહીદોનું હતું જેમણે માતૃભૂમિ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
  29. આ અમૃત કાલ આપણા બધા માટે કર્તવ્યનો સમય છે. આ અમૃત કાલ એ આપણા બધા માટે મા ભારતી માટે કંઈક કરવાનો સમય છે. 140 કરોડ દેશવાસીઓના સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવો પડશે અને જ્યારે 2047માં તિરંગો લહેરાશે ત્યારે દુનિયા એક વિકસિત ભારતના વખાણ કરતી હશે. આ જ વિશ્વાસ સાથે, આ જ દ્રઢ નિશ્ચય સાથે, હું આપ સૌને ઘણી બધી, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ અભિનંદન.

​​​​​​​CB/GP/JD